પ્રાણનાથ (મહામતિ) (1618–1694) : શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના મહત્વના આચાર્ય. શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ કે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના સત્તરમી સદીના પૂર્વાર્ધમાં જામનગરમાં નિજાનંદાચાર્ય દેવચંદ્રજીએ કરેલી. તેને વ્યાપક ફલક પર મૂકવાનું કાર્ય તેમના અગ્રણી શિષ્ય મહામતિ સ્વામી પ્રાણનાથે કર્યું. ઔરંગઝેબના અન્યાયી શાસનના કપરા કાળમાં એમણે સર્વધર્મઐક્યનો નવો મંત્ર આપી, ધર્મો પર છવાયેલી ધૂળને ખંખેરી નાખી, ધર્મોને શિથિલ કે કુંઠિત કરતા સંકુચિત ચોકઠામાંથી બહાર કાઢવાનો ભગીરથ પ્રયત્ન કર્યો.

પ્રાણનાથ

પ્રાણનાથનો જન્મ સૌરાષ્ટ્રના હાલાર પંથકના નવાનગર(જામનગર)માં જેને પ્રણામી સાહિત્યમાં નવતનપુરીની સંજ્ઞા અપાઈ છે, ત્યાં વિ. સં. 1675ના ભાદ્રપદ કૃષ્ણ ચતુર્દશી(તા. 6–9–1618)ના રોજ થયો હતો. તેમનું જન્મ વખતનું નામ શ્રી મહેરાજ, પિતાનું કેશવરાય (ઠક્કર) અને માતાનું ધનબાઈ હતું. પિતા જામનગર રાજ્યના દીવાન હતા. એમના પાંચ પુત્રો પૈકી મહેરાજ ચોથા પુત્ર હતા. બાળપણથી તેમનામાં અદભુત જિજ્ઞાસાવૃત્તિ હતી. તેમના મોટા ભાઈ ગોવર્ધન ઠાકુર સાથે દેવચંદ્રજીની જ્ઞાનચર્ચામાં 12 વર્ષની વયે સૌપ્રથમ વાર ગયા અને આચાર્યશ્રીને પ્રણામ કર્યા ત્યારે દેવચંદ્રજીએ મહેરાજમાંના પરમધામની ઇન્દ્રાવતી સખીના દિવ્ય આત્માને પારખી લીધો અને એ પોતાની પછી જાગણી(ધર્મપ્રચાર)નું કાર્ય સોળે કળાએ વિકસાવશે એવી અંત:સ્ફુરણા પણ થઈ. ગુરુએ તેમને તારતમ મંત્રની દીક્ષા આપી. આ સ્થાનવિશેષ ‘શ્રી પ નવતનપુરીધામ’ તરીકે ઓળખાય છે. તારતમ લીધા પછી મહેરાજ ઠાકુર દેવચંદ્રજીની જ્ઞાનચર્ચા અને એ સમયે વર્ણવાતી લીલાઓ સાંભળવા ગુરુમંદિરે નિયમિત આવવા લાગ્યા. મહેરાજનાં લગ્ન ફૂલબાઈ સાથે થયાં અને તેઓ ધર્માભિમુખ ગાર્હસ્થ્ય જીવન વ્યતીત કરવા લાગ્યા.

