પ્રારંભિક સંવર્ધન : પ્રયોગશાળાઓમાં સૂક્ષ્મ જીવો માટે કરવામાં આવતું પ્રાથમિક પ્રકારનું સંવર્ધન. આવા સંવર્ધન માટે વપરાતા માધ્યમ(medium)માં જૈવસંશ્લેષણ માટે અગત્યના પ્રક્રિયાર્થી ઘટકો અને યોગ્ય પર્યાવરણિક જાળવણી અગત્યનો ભાગ ભજવે છે. પાણી એક એવું સૌથી અગત્યનું ઘટક છે. પ્રવાહી માધ્યમમાં નિલંબિત અવસ્થામાં અથવા તો વસાહતી (colonial) સજીવો તરીકે તેમનો ઉછેર ઘન માધ્યમમાં કરવામાં આવે છે. સામાન્યપણે ઘન માધ્યમ 1.5%થી 2.5% અગારમાંથી બનાવવામાં આવે છે. વળી આ માટે નાના ફ્લાસ્ક, કસનળી અને પેટ્રિડિશ જેવાં સાધનોનો ઉપયોગ થાય છે.
પ્રકાશજીવી (phototrophic) સૂક્ષ્મજીવો અને વનસ્પતિકોષો પોતાની વૃદ્ધિ માટે પાણી ઉપરાંત CO2, K+, NH3, Mg, Fe, PO4– અને SO4 જેવાં જૂજ તત્ત્વોમાંથી જીવનાવશ્યક જૈવરસાયણોનું સંશ્લેષણ કરતાં હોય છે. જ્યારે પરપોષી (heterotrophic) સજીવોનાં માધ્યમોમાં કાર્બોદિતો, એમીનો-ઍસિડો અને વિટામિન જેવાં કાર્બનિક સંયોજનો ઉપરાંત Fe, Ca, Mg જેવાં ખનિજતત્વો પણ હોય તે આવશ્યક છે. અવાતજીવો (anaerobes) ઑક્સિજનની ગેરહાજરીમાં વૃદ્ધિ પામી શકે છે. વિષાણુઓના સંવર્ધનના માધ્યમમાં ઉપર્યુક્ત પોષકતત્વો ઉપરાંત યજમાન (host) કોષોને પણ ઉમેરવામાં આવે છે.
સંવર્ધન-માધ્યમમાં સામાન્યપણે કુદરતી ખોરાકના ઘટકો ઉપરાંત કૃત્રિમ રીતે રાસાયણિક પદાર્થોમાંથી બનાવેલ આહારને ઉમેરવામાં આવે છે. કુદરતી આહાર તરીકે ગોમાંસનું સત્વ (extract), દૂધ, બટાકાની કાતરી, મરઘીનાં ઈંડાંનો પાઉડર વગેરેમાં આવે છે. જ્યારે કૃત્રિમ ખોરાક તરીકે વિશિષ્ટ પેશીની જરૂરિયાતોને અનુલક્ષીને જુદા જુદા રાસાયણિક પદાર્થોનું મિશ્રણ બનાવવામાં આવે છે. માધ્યમમાં કાર્બનયુક્ત સંયોજન હોય તે અગત્યનું છે.
પારદર્શક માધ્યમમાં વૃદ્ધિ પામતા સૂક્ષ્મજીવોની વસાહતમાં થતા ફેરફારો નિહાળી શકાય છે. ચયાપચયી પ્રક્રિયાને અધીન માધ્યમમાં થતા ફેરફારોની અસર હેઠળ માધ્યમનો રંગ બદલાતાં, વિશિષ્ટ રાસાયણિક પ્રક્રિયાનો પરિચય થાય છે.
પેશીઓના સંવર્ધનમાં ભૌતિક પરિબળો જળવાય તેની અગત્ય છે. દા.ત., પેશીઓમાં થતી પ્રક્રિયા ઝડપી બનાવવામાં માધ્યમનું તાપમાન 37° સે. જેટલું હોય તે આવશ્યક છે. માધ્યમનું pH 7.4 હોય તો માનવીની પેશીઓ ઝડપથી વિકાસ સાધે છે. સામાન્યપણે મોટાભાગની જૈવી પ્રક્રિયા માટે તટસ્થ માધ્યમ ઇષ્ટતમ ગણાય છે. જોકે માધ્યમમાં રોગકારક બૅક્ટેરિયાની થતી વૃદ્ધિ અટકાવવા માટે pH 4.0થી 4.5 જેટલું યોજવામાં આવે છે. ખાસ કરીને ફૂગના સંવર્ધન માટે pHનો આ આંક ઇષ્ટતમ નીવડે છે.
મ. શિ. દૂબળે
હોસંગ ફરામરોજ મોગલ