પ્રાચ્યવિદ્યા મંદિર [Oriental Institute (1927)] : ભારતીય પ્રાચીન સાહિત્યનાં દુર્લભ પુસ્તકો તથા હસ્તપ્રતોનો સંગ્રહ, તેમનું સંરક્ષણ અને પ્રકાશન કરતી સંસ્થા. એવાં પુસ્તકોનો વિદ્વાનો અને સામાન્ય પ્રજા સુધી પ્રચાર-પ્રસાર કરવો એ આ સંસ્થાનો પ્રમુખ ઉદ્દેશ છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (1863–1939) પોતાની પ્રજા અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિમાં તેમને વિશેષ રુચિ હતી. તેમણે પાટણના જૈનગ્રંથભંડારોમાંથી હસ્તપ્રતોની તપાસ કરવાનું કામ મણિલાલ નભુભાઈ દ્વિવેદીને સોંપ્યું; તેના ફલસ્વરૂપે મણિલાલે 2619 હસ્તપ્રતોની વર્ગીકૃત સૂચિ તૈયાર કરીને મહારાજા સયાજીરાવને તેમાંનાં પુસ્તકોનું પ્રકાશન કરવાની ભલામણ કરી. તેને પરિણામે વડોદરા રાજ્ય તરફથી ભાષાંતર ખાતું શરૂ કરવામાં આવ્યું, તે કાળક્રમે પ્રાચ્યવિદ્યા મંદિર રૂપે વિકસ્યું. ઈ. સ. 1893માં મહારાજા સયાજીરાવે ભારતભરમાંથી પ્રાચીન હસ્તપ્રતો અને પુસ્તકોનો સંગ્રહ કરવા માટે અનંતકૃષ્ણ શાસ્ત્રીને નિયુક્ત કર્યા. આ સંસ્થાની વિધિવત્ સ્થાપના 1927માં થઈ. એ સમયે 10,000 હસ્તપ્રતો અને 630 જેટલાં પુસ્તકો હતાં. આ સંસ્થાના મુખ્ય ત્રણ વિભાગો હસ્તપ્રતો, પુસ્તકાલય અને પ્રકાશનના છે. તેમાંનો સૌથી અગત્યનો હસ્તપ્રત-વિભાગ છે. હાલમાં અહીં 27,319 જેટલી હસ્તપ્રતો છે. તેમાંની કેટલીક સચિત્ર અને રંગીન પણ છે. સોનેરી શાહીથી બારીક અક્ષરે લખાયેલ મહાભારત અને ગીતાના વીંટાઓ આ વિભાગનું મુખ્ય આકર્ષણ છે. આ હસ્તપ્રતોમાંથી કેટલીક કપાસ અને વાંસમાંથી બનાવેલા કાગળ પર, તો કેટલીક તાડપત્ર, ભૂર્જપત્ર, કુંવારપત્ર, સોલાપત્ર વગેરે પર લખાયેલી છે. કેટલીક વીંટાઓ(scroll)ના રૂપમાં પણ છે. તે હસ્તપ્રતો દેવનાગરી, સારદા, ઊડિયા, બંગાળી, મલયાળમ, તેલુગુ, તમિળ, ગુજરાતી, હિન્દી, મૈથિલી, ગ્રંથ, નેવરી, મોદી, નાન્દી-નાગરી, અસમિયા, બર્મી, સિંહાલી અને ફારસી લિપિમાં છે. આ હસ્તપ્રતોને 36 વિષયોમાં વહેંચી છે; જેમાં વેદ, ઉપનિષદ, ધર્મ, યોગ, ન્યાય, પુરાણ, ઇતિહાસ, સ્તોત્ર, કાવ્ય, નાટક, નીતિ, અલંકાર, કામશાસ્ત્ર, સંગીત, જ્યોતિષ, આયુર્વેદ, તંત્ર, જૈનશાસ્ત્ર, બૌદ્ધશાસ્ત્ર જેવા વિષયોનો સમાવેશ થાય છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાની દેવનાગરી લિપિમાં લખાયેલી અહીંની હસ્તપ્રતોમાં ‘સ્વર્ણરૌપ્યેસિદ્ધિ’ (1154) અને ‘સ્વર્ણલક્ષણા’ (1301) ઘણી જૂની છે. આ હસ્તપ્રતોમાં તામિલનાડુમાંથી મળેલ ગ્રંથ લિપિમાં લખાયેલ ‘મહાભારત-આદિ અને સભાપર્વ’, ‘યાજ્ઞવલ્કયસ્મૃતિ મિતાક્ષર’ (1386), ‘કાલકાચાર્ય કથા’ (1494), ‘કલ્પસૂત્ર’ (1687), જૂની ગુજરાતીમાં લિખિત અને ચિત્રિત ‘માનતુંગા માનવતી રાસ’ (1750) જેવી કૃતિઓની અમૂલ્ય હસ્તપ્રતો સચવાઈ છે. 1859ના જેસલમેરના જૈન વિજ્ઞપ્તિપત્રના વીંટામાં જેસલમેરના જૈન સંઘ દ્વારા જૈનમુનિઓને વર્ષાઋતુમાં પધારવા અપાયેલી આમંત્રણ-પત્રિકા ધ્યાન ખેંચે છે. અઢારમી સદીનાં રાગરાગિણીનાં 20 ચિત્રોનો સંગ્રહ પણ અગત્યનો છે.

