પ્રસન્ના કુમાર : કન્નડ રંગભૂમિના જાણીતા દિગ્દર્શક. 1975માં દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં નાટ્યતાલીમ લઈ મુખ્યત્વે કર્ણાટકમાં પલાંઠી વાળીને નાટકો કરતા રહેલા પ્રસન્નાએ અનેક નાટ્યપ્રકારોમાં પ્રયોગો કરી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પ્રારંભનાં પાંચેક વર્ષ તેમણે શેરીનાટકો કર્યાં, અને એ દરમિયાન જ પારસી થિયેટરની શૈલીએ નવાં કન્નડ નાટકો તૈયાર કર્યાં. એમનું ‘સમુદાય’ જૂથ લોકકેન્દ્રી રંગભૂમિ માટેનો નોંધપાત્ર નમૂનો છે. પ્રસન્ના થિયેટરને સામાજિક પ્રવૃત્તિ ગણે છે, કારણ કે એ સમૂહ સાથે સીધો સંવાદ માંડતું માધ્યમ છે.

હસમુખ બારાડી