પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર : મુક્ત અર્થતંત્રમાં શ્રદ્ધા ધરાવતી અર્થશાસ્ત્રની શાખા. પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો પ્રારંભ 1776માં ઍડમ સ્મિથે ‘ઍન ઇન્ક્વાયરી ઇન-ટુ ધ નેચર ઍન્ડ કૉઝિઝ ઑવ્ વેલ્થ ઑવ્ નેશન્સ’ નામનું પુસ્તક લખ્યું ત્યારથી થયો ગણી શકાય. આ પુસ્તકમાં ચીજવસ્તુઓ, સેવાઓ વગેરેનાં ઉત્પાદન, વહેંચણી, વિનિમય અંગેના આર્થિક સિદ્ધાંતો આપવામાં આવ્યા હતા. આ પુસ્તક પાંચ વિભાગમાં વહેંચાયેલું છે : બુક નં. 1 એટલે કે વિભાગ 1માં મૂલ્યના સિદ્ધાંતો, બુક નં. 2માં ઉત્પાદન અને વહેંચણીના સિદ્ધાંતો અને બુક નં. 3માં શ્રમ કે મજૂરી અંગેનાં વિશ્ર્લેષણો આપેલાં છે. બુક નં. 4માં વાણિજ્યવાદના (મર્કન્ટાલિસ્ટ) સિદ્ધાંતો અને નીતિની ચર્ચા છે અને બુક નં. 5માં જાહેર વિત્ત-વ્યવસ્થા (public finance) વિશેની ચર્ચા છે. આ વિભાગમાં સ્વ-નિયુક્ત ધંધાદારીઓ અને વ્યક્તિઓને લાભ આપીને પ્રોત્સાહિત કરતી કેટલીક સંસ્થાગત પદ્ધતિઓ અને સરકારની આર્થિક નીતિઓ નક્કી કરવામાં જુદાં જુદાં પ્રબળ જૂથોનો ફાળો વગેરે વિશેની પણ ચર્ચા છે. આમ ઍડમ સ્મિથ ખાનગી મિલકતનો હક અને રાજ્યશાસ્ત્રના આર્થિક સિદ્ધાંતોના પ્રણેતા પણ ગણી શકાય. આ ઉપરાંત તેમણે આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે મળતા નિરપેક્ષ લાભ, દેશના ઉત્પાદન માટે નવી સર્જાતી માંગ અને પરિણામે તેનાં બજારોનો વધતો વિસ્તાર – એ અંગે તથા નાણાંના પુરવઠામાં વધારાને પરિણામે વધતી કિંમતો અને તે બંને વચ્ચેના સંબંધની પણ ચર્ચા કરી છે. આ રીતે અત્યારના અર્થશાસ્ત્રના ઘણા સિદ્ધાંતો અને વિશ્લેષણોનો પ્રારંભ ઍડમ સ્મિથના ઉપર્યુક્ત પુસ્તકમાં જોઈ શકાય છે.
ઍડમ સ્મિથ પછી ઇંગ્લૅન્ડ અને યુરોપમાં ઘણા લેખકોએ સ્મિથના પુસ્તકમાં અપાયેલા સિદ્ધાંતો અને વિશ્લેષણની ઘણી વિસ્તૃત અને વિશદ ચર્ચા કરી છે. એ બધા લેખકોને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના પક્ષકારો ગણાવી શકાય. 1750થી 1870 સુધીના તેમના સમયને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો સમય ગણાવી શકાય.
