પ્રશાંત (પેસિફિક) મહાસાગર

February, 1999

પ્રશાંત (પેસિફિક) મહાસાગર : પૃથ્વીની સપાટીના 13 ભાગને આવરી લેતો સૌથી વિશાળ મહાસાગર. વિશાળતામાં તે આટલાન્ટિક મહાસાગરથી બમણો છે. પૃથ્વી પરના બધા જ ખંડોને જો તેમાં ગોઠવી દેવામાં આવે તોપણ એશિયા ખંડના કદ જેવડા બીજા એક વધુ ખંડનો તેમાં સમાવેશ થઈ જાય. ફર્ડિનાન્ડ મેગેલન નામના સાગરસફરીએ તેની વિશાળતા અને તત્કાલીન શાંત સ્થિતિ નિહાળીને તેને પેસિફિક (અર્થ પ્રશાંત-peaceful) નામ આપ્યું છે તે યથાર્થ છે તો ખરું પરંતુ હકીકતમાં તે તદ્દન શાંત તો નથી જ. તેમાં અવારનવાર જ્વાળામુખીનાં પ્રસ્ફુટનો, ભૂકંપ, ત્સુનામી, હરિકેન, ટાઇફૂન વગેરે જેવાં વાવાઝોડાં થયાં કરે છે.

પરિમાણ : પ્રશાંત મહાસાગરનો જળસપાટી-વિસ્તાર, સીમાન્ત સમુદ્ર-ફાંટાઓને બાદ કરતાં, 16,52,00,000 ચોકિમી. જેટલો છે; જ્યારે સમગ્ર જળસપાટી-વિસ્તાર 18,10,00,000 ચોકિમી. જેટલો થાય છે. એશિયાઈ–ઉત્તર અમેરિકી કિનારાઓ વચ્ચેનું તેનું પૂર્વ-પશ્ચિમ અંતર 16,880 કિમી. તથા ઉત્તરે બહેરીનની સામુદ્રધુનીથી દક્ષિણે ઍન્ટાર્ક્ટિકાની ઍડૅરની ભૂશિર સુધીનું તેનું ઉત્તર-દક્ષિણ અંતર 14,880 કિમી. છે. મલાયા દ્વીપકલ્પ અને પનામા વચ્ચે વિષુવવૃત્ત પર વિસ્તરેલા તેના સૌથી પહોળા ભાગમાં તે  લગભગ 24,000 કિમી.નું અંતર ધરાવે છે; અર્થાત્ પૃથ્વીના વિષુવવૃત્તીય પરિઘની અર્ધાથી વધુ (35) લંબાઈને આવરી લે છે. ઉત્તરે આર્ક્ટિક ધ્રુવવૃત્તથી દક્ષિણે ઍન્ટાર્ક્ટિકા ખંડ સુધી અને પૂર્વમાં અમેરિકા ખંડથી પશ્ચિમમાં એશિયા-ઑસ્ટ્રેલિયા ખંડો સુધી તે વિસ્તરેલો છે. દરિયાઈ સરહદોના સંદર્ભમાં જોતાં, ઉત્તરમાં તે બહેરીનની સામુદ્રધુની દ્વારા આર્ક્ટિક મહાસાગરથી અલગ પડે છે; મધ્યમાં આંદામાન ટાપુઓ, ઇન્ડોનેશિયા, તિમોરથી તાલ્બોટની ભૂશિર સુધીની રેખા, બેસની સામુદ્રધુનીના પશ્ચિમ છેડા તેમજ ટાસ્માનિયાની અગ્નિ ભૂશિર પર આવેલા 146° 52´ પૂર્વ રેખાંશ દ્વારા તે હિન્દી મહાસાગરથી અલગ પડે છે; તથા દક્ષિણમાં હૉર્નની ભૂશિરથી દક્ષિણ શેટલૅન્ડ ટાપુને જોડતી રેખા દ્વારા આટલાન્ટિક મહાસાગરથી અલગ પડે છે. આફ્રિકા અને યુરોપને બાદ કરતાં તે બાકીના બધા જ ખંડોના કિનારાઓને સ્પર્શે છે.

