પ્રાચીન ભૌગોલિક સ્થિતિ (paleogeography)
February, 1999
પ્રાચીન ભૌગોલિક સ્થિતિ (paleogeography) : ભૂસ્તરીય અતીતના અમુક ચોક્કસ કાળ દરમિયાનની કોઈ વિસ્તારની પ્રવર્તમાન ભૌગોલિક પરિસ્થિતિ કે પર્યાવરણના સંજોગોને લગતો અભ્યાસ. તેમાં તે વિસ્તારનાં ભૂમિ-જળ-આબોહવાના સંજોગોની ભૌગોલિક સંદર્ભમાં મુલવણી કરવામાં આવે છે. ખંડો-સમુદ્રોનું વિતરણ, તેમની ઊંચાઈ-ઊંડાઈ, જીવન અને તેમનાં સ્વરૂપો વગેરે કેવાં હતાં તેનું ચોકસાઈપૂર્વક અનુમાન કરવામાં આવે છે. અનુમાન-આધારિત નકશાઓ તૈયાર કરી તેમનાં અર્થઘટન કરાય છે. ખડકસંગ્રહ અને ઘટેલી ઘટનાઓના અરસપરસના સંબંધોનો ખ્યાલ મેળવાય છે, તેમાં રહેલાં જીવનસ્વરૂપો પરથી કાળગણના કરી શકાય છે. પૃથ્વીના લાંબા ઇતિહાસકાળ દરમિયાન થયેલી ભૂસંચલનજન્ય ઘટનાઓએ ખડકો કે તત્કાલીન જીવન પર શી શી અસરો કરી તે, તે વખતની રચના–સંરચના–કણરચના–વિરૂપતા–જીવનસ્થળાંતર કે વિલોપ પરથી મેળવી શકાય છે; જેમ કે, પેન્ગિયા, પેન્થાલસા, લોરેશિયા; ગોંડવાના ખંડ ક્યારે ક્યાં હતા, કેવા હતા તેનો તાગ મળી રહે છે, ખડકો પર આજે જોવા મળતાં તરંગચિહ્નો, પ્રવાહસ્તર વગેરે જેવાં લક્ષણો પરથી તે સ્તરો છીછરા જળમાં જામેલા તે સંજોગોનું અનુમાન થઈ શકે છે.
ઘણા જૂના ભૂસ્તરીય કાળની ભૌગોલિક પરિસ્થિતિ માટે જરૂર પૂરતા પુરાવા પ્રાપ્ત થઈ શકતા ન હોવાથી તત્કાલીન પ્રવર્તેલા સંજોગોનો ક્યાસ કાઢવાનું મુશ્કેલ થઈ પડે છે. તેથી નિષ્ણાતો તે વખતના શક્ય સંજોગોનું અનુમાન કરી અંદાજે નકશાઓ તૈયાર કરે છે; જેમ કે, કોઈ નકશામાં તત્કાલીન સમુદ્રકિનારારેખાની સીમા જે રીતે અંકિત કરી હોય તે, આજની સ્થિતિ મુજબ તો નહિ જ હોય, એવી ધારણા કરીને દર્શાવાય છે. આ પ્રકારના નકશા palinspatic નકશા કહેવાય છે. ધારણાનો આધાર અમુક ઘટનાઓની પૂર્વે અમુક પ્રકારના સંજોગો પ્રવર્તમાન હશે એવાં અનુમાનો પર બંધાયેલો હોય છે; જેમ કે, આજના ગોંડવાના સ્તરો અતીતમાં તેમની મૂળ જમાવટની સ્થિતિ વખતે ગેડ વગરના હશે ત્યારે કેવા હશે તે સમજમાં ઊતરે એ પ્રમાણેનો નકશો તૈયાર થાય, તેના પરથી તત્કાલીન જળકૃત સ્તરોનો વિસ્તાર અને વલણની સ્થિતિ વગેરે દર્શાવાય. ત્યારપછી ખંડીય પ્રવહન થયેલું તેમાં, ખંડો કયા સંજોગો હેઠળ, કેવા આકારોમાં ભંગાણ પામ્યા; કયાં પરિબળો કઈ દિશામાં તેમને ખેસવતાં ગયાં અને ખસવાના દર મુજબ વર્તમાન સ્થિતિમાં ગોઠવાયા તે દર્શાવતા નકશા તૈયાર થાય, નાનીમોટી હકીકતો પરથી તત્કાલીન સ્થિતિ-સંજોગોનાં અનુમાન મુકાતાં જાય અને પ્રાચીન ભૌગોલિકનાં અર્થઘટન થતાં જાય. એ જ રીતે ભૂસ્તરીય અતીતમાં અમુક અમુક કાળગાળે હિમયુગો વીતી ગયા તેના પુરાવા આજે આપણને તે તે વખતના ખડકોમાં જોવા મળતાં હિમસંજોગ-આધારિત લક્ષણો પરથી સ્પષ્ટ રીતે મળે છે; દા.ત., ગોંડવાના અને પર્મિયન ટિલાઇટ ધ્રુવોની સ્થિતિ આજે જ્યાં છે ત્યાં ભૂતકાળમાં ન હતી, તે અન્યત્ર હતા વગેરે. પર્મિયન કાળ વખતે દક્ષિણ ધ્રુવ દક્ષિણ આફ્રિકાના ટ્રાન્સવાલ નજીક હતો, તે પૃથ્વીના પ્રાચીન ચુંબકત્વ પરથી અને પ્રાચીન ચુંબકત્વખડકો પરથી જાણી શકાય છે. (જુઓ, પ્રાચીન ભૂચુંબકત્વ.) જૂના વખતનાં પ્રાણીઓ અને વનસ્પતિના આજે મળતા જીવાવશેષો, તેમના પ્રકાર, સ્થિતિ, અવયવો વગેરે પરથી તે વખતે તે કેવાં હશે તેનો ખ્યાલ આવી શકે છે. ડેવોનિયન અને પર્મિયનનો લાલ રેતીખડક તે વખતે શુષ્ક આબોહવા પ્રવર્તી હોવાનો સંજોગ દર્શાવે છે. પ્રી-કૅમ્બ્રિયનના ઉત્તરાર્ધકાળનો ટોરિડોનિયન રેતીખડક તાજું માઇક્રોક્લિન ફેલ્સ્પાર ખનિજ ધરાવે છે, ફેલ્સ્પાર જળવહન પામીને નિક્ષેપક્રિયા પામ્યું હોય તો તેનું વિઘટન થઈ ગયું હોય; પરંતુ તે તાજું મળે છે, જે બતાવે છે કે તે પવનને કારણે ઊડીને નિક્ષેપક્રિયા પામ્યું હશે.
દુનિયાના અમુક વિસ્તારોની પ્રાચીન ભૌગોલિક સ્થિતિદર્શક નકશાપોથીઓ તૈયાર કરવામાં આવી છે. સ્તરવિદ્યાના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ આ પ્રકારના નકશાઓ બનાવાય છે.
ગિરીશભાઈ પંડ્યા