આ ગાળામાં સદગુરુના બોધથી પોતે પોતાની અંદર રહેલી ઇન્દ્રાવતીની પ્રબળ સુરતાને જાગ્રત કરવા આંતરતપ કરવા લાગ્યા. એમની વિરક્તિ વધતી જોઈ નિજાનંદસ્વામીએ એમને પ્રવૃત્ત કરવા અરબસ્તાન મોકલ્યા (1646). ત્યાંના ચાર વર્ષના રોકાણ દરમિયાન તેઓ ઇસ્લામી સંસ્કૃતિનું સ્વરૂપ અને એની ભાષા વિશે પરિચિત થયા. જામનગર આવી યુવાન મહેરાજ સમીપના ધ્રોળ રાજ્યની નોકરીમાં જોડાયા અને ત્યાં દીવાનનો હોદ્દો સંભાળ્યો. રાજા કલાંજી તેમની કામગીરીથી ભારે પ્રસન્ન હતા. ત્યાં બે વર્ષ સુધી કુશળતાપૂર્વક વહીવટ સંભાળ્યો, પરંતુ એવામાં દેવચંદ્રજીએ પોતે દેહ છોડતાં પૂર્વે મહેરાજને બોલાવી બ્રહ્માત્માઓની જાગણી અને સમગ્ર માનવજાતના કલ્યાણનું કાર્ય સોંપી દીધું. મહેરાજે ગુરુ સાથે ત્રણ સપ્તાહો સુધી અધ્યાત્મ, રાજકારણ, ધર્મ અને સમાજને લગતાં વિવિધ પાસાંઓની ચર્ચા કરી. દેવચંદ્રજીએ પોતાની બધી શક્તિ અને આશીર્વાદ મહેરાજ પર વરસાવી પોતે દેહાવસાન પામ્યા (ઈ. સ. 1655). મહેરાજે ગુરુગાદી પર ગુરુપુત્ર શ્રી બિહારીજીને બેસાડી પોતે જામનગરનું દીવાનપદ ગ્રહણ કર્યું અને દરરોજ સવાર-સાંજ મંદિરમાં આવી જ્ઞાનચર્ચા દ્વારા ધર્મનું કાર્ય કરતા રહ્યા. એ જમાનાની રીત મુજબ મહેરાજે ગુરુ પાછળ બધા સુંદરસાથને એકત્ર કરી મોટો મેળો કરવાના આશયથી સીધુ-સામાન એકત્ર કરવા માંડ્યાં. કમનસીબે આ બધી વસ્તુઓ તેમણે રાજ્યના ભંડારમાંથી ઉઠાવી છે તેવો તેમના પર આક્ષેપ થયો અને જામ રણમલજીના વજીરે ઈ. સ. 1658માં પોતાની હવેલી નજીકના મકાનમાં મહેરાજ અને તેમના બે ભાઈઓને નજરકેદ કર્યા. આ અરસામાં ઔરંગઝેબે બાદશાહ શાહજહાંને કેદ કરી પાયતખ્ત મેળવ્યું હોવાથી મુઘલ સૂબેદાર સાથે પોતાના સંબંધો સુધારવા જામસાહેબ અને તેમના વજીરને અમદાવાદ જવું પડ્યું. તેથી મહેરાજના મુકદ્દમાનો કોઈ નિકાલ આવી શક્યો નહિ અને તેમને એક વર્ષ નજરકેદ રહેવું પડ્યું. પોતાના ધર્મકાર્યમાં વિઘ્ન આવવાથી મહેરાજ વ્યથિત થયા અને ધામધણીની વિરહવ્યથા અનુભવવા લાગ્યા. આ અવસ્થામાં પરમધામનું દિવ્ય સ્વરૂપ, અખંડ રાસલીલા વગેરેનું વર્ણન પદ્યમાં સ્ફુરવા લાગ્યું. અહીં રાસ, પ્રકાશ, અને ષડ્ઋતુ એ ત્રણ ગુજરાતી ગ્રંથોની રચના થઈ. આ તારતમવાણી પ્રગટ થવાને લીધે પ્રણામી ધર્મમાં આ નજરકેદના પ્રસંગને ‘પ્રબોધપુરી’ કહેવામાં આવે છે. અમદાવાદથી આવીને જામસાહેબે તપાસ કરી અને મહેરાજ નિર્દોષ જણાતાં તેમની ક્ષમા માગી અને તેમને પુન: રાજ્યની સેવામાં રોક્યા. પાંચ વર્ષ સુધી નવાનગર રાજ્યની સેવા કરી. ઈ. સ. 1665માં નિવૃત્ત થઈ મહેરાજે જાગણી માટે દેશ-વિદેશમાં પર્યટન કરવાનો નિર્ણય કર્યો.

