પ્રારંભકાલીન ખ્રિસ્તી કળા

February, 1999

પ્રારંભકાલીન ખ્રિસ્તી કળા : ખ્રિસ્તી ધર્મના શરૂઆતના તબક્કાની કળા. ઈસવી સનની પ્રારંભિક સદીઓમાં રોમન સામ્રાજ્યનો ધ્વંસ થઈ રહ્યો હતો ત્યારે મધ્યપૂર્વમાંથી પ્રચાર દ્વારા આવેલા ખ્રિસ્તી ધર્મે યુરોપમાં પકડ જમાવી.

ખ્રિસ્તી કળાનો ઉદભવ રોમન સામ્રાજ્યમાં ભળેલા કેટલાક એશિયાઈ દેશોનાં સાંસ્કૃતિક પરિબળો, સામાજિક-આધ્યાત્મિક ખ્યાલો અને પ્રતિભાવોમાંથી થયેલો છે. એશિયાઈ દેશો સુધી વિસ્તરેલા પોતાના સામ્રાજ્યની સત્તા ટકાવી રાખવા રોમન સમ્રાટોએ એશિયાઈ પ્રભાવ અને વર્ચસ્ સ્વીકાર્યાં. એશિયામાં પ્રસરેલું રોમન સામ્રાજ્ય પાછળથી બાઇઝૅન્ટાઇન સામ્રાજ્યમાં પરિણમ્યું. આ બાજુ યુરોપમાં રોમન સામ્રાજ્ય હેઠળ પેગનિઝમ અને સ્ટોઇસિઝમ જેવા વ્યવહારુ સંપ્રદાયો સદીઓથી પ્રચલિત હતા અને તે ખેડૂતો, વેપારીઓ, સેનાપતિઓ અને ઉમરાવોમાં વ્યાપક હતા; પરંતુ પરાજિત પ્રદેશોની સામાન્ય પ્રજાને આધ્યાત્મિકતા અને રહસ્યમયતામાં આસ્થા હતી. સેમિટિક પરંપરાના યહૂદી ધર્મના અનુસંધાને નવી ખ્રિસ્તી ધર્મધારા ઉદભવી, જેણે આ આસ્થાને અનુમોદન આપ્યું. ઈસુના જીવનનું ર્દષ્ટાંત સામ્રાજ્યવાદી રોમન સમાજની શોષિત-પીડિત પ્રજાને પ્રેરક નીવડ્યું અને પૂર્વમાં પ્રગટેલી આ ધર્મધારા સમગ્ર રોમન સામ્રાજ્યમાં ભૂગર્ભ પ્રવૃત્તિની જેમ પ્રવેશી અને ત્રણેક સદીમાં એણે રોમન સંસ્કૃતિની કાયાપલટ કરી.

પ્રારંભમાં માત્ર ગરીબ ખેડૂત અને મજૂર વર્ગે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો હોવાથી નાણાં અને સાધનોની તંગી ખ્રિસ્તી કળાને ઘણું જ સાદું તથા પ્રતીકાત્મક સ્વરૂપ આપે છે; પરંતુ પછીથી ઉમરાવો અને વેપારીઓ ખ્રિસ્તી ધર્મ અપનાવતા ગયા. આખરે ચોથી સદીમાં રોમન રાજા કૉન્સ્ટન્ટાઇને ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યો અને પાટનગર રોમથી બૉસ્ફરસને કાંઠે બાઇઝૅન્ટિયમમાં ખસેડ્યું. ત્યારથી એ નગરનું નામ કૉન્સ્ટૅન્ટિનોપલ પડ્યું.

