પ્રસન્ના એરાપલ્લી (જ. 22 મે 1940, બૅંગ્લોર) : ક્રિકેટની રમતમાં ભારતના ઉત્કૃષ્ટ ઑફ-સ્પિનર. 1961–62માં મૈસૂર તરફથી પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ 1961–62માં મદ્રાસ ખાતે પ્રવાસી ઇંગ્લૅન્ડ સામે પાંચમી ટેસ્ટમાં તેમણે ‘ટેસ્ટ-પ્રવેશ’ મેળવ્યો હતો : 1961–62થી 1978–79 સુધીમાં પ્રસન્નાએ 49 ટેસ્ટમૅચોમાં રમીને 30.39ની સરેરાશથી કુલ 189 વિકેટો ઝડપી હતી. પ્રસન્નાએ વેસ્ટ ઇન્ડિઝનો 1961–62, ’70–71 તથા ’75–76માં પ્રવાસ ખેડ્યો હતો. તેમણે 1967, 1971 અને 1974માં ઇંગ્લૅન્ડનો, 1967–68 તથા 1977–78માં ઑસ્ટ્રેલિયાનો, 1967–68 અને 1975–76માં ન્યૂઝીલૅન્ડ તથા 1978–79માં પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં એક દાવમાં પાંચ કે તેથી વધુ વિકેટો તેમણે 10 વાર અને 1 ટેસ્ટમાં 10 કે તેથી વધુ વિકેટો બે વાર ઝડપી હતી. 1975–76માં ઑકલૅન્ડ ખાતે ન્યૂઝીલૅન્ડ સામે એક દાવમાં 60 રનમાં 8 વિકેટોનો અને ટેસ્ટમાં 140 રનમાં 11 વિકેટોનો તેમનો સર્વોત્તમ બોલિંગ દેખાવ રહ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં 11.48ની સરેરાશથી તેમણે 735 રન નોંધાવ્યા હતા.
પ્રથમ કક્ષાના ક્રિકેટમાં રણજી ટ્રોફી સ્પર્ધામાં પ્રસન્નાએ 12.98ની બૅટિંગ-સરેરાશથી કુલ 779 રન નોંધાવી 17.19ની બોલિંગ-સરેરાશથી કુલ 373 વિકેટો ઝડપી હતી.
પ્રસન્નાએ દુલીપ ટ્રોફી સ્પર્ધામાં 22.36ની બોલિંગ-સરેરાશથી કુલ 87 વિકેટો ઝડપી હતી.
1969માં પ્રસન્નાને ‘અર્જુન ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રસન્નાએ એક પુસ્તક પણ લખ્યું હતું, જેનું નામ છે ‘વન મૉર ઓવર’.
જગદીશ બિનીવાલે