મહામતિ કોઈ એક સ્થળે લાંબો સમય રહ્યા નહોતા. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ત્યાંથી દીવ બંદર થઈ નવી બંદર, પોરબંદર, કચ્છમાં માંડવી, કપઈ અને ભુજ તેમજ સિંધમાં લાઠી થઈ નગરઠઠ્ઠા પહોંચ્યા. ત્યાં કબીરપંથના મહંત ચિંતામણિ શાસ્ત્રાર્થમાં પરાજિત થતાં એમના શિષ્ય થયા. ઠઠ્ઠામાં 1667માં લાલદાસજીએ તારતમદીક્ષા લીધી અને તેઓ સપત્નીક આજીવન મહામતિજીના ધર્મપ્રચારકાર્યમાં જોડાઈ ગયા.

ઠઠ્ઠાથી ઈ. સ. 1668માં મહામતિ અરબસ્તાન પહોંચ્યા. ત્યાં મસ્કત અને અબ્બાસ બંદરમાં બે વર્ષો રોકાઈ વેપાર અર્થે ત્યાં વસેલા અને સંસ્કારભ્રષ્ટ થયેલા હિંદુઓને શુદ્ધ હિંદુ આચારોનું મહત્વ સમજાવી દૂષણો અને વ્યસનોથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી. મહામતિનું આ કાર્ય ભારતના ધાર્મિક ઇતિહાસમાં અનોખી ભાત પાડે છે. ત્યાંથી પાછા ફરી ઠઠ્ઠા, લક્ષ્મણપુર, નળિયા, માંડવી, ધોરાજી અને ઘોઘા બંદરે થઈ જળમાર્ગે સૂરત પહોંચ્યા. સૂરતમાં એમણે ધર્મપીઠ સ્થાપી જે ‘મંગલપુરી’ને નામે ઓળખાય છે. ત્યાંથી એમણે ઔરંગઝેબને જાગ્રત કરવા અને તેના અન્યાયો સામે જાગૃતિ આણવાના ઉદ્દેશથી 1675માં પોતે પસંદ કરેલા 500 શિષ્યો સાથે દિલ્હી ભણી પ્રયાણ કર્યું. તેઓ સિદ્ધ થઈ મેડતા પહોંચ્યા. મેડતામાં મસ્જિદની નિકટથી પસાર થતા હતા ત્યારે તેમણે મુલ્લાની બાંગ સાંભળી તો તેમને પુરાણ-કુરાનના સમન્વયની વાત ધ્યાનમાં આવી અને પોતે એ દિશામાં આગળ વધવા નિર્ધાર કર્યો. ત્યાંથી દિલ્હી થઈ 1678માં હરદ્વારના કુંભમેળામાં પહોંચ્યા. કુંભ પર્વ પ્રસંગે થયેલી વાદચર્ચામાં ઉપસ્થિત થયેલા પંડિતોને પરાજિત કરી પોતાના મત (સિદ્ધાંત) અને માર્ગ(પદ્ધતિ)ની મહત્તા સિદ્ધ કરી. આ પ્રસંગે ઉપસ્થિત થયેલા સાધુસંતો અને પંડિતોને તેમણે સમજાવ્યું કે હજારો દેવી-દેવતાઓની પૂજા-ઉપાસના કરવાને બદલે એ દેવી-દેવતા જેનું ધ્યાન કરે છે અને જેઓ જેનાં શક્તિરૂપ છે તે એક જ અનાદિ અક્ષરાતીત પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના-ભક્તિ કરવાં જોઈએ. હરદ્વારની એ વાદસભાએ તેમને ‘નિષ્કલંક બુદ્ધ’ની પદવી આપી. ત્યારથી બુદ્ધજી શક સંવતની સ્થાપના થઈ. પ્રણામી ધર્મ અને સમાજમાં પ્રચલિત આ સંવતનું ઈ. સ. 1998ના વર્ષમાં 320મું વર્ષ ચાલે છે. હરદ્વારમાં ચાર માસના રોકાણ પછી મહામતિ પુન: દિલ્હી પહોંચ્યા. પોતાની સમન્વયી પ્રેરક વાણીને ફારસી લિપિમાં લખાવી ઔરંગઝેબના નિકટના અધિકારીઓને મોકલી. પ્રણામી વીતક ગ્રંથો અનુસાર ઔરંગઝેબ નમાઝ પઢતો હોય ત્યારે એ મસ્જિદની નિકટ જઈ પ્રાણનાથજીની વાણી ઊંચા સ્વરે સંભળાવે તેવા 12 ચુનંદા શિષ્યોને તૈયાર કર્યા. એ શિષ્યો મુશ્કેલીથી બાદશાહને મળ્યા, અને મહામતિનો સંદેશો બાદશાહને પહોંચાડ્યો. ઔરંગઝેબ કુરાનને લગતી મહામતિની વાણીથી અચંબામાં પડી ગયો પણ એના દરબારીઓએ દુશ્મનો પર વિશ્વાસ ન કરવાના બહાને તેના મનમાં શંકાનાં બીજ રોપી દીધાં અને તેનું મન ફેરવી નાખ્યું. 12 અનુયાયીઓની પજવણી થવાથી મહામતિ ઘણા વ્યથિત થયા. તેમણે હવે અન્યાયી મુઘલ સત્તા સામે હિંદુ રાજાઓને જાગ્રત કરવાનો નિર્ધાર કર્યો. આમેર, સાંગાનેર, ઉદયપુર, બુંદી, મંદસોર, ઉજ્જૈન, ઔરંગાબાદ, બુરહાનપુર અને રામનગર થઈ તેઓ છેવટે પન્ના પહોંચ્યા (1684). હિંદુ રાજાઓને તેઓ મળ્યા, પણ ઔરંગઝેબનો સામનો કરવા કોઈ તૈયાર થયું નહિ. પન્નાના મહારાજા છત્રસાલ બુંદેલા આગળ આવ્યા, તેમણે મહામતિની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી. મહામતિએ પોતાની આધ્યાત્મિક શક્તિ અને હીરાની ખાણોના વરદાન સાથે આશીર્વાદ આપ્યા.