રોમન કાળમાં નવા ખ્રિસ્તીઓએ રોમનોના દમનને કારણે ભૂગર્ભમાં છુપાવા માટે ખોદેલાં ભોંયરાંમાં – ભૂગર્ભમાંની બહુમાળી ઇમારતો અને વિશાળ દફનસ્થાનો(catacomb)માં ખ્રિસ્તી કળાનો પ્રારંભ થયો. કાચી માટીના ભેજવાળા ભોંયરામાં ઈસુનું જે ચિત્ર રચાયું તે વાંકડિયા સોનેરી વાળવાળા રૂપાળા રોમન યુવાનનું હતું. દાઢી, લાંબા વાળ અને ઝભ્ભાવાળા આધેડ વયના કરુણાસભર ધીર-ગંભીર ઈસુનું સ્વરૂપ હજુ ઘડાયું ન હતું. આ સમયના ‘ભલો ભરવાડ’ નામના એક વિખ્યાત શિલ્પમાં ઈસુ પુરાણા ગ્રીસના દેવ ઑરેસ્ટિઝની ઊંચકેલા ઘેટા સાથેની પ્રતિમા-કૃતિની યાદ અપાવે છે. ચિત્રોમાં પણ રોમન મુખમુદ્રા, હાવભાવ અને વેશધારી આકૃતિઓ દ્વારા ખ્રિસ્તી વિષયોનું નિરૂપણ થાય છે. સંભવ છે કે આવો રોમન જેવો આકૃતિઓનો દેખાવ રોમન દમનથી બચવા માટે કરાયો હોય.

પ્રારંભિક ખ્રિસ્તી કળા સિદ્ધહસ્ત રોમન શિલ્પીઓ દ્વારા પ્રયોજાઈ નહોતી. શક્ય છે કે આ ગાળાનાં ચિત્રો-શિલ્પો નવા ખ્રિસ્તીઓએ પોતાની આવડત અને સૂઝ પ્રમાણે તૈયાર કર્યાં હોય. આમાં ગ્રીસ અને રોમની કળાના સંસ્કારો તો છે જ, પણ, એમાં એક નવી પરંપરાની શોધ પણ છે જે એ સંસ્કારોને જુદા સ્વરૂપે રજૂ કરવાની મથામણ દર્શાવે છે. કલાકારનો શિખાઉ હાથ અછતો રહેતો નથી અને આવા શિખાઉ કલાકાર વાસ્તવદર્શિતા સાથે મનફાવતી છૂટ પણ લે છે. આ પરંપરાના બે વિશિષ્ટ ફાંટાઓમાં એકમાં ઈસુની અને ઈસુના જીવનપ્રસંગોની આકૃતિઓ છે, જ્યારે બીજામાં બધું પ્રતીકો દ્વારા રજૂ થયું છે. પ્રારંભિક પ્રતીકોમાં ક્રૉસ ઉપરાંત ક્રૉસના આકારનું લંગર (આશા), મોર (અમરત્વ), હોલો, તાડનું ઝાડ અને લૅટિન મૂળાક્ષરોના પ્રથમ અને અંતિમ અક્ષરો આલ્ફા અને ઓમિગા માનવજીવનના આદિ અને અંતનાં ધ્વનિગર્ભ પ્રતીકો તરીકે જોવા મળે છે. આ પ્રતીકો મુખ્યત્વે દફનપેટીઓ પર કોતરાયેલાં છે. આ બેવડી પરંપરાનાં મૂળ મૂર્તિપૂજક રોમન, પેગન અને મૂર્તિનિષેધક પુરોગામી યહૂદી પરંપરામાં છે.

