પ્રાચીન ભૂસ્તરશાસ્ત્ર (Paleogeology) : અતીત(ભૂતકાળ)નું ભૂસ્તરશાસ્ત્ર. વિષયશાખાના સંદર્ભમાં જોતાં, તે વિશેષે કરીને તો અસંગતિ સાથે સંપર્કમાં રહેલા જૂના-નવા વયની ખડકશ્રેણીઓના તેમજ નિક્ષેપવિરામના કાળગાળાના અર્થઘટન માટે ઉપયોગમાં લેવાય છે, અર્થાત્ જૂના વયના ઘસાયેલા ખડકોની સમતળ કે ખરબચડી સપાટી પર નવા વયના સ્તરોની નિક્ષેપક્રિયા થઈ હોવાનો ખ્યાલ આપે છે. આ પ્રકારના સંજોગોનો ચિતાર આપતા જે નકશા બનાવાય તેને પ્રાચીન ભૂસ્તરશાસ્ત્રીય નકશા કહેવાય છે. તેમાં ઉપરનીચેના ખડકોના માળખાનાં વિતરણ અને રચના દર્શાવાતાં હોય છે; જેમ કે, નીચેની ખડકશ્રેણીમાં ઊર્ધ્વવાંક–અધોવાંક જેવી ગેડરચનાઓ હોય કે બંને શ્રેણીના સ્તરોના નમનકોણનાં વલણ જુદાં પડતાં હોય તો શ્રેણીઓ સરળતાથી અલગ તારવી શકાય છે; એટલું જ નહિ, પણ ઊર્ધ્વવાંકમય રચના તેલસંચય ધરાવતી હોય તો ત્યાં તેલ કેવી રીતે, કયા પ્રકારના ખડકમાંથી સ્થળાંતર થઈને આવ્યું તેનો તાગ મેળવી શકાય છે. આ રીતે પ્રાચીન ભૌગોલિક સ્થિતિ –સંજોગોનું અર્થઘટન કરવામાં પ્રાચીન ભૂસ્તરીય નકશા સહાયભૂત થઈ પડે છે. (જુઓ, પ્રાચીન ભૌગોલિક સ્થિતિ.)

ગિરીશભાઈ પંડ્યા