છત્રસાલ જ્યારે રાજ્ય સ્થાપવામાં અને એને ર્દઢ કરવામાં વ્યસ્ત હતા ત્યારે મહામતિ પ્રાણનાથ માનવજાતના કલ્યાણ માટે પોતાનો સમય પ્રયોજતા હતા. એમણે પન્નામાં ધર્મપીઠ સ્થાપી (1684), ત્યાં રહી લગભગ 11 વર્ષ સુધી ધર્મપ્રચાર કર્યો. આથી પન્ના પ્રણામી ધર્મનું ‘પદ્માવતીપુરીધામ’ બન્યું. પ્રાણનાથે ધર્મપ્રચારની સાથોસાથ સર્વ ધર્મોના સાહિત્યનું સંશોધન પણ કરાવ્યું. એનો કુલ નિચોડ ‘તારતમસાગર’માં જમા થયો છે તેથી એ ગ્રંથને ‘કુલજમસ્વરૂપ’ પણ કહેવામાં આવે છે. મહામતિ કહે છે કે વાસ્તવમાં બધાં શાસ્ત્રોની આગવી પરિભાષા છે, જેનાથી એના શબ્દાર્થમાં ગોટાળો પેદા થાય છે; પરંતુ જ્યારે તેના આંતરિક સ્વાભાવિક અર્થને સમજવામાં આવે છે ત્યારે તે વધુ તર્કસંગત અને સમજાય તેવો બને છે. તેઓ કહે છે કે બધાં શાસ્ત્રો બધા માટે છે. ઐતિહાસિક અંશો, વિધિવિધાનો અને ઘણાં વિધાનો જુદાં દેખાય, પણ તેમને બરાબર સમજીએ તો તે માનવજાત માટે ઉપયોગી છે. તેથી તેમણે પોતાના અનુયાયીઓને બધા જ પેગંબરો અને શાસ્ત્રોનો આદર કરવાનો બોધ આપ્યો. તેમને મતે આવી ઉદાર અને સમ્યગ્ ર્દષ્ટિ કેળવવાથી સૃષ્ટિરચના અને સત્યજ્ઞાન સમજવાની શક્તિ કેળવાય છે. મહામતિ-પ્રાણનાથ રચિત ‘તારતમસાગર’માં 14 ગ્રંથોનો સમાવેશ થાય છે; જે પૈકી ચાર એવા ગ્રંથો છે જેમાં દાઉદ પેગંબરના અનુયાયીઓનો ધર્મગ્રંથ તૌરેત, યહૂદીઓનો જંબૂર, ખ્રિસ્તીઓનો ઇંજિલ અને મુસલમાનોનો ધર્મગ્રંથ કુરાન – એ ચારેયના ગૂઢાર્થ પ્રગટ કરવામાં આવ્યા છે. બીજા ચાર ગ્રંથોમાં હિંદુ ધર્મગ્રંથોનું અને બાકીના છ ગ્રંથોમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ, પરમધામનું વર્ણન અને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીરાજજી અને બ્રહ્મપ્રિયાઓ (બ્રહ્માત્માઓ) સાથેનો વાર્તાલાપ તેમજ પ્રેમલક્ષણા ભક્તિનું માધુર્યપૂર્ણ નિરૂપણ થયું છે.

