પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920)

February, 1999

પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (1920) : ઉત્તર ગૌર્જર અપભ્રંશનાં ગદ્યપદ્યનો સંગ્રહ. માત્ર પ્રથમ ભાગ જ પ્રસિદ્ધ થયો છે. ગાયકવાડ ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ગ્રંથમાળામાં તેરમા ગ્રંથ તરીકે એની સેન્ટ્રલ લાઇબ્રેરીના સંસ્કૃત વિભાગના ગ્રંથપાલ સી. ડી. દલાલે ઉત્તર ગૌર્જર અપભ્રંશની પ્રથમ ખંડમાં 14 પદ્યરચનાઓ, બીજા ખંડમાં 7 ગદ્યરચનાઓ અને પરિશિષ્ટમાં 10 રચનાઓ આપીને ‘પ્રાચીન ગૂર્જર કાવ્યસંગ્રહ’ શીર્ષકથી આ સંગ્રહ પ્રકાશિત કરેલો.

આ સંગ્રહના પહેલા ખંડમાં આવેલાં 14 કાવ્યોમાં પહેલું કાવ્ય ‘રેવંતગિરિરાસુ’ છે, જેના કર્તા વસ્તુપાલ-તેજપાલના ગુરુ વિજયસેનસૂરિ હતા. રચનાસમય મળતો નથી, પણ તારંગા ઉપર ઈ. 1229માં આ અમાત્યોએ તીર્થંકરની પ્રતિમા મૂકી ત્યારે એમના ગુરુ વિજયસેનસૂરિ હતા. આમ ઈ. સ.ની તેરમી સદીના પૂર્વાર્ધની આ રચના સંભવે. આ વર્ણનાત્મક ઐતિહાસિક કાવ્ય છે. બીજી વિનયચંદ્રસૂરિની રચના ‘નેમિનાથ ચતુષ્પદી’ (સાડા ચાળીસ ચોપાઈ) વિપ્રલંભ શૃંગારનું કાવ્ય છે. આ રચના જે હસ્તપ્રતમાં ઉતારી છે તેનો નકલ કર્યાનો સમય 1297નો છે. એટલે તેરમી સદીના ઉત્તરાર્ધમાં કવિ થયા હોય. આ પછી આ જ કવિની રચના ‘ઉપદેશમાલા કથાનક’ 81 છપ્પાઓ ધરાવતી ઉપદેશમૂલક રચના છે. આ પછી એક મહત્વનું ઐતિહાસિક કાવ્ય ‘સમરારાસુ’ (12 નાનાં કડવાં જેવી ‘ભાસ’નું) આપ્યું છે. તે અભયદેવસૂરિની 1319 પછીના નજીકના સમયની રચના છે. આમાં કથાવસ્તુ પાટણના સમરસિંહ નામના ઓસવાળ વણિકે સંઘ કાઢી શત્રુંજય તીર્થમાં આદિનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે અંગેનું છે. આ ‘રાસુ’માં અલપખાન(અલ્લાઉદ્દીનના પાટણના સૂબા)નો નામોલ્લેખ થયેલો છે. અલપખાન અને અમરસિંહ વચ્ચે સંબંધ સારો હતો. કવિએ ‘પાતસાહુ’, ‘સુરતાણુ’, ‘ખાનુ’, ‘મીરમલિક’, ‘ખાનુખાનુ’, ‘અડદાસ’, ‘હજ’, ‘ફુરમાણુ’, ‘ખજમત’ ‘સલ્લાર’ જેવા અરબી શબ્દો વાપર્યા છે. મુસ્લિમોની પાટણ ઉપરની સત્તાને કારણે લોકોમાં એ શબ્દો પ્રચલિત થતા જતા હતા. આ સુંદર ગેય રચના છે. જિનપદ્મસૂરિનો ‘થુલિભદ્દ ફાગુ’ (27 ‘કાવ્ય’ કિંવા ‘રોળા’ છંદનો) ઈ. સ.ની ચૌદમી સદીની બીજી પચીસીની રચના છે. ‘ફાગુ’ રચનાઓ પણ શૃંગારરસાત્મક હોય છે. એક વેશ્યાના નિમંત્રણનો સ્વીકાર કરી સ્થૂલિભદ્ર એને વશ થયા નહિ એ પ્રસંગ વર્ષાઋતુમાં ગોઠવ્યો છે; એ કારણે કવિએ વર્ષાઋતુનું સુંદર વર્ણન આ કાવ્યમાં કર્યું છે, જે એની વિશેષતા છે. ધમ્મ (સં. ધર્મે) નામના સંભવત: શ્રાવકે 1210 જેટલા જૂના સમયમાં રચેલું ‘જંબુસામિચરિયુ’ (જંબુસ્વામિનું ચરિત) નાની-નાની ઠવણિઓનું ‘રોળા છંદ’નું કાવ્ય છે, 119 જેટલા વિવિધ માત્રામેળ છંદોનો ગેય ‘સપ્તક્ષેત્રિરાસુ’ આપ્યો છે, જેનો કર્તા અજ્ઞાત છે. આની ‘રાસુ’ સંજ્ઞા માત્ર ગેયતાની નિર્દેશક છે; બાકી એમાં કોઈ ઐતિહાસિક પાત્રાલેખન નથી. આ રચના પછી કોઈ અજ્ઞાત કવિનો ‘કછૂલી રાસુ’ નાના દોહરા વગેરે છંદ સાથે વસ્તુછંદની રચના છે. કાવ્યના અંતભાગમાં બતાવ્યા પ્રમાણે આ 1307ની રચના કાવ્યત્વે નહિ, પરંતુ ઐતિહાસિક રીતે ધ્યાન ખેંચનારી છે. આબુમાં અચલેશ્વર નજીક તળેટીમાં આવેલા કછૂલી ગામમાં થયેલા ઉદયસિંહસૂરિના તેજોબળના વર્ણનથી સમૃદ્ધ આ રાસમાં ઉદયસિંહસૂરિએ આબુ પંથકના ધંધલ રાઉલ સાથે સંઘ કાઢીને જતાં એમાં જે એક ચમત્કાર થયો તે આમાં આપેલ છે.

