પ્રસ્વેદ (sweat) : ચામડીમાંની ખાસ ગ્રંથિઓમાંથી ઝરતું પ્રવાહી. તેને સ્વેદ અથવા પરસેવો (sweat) પણ કહે છે. તે સ્વેદગ્રંથિઓ અથવા પ્રસ્વેદગ્રંથિઓ(sweat glands)માંથી ઉત્પન્ન થાય છે. તેની સ્રવણક્રિયા(secretion)ને પ્રસ્વેદન (perspiration) કહે છે.

પ્રસ્વેદગ્રંથિઓ બે પ્રકારની છે : (1) અધિસ્રાવી (apocrine) અને (2) ઉત્સ્રાવી ગ્રંથિઓ (eccrine). તેમની સંરચનાઓ અને સ્થાન અલગ અલગ હોય છે. અધિસ્રાવી પ્રસ્વેદગ્રંથિઓ સાદી, શાખાવાળી અને નળીઓ જેવી ગ્રંથિઓ છે. તેઓ મુખ્યત્વે બગલ, ગુપ્તાસ્થિવિસ્તાર (pubic area) અને સ્તનની ડીંટડીની આસપાસના રંગવાળા પરિવેશ (areola) નામના વિસ્તારમાં હોય છે. તેના બે ભાગ છે. એક ભાગને સ્રાવી ભાગ કહે છે, જે ત્વચામાં આવેલો છે અને બીજો બહિર્વાહી નળી(delivery duct)નો ભાગ, જે વાળના મૂળમાં ખૂલે છે. જ્યારે વ્યક્તિમાં પુખ્ત વયે દ્વૈતીયિક જાતીય લક્ષણો (secondary sex characters) દેખાવા માંડે તે ઉંમરને યૌવનારંભ (puberty) કહે છે. અધિસ્રાવી પ્રસ્વેદગ્રંથિઓ યૌવનારંભે સક્રિય થાય છે. તેઓ અન્ય પ્રકારની સ્વેદગ્રંથિઓ કરતાં વધુ ચીકણું પ્રવાહી ઉત્પન્ન કરે છે.

ઉતસ્રાવી પ્રસ્વેદગ્રંથિઓ વધુ સંખ્યામાં હોય છે અને તે સાદી ગૂંચળું વળેલી નળીઓ જેવી ગ્રંથિઓ છે. હોઠ, આંગળીઓના નખની ગાદી, શિશ્નમુકુટ (glans penis), સ્ત્રીશિશ્નમુકુટ (clitoris) અને કર્ણઢોલ કે કર્ણપટલ (tympanic membrane) સિવાયના બધા જ વિસ્તારોની ચામડીમાં તે હોય છે. તે હથેળી અને પાદતલ (sole) પર પુષ્કળ પ્રમાણમાં હોય છે. હથેળીમાં દર 2.5 સેમી.ના ચોરસ વિસ્તારમાં આશરે 3,000 સ્વેદગ્રંથિઓ હોય છે. તેનો સ્રાવી ભાગ સ્વેદ બનાવે છે અને તે ચામડીની નીચે આવેલા અવત્વકીય વિસ્તાર(subcutaneous area)માં હોય છે. તેમાંથી નીકળતી નળી ત્વચા (dermis) અને અધિત્વચા (epidermis) નામના ચામડીના બંને સ્તરોમાંથી પસાર થઈને સપાટી પર એક છિદ્રના સ્વરૂપે ખૂલે છે. ચામડીની નીચે ગૂંચળું વળીને ગોઠવાયેલો ભાગ પ્રસ્વેદનું સર્જન કરે છે. તેને સ્રાવી (secretory) અથવા અવત્વકીય ગૂંચળાસમ ભાગ (subcutaneous coiled portion) કહે છે. તેમાંથી એક નલિકાકાર ભાગ (tubular portion) નીકળે છે. તેઓ આખી જિંદગી કાર્ય કરે છે અને પાણી જેવું પ્રવાહી ઉત્પન્ન કરે છે.

પ્રસ્વેદ : ચામડીનો છેદ અને તેની સૂક્ષ્મ રચના (ચિત્રાત્મક). (1) પ્રસ્વેદગ્રંથિ, (2) અધિત્વચા, (3) ત્વચા, (4) અવત્વકીય પેશી, (5) બહિર્વાહી નલિકા, (6) કેશમૂળ, (7) ત્વક્તૈલગ્રંથિ, (8) વાળ, (9) નસો, (10) ચેતાતંતુ, (11) મેદપેશી, (12) નલિકાનું છિદ્ર

