પ્રાગૈતિહાસિક કળા : આપણી જાણકારીમાં હોય એવી સૌથી જૂની કળા. તે માનવજાતના ઉદગમના સમય જેટલી એટલે કે હજારો વરસ જૂની છે એ વાત હવે વૈજ્ઞાનિક રીતે પણ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. કલાસર્જન માનવજાતની સૌથી પ્રાચીન પ્રવૃત્તિઓમાંની એક હોવાના પુરાવા મળે છે. ચિત્ર અને શિલ્પની કળા વણાટકામ અને માટીનાં વાસણ બનાવવાની કારીગરી કરતાં પણ વધુ જૂની અને ધાતુકામ કરતાં તો ઘણી જ જૂની છે.
ગુફાઓ અને ખડકોની સપાટીઓ પર દોરેલાં–ચીતરેલાં તથા કોતરેલાં પ્રાણીઓ પ્રાગૈતિહાસિક કળાનો મુખ્ય વિષય છે. તેમાં વિવિધ જાતનાં હરણાં, કૂતરાં, જંગલી ગાય, આખલા, ભેંસ, ઘોડા, જિરાફ, હાથી, પંખીઓ અને મૅમથ (બરફમાં રહેતા લાંબા જાડા દંતૂશળવાળા, લાંબા ઊનવાળા અતિવિરાટકાય, પ્રાગૈતિહાસિક હાથી) જેવાં, જેમનો શિકાર કરવામાં આવતો તેવાં પશુઓનો સમાવેશ થાય છે. આલેખિત પ્રાણીઓમાં ગુફાના ભૌગોલિક સ્થાન પ્રમાણે યથાયોગ્ય ફેરફારો જોવા મળે છે. સામાન્ય રીતે અલગ અલગ ગુફામાં અલગ અલગ જાતિનાં પ્રાણીનાં આલેખનોનું બાહુલ્ય જોવા મળે છે. પ્રાગૈતિહાસિક કળાકાર માત્ર પ્રાણીઓનાં આલેખન જ નહોતો કરતો; મનુષ્યો, વિકરાળ રાક્ષસો, અમૂર્ત પ્રતીકો તથા હાથની પૉઝિટિવ અને નૅગેટિવ છાપો પણ આલેખવામાં આવી છે. ચિત્રો ઉપરાંત ખાસાં પૂર્ણ (round) અને એકદિશાતરફી (bas relief) શિલ્પો મળી આવ્યાં છે. એ શિલ્પોનું કદ સામાન્યત: નાનું છે. તેમાંનાં કેટલાંક પૂજાની મૂર્તિઓ હોય તેવાં જણાય છે : દાખલા તરીકે, વિવિધ સ્થળોએથી લગભગ એકસરખી ‘માતૃકા’ જેવી સ્ત્રી-આકૃતિઓની મૂર્તિઓ મળી આવી છે. આનું એક ઉદાહરણ છે : ‘વિનસ ઑવ્ વિલન્ડોર્ફ’. અહીં સ્ત્રીનાં જનનાંગો અને સ્તનો પર વિશેષ ભાર મુકાયો હોય તેવું જણાય છે. તેથી તે ‘પ્રજનન-આકૃતિ’ (Fertility Figure) તરીકે પણ ઓળખાય છે. સ્ત્રી નવા માનવનું સર્જન કરી આપનાર વ્યક્તિ હોવાથી અનુમાન છે કે પ્રાગૈતિહાસિક સમયમાં તેનો સામાજિક મોભો પુરુષ કરતાં ઊંચો હોય.