આ સમય દરમિયાન ઍડમ સ્મિથથી જુદા વિચારો અને સિદ્ધાંતો આપનારા લેખકોમાં ડેવિડ રિકાર્ડો મુખ્ય છે. તેમણે 1817માં ‘પ્રિન્સિપલ્સ ઑવ્ પોલિટિકલ ઇકૉનોમી ઍન્ડ ટૅક્સેશન’ નામનું પુસ્તક લખ્યું. તેમાં તેમણે દર્શાવ્યું કે નફાનો દર અને તેને પરિણામે થતા મૂડી-સંચય(capital accumulation)નો આધાર કૃષિક્ષેત્રમાં થતા ઉત્પાદનના સીમાન્ત ખર્ચ પર રહે છે. રિકાર્ડોના આ વિચારો પર જૉન સ્ટુઅર્ટ મિલ, જૉન ઇલિયટ કેઇન્સે વિસ્તૃત લખાણો આપ્યાં. આ ઉપરાંત, રિકાર્ડોએ ભાડાનો નવો સિદ્ધાંત આપ્યો, જેમાં ભાડું એ પૂર્વ-સીમાન્ત ખેતરોની વધુ ફળદ્રૂપતાને લીધે જ ઉદભવે છે. તે જમીનના માલિકના પરિશ્રમથી ઉદભવતું નથી એટલે તે જમીનના માલિકોની નહિ કમાયેલી આવક છે; એટલે તેના પર જમીનના માલિકનો અધિકાર નથી. આ રીતે રિકાર્ડોનાં લખાણોમાંથી જમીનદારો, ખેતમજૂરો વગેરે વર્ગો વચ્ચે હિત-સંઘર્ષ અનિવાર્ય છે એવું ફલિત થતું હતું. જ્યારે ઍડમ સ્મિથે તેમના ‘વેલ્થ ઑવ્ નૅશન્સ’માં દર્શાવેલું કે બધાં આર્થિક હિતો વચ્ચે સુસંગતતા હોય છે અને તે ન હોય તો સુયોગ્ય કાયદા દ્વારા સ્થાપિત કરી શકાય છે.
ત્યારબાદ ઉપયોગિતા(utility)ના સિદ્ધાંતો પર ડ્યુપુઇટ, લાગ-ફીલ્ડ, લ્યોઇડ, ગોસેન અને સીનિયરે લખાણો કરીને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રનો વિસ્તાર કર્યો. જૉન સ્ટુઅર્ટ મિલ, બેઇલી, સીનિયર અને રાયેએ ઉપભોગ-ત્યાગ (abstinance) પર સિદ્ધાંતો રચ્યા. જે. એસ. મિલે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં માંગ અને પુરવઠાનાં પરિબળો દ્વારા કિંમત-નિર્ધારણ કેવી રીતે થાય છે તે દર્શાવ્યું. ફ્રાન્સમાં જૉન બૅપ્ટિસ્ટ સેએ બજારનો નિયમ ‘પુરવઠો જ તેની માંગ ઊભી કરે છે’ તે વિકસાવ્યો અને માલ્થસે માલ-ભરાવો(general glut)ના વિશ્લેષણ દ્વારા પુરવઠો ઘણો વધે છતાં માંગ ન વધે એ શક્યતા દર્શાવીને સેના નિયમને ખોટો ગણાવ્યો. કાર્લ માર્ક્સે નફાના શોષણનો સિદ્ધાંત આપ્યો. આ રીતે ઍડમ સ્મિથ અને રિકાર્ડો પછી પણ 1870 સુધી જે નવા સિદ્ધાંતો રચાયા તેને પણ ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’માં જ ગણાવી શકાય અને તે રીતે 1750થી 1870 સુધીના સમયને ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ના વિકાસનો સમય કહી શકાય.
કાર્લ માર્કસની ર્દષ્ટિએ ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ની શરૂઆત સત્તરમી સદીમાં ‘પેટી’નાં લખાણોથી થઈ અને તેની પૂર્ણાહુતિ રિકાર્ડોનાં લખાણોથી થઈ; એટલે તેની ર્દષ્ટિએ 1701થી 1820 સુધીના સમયનાં લખાણો ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ છે, જ્યારે જે. એમ. કેઇન્સના મંતવ્ય પ્રમાણે, ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ની શરૂઆત રિકાર્ડોથી થઈ અને તેની પૂર્ણાહુતિ પ્રો. પિગુનાં લખાણોથી થઈ; એટલે કેઇન્સની ર્દષ્ટિએ, ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’નાં લખાણોનો સમય 1820થી 1920 સુધીનો છે.