દિનરાત અફળાતાં મોજાંઓથી કોતરાયેલી ખાડીઓ અને નાનાં તળાવોવાળો મેક્સિકો પાસેનો પ્રશાંત મહાસાગરનો રમણીય કિનારો

પૃથ્વી પરના બધા જ મહાસાગરોમાં તે વધુ ઊંડાઈવાળો છે અને સ્થાનભેદે જુદી જુદી ઊંડાઈ પરનું તેનું તળ-સ્થળર્દશ્ય ખૂબ જ અનિયમિત છે. તેના દક્ષિણ તરફના ભાગની સરેરાશ ઊંડાઈ 3,900 મીટરની છે, જ્યારે તેના ઉત્તર તરફના ભાગની સરેરાશ ઊંડાઈ 4,500 મીટરની છે. તેનો માત્ર 7% વિસ્તાર જ 900 મીટરથી ઓછી ઊંડાઈ ધરાવે છે; જ્યારે તેના મોટાભાગના વિસ્તારો 5,000 મીટરથી વધુ ઊંડાઈએ આવેલા છે. વધુ પડતી ઊંડાઈવાળા ભાગો ખાઈ (trenches) સ્વરૂપના છે. મોટાભાગની ખાઈઓ 6,000થી 9,000 મીટરની ઊંડાઈવાળી છે. તેનો ઊંડામાં ઊંડો ભાગ મરિયાના ખાઈનું ચૅલેન્જર ઊંડાણ છે, જેની ઊંડાઈ 11,035 મીટર છે.

ખાઈઓ : પૃથ્વી પરના મહાસાગરો પૈકીની વધુ ઊંડાઈ અને વધુ સંખ્યા ધરાવતી ખાઈઓ આ મહાસાગરમાં આવેલી છે. આ ખાઈઓ પ્રમાણમાં સાંકડી અને કમાનાકાર હોય છે, તેમની બાજુઓના ઢોળાવ ઢળતી દીવાલ જેવા છે. આજ સુધીમાં આ મહાસાગરમાં 32 જેટલી ઊંડી ખાઈઓ શોધી શકાઈ છે, જે પૈકીની વધુ અગત્યની અને જાણીતી ખાઈઓમાં મરિયાના ખાઈ (11,035 મી.), ટોંગા-કર્માડેક ખાઈ (10,800 મી.), જાપાન (10,500 મી.), ક્યુરાઇલ-કામચટકા (10,500 મી.), ફિલિપાઇન્સ (10,400 મી.) અને ઍલ્યુશિયન(8,100 મી.)નો સમાવેશ થાય છે.

તટવર્તી ભૂમિલક્ષણો : પ્રશાંત મહાસાગરતટની લંબાઈ આશરે 1,76,000 કિમી. જેટલી છે. મહાસાગરના પૂર્વતટને સમાંતર દક્ષિણ અમેરિકાને પશ્ચિમ કિનારે ઍન્ડીઝ, ઉત્તર અમેરિકાને પશ્ચિમ કિનારે રૉકિઝની ગેડ પર્વતમાળાઓ વિસ્તરેલી છે. છેક ઉત્તર તરફ તે કૉર્ડિલેરા પર્વતસંકુલમાં ફેરવાય છે. મહાસાગરની વાયવ્ય તથા નૈર્ઋત્ય દિશામાં આવેલા એશિયા-ઑસ્ટ્રેલિયા ભૂમિખંડોના પૂર્વ કિનારાના ભાગોમાં પહાડી હારમાળાઓનું ક્ષેત્ર રશિયા, કોરિયા, જાપાન, ફિલિપાઇન્સ, ઈસ્ટ ઇન્ડિઝ, ન્યૂ ગિની અને ન્યૂઝીલૅન્ડને આવરી લે છે. મહાસાગરમાં આવેલા ટાપુઓ, અધોદરિયાઈ પર્વતમાળાઓ અને કિનારાના પ્રદેશો દુનિયાના 2⁄3 ભાગના સક્રિય જ્વાળામુખીઓ ધરાવે છે. આ કારણથી પેસિફિક પરિઘ પરના જ્વાળામુખી પટ્ટા(circum Pacific belt)ને પેસિફિક અગ્નિવલય (Pacific ring of fire) તરીકે ઓળખવામાં આવે છે.