કાળે કરીને મનુષ્યાકૃતિ અને પ્રતીકોનો સમન્વય ખ્રિસ્તી કળાની ખાસિયત બને છે. તેને કારણે એ કળા રોમન વાસ્તવદર્શિતાથી જુદી દિશામાં પ્રયાણ કરતી થાય છે. સ્વાભાવિક રીતે જ ધર્મ-આસ્થાને ચિત્રિત કરવામાં નક્કર વાસ્તવિકતા કામની નહોતી, એટલા માટે અહીં આકૃતિ-રચનામાં આવતું પરિવર્તન એક નવો જ વિકલ્પ પૂરો પાડે છે. આ ર્દષ્ટિએ પ્રારંભિક ખ્રિસ્તી કળામાં પ્રાચીન ઇજિપ્તની કળા જેવી સપાટદર્શિતા જણાય છે, જેને કારણે આકારોનાં દળ, પ્રમાણ અને ક્ષિતિજ-રેખાનું મહત્વ ઘટેલું જણાય છે. આકૃતિઓ સામેથી કે બાજુએથી દોરેલી હોય તેવી, રેખાપ્રધાન થઈ; પરંતુ આ પરંપરાને પ્રાચીન ઇજિપ્તની પરંપરા સાથે સીધો સંબંધ નહોતો, તેથી એ અભિગમમાં નવો ધર્મ, એની વિચારધારા અને પરિવર્તિત સમયનાં પરિમાણોનો સંદર્ભ પણ વ્યક્ત થતો રહ્યો. એમાં વાસ્તવદર્શિતાના માનદંડે મનુષ્યાકૃતિ અને પરિવેશનાં પરિમાણોને માપી શકાય નહિ. આ કલાકૃતિઓમાં આકૃતિનું પ્રમાણ તેના મહત્વ પ્રમાણે આલેખાય છે અને મનુષ્યાકૃતિ ભૂમિર્દશ્યોની સરખામણીએ આગળ પડતું મહત્વનું  સ્થાન લે છે.

પ્રારંભિક કાળના ખ્રિસ્તી સ્થાપત્યમાં દેવળની રચના રોમન બસિલિકૅના સ્વરૂપને આધારે થયેલી. આ ઉપરાંત વર્તુળાકાર અને ક્રૉસ-આકાર દેવળો પણ જાણીતાં થયેલાં. પરંતુ રોમન પેગન બસિલિકૅ કરતાં ખ્રિસ્તી દેવળની જરૂરિયાતો જુદા પ્રકારની હતી. બસિલિકૅમાં વચમાં સીધો લંબચોરસ સભાખંડ અને તેની ડાબે-જમણે સમાન્તર પાર્શ્વપથ આવેલા હોય છે. આ બંને પથ સમાંતર થાંભલાઓની મદદથી વિભાજિત થયેલા હોય છે. સમય જતાં પાર્શ્વપથવાળા થાંભલાઓ પર બંને બાજુએ માળ પણ રચાયા. આમાં સભાખંડનો વિભાગ ભાવિકોને બેસવાના પ્રાર્થનાખંડ તરીકે વપરાયા અને પાર્શ્વપથ વિધિ માટેની અવરજવર માટે વપરાવા લાગ્યો. ખંડના છેડાની દીવાલ આગળ અર્ધવર્તુળાકાર વિશાળ કમાન થઈ. ત્યાં વેદી બની. કમાનમાં ચિત્રો અને મોઝેઇક બનાવાયાં. ખંડના અંતે પણ વેદી પહેલાં આડા પટાથી ક્રૉસ જેવું ભૂમિ-આયોજન થયું. ત્યાં બૅપ્ટિઝમ માટેનો ફુવારો મુકાયો. વેદીને જમણે ભાગે ધર્મગુરુના વ્યાખ્યાન માટે પગથિયાંવાળી વ્યાસપીઠ રચાઈ. પ્રારંભિક ખ્રિસ્તી દેવળોમાં કૉન્સ્ટેન્ટાઇને રોમમાં બંધાવેલ સેન્ટ પીટર્સ (ચોથી સદી) અને સાન્તા સાબીનાં (પાંચમી સદી) દેવળોની ગણના કરી શકાય. વર્તુળાકાર આયોજનમાં અષ્ટકોણી રચના કૉન્સ્ટન્ટિનોપલના સાન સર્જિયસ અને સાન વિતાલે દેવળોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત બૅપ્ટિઝમ (દીક્ષા આપવાની વિધિ) માટે બેપ્ટિસ્ટ્રી નામની ઇમારતો સર્જાઈ, જે મોટેભાગે નળાકાર (cylindrical) રૂપની રહી. રાંવેનાના ગાલ્લા પ્લાચીડિયાના મકબરામાં ચતુષ્કોણી ક્રૉસ આકારનું આયોજન પણ જોવા મળે છે.

અમિતાભ મડિયા