મહામતિ પ્રાણનાથ પન્નામાં ઈ. સ. 1694માં પોતાના હજારો શિષ્ય– સુંદરસાથની ઉપસ્થિતિમાં સમાધિપૂર્વક દેહાવસાન પામ્યા. તેમની સમાધિ પર બંધાયેલ મંદિર આજે ‘પ્રાણનાથ મંદિર’ તરીકે પ્રસિદ્ધ છે. આ ભવ્ય સ્મારક આજે પણ પન્ના નગરની શોભા રૂપે ઊભું છે. મંદિરની આસપાસનો વિસ્તાર ધામ-મહોલ્લા તરીકે ઓળખાય છે. અહીં મહામતિના શિષ્યો પરિવાર સહિત વસેલા હતા. તેમના વંશજો ‘ધામી’ કહેવાય છે. પ્રણામી ધર્મમાં ધામીઓ પુરોહિત જેવું આદરણીય સ્થાન ધરાવે છે. મહામતિ પ્રાણનાથના દેહાવસાન પછી મહારાજ છત્રસાલ, લાલદાસ, મુકુંદદાસ, કેશવદાસ, હૃદેશાહ જેવા પ્રભાવશાળી શિષ્યોએ કીર્તનો, ભજનો તેમજ તાત્વિક અને બોધાત્મક ગ્રંથો રચી પ્રણામી ધર્મના પ્રચાર-પ્રસારમાં મૂલ્યવાન ફાળો આપ્યો હતો.