1916થી 1999 સુધીમાં 177 ગ્રંથોનું હસ્તપ્રતોને આધારે સંપાદન કરી ‘ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝ’માં પ્રકાશન કરવામાં આવ્યું છે. 1916માં સૌપ્રથમ રાજશેખરકૃત ‘કાવ્યમીમાંસા’નું પ્રકાશન થયેલું. ગાયકવાડ ઑરિયેન્ટલ સિરીઝના પ્રથમ સંપાદક સી. ડી. દલાલ હતા. વાલ્મીકિ રામાયણની સમીક્ષિત આવૃત્તિનું 1951થી 1975 સુધીમાં સાત ખંડોમાં પ્રકાશન થતાં આ સંસ્થાને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે. એ રીતે પુણેની ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પછી આ સંસ્થા દ્વિતીય ક્રમે આવે. સામાન્ય લોકોને પણ જ્ઞાન આપવાના ઉદ્દેશથી મહારાજાએ માતૃભાષા ગુજરાતીમાં પુસ્તકો પ્રકાશિત કરવાનું આયોજન કર્યું હતું. આજે લગભગ સયાજી સાહિત્યમાળા શ્રેણીમાં 650થી વધુ ગુજરાતી પુસ્તકોનું પ્રકાશન થઈ ચૂક્યું છે. હાલમાં માર્કંડેય પુરાણની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવાનું કાર્ય થઈ રહ્યું છે. પ્રાચ્યવિદ્યા મંદિરમાં સંગૃહીત સમગ્ર હસ્તપ્રતોની વિષયવિવરણ સૂચિ બે ભાગમાં પ્રકાશિત થઈ છે. આ પ્રકારની સૂચિ અભ્યાસી અને વિદ્વાનોને ઉપયોગી થાય છે. 1951થી પ્રો. જી. બી. ભટ્ટ દ્વારા અંગ્રેજીમાં ‘જર્નલ ઑવ્ ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ’ અને પ્રો. ભોગીલાલ સાંડેસરા દ્વારા 1961થી ગુજરાતીમાં ‘સ્વાધ્યાય’ એમ બે સંશોધન-સામયિકો શરૂ થયાં છે જે હાલ પણ ચાલુ છે.

1931માં અનુસ્નાતક-કક્ષાના વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પણ વિભાગ શરૂ કરવામાં આવ્યો. 1949માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીએ પ્રાચ્યવિદ્યામંદિરને એના એક આવશ્યક ઘટક તરીકે સ્વીકાર્યું.

પ્રાચ્યવિદ્યામંદિરનો બીજો અગત્યનો વિભાગ પુસ્તકાલય છે, જેમાં પ્રાચ્યવિદ્યા અને ભારતીય સંસ્કૃતિને લગતાં 46,500 પુસ્તકોનો મૂલ્યવાન સંગ્રહ છે. વળી વિશ્વભરમાંથી આવતાં 200 જેટલાં સંશોધન-સામયિકોથી આ પુસ્તકાલય સમૃદ્ધ છે. અહીં વિદેશથી અનેક સંશોધકો અભ્યાસાર્થે આવે છે.

પ્રાચ્યવિદ્યામંદિરનો એક પ્રદર્શનખંડ છે તેમાં તાડપત્રો, ભોજપત્રો અને કાપડ પર લખવા માટે વપરાતાં સાધનો અને શાહીઓ, વિવિધ પ્રકારની હસ્તપ્રતો, સૂર્યયંત્ર, 3·75 સેમી.ની ગીતાનો વીંટો, મહાભારત, સૌંદર્યલહરી, રાગમાલા-ચિત્રો અને બીજી કેટલીક હસ્તપ્રતો છે. હસ્તપ્રતોને વીંટવા માટે લાકડાના લાખકામ કરેલા ડબ્બાઓ, કાપડનું પાઠું તથા દ્વિપથા, ત્રિપથા અને પંચપથાલેખન કરેલી હસ્તપ્રતોના નમૂનાઓ પણ છે.

પ્રાચ્યવિદ્યા મંદિરના ઉપક્રમે 1933 પછી 1998માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા અધિવેશન યોજાયું હતું. આ રીતે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિના વારસાનું જતન કરનારી આ એક મહત્વની સંસ્થા છે.

સોનલ મણિયાર