પ્રાગૈતિહાસિક કળાના હેતુ અંગે વિદ્વાનોમાં તીવ્ર મતભેદો છે. પ્રાગૈતિહાસિક કળાનું એક લક્ષણ એ છે કે તે ખૂબ ઊંડી ગુફામાં આલેખાયેલી જોવા મળે છે. તત્કાલીન લોકો પણ તે જોઈ શકતા હશે કે કેમ તેવો સ્વાભાવિક પ્રશ્ન થાય. તેથી, તેની પાછળ કોઈ વૈધિક હેતુ હોવો જોઈએ એવું અનુમાન કેટલાક કરે છે. એથી પણ વધુ ગૂંચવાડો ઊભી કરનારી હકીકત એ છે કે સ્વયં કળાકારોને પોતાના સર્જન માટે કોઈ આદરભાવ જણાતો નથી, કારણ કે એક રચનાની ઉપર જ બીજી રચના વારંવાર જોવા મળે છે. આ માટે બે ખુલાસાઓ રજૂ કરવામાં આવે છે : આલેખન કરવાની પ્રવૃત્તિ અને વિધિનું જ મહત્વ હતું, આખરી પરિણામનું નહિ. તે જ રીતે આલેખન કરવાયોગ્ય સપાટીઓ જૂજ હોવાથી કળાકારો તેના અભાવે એક રચનાની ઉપર જ બીજી રચના કરતા. આજે ટકી રહેલી આદિમ માનવજાતિઓની પ્રણાલીઓ સાથે સરખામણી કરી પ્રાગૈતિહાસિક પ્રણાલીઓ સમજવાનો એક અભિગમ મોજૂદ છે. એ રીતે, એક જમાનામાં પ્રચલિત શિકારના વિધિનો પ્રત્યક્ષ પુરાવો દક્ષિણ આફ્રિકન બુશમૅનની જીવનપ્રણાલીમાં પ્રાપ્ત થાય છે. તેમનો વિધિ આ મુજબનો હતો : પ્રથમ ખુલ્લી જમીન પર શિકાર કરવામાં આવનાર પ્રાણીને લાકડી વડે આલેખવું. પછી તે આલેખિત પ્રાણીને (લાકડીના આલેખન વડે જ) ‘ઘાયલ’ કરવું. પછી સાચો શિકાર કરવો. શિકાર કર્યા બાદ તે પ્રાણીનું ચિત્ર ભૂંસી દેવું, જેથી મૃત પ્રાણીના આત્માને કોઈ આશરો ન મળે અને તેથી તે બદલો ન લઈ શકે !
પ્રાગૈતિહાસિક કળાની શોધ પ્રમાણમાં નવી છે. કળાના ઇતિહાસવિદોને તેના અસ્તિત્વથી ટેવાયાને માંડ સવાસો વર્ષ થયાં છે. પ્રાચીન વસ્તુઓના સંગ્રાહકોનું ધ્યાન પ્રાગૈતિહાસિક અવશેષો તરફ 1860થી દોરાવું શરૂ થયું હતું; પરંતુ પ્રાગૈતિહાસિક ચિત્રોની પહેલી મુખ્ય શોધ 1879માં સ્પૅનિશ આર્કિયૉલૉજિસ્ટ ડૉન માર્સેલિનો દિ સેટ્ચ્યુઓલાએ કરી. તેણે ‘આલ્તામીરા’ નામની ચિત્રાંકનોવાળી પ્રાચીન ગુફા વિશ્વ સમક્ષ છતી કરી. આજે ‘આલ્તામીરા’ની કળા 10,000થી 30,000 વર્ષ જૂની ગણાય છે. એ ગુફાની કળા શોધાયા બાદ બીજા જ વર્ષે દિ સેટ્ચ્યુઓલાનાં સંશોધનો પ્રકાશિત થયાં, જેને વિશ્વભરમાં તેમજ પ્રાગૈતિહાસિક અભ્યાસના કેન્દ્ર સમા ફ્રાંસમાં પણ મહદંશે શંકાની નજરે જોવામાં આવ્યાં. આનું કારણ એ હતું કે ‘આલ્તામીરા’માં ચિત્રો નુકસાની થયા વિના અકબંધ જળવાઈ રહ્યાં હતાં અને તે ચિત્રોની શૈલી અત્યંત સ્વાભાવિક તથા પ્રવાહી હતી. ફ્રાંસમાં બે દસકા પછી, 1895માં ‘લ માઉથ’ ખાતે આવેલી બંધ ગુફામાં પ્રાગૈતિહાસિક ચિત્રો મળી આવ્યાં, પણ તેમને પણ બનાવટ સમજીને બાતલ ગણવામાં આવ્યાં. છેક 1902માં ફ્રેંચ પ્રાગૈતિહાસિક વિદ્વાન એમાઇલ કાર્થાઇલાકે પોતાની અગાઉની શંકાઓ નિર્મૂળ કરતું સંશોધન ‘મીયા કુલ્પા ઑવ્ અ સ્કૅપ્ટિક’ પ્રકાશિત કર્યું. જોગાનુજોગ જે સમયે ‘આધુનિક કળા’(modern art)નો જન્મ થઈ રહ્યો હતો તે સમયે જ માનવજાતને તેની પોતાની પ્રાગૈતિહાસિક કળાની પહેચાન થઈ રહી હતી.