સમુદ્રતળ લક્ષણો (ખંડીય છાજલીઓ) : પ્રશાંત મહાસાગરના તળના સ્થળશ્યની ખૂબીઓ જાણવા માટે તેને ખૂંદી વળનારાઓ પૈકી 2000 વર્ષ અગાઉ પૉલિનેશિયનો સર્વપ્રથમ હતા. આજે તો સમુદ્રશાસ્ત્રીઓ માટે તેનાં તળલક્ષણો રસનો વિષય બની રહ્યાં છે. તેને સ્પર્શતા પ્રત્યેક ખંડના દરિયાકિનારા નજીકથી જ ખંડીય છાજલી શરૂ થઈ જાય છે, સામાન્યપણે તેમની ઊંડાઈ 180 મીટરથી ભાગ્યે જ વધુ છે. તેમ છતાં ક્યાંક તે 1,000 મીટરની ઊંડાઈ સુધી પણ પહોંચે છે. આ મહાસાગરમાં ખંડીય છાજલીઓનો વિસ્તાર ઘણો ઓછો છે, એ તેના કુલ ક્ષેત્રફળના ફક્ત 5.7% જેટલો જ વિસ્તાર રોકે છે. પ્રશાંત મહાસાગરની પશ્ચિમ અને ઉત્તર તરફની બાજુઓએ વિશાળ ખંડીય છાજલીઓ આવેલી છે. એશિયા, ઈસ્ટ ઇન્ડિઝ અને ઑસ્ટ્રેલિયા ભૂમિ-ખંડો નજીકની ખંડીય છાજલીઓ પહોળી છે. તેના પર દ્વીપચાપ (ટાપુઓની શ્રેણીથી રચાતી કમાનો) અને મોટાભાગના સીમાન્ત સમુદ્રો (marginal seas) આવેલા છે જેમ કે બહેરીન સમુદ્ર, ઓખોત્સ્ક સમુદ્ર, જાપાની સમુદ્ર, પીળો સમુદ્ર, પૂર્વ ચીની સમુદ્ર, કોરલ સમુદ્ર વગેરે. અહીંની ખંડીય છાજલીઓની પહોળાઈ સ્થાનભેદે 160થી 1,600 કિમી. જેટલી છે. ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કાંઠા નજીકની ખંડીય છાજલીઓ પ્રમાણમાં ઘણી સાંકડી છે, તે 10 કિમી.થી પણ ઓછી પહોળી છે, તેનું મુખ્ય કારણ નજીક આવેલી તટવર્તી રૉકિઝ-ઍન્ડીઝ ગેડ પર્વતામાળાઓ છે.

ખંડીય છાજલીઓનું આર્થક ર્દષ્ટિએ ઘણું મહત્વ છે. તેના પરથી ખનિજતેલ તથા કુદરતી વાયુ તેમજ કેટલાંક કીમતી ખનિજો મળી આવે છે. અહીં દુનિયાનાં અગત્યનાં મત્સ્યક્ષેત્રો પણ આવેલાં છે. ઉષ્ણ-કટિબંધ વિસ્તારમાં આવેલી કેટલીક ખંડીય છાજલીઓ પર પ્રવાલદ્વીપો(પરવાળાંના ખરાબા – coral reefs)નો વિકાસ થયેલો જોવા મળે છે. ઑસ્ટ્રેલિયાના પૂર્વ કિનારા નજીક ઉત્તર-દક્ષિણ લગભગ 1900 કિમી. વિસ્તરેલી વિશાળ પ્રવાળદ્વીપ શ્રેણી (Great Barrier Reefs) તેનું ઉત્તમ ર્દષ્ટાંત છે. ઈસ્ટ ઇન્ડિઝના છીછરા સમુદ્રો પણ આવા પરવાળાના ખરાબાઓની લાક્ષણિકતાવાળા છે.