તેમણે ભાગવત ધર્મમાં કબીરાદિ સંતોની સહજ સાધના, સૂફી વિચારધારા, ઇસ્લામી અને ખ્રિસ્તી ધર્મનાં સાધન તથા સિદ્ધાંતો વગેરેનો સમન્વય કરી વિશ્વધર્મ સ્થાપવાનો યત્ન કર્યો. હિંદુ ધર્મના વેદ, ઉપનિષદ, ભગવદ્ગીતા અને શ્રીમદભાગવત ઉપરાંત ઇસ્લામ ધર્મના કુરાન, યહૂદીઓના તૌરેત, દાઉદના જંબૂર અને ખ્રિસ્તીઓના બાઇબલનો તલસ્પર્શી અભ્યાસ કરી કુરાનને સેમિટિક ધર્મોનું પ્રતિનિધિ પુસ્તક ગણ્યું અને તેની શ્રીમદભાગવત સાથે તુલના કરી સામ્ય તારવી બતાવ્યાં. તત્વજ્ઞાન, કથાનકો અને આચારસંહિતાની એકતા બતાવી ધર્મને નામે લડતા અને પોતપોતાને બીજા કરતાં ઉત્તમ અને પાક સમજતા હિંદુઓ અને મુસલમાનોની તેમણે કડક શબ્દોમાં ટીકા કરી અને બતાવ્યું કે વાસ્તવમાં બંનેના ધર્મોના પાયાના સિદ્ધાંતો તો એક જ છે, જે કંઈ ભેદ છે તે બધાની જુદી જુદી ભાષાઓ અને જુદા જુદા આચારોને લઈને છે.

તેમણે સામાજિક ક્ષેત્રે પણ ક્રાંતિકારી પ્રયત્નો કર્યા. જાતિભેદની ટીકા કરી અને બ્રાહ્મણવાદનો વિરોધ કર્યો. વળી અસ્પૃશ્યોને પણ પોતાના શિષ્યો તરીકે અપનાવ્યા. ધર્મ અને સમાજજીવનમાં પ્રવર્તતાં પાખંડ, દંભ, પોકળતા અને બાહ્યાડંબરો  વગેરે પર આકરા પ્રહાર કર્યા. સમાજજીવન અને ગૃહસ્થ જીવનનો મહિમા કર્યો અને સ્ત્રી-સંમાનની ભાવના દાખવી, સ્ત્રીઓને તારતમની દીક્ષા આપી એટલું જ નહિ, સ્ત્રી-સંતોની પરંપરા પણ સ્થાપી.

મહામતિએ પોતાના ધર્મ-સાહિત્ય માટે પ્રારંભમાં માતૃભાષા ગુજરાતી પ્રયોજી, પણ પછી હિંદુસ્તાની ભાષાને સ્વીકારી તેને રાષ્ટ્રભાષાનું સ્થાન આપ્યું. ‘સબકો સુગમ જાન કે કહૂંગી હિન્દુસ્તાન’નું વલણ અપનાવ્યું. તેથી અરબી-ફારસી, ઉર્દૂયુક્ત હિંદી ભાષાનું સ્વરૂપ સર્જ્યું. એ રીતે તેઓ ખડી બોલી કે હિંદવી-હિંદુસ્તાની ભાષાના આરંભિક પ્રયોજક છે. રાષ્ટ્રભાષા તરીકે હિંદી અને તેની લિપિ નાગરી એવો આદર્શ ઊભો કર્યો.

તેમનું સમગ્ર જીવન ધર્મકાર્યને વરેલું હતું. તેમનું લક્ષ્ય ‘અખંડ સુખ’ હતું અને તે માત્ર પોતાને જ નહિ પણ સર્વ ‘સુંદરસાથ’ને મળે અને તેઓ સર્વ પરમધામને પામે એવી તેમની મહેચ્છા હતી. માત્ર વૈયક્તિક મુક્તિ નહિ પણ સંઘમુક્તિ – સાથમુક્તિ એ તેમનો આદર્શ હતો. પ્રાણનાથ સંપ્રદાયની ઉપર ઊઠીને સમસ્ત માનવજાતના શ્રેયનું ચિંતન કરનારા પરમ સંત હતા. તેથી ધર્મના સાંકડા વાડાઓ તોડી નાખવા તેઓ મથ્યા. મુસા, ઈસા, મુહમ્મદમાં પણ તેમણે કૃષ્ણતત્વનાં દર્શન કર્યાં તે તેમની ર્દષ્ટિની વિશાળતા છે.

પ્રવીણચંદ્ર પરીખ