પ્રાચીન કાવ્યસુધા : મધ્યકાલીન (પ્રાચીન) ગુજરાતી કવિતામાંથી પસંદ કરેલી કૃતિઓનો પાંચ ભાગમાં તૈયાર કરેલો સંચય. છગનલાલ વિદ્યારામ રાવળ (1859–1917) – તેઓ પ્રાચીન–મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક અને સંપાદક–સંગ્રાહક હતા. તેમનું મૂળ વતન લુણાવાડા હતું. વ્યવસાયે તેઓ પ્રાથમિક શિક્ષક હતા. કૌટુંબિક–આર્થિક વગેરે અનેક મર્યાદાઓ વચ્ચે તેમણે ખંત અને નિષ્ઠાથી જૂના સાહિત્ય–સંશોધન–પ્રકાશનનું દુર્ઘટ કાર્ય કર્યું હતું. તેમાં યશોદાયી કાર્ય તે ‘પ્રાચીન કાવ્યસુધા’ના તેમના હાથે વિવેકપૂર્વક સંપાદિત થયેલા ને પ્રસિદ્ધ થયેલા પાંચ ખંડો છે.
‘પ્રાચીન કાવ્યસુધા’ના પાંચેય ખંડોમાં છ. વિ. રાવળની પ્રાચીન કાવ્યસાહિત્ય વિશેની લગન, તદવિષયક ઊંડો અભ્યાસ ને ખંત તેમજ સંચયન માટેની વિવેકપૂત ર્દષ્ટિ જણાઈ આવે છે. આ ખંડોમાં પ્રેમાનંદની એક–એક નવી કૃતિ દરેક ભાગમાં મૂકવી એવી સંશોધકની યોજના હતી. પ્રસિદ્ધ કવિઓની અપ્રસિદ્ધ કે પ્રસિદ્ધ રચના જ્યારે તેઓ પસંદ કરે છે ત્યારે તે માટેનાં કારણો પણ તેઓ આપે છે. પ્રેમાનંદકૃત ‘નાસિકેતાખ્યાન’ જેવી અપ્રસિદ્ધ કૃતિની પસંદગી પાછળનો પોતાનો ર્દષ્ટિકોણ તેમણે પહેલા ખંડની પ્રસ્તાવનામાં સ્પષ્ટ કર્યો છે. ઓછા જાણીતા કવિની રચના લેતી વખતે તેના જીવન વિશે કે એવી બીજી કોઈ માહિતી પોતાની પાસે હોય તો તે પણ તેઓ સંક્ષેપમાં, પ્રસ્તાવનામાં આવરી લે છે. રાજે અથવા જીવણદાસી વિશેની તેમની નોંધો એનાં ઉદાહરણો છે. ક્યારેક મોતીરામ કે જદુરામ જેવા છેક ધૂળમાં ઢંકાયેલા કવિઓની રચનાઓને પણ તેઓ અહીં પ્રકાશમાં લઈ આવે છે. સંપાદનને શક્ય તેટલું પ્રમાણભૂત બનાવવા પ્રસંગોપાત્ત તેઓ કે. હ. ધ્રુવ, હરિનારાયણ આચાર્ય જેવા તદવિદો સાથે પરામર્શ પણ કરે છે. કેટલાક ખંડોમાં જરૂર ઊભી થતાં, સંગ્રહને છેડે પૂર્તિ રૂપે શબ્દ – છંદ વિશેની નોંધો પણ તેમણે આપી છે. આમ સંપાદનને શક્ય તેટલું રૂડું–પૂરું બનાવવાના તેમના પ્રયત્નો રહ્યા છે.
આ ખંડોમાં વધુ જાણીતા નરસિંહ મહેતા, પ્રેમાનંદ, મીરાંબાઈ, ભોજો, દયારામ, પ્રીતમ, અખો જેવાં અનેક કવિઓ–કવયિત્રીઓ છે; તો ઝુમખરામ, ડુંગરપુરી, મુકુન્દ, કૃષ્ણારામ, રાધાબાઈ, ઇંદ્રાવતી, ગોવિંદરામ, મોતીરામ, દુલ્લભદાસ, પ્રાગદાસ જેવાં અલ્પપરિચિત કે અપરિચિત કવિ-કવયિત્રીઓનો પણ મેળો છે. કાવ્યાનુરાગીઓ દિવસો સુધી માણ્યા-મમળાવ્યા કરે એવી વૈવિધ્યસભર–રસપ્રચુર ને અક્ષુણ્ણ આ કાવ્યસૃષ્ટિ છે. એકલે હાથે સ્વ. રાવળે આ પ્રાચીન કાવ્યસાહિત્યનું વિશાળ કાર્ય ક્યારે ને કેવી રીતે કર્યું હશે એનો વિચાર કરીએ છીએ ત્યારે આ ‘મહેતાજી’ તરફ જરૂર માનની લાગણી થાય છે.