‘સાલિભદ્રકક્ક’ એ કોઈ પદ્મ નામના કવિની ‘ક’ થી લઈ ‘ક્ષ’ સુધીના વ્યંજનોનો બબ્બે દોહરાનો કાવ્યબંધ સાચવતી કક્કા પ્રકારની રચના છે. બબ્બે દોહરા એ માટે કે પહેલા દોહરામાં આરંભે ‘ક’ આવે ને બીજામાં ‘કા’. એમ બધા વ્યંજનો આવ્યે જાય. આમાં શાલિભદ્ર અને એની માતા વચ્ચેનો સંવાદ સંક્ષેપમાં આપ્યો છે. જેમ ‘કક્ક’ (‘કક્કો’) માં ‘ક’થી બધા વ્યંજનો કડીના આરંભે આવે તે પ્રમાણે ‘માતૃકા’ઓ રચાતી હતી. ઉપરના પદ્મની 57 દોહરાની આવી ‘અ’થી લઈ ‘ક્ષ’ સુધીની ‘માતૃકા’ રચના છે. ઉપરની પહેલી કૃતિમાં કોઈ ચમત્કૃતિ નહોતી. આમાં એ સુભાષિતોમાં જોવા મળે છે.

‘ચર્ચરિકા’ (‘ચચ્ચરી’) નામનો એક ગેય કાવ્યપ્રકાર અપભ્રંશ ભાષામાં શરૂ થયેલો, એ જ મથાળે ઈ. સ.ની ચૌદમી સદીના પૂર્વાર્ધમાં કોઈ સોલણ નામની વ્યક્તિની 38 દોહરાની રચના છે. કાવ્યની ષ્ટિએ એમાં કસ નથી.

અહીં રજૂ થતી ‘માતૃકાચઉપઇ’ નામ પ્રમાણે ચોપાઈ છંદ ધરાવતી 64 કડીની સામાન્ય સુભાષિતોવાળી રચના છે. આના પછી ‘સમ્યક્ત્વમાઇચઉપઇ’ કોઈ જગડુની 64 કડીની રચના છે, જેમાં ‘અ’થી ‘હ’ સુધીના અક્ષર કડીને આરંભે આપવામાં આવ્યા છે. કર્તાએ કાવ્યમાં સાંપ્રદાયિક ર્દષ્ટિએ ‘સમ્યક્ત્વ’ વિષયનું નિરૂપણ કરતાં એની જાળવણીના ઉપાય આપ્યા છે.

આ પછી કાવ્યરસથી સભર, રામસિહર (સં. રાજશેખર) નામના જૈન સાધુએ ‘રોળા છંદ’માં રચેલો ‘શ્રીનેમિનાથ ફાગુ’ આપ્યો છે. નેમિનાથ અને રાજિમતીનો પ્રસંગ શૃંગારરસાત્મક ખરો, પણ અંત તો વિરાગમાં જ બતાવવામાં આવ્યો છે.