ઉપર્યુક્ત બંને વિદ્વાનોનાં મંતવ્યોને ધ્યાનમાં લેતાં, ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’નો સમય 1701થી 1920 ગણીને, તે સમયમાં ઘણા લેખકોએ અર્થશાસ્ત્ર અંગેના જે સિદ્ધાંતો અને વિશ્લેષણો આપ્યાં તેને ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ કહી શકાય.
‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’માં કયા લેખકો અને કયા સિદ્ધાંતોનો સમાવેશ કરવો એ વિશે અન્ય ઘણા લેખકોમાં પણ મતભેદ પ્રવર્તે છે.
ટૉમસ સૉવેલ ઍડમ સ્મિથના ‘વેલ્થ ઑવ્ નૅશન્સ’ને જ ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’નું પ્રારંભિક પુસ્તક માને છે અને મૂલ્યનો શ્રમખર્ચનો સિદ્ધાંત (labour theory of value), સેનો બજારનો નિયમ, નાણાંના પુરવઠાનો સિદ્ધાંત, માલ્થસનો જનસંખ્યાનો સિદ્ધાંત, આર્થિક વિકાસના પ્રારંભિક સિદ્ધાંતો વગેરેને ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’માં ગણાવે છે. આ બધા સિદ્ધાંતોના લેખકોમાં તાત્વિક ધારણાઓની સમાનતા, વિશ્લેષણ-પદ્ધતિમાં સમાનતા અને આર્થિક વિશ્લેષણોનાં સમાન તારણો હોવાથી આ સિદ્ધાંતો અને વિશ્લેષણોમાં એકસૂત્રતા જળવાઈ રહે છે અને તેથી તેને ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ કહી શકાય. તેમ છતાં, સોવેલ, માર્કસ, ટૉરેન્સ, સીનિયર વગેરેને પ્રશિષ્ટ લેખકોમાં ગણવામાં આવતા નથી.
રૉબર્ટ ઇગ્લી ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ પરનાં લખાણોનો સમય ઘણો લાંબો દર્શાવે છે. તેમના મતે, આ સમય 1750 પછી નિસર્ગવાદીઓ (physiocrats) તરીકે ઓળખાતા અર્થશાસ્ત્રીઓથી શરૂ કરીને 1870માં વોલરાનો સર્વસામાન્ય સમતુલાનો સિદ્ધાંત રચાયો ત્યાં સુધીનો છે. ઇગ્લી માને છે કે ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ને એક ખ્યાલના માળખામાં ગોઠવી શકાય અને તે ખ્યાલ ‘મૂડી’ છે, જેને ઉત્પાદનમાં જુદા જુદા તબક્કામાં મધ્યસ્થ વસ્તુ (intermediate medium) તરીકે વાપરીને અંતિમ ઉત્પાદન તૈયાર થાય. તેની કિંમતો, તેમાં વપરાયેલા શ્રમનું પ્રમાણ અને તેના સંદર્ભમાં અગાઉ વપરાયેલી યંત્રસામગ્રી વપરાઈ હોય તેના આધારે નક્કી કરી શકાય. આ રીતે ઇગ્લીના મતે ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ એક મધ્યસ્થ કેન્દ્રવર્તી સિદ્ધાંતની સાથે સુસંગત વિચારોનો સમૂહ ગણી શકાય. આ ઉપરાંત, ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’માં ક્વેને, ઍડમ સ્મિથ, રિકાર્ડો, જે. એસ. મિલ, માર્કસ, ટૉરેન્સ, બેઇલી, લાગફીલ્ડ, સીનિયર ટૂક, જૉન્સ વગેરેનાં લખાણોને પણ આવરી લઈ શકાય એમ ઇગ્લી માને છે.
ડેનિસ ઓ’બ્રાયન ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ વૈજ્ઞાનિક લેખકોનું યોગદાન છે એમ માને છે. પ્રો. શુમ્પીટરની જેમ ઓ’બ્રાયન પણ માને છે કે ઍડમ સ્મિથ અને જે. એસ. મિલનાં લખાણોમાં જે એકસૂત્રતા હતી, તેમાં રિકાર્ડોએ વિક્ષેપ પાડીને કેટલાક જુદા સિદ્ધાંતો આપ્યા, પણ તે તદ્દન જુદા સિદ્ધાંતો ન હતા અને તેને લીધે ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’માં મહત્વના સિદ્ધાંતો ઉમેરાયા હતા.