પ્રાગૈતિહાસિક કળાકારોએ રેખાની પ્રબળતા પર ઘણો મદાર બાંધ્યો છે. માત્ર રેખાચિત્રો વડે પણ તેઓ આખલા જેવા પ્રાણીની શક્તિનો ગુફા કે ખડકની સપાટી પર અનુભવ કરાવી શક્યા છે. તેઓ પ્રાણીઓને મહદંશે ‘પૂર્ણ’ સ્વરૂપમાં જ રજૂ કરતા. ‘પૂર્ણ’ સ્વરૂપ એટલે બાજુમાંથી દેખાય એવું સ્વરૂપ; જેથી પ્રાણીનાં મહત્વનાં બધાં જ અંગો એકસાથે જોઈ શકાય. વધુમાં, આ વિષયના નિષ્ણાત એબે બ્રીવીલના મતે બાજુમાંથી દેખાતા પ્રાણીનું સ્વરૂપ ‘વાંકું વળેલું’ હોય છે. એટલે, પ્રાણીને ભલે બાજુમાંથી ચીતર્યું હોય; પણ તેની ખરીઓ, શિંગડાં, કાન સામેથી દેખાતાં હોય તેવાં ચીતર્યાં હોય છે. આમ કરવાથી પ્રાણીની મોટાભાગની લાક્ષણિકતાઓ રજૂ થઈ શકે છે અને પ્રાણીને ચિત્ર જોતાંવેંત ઓળખી શકાય છે. પ્રાગૈતિહાસિક ચિત્રોનું બીજું એક લક્ષણ એ છે કે ઘણી વાર તેમને અધૂરાં છોડી દેવાતાં કે ચિત્ર-વિષયને ટૂંકાવી દેવાતો. પ્રાણીઓના પગ તો વારંવાર અધૂરા છોડી દેવાયેલ નજરે પડે છે. ઘણી વાર માત્ર પીઠ અને પેટના લાક્ષણિક વળાંકથી જ પ્રાણી રજૂ કરેલું જોવા મળે છે. મનુષ્યને પણ ઘણી વાર પગ અને માથું બાકાત કરી માત્ર ધડ અને હાથ વડે રજૂ કર્યો છે.
સંરચના, જેને અંગ્રેજીમાં કંપોઝિશન કહે છે તે, પ્રાગૈતિહાસિક ચિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. ક્યારેક ક્યારેક આકૃતિઓ ભેગી કરી હોય તેવું જણાય છે; જેમ કે, ફ્રાંસની ‘લાસ્કૂ’ ગુફામાં ‘નદીમાં તરતાં જણાતાં પાંચ રેન્ડિયરો’ની રચના. ચિત્રોમાં ભૂરેખાની સતત ગેરહાજરી ધ્યાન ખેંચે છે; પણ ખડકમાં જો આડી તિરાડ હોય તો પ્રાગૈતિહાસિક કળાકારોએ તેને ભૂરેખા તરીકે સ્વીકારેલી જણાય છે; પણ ચાહીને ભૂરેખા દોરી નથી. ચિત્રમાં કોઈક અનપેક્ષિત સ્થળે પ્રાણી ચીતરેલું દેખાય તો તેનું કારણ માત્ર એટલું જ લાગે છે કે ખડકની તિરાડ ત્યાં વાંકી વળી ગઈ હોય. ‘આલ્તામીરા’, ‘લાસ્કૂ’ તથા ઉત્તર આફ્રિકાના સહરાના રણના ખડકોમાં મળેલી ગુફાઓનાં ચિત્રોમાંનાં પ્રાણીઓ દ્વિપરિમાણી – સપાટ નહિ પણ ઘન–ગોળાકાર (Round) દેખાય તેવી કુશળતાથી ચીતર્યાં છે અને આ ચિત્રો શિખાઉનાં હોય એવાં સહેજે જણાતાં નથી, બલકે, એક અનુભવી કળાકારની કૃતિઓની છાપ ઉપસાવે છે. પ્રાગૈતિહાસિક આલેખનોના વિષયો પરથી જે તે સ્થળની તત્કાલીન પરિસ્થિતિ વિશે પણ જાણવા મળે છે. સહરાના રણના ખડકોની ગુફાઓમાંથી મળી આવેલાં જિરાફ અને હિપોપૉટેમસનાં ચિત્રો પરથી એટલું તો સાબિત થાય છે જ કે એક સમયે એ મરુભૂમિ હિપોપૉટેમસ જેવા પાણીમાં રહેવા ટેવાયેલા પ્રાણીને નભાવી શકે તેટલી હદે ભેજવાળી હતી. (એ સમયે પ્રાગૈતિહાસિક કળાકાર એક જિંદગીમાં મધ્ય આફ્રિકામાંથી ઉત્તરમાં બે-અઢી હજાર કિલોમીટરની સફર કરી શકે એ શક્ય જ નહોતું.) આમ પૃથ્વીના અને તેના હવામાનના ઇતિહાસકારોનાં કેટલાંક અનુમાનોને પણ પુષ્ટિ અને દિશાસૂચન મળ્યાં છે.
