પ્રાઇમ્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 28 પ્રજાતિ અને 800 જાતિઓ ધરાવે છે. તેનું બધા જ ખંડોમાં બહોળું વિતરણ થયું હોવા છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. કેટલીક જાતિઓ ઉત્તર ધ્રુવ અને ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં થાય છે; પરંતુ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ ગોળાર્ધમાં ભાગ્યે જ જોવા મળે છે. આ કુળની 11 પ્રજાતિઓ સ્થાનિક (indigenous) જાતિઓની બનેલી છે. Dodecatheon અને Androsace સિવાયની બધી જ પ્રજાતિઓ પ્રાથમિકપણે પૂર્વીય વિતરણ દર્શાવે છે. આ પ્રજાતિઓ (કુલ જાતિઓ અને સ્થાનિક જાતિઓ સહિત) આ પ્રમાણે છે : Primula (400–6 જાતિ), Lysimachia (100–7 જાતિ), Steironema (5–5 જાતિ), Androsace (85–15 જાતિ), Dodecatheon (30–25 જાતિ), Douglasia (6–4 જાતિ), Hottonia (2–1 જાતિ), Samolus (10–5 જાતિ), Trientalis (3–1 જાતિ), Glaux (1–1 જાતિ) અને entunculus (1–1 જાતિ).
આ કુળની વનસ્પતિઓ એકવર્ષાયુ કે બહુવર્ષાયુ શાકીય કે ભાગ્યે જ ઉપક્ષુપીય (suffrutescent) હોય છે. Primulaમાં સંયુક્તાક્ષજન્ય (sympodial) ગાંઠામૂળી અને Cyclomenમાં ફૂલેલા અધરાક્ષમાંથી વિકસતો વજ્રકંદ જોવા મળે છે. કેટલાકમાં હવાઈ પ્રકાંડની વૃદ્ધિ અવરોધાતાં સઘન ગુચ્છના સ્વરૂપે મૂળ પર્ણો ગોઠવાયેલાં હોય છે. પર્ણો સામાન્યત: સાદાં[જલજ Hottoniaમાં પક્ષવત્ (pinnately) છેદન પામેલાં], મોટેભાગે સમ્મુખ અથવા ભ્રમિરૂપ (whorled), કેટલીક વાર બધાં પર્ણો તલસ્થ (basal) હોય છે અને ગ્રંથિઓ ધરાવે છે અથવા ચૂર્ણાવૃત (farinose) હોય છે. પુષ્પવિન્યાસ કક્ષીય એકાકી અથવા કેટલીક જાતિઓમાં કલગી, શૂકી કે છત્રક સ્વરૂપે ગોઠવાયેલો હોય છે. પુષ્પ નિયમિત, અરિય (actinomorphic), Corisમાં દ્વિપાર્શ્વીય સમમિત (zygomorphic), દ્વિલિંગી, અધોજાયી, [samolusમાં અર્ધઉપરિજાય (semiepigynous)], નિપત્રી અને પંચાવયવી [ચતુ:અવયવી (Centunculus), ષટ્-અવયવી (Lysimachia), નવઅવયવી (Trientalis)], હોય છે. વજ્ર 4થી 9, પર્ણાભ (foliaceous) અને સામાન્યત: દીર્ઘસ્થાયી (perisistent) વજ્રપત્રો ધરાવે છે. દલપુંજ 4થી 9, કોરછાદી (imbricate), યુક્તદલપત્રી (gamopetalous), સામાન્યત: ચક્રાકારથી દીપકાકાર (salveriform) દલપત્રોનો બનેલો હોય છે. Glauxમાં દલપુંજનો અભાવ હોય છે. Pelletiera મુક્તદલપત્રી (polypetalous) દલપુંજ ધરાવે છે. Dodecatheon અને Cyclamenમાં બહિર્વલિત (reflexed) દલપત્રો જોવા મળે છે : પુંકેસરચક્ર દલપત્રસમ્મુખ, દલપત્રોની સંખ્યા જેટલાં, એકચક્રમાં ગોઠવાયેલાં પુંકેસરો વડે બનેલું હોય છે. Soldanella અને Samolusમાં તેનું લુપ્ત (missing) બાહ્ય ચક્ર શલ્કી વંધ્ય પુંકેસરો દ્વારા પ્રતિનિધિત્વ દર્શાવે છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેનું સ્ફોટન લંબવર્તી અને અંતર્મુખી થાય છે.
સ્ત્રીકેસરચક્ર સામાન્ય રીતે પંચયુક્તસ્ત્રીકેસરી ઊર્ધ્વસ્થ એકકોટરીય બીજાશય ધરાવે છે. બીજાશયમાં થોડાંકથી અસંખ્ય અર્ધઅધોમુખી (semianatropous) અંડકો મુક્તકેન્દ્રસ્થ (free-central) જરાયુ પર ગોઠવાયેલાં હોય છે. અંડક બે અંડાવરણો ધરાવે છે. વિષમપરાગવાહિનીત્વ (heterostyly) સામાન્ય છે. પરાગવાહિની એક અને પરાગાસન સમુંડ (capitate) હોય છે. ફળ 5 દાંત (કેટલીક વાર 10 દાંત) અથવા કપાટ (valve) ધરાવતું પ્રાવર પ્રકારનું હોય છે. Anagallis અને Centunculus શીર્ષસ્ફોટી (pyxis) ફળ ધરાવે છે. બીજમાં નાનો અને સીધો ભ્રૂણ હોય છે. તેમાં ભ્રૂણપોષ વિપુલ પ્રમાણમાં અને અર્ધપારદર્શક હોય છે.
પ્રાઇમ્યુલેસી અને કૅર્યોફાઇલેસીમાં સ્ત્રીકેસરચક્ર મૂળભૂત રીતે સમાન હોય છે. બીજાશયના તલપ્રદેશે રહેલાં કોટરો અને સંવહનભાત (vascular pattern) દર્શાવે છે કે પ્રાઇમ્યુલેસી કુળ બહુકોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ ધરાવતા પૂર્વજમાંથી ઉદવિકાસ પામ્યું છે. વર્નહામ, બેસી અને હચિન્સનના મત પ્રમાણે આવું આદ્ય સ્વરૂપ સેન્ટ્રોસ્પર્મી ગોત્રમાં જોવા મળે છે. તે મુક્તદલા (polypetalae) અને યુક્તદલા (gamopetalae) વર્ગકો(taxon)ની કૃત્રિમતાનો નિર્દેશ કરે છે; ઉપરાંત દ્વિદળીના પરિદલપુંજની સહજાતતા(connation)ના થયેલા સમાંતર અથવા અભિસારી (convergent) ઉદવિકાસની સંકલ્પનાને અનુમોદન આપે છે.
બળદેવભાઈ પટેલ