ખંડીય છાજલીનો વિભાગ પૂરો થતાં સમુદ્રતળની ઊંડાઈ એકાએક વધવા લાગે છે અને સમુદ્રગહન ઢોળાવ – ખંડીય ઢોળાવ (continental slope) શરૂ થાય છે. અન્ય મહાસાગરોની તુલનામાં પ્રશાંત મહાસાગરના ખંડીય ઢોળાવો વિશેષ પ્રમાણમાં ઢળતા છે. ખંડીય ઢોળાવનો વિભાગ પૂરો થતાં ગહન સમુદ્ર મેદાન (deep sea plain or abyssal plain) શરૂ થાય છે. આ મહાસાગરનાં સમુદ્રતળનાં મેદાનો તેના કુલ તળવિસ્તારનો આશરે 80.3% ભાગ આવરી લે છે. તળવિભાગ ઘણાં ગહન સમુદ્રીય મેદાનોમાં વહેંચાયેલો છે. ઉત્તરતરફી મહાસાગરતળ સૌથી વધુ ઊંડું છે. તેની સરેરાશ ઊંડાઈ 5,000થી 6,000 મીટર જેટલી છે. ઍલ્યુશિયન સમુદ્રીય મેદાન 5,500 મીટર ઊંડું છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરતળ સરેરાશ 4,000 મી. ઊંડાઈવાળું છે.

ટાપુઓ : પ્રશાંત મહાસાગરમાં હજારોની સંખ્યામાં ટાપુઓ આવેલા છે. તેમના તળભાગ જુદી જુદી ઊંડાઈએથી શરૂ થાય છે. નકશામાં ટપકાં કે ટપકાં-શ્રેણી રૂપે જોવા મળતા અનેકાનેક ટાપુઓ કે દ્વીપચાપો મોટેભાગે મધ્ય અને દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલા છે, તે પૈકીના ઘણાખરા જ્વાળામુખીજન્ય છે. જાપાન, ન્યૂઝીલૅન્ડ અને ફિલિપાઇન્સ જેવા મોટા ટાપુઓ એશિયા કે ઑસ્ટ્રેલિયાથી વધુ નજીક છે. પૂર્વ અને ઉત્તર ભાગમાં પ્રમાણમાં ઓછા ટાપુઓ છે.

અન્ય કોઈ પણ મહાસાગર કરતાં અહીં વધુ પ્રમાણમાં અધોદરિયાઈ (જળનિમગ્ન) પર્વતો આવેલા છે, પર્વતશ્રેણીઓ પણ છે. આ હારમાળા તેની મધ્યમાં નથી, પરંતુ અમેરિકી કિનારાની વધુ નજીક છે અને દક્ષિણ તરફ ઍન્ટાર્ક્ટિકાના વિક્ટોરિયાલૅન્ડ સુધી લંબાયેલી છે. તેને પૂર્વ ‘પેસિફિક પર્વતમાળા’ અથવા ‘આલ્બાટ્રૉસ કૉર્ડિલેરા’ (Albatross Cordillera) કહે છે. સમુદ્રસપાટીથી તેની શિરોભાગની ઊંડાઈ આશરે 3,050 મીટર જેટલી છે. (જુઓ, મધ્ય સામુદ્રિક ડુંગરધારો.) તે બધા જ્વાળામુખીજન્ય છે. તેમનાં મોટાભાગનાં શિખરો શંકુ આકારનાં છે, કેટલાંક ગીયોટ સ્વરૂપનાં સપાટ શિરોભાગવાળાં પણ છે. કેટલાક શ્રેણીબદ્ધ વિભાગો જળસપાટીથી બહાર પણ દેખાય છે; દા.ત., હવાઈ ટાપુઓ. બહાર સળંગ ન દેખાતી હવાઈની દ્વીપચાપ વાયવ્ય દિશાથી અગ્નિ દિશા તરફ આશરે 3,000 કિમી. લાંબી અને 960 કિમી. પહોળાઈવાળી છે. દક્ષિણમાં આવેલા અધોદરિયાઈ પર્વતોનાં કેટલાંક શિખરોએ સમુદ્રસપાટીથી બહાર ડોકાઈને ગાલાપાગોસ (Galapagos) અને ઈસ્ટર (Easter) ટાપુઓ રચ્યા છે. ટાપુઓ જ્યાં જ્યાં હારબંધ ગોઠવાયેલા છે ત્યાં દ્વીપચાપોની રચના થઈ છે; દા.ત., ઉત્તરમાં આવેલા ઍલ્યુશિયન ટાપુઓ. દક્ષિણ પેસિફિકમાં ડુંગરધારો અને ઉપસાવ (ridges and rises) તૈયાર થયેલાં છે. 1,500થી 3,000 મીટરની અધોદરિયાઈ ઊંચાઈ ધરાવતા પૂર્વ પેસિફિક ઉપસાવ(East Pacific rise)ની નજીકના સમુદ્રતળ પર આશરે 2,500 જેટલાં ઉષ્ણજળજન્ય સ્ફોટક છિદ્રોમાંથી ગરમ પાણીના ફુવારા પણ ફૂટી નીકળે છે. સપાટ શિરોભાગવાળા કેટલાક ગીયોટ પર કંકણાકાર પ્રવાલદ્વીપો પણ જોવા મળેલા છે. આમ આ મહાસાગર વિવિધતાવાળા લગભગ 20,000 ટાપુઓ ધરાવે છે. ઍલ્યુશિયન ટાપુઓ, બ્રિટિશ કોલંબિયા નજીકના ટાપુઓ તથા ચિલી નજીકના ટાપુઓ ખંડોની તળભૂમિ પાસે આવેલા હોવાથી તેમને ખંડીય ટાપુઓ કહે છે; ખંડો અને આ ટાપુઓ વચ્ચેનો ભાગ જળનિમગ્ન હોવાથી તે બધા મૂળ તળભૂમિથી અલગ દેખાય છે. એવી જ રીતે જાપાનનો દ્વીપસમૂહ, ક્યુરાઇલ ટાપુઓ, ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયાના ટાપુઓ અધોદરિયાઈ ગેડ પર્વતમાળાઓની કમાનોના ઊંચા ભાગો માત્ર છે, તે બધા જ્વાળામુખી શિખરો પણ ધરાવે છે. હવાઈના મૉના કિયા (Mauna Kea) ટાપુ એ ઊંચા જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે, જ્યારે ફીજી, ફૉનાફુટી (Faunafuti) અને એલિસ (Ellice) એ પરવાળાંના નીચા ટાપુઓનાં ઉદાહરણો છે. અહીંના જુદા જુદા ટાપુઓમાં વસતા લોકોની જાતિઓ મુજબ ટાપુઓને જૂથનામ અપાયાં છે; જેમ કે, ‘મેલાનેશિયા’ (Melanesia), ‘પૉલિનેશિયા’ (Polynesia) અને ‘માઇક્રોનેશિયા’ (Micronesia).

