પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (1930)

February, 1999

પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ (1930) : અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત થયેલ મુનિશ્રી જિનવિજયજી દ્વારા સંપાદિત મધ્યકાલીન ગુજરાતી ભાષામાં રચાયેલી અનેક ગદ્યરચનાઓનો સંગ્રહ. અત્યાર સુધી બધી જ મધ્યકાલીન ગદ્યકૃતિઓનો આવો અન્ય ગ્રંથ આ પછી પ્રસિદ્ધ થયો નથી. 1920માં ગાયકવાડ ઑરિયેન્ટલ ગ્રંથમાળામાં તેરમા ગ્રંથ તરીકે 14 પદ્યરચનાઓ અને ‘પૃથ્વીચંદ્રચરિત’ સહિત નાનીમોટી ગદ્યરચનાઓના સી. ડી. દલાલના પ્રકાશન પછીનો આ નમૂનેદાર ગ્રંથ છે. આ આખો સંગ્રહ મધ્યકાલીન ગુજરાતી ભાષાની પહેલી ભૂમિકાનો છે; જેનાથી ઉત્તર ગૌર્જર અપભ્રંશનું ગુજરાતી ભાષાની પહેલી ભૂમિકામાં કેવી સહજ રીતે પરિવર્તન થયું એ સમજવાની સરળતા થાય છે.

વાસ્તવમાં અહીં એકત્રિત કરેલા નમૂનાઓ ‘બાલાવબોધો’ છે. અહીં આપેલો પહેલો ખંડ તે તરુણપ્રભસૂરિએ 1355માં લખેલી ‘સમ્યક્ત્વ તથા શ્રાવકનાં બાર વ્રત’ ઉપરની 23 કથાઓનો છે. તે નાની નાની ટચૂકડી ટુચકા-પ્રકારની ર્દષ્ટાંતકથાઓ છે. સંસ્કૃત સુભાષિતો ટાંકીને તેમાંના નિર્દિષ્ટ ઉદાહરણને વાર્તા દ્વારા સમજાવવાનો ઉપક્રમ એમાં જણાય છે.

બીજો ખંડ તે 1410નો ‘શ્રાવકવ્રતાદિ અતિચાર’ છે, જેમાં ક્વચિત્ ‘ગાથા’ના આરંભના શબ્દો ટાંક્યા છે; તો કેટલાકમાં એમ ને એમ સાદું ગદ્ય-વિવરણ છે. આમાં કોઈ કથા નથી.

ત્રીજો ખંડ ‘ઉપદેશમાલા’માં નિર્દિષ્ટ પ્રસંગોને લઈ લખેલી 53 જેટલી નાની કથાઓનો છે. 1401–1443માં થઈ ગયેલા શ્રી સોમસુંદરસૂરિએ તે રચેલી છે.

આ પછી ચોથા ખંડમાં એ જ શ્રી સોમસુંદરસૂરિએ આચાર્યશ્રી હેમચંદ્રના ‘યોગશાસ્ત્ર’માં નિર્દિષ્ટ 23 જેટલી ર્દષ્ટાંતકથાઓ આપી છે.

આ પછી પાંચમા ખંડમાં શ્રી હેમચંદ્રાચાર્યજીના એ જ ‘યોગશાસ્ત્ર’માંના ગૃહસ્થધર્મના ગુણોનું વર્ણન શ્લોકોમાં આપવામાં આવ્યું છે. તેનું મધ્યકાલીન ગુજરાતીની પહેલી ભૂમિકામાં સરળ વિવરણ શ્રી સોમસુંદરસૂરિએ જ આપેલું મળે છે. આમાં વચ્ચે અન્ય પદ્યો પણ અનુવાદકે ઉમેર્યાં છે. બધા થઈને 10 શ્ર્લોકો 36 નાના વાક્ય- ખંડોમાં આપવામાં આવ્યા છે.

1920માં ‘ગાયકવાડ ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ તરફથી, ઉપર જણાવ્યું એ પ્રમાણે, સી. ડી. દલાલે ગ્રંથમાળાના 13મા મણકામાં ‘પ્રાચીન ગુર્જર-કાવ્યસંગ્રહ’ સંપાદિત કરી પ્રસિદ્ધ કરેલો, તેમાં માણિક્યચંદ્રસૂરિએ રચેલી ‘પૃથ્વીચંદ્રચરિત્ર અપરનામ વાગ્વિલાસ’ નામની અનુપ્રાસાત્મક ગદ્યમાં લખેલી રમણીય ‘કથા’ હતી. મુનિ શ્રી જિનવિજયજી તરફથી આ ગદ્યસંગ્રહમાં છઠ્ઠા ખંડ તરીકે તેનું પુન: મુદ્રણ કરવામાં આવ્યું છે.

આઠમો ખંડ ‘નમસ્કાર-બાલાવબોધ’ છે. જૈન સંપ્રદાયના સુપ્રસિદ્ધ નવકારમંત્ર ઉપરના આ વિવરણમાં કેટલીક ર્દષ્ટાંતરૂપ કથાઓ આપવામાં આવી છે, જેના કર્તા હેમહંસગણિ છે અને એ 1444માં રચવામાં આવી છે.

આ પછી કથાઓની ભાષા સમજવાને ઉદ્દેશે આઠમા ખંડમાં 1394માં  શ્રી કુલમંડનસૂરિએ રચેલું મધ્યકાલીન ગુજરાતી ભાષાનું હોય એ રીતે ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ એ મથાળે સરળ સંસ્કૃત વ્યાકરણ મધ્યકાલીન ગુજરાતી ભાષાના માધ્યમથી આપ્યું છે. ‘ઔક્તિક’નો અર્થ ‘વ્યાકરણ’ થાય છે અને એ રીતે અન્ય ઔક્તિકો પણ ગ્રંથભંડારોમાં છે. મધ્યકાલીન ગુજરાતી ભાષાનો ઉદાહરણો દ્વારા જીવંત પરિચય આ ખંડમાં થાય છે. આમાં ‘વિભક્તિવિચાર’, ‘કૃદંતવિચાર’ અને ‘ઉક્તિભેદ (કર્તરિ, કર્મણિ, ભાવેપ્રયોગો)’ આપી અંતે મધ્યકાલીન ગુજરાતી-શબ્દ સંગ્રહ આપવામાં આવ્યો છે. વાચક કે વિદ્યાર્થી આટલું વ્યાકરણ તૈયાર કરી લે તો મધ્યકાલીન ગુજરાતી ભાષા સમજવામાં સરળતા થાય.

નવમો ખંડ પણ વ્યાકરણ-વિષયક ઔક્તિક પદોનો છે. આમાં આરંભે સંક્ષેપમાં કારકો(વિભક્તિઓ)નો પરિચય આપ્યો છે અને પછી શબ્દસંગ્રહ છે. તે પછી સંક્ષેપમાં કર્તરિ–કર્મણિ–ભાવેપ્રયોગ ઉદાહરણોથી સમજાવી પુરુષ, કાલ, ક્રિયાવિભક્તિ સંસ્કૃત પ્રત્યયો સાથે આપી મધ્યકાલીન ગુજરાતી શબ્દ અને સામે સંસ્કૃત શબ્દોનો કોઠો આપવામાં આવ્યો છે. એ પછી ક્રિયાપદો સંસ્કૃત અર્થ સાથે આપવામાં આવ્યાં છે. એનું સંસ્કૃત વ્યાકરણ પણ બનાવવામાં આવેલ છે. આ પછી કર્મણિ વાક્યો અને પછી દ્વિકર્મક વાક્યો થોડા વિસ્તારથી સમજાવ્યાં છે.

સંસ્કૃત વ્યુત્પત્તિ સિદ્ધ થાય એ માટે તદ્ધિત પ્રત્યયો ઉદાહરણો સાથે સંસ્કૃત અને મધ્યકાલીન ગુજરાતીમાં આપવામાં આવ્યા છે.

કુલમંડનગણિનું ‘મુગ્ધાવબોધ ઔક્તિક’ અને આ જરા વિસ્તૃત ‘ઔક્તિક’ પ્રકરણ ઉપરથી મધ્યકાલીન ગુજરાતી ભાષાની પહેલી ક્રમિક ભૂમિકાના સ્વરૂપનો સરળતાથી ખ્યાલ મળી રહે છે.

મુનિ શ્રી જિનવિજયજીએ ‘પરિશિષ્ટ’માં ચૌદમા સૈકાના ગુજરાતી ગદ્ય–1280માં રચવામાં આવેલી સંગ્રામસિંહની ‘બાલશિક્ષા’ – (‘બાલબોધ વ્યાકરણ’)માંથી સંખ્યાબંધ ઉદાહરણો વિષયવાર આપવાનું કાર્ય કર્યું છે. બધાં જ ઉદાહરણો ગુજરાતી છે. વાસ્તવમાં આ સંસ્કૃત ભાષાના માધ્યમથી મધ્યકાલીન ગુજરાતીની ભાષાભૂમિકાનું જ્ઞાન સહજ રીતે થાય છે. સ્વરો, વ્યંજનો, લિંગ અને પછી કારકપ્રક્રમ, કાલ, કૃદંતો અને પ્રેરક રચનાઓ વિશે ટૂંકો પરિચય આપ્યા પછી ‘બાલશિક્ષા’માંનાં નામ અને ક્રિયાપદોનો કોશ મધ્યકાલીન ગુજરાતીમાં, એની સામે સંસ્કૃત પર્યાયાત્મક શબ્દો મૂકીને આપ્યો છે.

મધ્યકાલીન ગુજરાતી ભાષાની પહેલી ભૂમિકાનું જ્ઞાન મેળવવા માટે અહીં ગદ્યકથાઓ અને છેવટે વ્યાકરણ આપીને મુનિજીએ અભ્યાસ કરનારાઓને અત્યંત ઉપયોગી સાધન સંપડાવ્યું છે.

કે. કા. શાસ્ત્રી