પ્રાગ્જીવયુગ (Proterozoic era) : પ્રી-કૅમ્બ્રિયન મહાયુગના ઉત્તરાર્ધ ભાગનો સમાવેશ કરતો કાળગાળો. વર્ષોના સંદર્ભમાં જોતાં આ કાળગાળાને ભૂસ્તરીય ઇતિહાસના અતીતમાં આજથી આશરે 200 ± કરોડ વર્ષથી શરૂ કરીને 60 ± (અથવા 57) કરોડ વર્ષ અગાઉ સુધીમાં મૂકી શકાય. કેટલાક તેને આલ્ગોંકિયનને સમકક્ષ પણ ગણે છે. આધુનિક વિચારધારા ધરાવતા સ્તરવિદો આ વિભાગ માટે ‘પ્રાગ્જીવયુગ’ શબ્દ ઉપયોગમાં લેવાની તરફેણમાં નથી, તેથી મોટેભાગે પશ્ચિમની દુનિયામાં તે ઓછો વપરાય છે. કૅનેડાની ભૂસ્તરીય સંસ્થા(Geological Society of Canada)ના સ્તરવિદો આ યુગના નિમ્ન, મધ્ય અને ઊર્ધ્વ એ પ્રમાણેના પ્રી-કૅમ્બ્રિયનના વિભાગો પાડી તેને ઉત્તરાર્ધ ભાગમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. આમ તે અંતિમ પ્રી-કૅમ્બ્રિયનમાં ગોઠવાય છે; તેના ખડકો અને ઇતિહાસ પણ એ માળખામાં રહીને જ સમજવાના રહે છે. (કોષ્ટક અને વધુ વિગત માટે જુઓ પ્રી-કૅમ્બ્રિયન યુગ અને ભૂસ્તરીય કાળક્રમ.) ભારતના ભૂસ્તરશાસ્ત્રમાં કડાપ્પા રચના અને વિંધ્ય રચનાનો સમાવેશ પ્રાગ્જીવયુગમાં કરવામાં આવેલો છે.

ગિરીશભાઈ પંડ્યા