પરસ્પર સરકતી ભૂતકતીઓની ધારો પર આવેલી ખાઈઓ, મધ્ય સામુદ્રિક ડુંગરધારો, હજારો જ્વાળામુખીજન્ય ટાપુઓ અને પરવાળાંના ટાપુઓ જેવાં વિવિધ લક્ષણો પ્રશાંત મહાસાગરતળની પ્રધાન લાક્ષણિકતાઓ બની રહેલાં છે. ડુંગરધારો અને ઉપસાવો પર તેમની લંબાઈને અનુપ્રસ્થ સાંકડા ફાટવિભાગો પણ વિસ્તરેલા છે. પેસિફિક ભૂતકતી અને ઉત્તર અમેરિકી ભૂતકતી વચ્ચે કૅલિફૉર્નિયાને ઊભો વીંધતો 435 કિમી. લંબાઈવાળો ‘સાન ઍન્ડ્રિયાસ સ્તરભંગ’ ઘણું અગત્યનું ભૂસંચલનજન્ય લક્ષણ બની રહેલો છે. જ્યારે જ્યારે આ બે તકતીઓની સામસામે સરકવાની ક્રિયા ઉદભવે છે ત્યારે ત્યાં વિનાશક ભૂકંપ સર્જાય છે. અહીં થયેલા 1906 અને 1989ના ભૂકંપ આ બાબતની સાક્ષી પૂરે છે.

સમુદ્રતળ-વિસ્તરણ(sea-floor spreading)ના સંદર્ભમાં જોતાં આ મહાસાગરનું તળ-વિસ્તરણ પ્રતિવર્ષ 12થી 16 સેમી.ના દરથી થતું રહે છે, તેથી કરોડો વર્ષોના ગાળા બાદ, અગાઉ કરતાં આજે તે પહોળો થયેલો હોવો જોઈએ, પરંતુ પહોળો થવાને બદલે તે સાંકડો થતો જાય છે, તેનું કારણ એ છે કે અમેરિકી ભૂતકતીની સીમા પર પેસિફિક ભૂતકતીની ધાર ઊંડાઈ તરફ દબાતી જઈને ભૂમધ્યાવરણમાં ઓગળી જાય છે.