ત્યારપછી, ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ના વિકાસમાં અને તેના સિદ્ધાંતોના સંકલનમાં સ્રાફાનું યોગદાન મહત્વનું છે. તેમણે 1960માં એક નાનું પુસ્તક લખ્યું તે ‘પ્રોડક્શન ઑવ્ કોમૉડિટિઝ બાય મીન્સ ઑવ્ કોમૉડિટિઝ’ હતું. તેમાં ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’ના ઘણા સિદ્ધાંતો આવરી લેવાયા છે. તેમાં, મૂડીવાદી અર્થતંત્ર કુલ ઉત્પાદનમાંથી ઉપભોગખર્ચ બાદ કરતાં, જે અધિશેષ રહે, તે કેવી રીતે પુન:ઉત્પાદન માટે આવશ્યક મૂડીરોકાણ પૂરું પાડે છે તેનું વિશ્લેષણ આપતાં, આર્થિક પ્રશ્નોની સમજૂતી માટે નવી પદ્ધતિ આપે છે અને ઍડમ સ્મિથ, રિકાર્ડો અને માર્ક્સ – એ ત્રણેય વિદ્વાનોનાં લખાણોમાં રહેલી સુસંગતતા પર પણ પ્રકાશ પાડે છે.
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં આર્થિક વિકાસના સિદ્ધાંતો : પ્રશિષ્ટ લેખકોએ આર્થિક વિકાસ અંગે પ્રારંભિક સિદ્ધાંતો આપ્યા છે. ઍડમ સ્મિથે દર્શાવ્યું છે કે આર્થિક વિકાસ માટે ઉત્પાદકતામાં વધારો થવો જરૂરી છે. ઉત્પાદકતામાં વધારો બે પરિબળો દ્વારા થાય છે : (1) મૂડીસંચય, (2) બજારોનો વિસ્તાર. જેમ જેમ બચતોમાં વધારો થતો જાય તેમ તેમ મૂડીરોકાણ વધતું જાય અને મૂડીસંચય થતો જાય. આ પ્રક્રિયામાં યંત્રસામગ્રી માટેની માંગ વધે તેથી ઉત્પાદન વધે અને શ્રમ માટેની માંગ પણ વધે તેથી રોજગારી વધે. આમ કામગીરી વધવાથી શ્રમવિભાજન વધારે થાય અને તેથી ઉત્પાદન વધે. તેના માટે દેશમાં કે વિદેશોમાં મોટું બજાર જોઈએ. વેચાણ વધતાં નફાનો દર વધે અને આ રીતે ઉત્તરોત્તર ઉત્પાદનમાં વધારો થતો રહેવાથી આર્થિક વિકાસ શક્ય બને. વળી આ પ્રક્રિયા ઉત્તરોત્તર વિસ્તરતી રહે છે; કારણ કે આર્થિક વિકાસ થવાથી રાષ્ટ્રીય આવક વધે, બચતો વધે, મૂડીરોકાણ વધતાં યંત્રસામગ્રી અને શ્રમ માટેની માંગ વધે અને શ્રમવિભાજન વધુ વિસ્તૃત થવાથી ઉત્પાદનખર્ચ ઘટતાં કિંમતો ઘટે. તેથી ઉત્પાદન થતી ચીજ, વસ્તુ અને સેવાની માંગ વધે અને એ રીતે બજારોનો વિસ્તાર થતો રહે. વળી શ્રમવિભાજન વધુ થવાથી મજૂરો વધારે કાર્યદક્ષ બને, તેમનો ઉત્પાદનમાં, જરૂરી સમય ઓછો લાગે અને તેને લીધે નવાં યંત્રો-ઓજારોનાં સંશોધનો વધારે થાય તેથી મજૂરોની ઉત્પાદકતા પણ વધે.