અહીં ‘પદ્યસંગ્રહ’ પૂરો થાય છે અને ‘ગદ્યસંગ્રહ’ શરૂ થાય છે; જેમાં 1274ની ‘આરાધના’, 1284નો ‘અતિચાર’, 1302નું ‘સર્વતીર્થનમસ્કાર-સ્તવન’, ‘નવકાર વ્યાખ્યાન’, ફરી 1313નો ‘અતિચાર’ – એ સામાન્ય કોટિનાં ગદ્યલખાણ આપી પછી માણિક્યચંદ્રસૂરિનું, 1422માં પાલનપુરમાં જેની નકલ થયેલી તે, ‘પૃથ્વીચંદ્રચરિત્ર’ આપવામાં આવ્યું છે. (જુઓ ‘પ્રાચીનગુર્જરગદ્યસંદર્ભ.) ‘ખરતર પટ્ટાવલી-ષટ્પદાનિ’ (10 છપ્પય) આપેલ છે, જેની નકલ 1114 જેટલા જૂના સમયમાં ‘અપભ્રંશ’ ભાષામાં જિનદત્તસૂરિના શિષ્ય જિનરક્ષિત સાધુએ કરેલી છે. આમ પદ્યમાં પટ્ટાવલી (વંશાવલી) સુલભ થઈ છે.

સંપાદક દલાલે 10 જેટલાં પરિશિષ્ટ આપી ક્રમે ‘श्रीवस्तपालतीर्थयात्रावर्णनम्’ (સંસ્કૃતમાં 62 + 3 = 65 શ્લોક), ‘रेवयकप्पसंखेवो’ (रैवतकल्पसंक्षेप) પ્રાકૃત ગદ્યમાં, છેલ્લે અઢી ‘આર્યા’, ‘श्रीउज्जयन्त स्तव:’ (સંસ્કૃતમાં 25 અનુષ્ટુપ-શ્લોક), श्रीउज्जयन्त महातीर्थकल्प (પ્રાકૃતમાં 41 આર્યાઓ), ‘रैवतकल्प:’ (પ્રાકૃત ગદ્યમાં), ‘अम्बिकादेवीकल्प:’ (પ્રાકૃત ગદ્યમાં), ‘श्रीगिरिनारकल्प:’ (32 આર્યાઓ), અલપખાનના રાજ્યશાસનમાં ખંભાતના ‘स्तम्भनपार्श्वनाथमन्दिर’નો 1310નો ગદ્ય લખાણવાળો શિલાલેખ આપ્યો છે, જેમાં જેસલ નામના શ્રાવકે ખંભાતમાં પોષધશાલા સાથે શ્રી અજિતસ્વામીનું ચૈત્યાલય બનાવડાવ્યું એનો નિર્દેશ છે. આ પછી શત્રુંજય ડુંગર ઉપર 1315માં ત્રણ અને 1358માં ‘સમરસ’ની રચના કર્યાનો સંસ્કૃત ગદ્યમાં શિલાલેખ છે.

છેલ્લે, દસમા પરિશિષ્ટમાં મહત્વનો છતાં અપૂર્ણ ઐતિહાસિક ‘પેથડરાસ’ આપવામાં આવ્યો છે. પાટણ નજીક સંડેરના પ્રાગ્વાટવંશીય પેથડશાહે સંઘ કાઢ્યો ત્યારે કર્ણદેવ વાઘેલાના પાટણમાંના શાસનનો નિર્દેશ થયેલો છે. આ સંઘનો સમય અંદાજે 1304 છે, જે વર્ષમાં કર્ણદેવનો સંપૂર્ણ પરાજય થયો હતો. પેથડ જૂનાગઢ પહોંચ્યો ત્યારે જૂનાગઢમાં રા’માંડલિક હતો. માર્ગમાં આવેલા જુદા જુદા મુકામોનો નિર્દેશ ધ્યાન ખેંચે છે. રાસ તૂટક હોઈ નથી કર્તાનું નામ મળતું કે નથી સંઘ ક્યારે પરત આવ્યો એની માહિતી મળતી. આ એ સમય હતો જ્યારે પાટણ ઉપર અલાઉદ્દીનનો વિજય થયેલો અને પાટણના સૂબા તરીકે અલપખાન સત્તા ઉપર હતો.

આમ, ‘પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ’ કેટલીક સુમધુર કાવ્યરચનાઓ સાથે મહત્વની કેટલીક ઐતિહાસિક માહિતી પણ સાચવી રાખે છે.

કે. કા. શાસ્ત્રી