પ્રાગૈતિહાસિક કળામાં કથાચિત્રો ખરેખર અસ્તિત્વ ધરાવે છે કે નહિ તેની સાબિતી હાલમાં ઉપલબ્ધ નથી; પરંતુ પ્રાસંગિક ઉદાહરણો એટલું તો સાબિત કરે જ છે કે કોઈક રીતે વારતા કહેવામાં આવી છે; પણ અત્યારે આપણે તેના અર્થ સ્પષ્ટ કરી શકીએ તેમ નથી. હકીકતમાં હજારો વરસો અગાઉ સર્જન પામેલી આ કળા આપણી જાણકારીમાં હજી હમણાં જ આવી છે. એ કળાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકવા માટે હજુ વધુ સમય જોઈશે. તે કળાનો સર્જક આપણાથી તદ્દન ભિન્ન હતો. તે જીવવા માટે ઝૂઝતી શિકારી અને ભટકતી ટોળીનો સભ્ય હતો અને સતત ભયના ઓથાર હેઠળ જીવતો હોય એ તદ્દન શક્ય છે. પ્રાગૈતિહાસિક કળાકારના તેના સમાજમાં સ્થાન વિશે કશું જ જાણવા મળતું નથી. ઘણા પ્રશ્નો અનુત્તર રહે છે. કળાનું સર્જન પુરુષ કરતો કે સ્ત્રી ? શું દરેક વ્યક્તિ કળાસર્જન કરતી કે કોઈ પ્રતિભાસંપન્ન વ્યક્તિ જ તે કરતી ? કળાકારનો ટોળીમાં મોભો ઊંચો હતો ખરો ? કળાસર્જન એ પવિત્ર પ્રવૃત્તિ હતી ? એ કળા જોવાથી જે સ્પષ્ટ થાય તેટલું જ આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ અને અન્યથા તો અનુમાન જ કરવું પડે. એ સ્પષ્ટ છે કે પ્રાગૈતિહાસિક કળાકાર પરસ્પરવિરોધી વૃત્તિઓને વશ થતો. મોટાભાગની પ્રાગૈતિહાસિક કળા નિસર્ગના સૂક્ષ્મ નિરીક્ષણ પર અવલંબિત છે. એક બાજુ કળાકાર જે કાંઈ જોતો તેનું નિરીક્ષણ ચોકસાઈભર્યાં બયાન દ્વારા રજૂ કરવા મથતો; તેમ છતાં તેમાં તેના કેટલાક પૂર્વગ્રહો પણ પ્રગટ થતા જણાય છે; દાખલા તરીકે, મનુષ્ય-આકૃતિની રજૂઆત હંમેશાં શૈલીગ્રસ્ત અને તેથી કૃત્રિમ તથા વિકૃત જણાય છે. આ હકીકત અંગે બે અનુમાનો કરવામાં આવે છે : એક તો એ કે મનુષ્ય મનુષ્યનો શિકાર ન કરતો હોવાથી કળાપ્રવૃત્તિ કરનાર મનુષ્ય પણ પ્રાણીઓનું નિરીક્ષણ જેટલી ચોકસાઈથી કરતો તેટલી ચોકસાઈથી મનુષ્ય-આકૃતિનું નિરીક્ષણ કરતો નહિ. બીજા અનુમાન અનુસાર, કળાકાર જાણીજોઈને મનુષ્યની આકૃતિને ચોકસાઈથી નિરૂપવાથી દૂર રહેતો, કારણ કે જો મનુષ્ય-આકૃતિ ચોકસાઈથી નિરૂપાય તો જે તે મનુષ્યનો આત્મા ચિત્રમાં પ્રવેશે અને દુશ્મનો એ ચિત્ર પર હુમલો કરે તો તે મનુષ્ય પણ જોખમમાં આવી શકે. આ અનુમાન અદ્યતન જમાનાની કેટલીક આદિમ માનવજાતિઓની પ્રણાલી અનુસાર કર્યું છે. પુરુષ અને સ્ત્રીની આકૃતિનો તફાવત સ્પષ્ટ કરવા માટે જનનાંગો સ્પષ્ટ આલેખેલાં જોવા મળે છે. પ્રાગૈતિહાસિક કળાનું એક મહત્વનું પાસું એ છે કે તે અમૂર્ત પ્રતીકોની ભાષા પણ રજૂ કરે છે. વિવિધ વર્તુળો, સર્પિલો, ત્રિકોણો અને રેખાઓ મૂર્ત વિચારોને અમૂર્ત પ્રતીકોની મદદથી રજૂ કરતાં જણાય છે; પરંતુ તેના સંદર્ભો વિના તે સમજવા મુશ્કેલ બને છે. ભારતમાં ભીમબેટકા ખાતે પ્રાગૈતિહાસિક આલેખનો ધરાવતી ગુફાઓ મળી છે.
અમિતાભ મડિયા