‘પ્રાચીન કાવ્યસુધા’ના આ પાંચેય ખંડો જૂની ગુજરાતી કવિતાના રસિકો અને સંશોધકો માટે, તેમાંની વિપુલ સામગ્રી જોતાં, omnibus book બની રહ્યા છે. જૂનાં કાવ્યોના સંપાદકોમાં સ્વ. કાંટાવાળા અને સ્વ. ઇચ્છારામ દેસાઈ પછીનું તુરતનું સ્થાન છગનલાલ રાવળને આપવા કેટલાક વિદ્વાનો પ્રેરાયા છે તેની પાછળ સ્વ. રાવળની સંશોધનાત્મક શક્તિના ઉત્તમાંગરૂપ ‘પ્રાચીન કાવ્યસુધા’ના આ પાંચ ખંડો વિશેષ રૂપે રહેલા છે.
રાવળના જૂની ગુજરાતી પ્રત્યેના આકર્ષણમાં તેમની માતાની સાહિત્યપ્રીતિ કેવી કારણભૂત રહી હતી તેમજ કાવ્યસેવનથી ‘સહૃદયી માણસ’ને ‘અપૂર્વ આનંદ’, ‘અનહદ આનંદ’ મળે છે અને આ આનંદ પશુતુલ્ય માનવીઓ માટે નથી, સહૃદયીઓ માટે જ છે – વગેરે બાબતોના નિર્દેશ પણ આ ખંડોની પ્રસ્તાવનામાંથી મળે છે. વળી કવિ હરદેવરામકૃત ‘શિવપુરાણની અંતર્ગત કથા’ની વાત કરતાં તેને તેઓ ‘સંસારયાત્રામાં વ્યવહાર ચલાવવામાં ઘણી કામ આવતી’ હોવાથી ને તેની ભાષા ‘સરલ’ હોવાથી પુરસ્કારે છે; તો ‘નવી નિશાળ’ની કવિતાને ‘કઠિનભાષા’ને લઈને તેમજ ‘વ્યવહારમાં નિરુપયોગી’ હોવાથી ‘ભૂંડણનું છાણ નહિ લીંપ્યામાં કે નહિ થાપ્યામાં’ એમ જણાવી પ્રો. મણિલાલની ‘નવી કવિતા’ માટેની ‘ઇંગ્રેજી ફૂલની ઉપમા’માં પોતાનો સૂર પુરાવે છે, વગેરે નિર્દેશો સ્વ. રાવળનું માનસબંધારણ જૂની કવિતાને કેવું અનુકૂળ રહ્યું હતું અને નવી કવિતાને કેવું અનનુકૂળ હતું તે પણ એ ભાગોની પ્રસ્તાવનામાંથી પામી શકાય છે. ‘એક નિપુણ વ્યાપારી પોતાની નવી ઉઘરાણી કરતાં શું બાપદાદાના વખતની જૂની ઉઘરાણીને વસૂલ કરવાનું કદી પણ ભૂલે છે કે ?’ એવા તેમના ‘પ્રાચીન કાવ્યસુધા’ના પહેલા ભાગમાંના તીક્ષ્ણ પ્રશ્ન પાછળ જૂનું સાહિત્ય તેમને મન મરેલું નહિ પણ ‘જીવતું-જાગતું જ્યોત’ જેવું હતું તે પણ સમજાય છે.
આજે લગભગ અપ્રાપ્ય બનેલા આ પાંચ ભાગોનું જૂની ગુજરાતી કવિતાના મહત્વપૂર્ણ સંપાદન તરીકે ઐતિહાસિક મૂલ્ય તો રહ્યું છે જ. વળી તે સંપાદન સ્વ. રાવળનાં સાહિત્યિક રસ-રુચિ અને સંશોધક-સંગ્રાહક તરીકેના વ્યક્તિત્વને પામવા પણ જરૂરી કડીઓ પૂરી પાડી રહે છે.
પ્રવીણ દરજી