આબોહવા : પેસિફિક મહાસાગરમાં માત્ર બે જ ઋતુઓ – વર્ષાઋતુ અને શુષ્કઋતુ હોય છે. ઉત્તર ભાગમાં શિયાળા લાંબા અને ઠંડા, ઉનાળા ટૂંકા અને ઠંડા રહે છે. ઍલ્યુશિયન ટાપુઓ પર પવનો ફૂંકાતા રહે છે, તેથી ધુમ્મસવાળું વાતાવરણ રહે છે. વિષુવવૃત્તીય વિભાગમાં આખું વર્ષ ગરમી પડે છે. દક્ષિણ વિભાગમાં ન્યૂઝીલૅન્ડમાં ઉનાળા મંદ અને શિયાળા ઠંડા રહે છે. પર્વતપ્રદેશો પર હિમવર્ષા અને તુષાર-સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે, જળવર્ષાનું પ્રમાણ વિપુલ રહે છે. ઍન્ટાર્ક્ટિકા નજીકના પેસિફિક ભાગમાં ઠંડી આબોહવાનું વિષમ પ્રમાણ રહે છે, ઉનાળામાં બરફનાં ગચ્ચાં તૂટીને ત્યાંના સમુદ્રમાં તરતાં રહે છે.

દરિયાઈ જીવો, હિમશિલાઓ, સમુદ્રજળની ઘનતા તથા ક્ષારતા, સમુદ્રપ્રવાહો, કિનારાના પ્રદેશોનાં હવામાન અને આબોહવા પર સમુદ્ર-જળના તાપમાનની વિશેષ અસર જોવા મળે છે. પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય સપાટીના જળનું સરેરાશ તાપમાન 27° સે.થી 28° સે. તેમજ મધ્ય અક્ષાંશોમાં તે 10° સે.થી 25° સે. જેટલું રહે છે; જ્યારે ધ્રુવો તરફના છેડાઓનું તાપમાન 10° સે.ની આસપાસ રહે છે. સપાટીથી નીચે તરફના પાણીનું તાપમાન ઊંડાઈની સાથે ઘટતું જાય છે. સપાટીથી 50થી 200 મીટર સુધીની ઊંડાઈના સ્તરમાં તાપમાન લગભગ એકસરખું રહે છે, પણ 1,000 મીટરની ઊંડાઈએ તે ઘટીને લગભગ 5° સે. અને 4,000 મીટરની ઊંડાઈએ 2° સે. જેટલું થઈ જાય છે. પ્રશાંત મહાસાગરનાં જળની ક્ષારતાનું વિતરણ તપાસીએ તો અયનવૃત્તીય પ્રદેશોમાં સામાન્ય રીતે ક્ષારતાનું પ્રમાણ સૌથી વધારે હોય છે, પરંતુ અયનવૃત્તોથી વિષુવવૃત્ત તરફ અને ધ્રુવો તરફ જતાં ક્ષારતાના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળે છે. આ મહાસાગરમાં ઉત્પન્ન થતા સપાટીના પ્રવાહો માટે ઘણાં કારણો જવાબદાર છે. આ બધાંમાં સૌરશક્તિ અને ગ્રહીય પવનો અને પૃથ્વીનું પરિભ્રમણ મુખ્ય છે. સામાન્ય રીતે વિષુવવૃત્તીય પ્રદેશોના ગરમ પ્રવાહો ધ્રુવપ્રદેશો તરફ અને ધ્રુવપ્રદેશોના ઠંડા પ્રવાહો વિષુવવૃત્તીય પ્રદેશો તરફ ગતિ કરે છે.

