પ્રાંતિજ : ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલું શહેર. સ્થાન : 23° 30´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે. તાલુકાનું વહીવટી મથક. તેની પશ્ચિમે સાબરમતી, વાયવ્યમાં હાથમતી અને અગ્નિમાં ખારી નદી વહે છે. અમદાવાદથી તે ઈશાન કોણમાં અમદાવાદ–ખેડબ્રહ્મા રેલવે-લાઇન પર આશરે 66 કિમી. દૂર આવેલું છે. અહીં માર્કંડેશ્વર મહાદેવનું પુરાણું મંદિર આવેલું છે. જન્માષ્ટમીએ અહીં મેળો ભરાય છે. મંદિરની બાજુમાં ‘બોખ’ તરીકે ઓળખાતું તળાવ છે. ત્યાંથી શિંગોડાંની વાવણી કરીને ઉત્પાદન લેવામાં આવે છે. આ તળાવ પર અમુક પક્ષીઓ કાયમી વાસ કરે છે, તેમજ શિયાળાની ઋતુમાં બહારથી અનેક જાતનાં પક્ષીઓ આવે છે. આ શહેરમાં માધ્યમિક અને ઉચ્ચતર-માધ્યમિક શાળા તેમજ હૉસ્પિટલ છે. પ્રાંતિજ રાષ્ટ્રીય માર્ગ પર આવેલું છે. તે માણસા, ધનસુરા, હિંમતનગર અને અમદાવાદ સાથે સડક-માર્ગોથી જોડાયેલું છે. શહેરની વસ્તી 2011 મુજબ 23,596ની છે. પ્રાંતિજ તાલુકામાં ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, ચણા, મઠ અને સકરટેટીનું વાવેતર કરવામાં આવે છે.

ગિરીશ ભટ્ટ