પ્રાણી-સંદેશાવ્યવહાર (animal communication) : સંરચનાત્મક (structural) સંકેતોનું ઉત્સર્જન અને બીજા પ્રાણી દ્વારા તેના સ્વીકારને પરિણામે પ્રાણીઓ વચ્ચે પરસ્પર સ્થપાતો સંપર્ક વ્યવહાર. પ્રાણી-સંદેશાવ્યવહારમાં ર્દશ્યમાન, શ્રાવ્ય, રાસાયણિક અને વૈદ્યુત પ્રકારના સંકેતો સંકળાયેલા હોય છે. કેટલાંક પ્રાણીઓ સંદેશા-વ્યવહારમાં ઉપર્યુક્ત વિકલ્પોમાંથી કોઈ એકનો ઉપયોગ કરતાં હોય છે, જ્યારે કેટલાંક પ્રાણીઓ સંદેશાવ્યવહારમાં એક કરતાં વધારે વિકલ્પોનો ઉપયોગ કરે છે. પૈતૃક વાદવિવાદાત્મક (agonistic) અલંકરણ (grooming), સમૂહ-ગઠન (grouping of species) જેવાં સામાજિક વર્તનોમાં સંદેશાવ્યવહાર મહત્વનો ભાગ ભજવે છે. ઉપરાંત, લૈંગિક પ્રજનન સાથે સંકળાયેલાં બધાં પ્રાણીઓ લૈંગિક પ્રક્રિયા દરમિયાન એક યા બીજા પ્રકારના સંકેતોની પારસ્પરિક આપલે કરતાં હોય છે.

ર્દશ્યમાન વ્યવહાર : આ પ્રકારના વ્યવહારમાં સૂર્યકિરણો (ર્દશ્ય વર્ણપટ) અથવા તો જૈવ-સંદીપ્તિ(bioluminescence)નો બહોળો ઉપયોગ થાય છે. માત્ર દિવસ દરમિયાન સંદેશાવ્યવહારમાં સૂર્યકિરણો વડે સંદેશાની આપલે થઈ શકે છે. સંકળાયેલાં પ્રાણીઓ વચ્ચેનું અંતર ઓછું હોય અને બંને પ્રાણીઓ પારસ્પરિક ર્દષ્ટિપથ(line of sight)માં હોય તો જ આ સંદેશા પ્રભાવક નીવડે છે. ર્દશ્યમાન સંકેતોનો ઉપયોગ મોટેભાગે સાથીઓ કે અન્ય રીતે સંકળાયેલાં પ્રાણીઓને આકર્ષવા થાય છે. જોકે માતાપિતા તેમજ સંતાનો વચ્ચેની સક્રિયતા, માછલીઓની સામૂહિક કૂચ વગેરેમાં પણ આ પ્રકારના સંકેતો મહત્વનો ભાગ ભજવે છે.

નર-આગિયો (fire fly) પોતાના ઉડ્ડયન દરમિયાન જૈવ-સંદીપ્તિ વડે સાથી માદાને આકર્ષે છે.

મધમાખી દ્વારા નર્તન-સંકેતો (honey bee dance language) : ઘણી વાર મધપૂડામાં કેટલીક મધમાખીઓ વિશિષ્ટ પ્રકારે પરિભ્રમણ કરતી હોય છે. એક અભિપ્રાય અનુસાર મધપૂડામાં જો મધમાખી ગોળાકારે પરિભ્રમણ કરે તો ખોરાક નજીકમાં મળતો હોવાનું તેથી સૂચવાય છે. પરંતુ જો આ પરિભ્રમણ પ્રત્યાવર્તી વામાવર્ત અને દક્ષિણાવર્તી હોય તો સમીપમાં ખોરાક ઉપલબ્ધ નથી તેનું સૂચન મળે છે. મધમાખીનું આ વર્તન ચર્ચાનો વિષય છે કારણ કે ગંધના પ્રસાર (smell-emission) વડે પણ મધમાખી ખોરાકપ્રાપ્તિ વિશેની માહિતી આપતી હોય એ શક્ય છે.

શ્રાવ્ય સંકેત : અંગોનાં ઘર્ષણથી કે સ્વરયંત્ર largnx કે શબ્દિની(syrinx)માંથી થતા હવાના કંપનથી ઉદભવેલ ધ્વનિનાં મોજાંના ઉત્સર્જનથી થતા સંદેશાવ્યવહારનો શ્રાવ્ય સંકેતમાં સમાવેશ થાય છે. ઘર્ષણથી ધ્વનિનાં મોજાં ઉપજાવનાર તીડ જેવા કીટકો પોતાની જાતિનો પરિચય કરાવવા તેમજ મનોરંજનાત્મક સંગીત વડે માદાને આકર્ષવા શ્રાવ્ય સંકેતોનો ઉપયોગ કરે છે. પક્ષીઓ સંવનનકાળ દરમિયાન સાથીને આકર્ષવા, સંતાનોની દેખરેખ માટે તેમજ સામૂહિક સંસર્જન (flock cohesion) પ્રવૃત્તિમાં સક્રિય હોવાનો નિર્દેશ કરવા સંગીતનો ઉપયોગ કરે છે. સ્વયં સ્થાપિત ક્ષેત્ર(territorial establishment)માં અન્ય નર પ્રવેશ પામ્યો હોય તો તેને ત્યાંથી ખસવાની ચેતવણી આપવા શ્રાવ્ય સંકેતો પ્રયોજાય છે.

રાસાયણિક સંકેતો : સામાન્ય સંદેશાવ્યવહારમાં રાસાયણિક સંયોજનોનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. લિંગી પ્રજનન કરનાર ઘણાં પ્રાણીઓ સંમોહકો (pheromones) તરીકે ઓળખાતાં સંયોજનોના વિમોચનથી સાથીને આકર્ષતાં હોય છે. માદા સાથીના ‘બૉબિકોલ’ સંમોહકથી આકર્ષાઈને નર રેશમ-ફૂદું (silkworm) આડી-અવળી (zigzag) ગતિએ ઉડ્ડયન કરી વિમોચન કરનાર ફૂદાનો સંપર્ક સાધે છે. મૂત્રમાં આવેલ વિશિષ્ટ સંયોજનથી ઉદભવતી ગંધથી અપરિચિત ઉંદર હોવાનો ખ્યાલ આવતાં ઉંદરડી ગર્ભપાત કરવા પ્રેરાય છે. માનવી સહિત અનેક પ્રાણીઓનાં સંમોહકો સાથી માટે અત્યંત ઉત્તેજક નીવડે છે.

વૈદ્યુત સંકેતો : કેટલાક અસ્થિ-મીનો (bony-fishes) વૈદ્યુત સંકેતો વડે સંદેશાવ્યવહાર કરતા હોય છે. વૈદ્યુત સંકેતો જાતિ-નિર્દિષ્ટ (species specific) લૈંગિક અથવા વૈયક્તિક સ્વરૂપનાં હોઈ શકે છે.

વૈદ્યુત સંદેશાવ્યવહાર પ્રત્યક્ષમાં તાત્કાલિક સ્વરૂપના હોય છે અને તેઓ વિવિધ દિશાએ અને વસ્તુઓમાંથી પસાર થતા હોય છે. ઘોર અંધકારવાળા પ્રદેશોમાં વૈદ્યુત સંદેશો અત્યંત ઉપયોગી નીવડે છે. પ્રકાશનો અભાવ હોય તેવાં ઊંડાણોમાં ઘણી માછલીઓ વૈદ્યુત સંકેતો વડે સંદેશાવ્યવહાર કરતી હોય છે.

મ. શિ. દૂબળે