સમુદ્ર-પ્રવાહો અને ભરતી : પ્રશાંત મહાસાગરમાં ઉદભવતા પ્રવાહો વિષુવવૃત્તથી ઉત્તરમાં ઘડિયાળના કાંટાની દિશામાં અને દક્ષિણમાં તેનાથી વિરુદ્ધ દિશામાં વહે છે. તટવર્તી ભૂમિભાગોમાં આબોહવા પર તેની અસર રહે છે. જાપાની પ્રવાહ અયનવૃત્તો તરફથી આવતો હોવાથી જાપાનને હૂંફાળું રાખે છે. ઉત્તર તરફ આગળ વધતા પ્રવાહો દક્ષિણ અલાસ્કા અને પશ્ચિમ કૅનેડાની ઠંડી આબોહવાને મધ્યમસરની બનાવવામાં મદદરૂપ નીવડે છે. પેરુનો ઠંડો પ્રવાહ દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારાની ભૂમિપટ્ટીને ઉજ્જડ બનાવે છે, પરંતુ તેના ઠંડા જળમાં ઘણી માછલીઓ નભે છે.

પ્રશાંત મહાસાગરની કિનારીઓ પર મોટી ભરતી થતી રહે છે. કોરિયાના પશ્ચિમ કિનારા નજીક ત્યાંની જળસપાટી મોટી ભરતી વખતે 4.6થી 9 મીટર ઊંચી આવે છે. મધ્ય મહાસાગરમાં ભરતીની અસર ઓછી વરતાય છે, ત્યાં જળસપાટી 30 સેમી. જેટલી ઊંચી આવે છે.

આર્થિક સંપત્તિ : પ્રશાંત મહાસાગરનું તળ ખનિજ-ભંડાર બની રહેલું છે. તેલકંપનીઓએ તેની ખંડીય છાજલી પર સંખ્યાબંધ સ્થળોએ તેલ-પ્રાપ્તિ માટે શારકામ કરેલાં છે. તળના કેટલાક ભાગો તાંબું, નિકલ, કોબાલ્ટ અને લોહનાં ખનિજોનો સમાવેશ કરતા મૅંગેનીઝના કાળા ગઠ્ઠાઓથી છવાયેલા છે. અહીંના ઝીણા નિક્ષેપકણોની આજુબાજુ જમાવટ પામતા જઈને લાખો વર્ષોના કાળગાળા દરમિયાન આ ગઠ્ઠા તૈયાર થતા ગયેલા છે; પરંતુ આ ઊંડાઈના કારણે તેમની પ્રાપ્તિની શક્યતા ઓછી છે. હવાઈ જેવા કેટલાક ટાપુઓના રેતાળ તટપ્રદેશોની કાળી રેતી ત્યાંના લાવાના ખડકો પર મોજાંની સતત અથડામણ થતી રહેતી હોવાથી, ઝીણો ભૂકો બનીને તૈયાર થયેલી છે. અન્ય પેદાશોમાં મોતી, સીલ(માછલી)ની ખાલ, ખાતર માટે સમુદ્ર વનસ્પતિ અને ઍક્વેરિયમ માટેની અયનવૃત્તીય માછલીઓનો સમાવેશ થાય છે.

જીવન : સમુદ્રસપાટી નજીકના છીછરા ભાગોમાં તેમજ ઓછી ઊંડાઈના સ્તરે વિવિધ પ્રકારનું જીવન નભે છે. ડૉલ્ફિન, સીલ અને વહેલ જેવાં સામુદ્રિક સસ્તન પ્રાણીઓ જલસપાટી નજીક જોવા મળે છે. અહીં હજારો પ્રકારની માછલીઓ રહે છે. જુદી જુદી અનુકૂળ ઊંડાઈ પર પરવાળાં, કવચી માછલીઓ (shell fishes) અને કીટકો મળે છે. છીછરા તળ પર સમુદ્ર વનસ્પતિ ઊગે છે. દુનિયાભરમાં પ્રતિવર્ષ પકડવામાં આવતી વિવિધ માછલીઓ પૈકી 49% માછલીઓ અહીંથી મળી રહે છે. આશરે પાંચ કરોડ ટન જેટલો સમુદ્રી ખોરાક પ્રતિ વર્ષે અહીંથી મેળવાય છે. આમાંથી 50% ભાગ ચીન, જાપાન અને રશિયા જેવા વાયવ્ય ભાગોમાંથી મળી રહે છે. સમુદ્રી ખોરાક પૈકીનાં મહત્વનાં કેન્દ્રો દક્ષિણ અમેરિકા, ઑસ્ટ્રેલિયા, અગ્નિ એશિયા અને ઉત્તર અમેરિકામાં આવેલાં છે.

બીજલ પરમાર