પ્રશિષ્ટ લેખકોના મંતવ્ય પ્રમાણે ઉત્તરોત્તર આ વિકાસની પ્રક્રિયા અમુક સમય પછી મંદ પડે છે અને અર્થતંત્ર સ્થગિત થઈ જાય છે, એટલે કે તેમાં ઉત્પાદન તો થતું રહે છે; પણ તેમાં વધારો થતો નથી. તેનાં મુખ્ય બે કારણો ઍડમ સ્મિથ આપે છે : (1) જેમ જેમ ઉત્પાદન વધે તેમ તેમ ઘણા ઉત્પાદકો વચ્ચે હરીફાઈ વધતી જાય છે અને ઉત્પાદિત વસ્તુઓની કિંમતો ઘટતી રહે છે તેથી ઉત્પાદકોનો નફો પણ ઓછો થતો જાય છે. આ હરીફાઈને લીધે જ લાંબે ગાળે બધા ઉદ્યોગોમાં મળતો નફાનો દર એકસરખો થઈ જાય છે. (2) આર્થિક વિકાસ થવાથી અમુક સમય પછી દેશની કુદરતી સંપત્તિ અને સાધનસામગ્રીનો શક્ય તેટલો ઉપયોગ લોકોએ કરી લીધો હોય છે એથી હવે મૂડીરોકાણ વધારીને નફો વધારે મેળવવવાની શક્યતા દેખાતી નથી. તેથી મૂડીરોકાણ ઘટે છે અને યંત્રસામગ્રી, મૂડી અને મજૂરોની માંગ ઘટે છે અથવા વધતી બંધ થાય છે અને તેથી આવક, રોજગારી વગેરેમાં વધારો ન થતો હોવાથી અર્થતંત્ર સ્થગિતતા પ્રાપ્ત કરે છે.
પ્રશિષ્ટ અર્થશાસ્ત્રમાં મુક્ત અર્થતંત્રનું સ્થાન : ઍડમ સ્મિથે લખેલું કે ‘જ્યારે દેશમાં, સરકાર અર્થતંત્રમાં કંઈ પણ હસ્તક્ષેપ ન કરે ત્યારે જ તે અસરકારક રાજ્યતંત્ર ચલાવી શકે.’ વળી ઍડમ સ્મિથ ખાનગી ઇજારશાહીનો પણ વિરોધ કરે છે. આર્થિક વિકાસ સ્વયંસંચાલિત ત્યારે જ બને, જ્યારે દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થ પ્રમાણે આર્થિક પ્રવૃત્તિ કરવા સ્વતંત્ર હોય; પણ તેમ કરવામાં મુક્ત બજારમાં પ્રવર્તતી સ્વતંત્ર કિંમત-પદ્ધતિ સમગ્ર જનતાના હિતમાં હોય. કિંમત-પદ્ધતિ દ્વારા દરેક ચીજ, વસ્તુ-સેવા, ઉત્પાદનનાં સાધનો વગેરેની માંગ અને પુરવઠો સરખાં થતાં રહે અને સમતુલા પ્રવર્તે. નાણાબજારમાં બચતનો પુરવઠો અને મૂડીરોકાણ માટેની માંગ વ્યાજના દર વડે સરખાં થાય અને શ્રમ કે શ્રમબજારમાં શ્રમની માંગ અને પુરવઠો રોજીના દર દ્વારા સરખાં થઈ રહે. આથી જ પ્રશિષ્ટ લેખકો માનતા કે કોઈ પણ દેશમાં રોજગારી વધારવી હોય તો મજૂરોએ ઓછી રોજીના દરે કામ કરવું પડે અથવા તો મજૂરોની માંગ વધારવા માટે મૂડીરોકાણ અને ઉત્પાદન વધારવાં જોઈએ.
આ પ્રમાણે મુક્ત અર્થતંત્રમાં સ્વતંત્ર કિંમત-પદ્ધતિ, બજાર-પદ્ધતિ અને સ્વતંત્ર સાહસ અને પ્રવૃત્તિ દ્વારા કેવી સુવ્યવસ્થા પ્રવર્તે છે તે દર્શાવવામાં ‘પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર’નો ફાળો ઘણો મહત્વનો છે.
શાંતિલાલ બ. મહેતા