અન્ય નલિકાવાળી ગ્રંથિઓની માફક પ્રસ્વેદગ્રંથિના સ્રાવી ભાગમાં ઝરતું પ્રવાહી પ્રાથમિક સ્રાવ (primary secretion) ગણાય છે. તેને પ્રકર કે પૂર્વરૂપી (precursor) સ્રાવ પણ કહે છે. તે જેમ જેમ નલિકાકાર ભાગમાંથી પસાર થાય છે તેમ તેમ તેમાંના ઘટકોની સાંદ્રતા (concentration) બદલાય છે અને તેથી તેના બંધારણમાં ફેરફાર થાય છે. પરસેવાના સ્રવણનું નિયંત્રણ અનુકંપી ચેતાતંત્રના કોલીનધર્મી ચેતાતંતુઓ (cholinergic sympathetic nervefibres) તથા આલ્ડૉસ્ટીરોન નામના એક અંત:સ્રાવ (hormone) વડે થાય છે. આલ્ડૉસ્ટીરોનની અસર હેઠળ પૂર્વરૂપી સ્રાવમાંનું મીઠું અથવા સોડિયમ ક્લોરાઇડ ઘણા મોટા પ્રમાણમાં નલિકાકાર ભાગમાં ફરીથી અવશોષાઈ જાય છે. વળી ત્યાં તેમાં પોટૅશિયમનું સ્રવણ થાય છે. આમ આલ્ડૉસ્ટીરોનની મદદથી શરીરમાંના ક્ષારોનું પણ નિયંત્રણ કરાય છે. તેથી ગરમીની ઋતુમાં શરીરના ક્ષારો તથા પાણીનો સંગ્રહ પણ જાળવી શકાય છે. પ્રસ્વેદગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન કરાતા પ્રવાહીને પરસેવો, સ્વેદ અથવા પ્રસ્વેદ કહે છે. તેમાં પાણી, ક્ષારો, યૂરિયા, યુરિક ઍસિડ, એમિનો ઍસિડ, એમોનિયા, શર્કરા (sugar), લૅક્ટિક ઍસિડ અને એસ્કૉર્બિક ઍસિડ (વિટામિન–સી) હોય છે. તે મુખ્યત્વે શરીરનું તાપમાન જાળવે છે, ક્ષારોની સાંદ્રતા જાળવે છે, શરીરના પાણીનો જથ્થો જાળવે છે અને શરીરમાંનો કચરો બહાર ઠાલવે છે. પ્રસ્વેદગ્રંથિઓ અનુકંપી ચેતાતંત્ર દ્વારા નિયંત્રિત હોય છે. તેથી ભય, લડાઈ કે દોડતી વખતે અનુકંપી ચેતાતંત્ર ઉત્તેજિત થાય છે. તેને કારણે પરસેવો પણ થાય છે. ડર લાગે ત્યારે હાથ અને કપાળમાં પરસેવો થવાનું કારણ પણ આ જ છે.

સામાન્ય સંજોગોમાં શરીરમાંથી દરરોજ આપણને ખબર ન પડે તે રીતે આશરે 700 મિલી. જેટલું પાણી જતું રહે છે, જેમાંથી 350 મિલી. ઉચ્છવાસ દ્વારા અને 350 મિલી. અસંવેદીય પ્રસ્વેદ (insensible perspiration) દ્વારા જાય છે. ખબર પડે તેવા પરસેવા દ્વારા સામાન્ય સંજોગોમાં બીજું 100 મિલી. જેટલું પાણી બહાર જાય છે. મળ અને પેશાબમાં અનુક્રમે 900 મિલી. અને 1,400 મિલી. પાણી બહાર જાય છે. એમ દરરોજ કુલ 2,300 મિલી. પાણી બહાર જાય છે. આમાંનું 200 મિલી. જેટલું પાણી ચયાપચયની રાસાયણિક ક્રિયાઓમાંથી મળે છે જ્યારે બાકીનું પાણી વ્યક્તિ બહારથી પીને મેળવે છે. લાંબો ચાલતો સખત પરિશ્રમ શરીરને ગરમ કરે છે. તેથી શરીરનું તાપમાન જાળવવા માટે પરસેવો થાય છે. તે સમયે શ્વાસોચ્છવાસની ક્રિયા પણ વધે છે, જેથી ઉચ્છવાસમાં પણ આશરે 650 મિલી. જેટલું પાણી ઊડી જાય છે. તેને કારણે પેશાબનું પ્રમાણ ઘટે છે અને પાણીનું સંતુલન જાળવવા માટે વધુ પાણી પીવું પડે છે. આવા સંજોગોમાં 500 મિલી. પેશાબ થઈ શકે માટે આશરે 6,400 મિલી. પાણી પીવું પડે તેવી ગણતરી કરાયેલી છે. સામાન્ય વ્યક્તિ જો ગરમ પ્રદેશમાં લાંબા સમય માટે કઠોર પરિશ્રમ કરવા ટેવાયેલી ન હોય તો તેનો પ્રસ્વેદદર (rate of perspiration) દર કલાકે 1 લિટરથી ઓછો રહે છે, પરંતુ ટેવાયેલી (અનુકૂલન પામેલી) વ્યક્તિમાં તે વધીને 2થી 3 લિટર પ્રતિ કલાક થઈ શકે છે. આવા વધેલા પ્રસ્વેદદરને કારણે લઘુતમ ચયાપચયી દર(basal metabolic rate)માં ઉત્પન્ન થતી ગરમી કરતાં દસગણા વધુ દરથી ગરમી બહાર નીકળી શકે છે. આ પ્રકારનો ગરમીનો વ્યય પરસેવાના બાષ્પીભવનને કારણે શક્ય બને છે.

શિલીન નં. શુક્લ