પ્રાઇમોજેનિચરનો નિયમ

February, 1999

પ્રાઇમોજેનિચરનો નિયમ : કાયદો, પ્રથા અથવા પરંપરાગત વ્યવહાર દ્વારા જ્યેષ્ઠ સંતાનને પ્રાપ્ત થતો વારસાનો અન્યવર્જિત અધિકાર. લૅટિનમાં ‘પ્રાઇમોજેનિસ’ એટલે પ્રથમ જન્મેલું એવો અર્થ છે. તે ઉપરથી તેનો ભાવાર્થ થાય જ્યેષ્ઠ સંતાન અગર જ્યેષ્ઠ પુત્ર. એક જ માતાપિતાનાં અનેક સંતાનો પૈકી સૌથી પ્રથમ જન્મેલા સંતાનના પૈતૃક અધિકાર તેના દ્વારા નિર્ધારિત થતા હોય છે. આ અધિકાર મુખ્યત્વે જમીનની માલિકીને લાગુ પાડવામાં આવે છે. અન્ય સંતાનો કરતાં જ્યેષ્ઠ પુત્રનો આવો અધિકાર ચઢિયાતો અને તેનો એકલાનો જ ગણાય છે. તે પોતાના પૂર્વજની સમસ્ત મિલકતને વારસામાં મેળવવાનો અન્યવર્જિત અધિકાર ધરાવે છે. મોટાભાગના કિસ્સાઓમાં આ અધિકાર જ્યેષ્ઠ પુત્રને અપાય છે, પરંતુ અપવાદજનક કિસ્સાઓમાં તે જ્યેષ્ઠ પુત્રીને પણ અપાતો હોય છે.

આ અધિકાર લશ્કરી સેવાઓ માટે અપાયેલી જમીનજાગીરના સંબંધમાં નૉર્મંડી અને ઇંગ્લૅન્ડમાં વિકસ્યો હતો. તેનાથી પેલી વારસાગત જાગીર અંગેના માલિકીહકને કોઈ બાધ આવતો ન હતો. પરંતુ લશ્કરી સેવાઓના બદલામાં જેમને આવી જાગીર એનાયત થઈ હતી તેવા પરિવારોમાંથી ઓછામાં ઓછો એક માણસ સામંતયુગી લશ્કરી સેવાઓ આપવા માટે બંધાયેલો રહેતો. આગળ જતાં આ અધિકાર વ્યાપક બન્યો હતો. તે બધી જ જમીનોને લાગુ પડતો થયો હતો. જોકે કેન્ટ કાઉન્ટર, અને જ્યાં જમીનોનું પુત્રોમાં વિભાજન કરવાની રૂઢિ પ્રચલિત હતી ત્યાં, તે લાગુ પડતો ન હતો. આ નિયમની ઉપયોગિતા તો  ક્યારની મટી ગઈ હતી. પણ તે ઇંગ્લૅન્ડમાં 1926 સુધી અને સ્કૉટલૅન્ડમાં 1964 સુધી ટકી રહ્યો હતો. જ્યાં જમીન મહિલાઓને પણ વારસામાં મળતી હતી ત્યાં આ નિયમ લાગુ પડતો ન હતો, અને બધી મહિલાઓને સરખા હિસ્સે વારસો મળતો હતો. જોકે આજેય તેનો ઇંગ્લૅન્ડના રાજવી પદ માટે તેમજ ઉમરાવ પદો અને અન્ય માનસન્માનોના વારસા માટે અમલ ચાલુ રહ્યો છે.

જ્યેષ્ઠાધિકારનો મુખ્ય હેતુ વારસાગત મિલકતને પેઢી દર પેઢી વિભાજનમાંથી બાકાત રાખવાનો હતો. સહેજ ફેરફાર સાથે આ પ્રથા સમયાંતરે માત્ર મિલકતના વારસાને જ નહિ, પરંતુ સત્તા અને પદના વારસાને પણ લાગુ પાડવામાં આવી હતી.

બિપીન શુક્લ