પ્રાગજ્યોતિષપુર : પૌરાણિક/પ્રાચીન કાળના કામરૂપ (આસામ) રાજ્યનું પાટનગર. જ્યોતિષશાસ્ત્રના અધ્યયન-અધ્યાપનના કેન્દ્ર તરીકે તે વિકાસ પામેલું હોવાથી તેને આ નામ મળ્યું હોય એવી માન્યતા પ્રવર્તે છે. જ્યોતિષશાસ્ત્રના અઠંગ વિદ્વાનો ગણાતા શાકદ્વીપી બ્રાહ્મણોએ કાયમી વસવાટ માટે ભારતના ઈશાન પ્રદેશના જે નગરની પસંદગી કરી હતી તે નગરને તે કારણસર પ્રાગજ્યોતિષપુર નામ અપાયું હોય એવી પણ એક માન્યતા પ્રચલિત છે. આસામ રાજ્યનું એક સમયનું પાટનગર ગુવાહાટી (26° 11´ ઉ. અ. અને 96° 47´ પૂ. રે.) આ પ્રાચીન પ્રાગજ્યોતિષપુરના સ્થળ પર વિકસ્યું છે અને આજે પણ તે પ્રાગજ્યોતિષપુરનું વૈકલ્પિક નામ ધરાવે છે.
કાલિકાપુરાણમાં મળતા ઉલ્લેખ મુજબ આ નગર કામાખ્યા નામથી પણ ઓળખાતું હતું. નરકાસુર રાજાના શાસનકાળ દરમિયાન આ નગરની રમણીયતા અને સમૃદ્ધિમાં ઘણી વૃદ્ધિ થયેલી એવા પ્રકારનું વર્ણન પણ કાલિકાપુરાણમાંથી મળે છે. રામાયણ, મહાભારત તથા બૃહત્સંહિતામાં પણ આ નગર વિશેના ઉલ્લેખો સાંપડે છે. ભગવાન શ્રીકૃષ્ણે નરકાસુરનો વધ આ નગરમાં કર્યો હતો અને તે પછી હજારો સ્ત્રીઓને તેના બંદીવાસમાંથી મુક્ત કરી હતી એવી પણ એક કથા છે. કામરૂપ રાજ્યના સીમાડા પર કિરાત અને ચીન દેશો આવેલા હતા એવી માહિતી મહાભારતમાંથી મળે છે. તેનો રાજા ભગદત્ત પાંડવોની સામે કૌરવોના પક્ષે લડ્યો હતો. તેની સેનામાં કિરાત અને ચીન દેશોના સૈનિકો હતા એવા ઉલ્લેખો પણ મળે છે.
નાલંદા ખાતેના ઉત્ખનન દરમિયાન એક એવી મુદ્રા મળી આવેલી છે, જેના પર પ્રાગજ્યોતિષપુરના શાસક પુષ્યવર્મનનું નામ અંકિત કરેલું છે. ઈ. સ. પૂર્વે પાંચમા સૈકામાં આ નગરનો ઉલ્લેખ જનપદ તરીકે કરવામાં આવેલો છે.
જામનગરથી આશરે 95 કિમી. અંતરે આવેલું ગોપ ગામડું પ્રાચીન કાળમાં પ્રાગજ્યોતિષપુર નામ ધરાવતું હતું, ત્યાં નરકાસુરનું રાજ્ય હતું અને તેના એક જમાનાના રાજા ભગદત્તનો પુત્ર વજ્રદત્ત ત્યાંથી દેશવટો પામીને કામરૂપ દેશમાં ગયેલો. જે સ્થળે તે રહ્યો તે સ્થળને તેણે પોતાના મૂળ નગરનું નામ પ્રાગજ્યોતિષપુર આપેલું. આવી વિગતો પણ તે અંગેના સંશોધનમાંથી મળેલી છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે