પ્રહસન : બહુધા ફાર્સ તરીકે ઓળખાતો પાશ્ચાત્ય હાસ્યનાટકનો પ્રકાર. નાટ્યની પરિભાષામાં મૂળ ફ્રેન્ચ શબ્દ farce એટલે કે ‘ઠાંસીને ભરવું’ પરથી આ શબ્દ યોજવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ તદ્દન હળવા પ્રકારનું અને સૌથી પ્રાકૃત સ્તરનું હાસ્ય એટલે કે અટ્ટહાસ્ય નિપજાવવાનો છે. તે નિમ્ન પ્રકારની એટલે કે હળવી કૉમેડી લેખાય છે. તેનાં પ્રાથમિક લક્ષણો : અતિશયોક્તિભરી શારીરિક ચેષ્ટાઓ (ક્યારેક તેનું પુનરાવર્તન પણ થતું રહે છે), પાત્રો તથા પ્રસંગોની અતિશયોક્તિ, હાસ્યાસ્પદ અને બેઢંગી પરિસ્થિતિઓ તથા અશક્ય – ક્યારેક સાવ અસંભવિત પ્રસંગો એટલે કે તરંગી પ્રસંગો પણ હોય તેમજ અણધાર્યા પાત્રપ્રવેશ અને રહસ્યસ્ફોટ નિમિત્તે વિસ્મય. પ્રહસનમાં પાત્રો અને સંવાદો લગભગ હમેશાં નાટ્યવસ્તુ તથા પ્રસંગોને વશ વર્તતાં હોય છે. મોટેભાગે તેનું વસ્તુ આંટીઘૂંટી અને ગૂંચવાડાભર્યું હોય છે અને તેમાંના પ્રસંગો ગૂંચવણમાં નાખે એવા વેગપૂર્વક એકબીજાને અનુસરતા હોય છે.

પ્રહસનનું ચોક્કસ ઉદભવસ્થાન નિશ્ચિત નથી. કેટલાક તેને પ્રાગૈતિહાસિક ધીંગામસ્તી કે શોરબકોર રૂપે મૂલવે છે. પ્રશિષ્ટ સાહિત્યમાં ઍરિસ્ટૉફેનિસ તથા પ્લૉટસની નાટ્યકૃતિઓમાં પ્રહસનજનક તત્વો જોવા મળે છે. આવું તત્વ ગ્રીસનાં સૅટાયર નાટકો તથા રોમનાં ફૅબ્યુલા પ્રકારનાં નાટકોમાં પણ જોવાય છે.

પ્રહસન તરીકે ઓળખાવી શકાય તેવી સર્વપ્રથમ નાટ્યરચનાઓ તે ‘ફ્રાન્સી’; મધ્યયુગના ઉત્તરાર્ધમાં એ કૃતિઓ રચાઈ છે. આ રચનાઓ ધાર્મિક કે ઉપદેશપ્રધાન નાટકોમાં વચ્ચે ગોઠવી દેવાતી અવાંતર રચનાઓ જેવી છે. તેમાં મુખ્યત્વે 500 પંક્તિઓની ઑક્ટોસિલેબિક કડીઓમાં હાસ્યમસાલો ભરવામાં આવતો. રોજબરોજના જીવનની મૂર્ખાઈઓ તથા દુર્ગુણોના મુખ્ય વિષયમાં ખાસ તો ધંધાદારી ધૂર્તતા તથા પરિણીત જીવનની બેવફાઈને હાસ્યનું નિશાન બનાવવામાં આવતાં. આ પ્રકારની કૉમેડીનું ચૉસર(ચૌદમી સદીનો ઉત્તરકાળ)ની ‘મિલર્સ ટેલ’માં સરસ વર્ણન મળે છે.

ફ્રાન્સની રંગભૂમિ પર પાછળથી આ અવાંતર પ્રહસન રચનાઓએ સ્વતંત્ર નાટ્યપ્રકાર એટલે કે એક-અંકી રચના તરીકેનું કાઠું વિકસાવ્યું. તેમાંની આશરે 150 રચનાઓ બચી છે.

ઇંગ્લૅન્ડનાં બાઇબલ-પ્રસંગોનાં ધાર્મિક લીલાનાટકોમાં પણ આવી પ્રહસનલક્ષી અવાંતર રચનાઓ જોવા મળે છે; એમાં રાક્ષસી અને કઢંગાં પાત્રો લગભગ વિદૂષકની ગરજ સારે છે. પ્રેક્ષકોની વચ્ચે જઈ વિદૂષકવેડા કરતાં આ પાત્રો તથા સ્વતંત્ર રીતે વિકસેલાં ‘ઇન્ટરલ્યૂડ’  તેમજ ‘મૉરાલિટી’ નાટકોના ‘વાઇસ’ એટલે કે દુર્ગુણ નામના પાત્ર વચ્ચે કંઈક સીધો સંબંધ પણ જોવાયો છે.

ફ્રાન્સની આ પ્રહસન રચનાઓની અસર ઇટાલી, જર્મની તથા ઇંગ્લૅન્ડમાં સ્પષ્ટ જણાય છે; આમાં ગણનાપાત્ર આંગ્લ લેખક તે જૉન હેવુડ. તેમણે ફ્રાન્સમાં પ્રચલિત પ્રહસનાત્મક રચનાનું સ્વરૂપ અપનાવી તેનું અનુકરણ કર્યું. દેખીતી રીતે જ ટ્યૂડર કાળના નાટ્યલેખકો પર હેવુડનો પ્રભાવ પડ્યો છે. એ લેખકોએ પોતાનાં નાટકોમાં પ્રહસનલક્ષી તત્વો પ્રયોજવાનો આરંભ કર્યો. આમાં ‘રાલ્ફ રૉઇસ્ટર ડૉઇસ્ટર’ (1553), ‘ગૅમર ગટૅન્સ નીડલ’ (1560), શેક્સપિયરનાં ‘કૉમેડી ઑવ્ એરર્સ’ (આ. 1590), ‘હેનરી ફૉર્થ’ (આ. 1597), ‘હેનરી ફિફ્થ’ (1599), ‘ધ ટેમિંગ ઑવ્ ધ શ્રુ’ (આ. 1594), ‘ટ્વેલ્ફથ નાઇટ’ (1600–01) તથા ‘ધ ટેમ્પેસ્ટ’ (આ. 1611) જેવાં નાટકો અને બેન જૉન્સનનાં ‘વૉલ્પૉન’ (1606) તથા ‘ધ ઍલ્કમિસ્ટ’ (1610) – એ બે  નાટકો ગણનાપાત્ર છે. અલબત્ત, આમાંથી ‘ધ કૉમેડી ઑવ્ એરર્સ’ તથા ‘ધ ટેમિંગ ઑવ્ ધ શ્રુ’ સિવાય બાકીની કૃતિઓમાં શુદ્ધ પ્રહસન ઠરી શકે તેવાં તત્વો ઓછાં જડે. ત્યારબાદ જૉન્સનની ‘બાર્થલૉમ્યુ ફેર’ (1614) નામની એક અનન્ય પ્રહસનરૂપ કૉમેડી મળે છે.

ત્યારપછી સત્તરમી સદીના મધ્યકાળમાં મૉલિયર આ નાટ્યપ્રકારના સમર્થ સર્જક નીવડ્યા. ઇંગ્લૅન્ડની રેસ્ટોરેશન કૉમેડી તથા અઢારમી સદીની કૉમેડી રચનાઓમાં સંખ્યાબંધ પ્રહસનલક્ષી તત્વો-પ્રસંગો જોવા મળે છે. વળી અઢારમી સદીમાં, મુખ્ય નાટક પૂર્વે ભજવાતી નાટિકા જેવા ‘કર્ટન રેઝર’ના પ્રકાર તરીકે સંખ્યાબંધ ટૂંકાં પ્રહસનો પણ લખાયાં છે.

પૂર્ણવિકસિત અને પરિપક્વ નાટ્યરૂપ તરીકે પ્રહસનનું કાઠું પ્રગટ થયું ઓગણીસમી સદીમાં. ફ્રાન્સના લૅબિશ (Labiche) તથા ફેડૂની રચનાઓમાં તેમજ ઇંગ્લૅન્ડમાં પિનેરોની કૃતિઓમાં આ ઘટનાક્રમ સિદ્ધ થયો જોવાય છે. ડબ્લ્યૂ. એસ. ગિલ્બર્ટ આ પ્રકારને લોકભોગ્ય બનાવવામાં સહાયભૂત બન્યા.

ચેહફનાં ત્રણ એકાંકી પ્રહસનો ‘ધ બેર’ (1888), ‘ધ મૅરેજ પ્રપોઝલ’ (1889) અને ‘ધ વેડિંગ’ તેમજ જ્યૉર્જ કૉર્ટલિનનાં બે આખાં પ્રહસનો આ જ ગાળામાં મળે છે. 1892માં મળે છે ઇંગ્લૅન્ડની જ નહિ, પણ પરદેશની અને ભારતીય રંગભૂમિ પર પણ રૂપાંતર પામી અવારનવાર ભજવાયેલું બ્રાન્ડન ટૉમસનું યાદગાર પ્રહસન ‘ચાર્લીઝ આન્ટ’. કેટલાક ઑસ્કર વાઇલ્ડના ‘ધ ઇમ્પૉર્ટન્સ ઑવ્ બીઇંગ અર્નેસ્ટ’(1895)ને પણ પ્રહસન તરીકે ઓળખાવે છે. વાસ્તવમાં એ કૃતિ પ્રહસન તથા કૉમેડી ઑવ્ મૅનર્સના સમન્વયનો સુંદર નમૂનો છે. ગૉગૉલનું ‘ધ ઇન્સ્પેક્ટર જનરલ’ (1856) પણ એ વર્ગમાં મુકાય છે. પ્રહસન નાટ્યપ્રકારના ખેડાણમાં અન્ય ગણનાપાત્ર લેખકો તે આંદ્રે રૂસિન, ફેરેન્ક મૉલનર તથા જા એન્યૂઇ છે. આમ યુરોપિયન સાહિત્યમાં પ્રહસનાત્મક નાટક સારી રીતે ખેડાયું છે.

સંસ્કૃત ભાષાના નાટ્યશાસ્ત્રીઓએ પ્રહસનને નાટ્ય કે રૂપકના દસ મુખ્ય પ્રકારોમાં એક મુખ્ય પ્રકાર ગણાવ્યો છે. ‘પ્રહસન’ એ શબ્દ તેમાં હાસ્યરસ મુખ્ય હોય તેમ સૂચવે છે. ભરતમુનિ (ઈ. પૂ. 150), ધનંજય (ઈ. સ. 1000), હેમચંદ્ર (ઈ. સ. 1150), રામચંદ્ર અને ગુણચંદ્ર (ઈ. સ. 1200) અને વિશ્વનાથ (ઈ. સ. 1350) વગેરે નાટ્યશાસ્ત્રીઓએ પ્રહસનનાં જે લક્ષણો ગણાવ્યાં છે તે મુજબ : (1) જેમાં દંભી તપસ્વી, સાધુ, બ્રાહ્મણ, કાયર મનુષ્યો વગેરે નીચ પાત્રોનો પરિહાસ કરવામાં આવે અને કથાનકનો ચોક્કસ વિકાસ થાય તેને શુદ્ધ પ્રકારનું પ્રહસન કહેવાય; (2) જેમાં વેશ્યા, વિટ, ચેટ, નપુંસક, ધૂર્ત, અનેક પતિવાળી સ્ત્રી વગેરે પાત્રોનો પરિહાસ કરવામાં આવે અને અરુચિયુક્ત પોશાક પહેરવામાં આવે તેને સંકીર્ણ અથવા વિકૃત પ્રકારનું પ્રહસન કહેવાય; (3) જેમાં લૌકિક વાતચીત, દંભવાળું કથાનક, ધૂર્ત-વિટનો વિવાદ અને વીથ્યંગો રજૂ થયાં હોય એ મિશ્ર પ્રકારનું પ્રહસન કહેવાય; (4) પ્રહસનમાં એક અંક હોય છે, પરંતુ કેટલાકને મતે બે અંકો પણ હોઈ શકે; (5) પ્રહસનમાં ભાણની જેમ મુખ અને નિર્વહણ એ બે જ નાટ્યસંધિઓ હોય છે. (6) તેમાં છ પ્રકારનો હાસ્યરસ મુખ્ય હોવાથી કૈશિકી નામની હાસ્યપ્રધાન નાટ્યવૃત્તિ હોય છે. સમાજમાં રહેલા દંભી કે પાખંડીઓને ખુલ્લા પાડી પ્રેક્ષકોને જાગૃતિ સાથે મનોરંજન આપવાનું પ્રહસનનું પ્રયોજન છે.

સંસ્કૃત રૂપકોમાં ઘણાં પ્રહસનો રચાયેલાં છે, પરંતુ તેમાંનાં મોટાભાગનાં હજી પણ અપ્રકાશિત છે. સંસ્કૃત ભાષાનાં પ્રહસનોમાં સૈરંધ્રિકાપ્રહસન, સાગરકૌમુદી, કલિકેલિ, કંદર્પકેલિ, ધૂર્તચરિત, લટકમેલકપ્રહસન, દામકપ્રહસન, નાટવાટપ્રહસન, હાસ્યાર્ણવ, આનંદકોશ, મત્તવિલાસ, ભગવદજ્જુકમ્, ચંડાનુરંજન, કુહનાભૈક્ષવ, સાંદ્રકુતૂહલ, પલાંડુમંડન, પાખંડવિડંબન, પયોધિમંથન, વિનોદરંગ, મિથ્યાચાર, કાલેયકૌતૂહલ, વેંકટેશપ્રહસન, સુભગાનંદ, દેવદુર્ગતિ, અદભુતરંગ, શાંડિલ્યપરિવ્રાજક, સોમવલ્લીયોગાનંદ, કુક્ષિંભરિભૈક્ષવ, કુક્ષિંભરિ, લોકરંજન, મુંડિતાપ્રહસન, બૃહત્સુભદ્રક, ધૂર્તનર્તન અને હાસ્યરત્નાકર વગેરે પ્રહસનોનો સમાવેશ થાય છે. નવમી સદીમાં શંખધર નામના નાટ્યકારનું લટકમેલક પ્રહસન બે અંકોનું બનેલું અને ખૂબ જ જાણીતું છે. ‘ચતુર્ભાણી’માં પ્રકાશિત કરાયેલાં ચાર પ્રહસનો ઘણાં પ્રાચીન છે એ નોંધવું રહ્યું.

ગુજરાતની તળપદી લોકનાટ્ય-પરંપરા સમી ભવાઈમાં પ્રહસનનાં તત્વો પ્રચુર માત્રામાં વિકસાવાયાં હતાં; ગ્રામીણ સમાજને બોધ સાથે ભરપૂર મનોરંજન પૂરું પાડવા માટે એ તદ્દન જરૂરી પણ હતું. ‘કજોડાનો વેશ’ જેવા કેટલાક સામાજિક દૂષણને લગતા વેશ આનાં લાક્ષણિક ઉદાહરણ છે. ગુજરાતની વ્યવસાયી રંગભૂમિ પર પણ પ્રહસનાત્મક નાટકોની પરંપરા જુદી રીતે જળવાઈ રહી જણાય છે. નાટક જોવા આવતા પ્રેક્ષકોમાંથી મોડા પડતા પ્રેક્ષકો મૂળ નાટક ચૂકી ન જાય તેથી અનુકૂળતા કરી આપવા ખાતર, મૂળ નાટકની પહેલાં તેમજ બે અંકો વચ્ચે ર્દશ્ય-ગોઠવણીની સાનુકૂળતા કરી આપવા, આગળના પડદા સમક્ષ પ્રહસનાત્મક નાટકો ભજવાતાં. બહુધા ‘કૉમિક’ના નામે ઓળખાતી આ નાટિકાઓ મૂળ નાટ્યવસ્તુ સાથે ખાસ કશો સંબંધ ધરાવતી નહિ એ ખરું, પણ વ્યવસાયી રંગભૂમિએ પોતાની આગવી રીતે પ્રહસનાત્મક નાટિકાની પરંપરા ખાસ્સી વિકસાવી હતી.

ગુજરાતી નાટ્યસાહિત્યમાં પાત્ર, સંવાદ તથા પ્રસંગોના અતિરેકભર્યા ચિત્રણ વડે હાસ્ય નિપજાવતાં નાટકો લખવાના છૂટાછવાયા પ્રયાસો થયા છે. નવલરામરચિત ‘ભટનું ભોપાળું’ (1867) સર્વપ્રથમ રૂપાંતરિત પ્રહસન બન્યું છે, જ્યારે દલપતરામનું બહુ જાણીતું ‘મિથ્યાભિમાન’ (1871) ગુજરાતીમાં સૌપ્રથમ મૌલિક પ્રહસનાત્મક રચના બની છે. નાટ્યારંભના પ્રથમ દશકા દરમિયાન જ બબ્બે યાદગાર પ્રહસનો મળવા છતાં પ્રહસનાત્મક નાટ્ય-લેખનની ગુજરાતી નાટ્ય-સાહિત્યમાં પરંપરા બંધાતી નથી અને હાસ્યનાટકો માટે છેક કનૈયાલાલ મુનશી અને ધનસુખલાલ મહેતા સુધી રાહ જોવી પડે છે.

ક. મા. મુનશી લિખિત ‘વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (1921), ‘બે ખરાબ જણ’ (1924) તથા ‘છીએ તે જ ઠીક’ (1946) સામાજિક પ્રહસનાત્મક નાટકો તરીકે સફળતાપૂર્વક ભજવાયાં છે. ચન્દ્રવદન મહેતાનું ‘મૂગી સ્ત્રી’ અત્યંત સફળ રૂપાંતરિત પ્રહસન બન્યું છે. આ ઉપરાંત તેમની ‘મેનાપોપટ અથવા હાથીઘોડા’ (1951) અને વિશેષ કરીને ‘હોહોલિકા’ (1957) – એ બે મનોરંજનાત્મક કૃતિઓમાં પ્રહસનાત્મક તત્વો જોવાયાં છે. આ સિવાય ગુજરાતી રંગભૂમિ પર ભજવાતાં મનોરંજનલક્ષી પ્રહસનાત્મક નાટકો નિમિત્તે ધનસુખલાલ મહેતા, ચુનીલાલ મડિયા, પ્રબોધ જોષી, પ્રાગજી ડોસા, દામુ સાંગાણી, તારક મહેતા, જયંતી પટેલ જેવા લેખકોનાં નાટકો ઉલ્લેખનીય છે.

પારસી નાટ્યકારોએ પ્રહસનનાં તત્વોને ભરપૂર પ્રમાણમાં વિકસાવ્યાં હતાં. પાત્ર, પ્રસંગ તથા સંવાદની અતિશયોક્તિ વડે સતત ખડખડાટ હસાવવાની પ્રયુક્તિ અજમાવતા રહી અદી મર્ઝબાન વગેરે જેવા નાટ્યકારોએ કહો કે સમગ્ર પારસી રંગભૂમિએ ભારે લોકચાહના મેળવી હતી.

મહેશ ચોકસી

પ્ર. ઉ. શાસ્ત્રી