પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ)

February, 1999

પ્રસન્નવ્યંકટેશ્વરવિલાસમ્ (અઢારમી સદીનો આરંભકાળ) : તંજાવર રાજ્યના રાજકવિ દર્ભગિરિ-રચિત યક્ષગાન. એ તેલુગુનો ર્દશ્યશ્રાવ્ય કાવ્યપ્રકાર છે. એ મંદિરોમાં અને રાજદરબારોમાં ભજવાય  છે. તેમાં વર્ણનાત્મક તથા સંવાદપ્રધાન ગીતોની રચના હોય છે. એના અનેક પ્રકારો પૈકી એક પ્રકાર ઇષ્ટદેવની સ્તુતિ તથા એનાં મહિમાગીતોનો હોય છે. વ્યંકટેશ્વર તિરુપતિ એ દક્ષિણના આરાધ્ય દેવ છે, જેમનો મહિમા સમગ્ર ભારતમાં છે. રાજાના કહેવાથી દર્ભગિરિએ વ્યંકટેશ્વર તિરુપતિનો મહિમા અનેક સંવાદ તથા કથાનાત્મક ગીતો દ્વારા ગાયો છે. વ્યંકટેશ્વર તિરુપતિના આ મહિમાગીતમાં 120 ગીતો છે. એની ભજવણી અઢીથી ત્રણ કલાક સુધી ચાલે છે. આજે પણ તિરુપતિના મંદિરમાં આ યક્ષગાન સતત ભજવાતું રહે છે. તિરુપતિ બાલાજીએ ભક્તોને દર્શાવેલી અનેક લીલાઓનું એમાં નિરૂપણ છે. ગીતો ભક્તિપ્રધાન હોવા છતાં કથનાત્મક છે.

ચન્દ્રકાન્ત મહેતા