પ્રશિષ્ટતાવાદ (classicism)

February, 1999

પ્રશિષ્ટતાવાદ (classicism) : પ્રાચીન ગ્રીક સાહિત્ય અને કલાના નમૂનાને આદર્શ લેખી અનુસરવાનો વાદ. ગ્રીક અને રોમન આદર્શો પર આધારિત એવી કલાના સ્વરૂપ અંગેની વિભાવના સાથે સંબંધ ધરાવતી આ સંજ્ઞા યુરોપીય સાહિત્યમાં વિવેચનક્ષેત્રે એક ચોક્કસ પ્રકારના વાદને અભિવ્યક્ત કરે છે. આ સંજ્ઞાને સમજવા માટે એની સાથે સંકળાયેલી વર્ગ (class), પ્રશિષ્ટ (classic), સૌષ્ઠવપ્રિય (classical) અને સૌષ્ઠવઘેલો (classicist) જેવી સંજ્ઞાઓ સમજવી જરૂરી બને છે.

કોઈ પણ સમાજમાં રુચિ અને મૂલ્યની રીતે એક જુદો તરી આવતો અભિજાત વર્ગ હોય છે અને કોઈ પણ વસ્તુની ઊંચી ગુણવત્તાનો માપદંડ એના દ્વારા નિર્ણીત થતો હોય છે. આ ઉચ્ચ વર્ગ દ્વારા સ્થાપિત વસ્તુઓ પોતે જ એક વર્ગ (class) બની જાય છે. આ ઊંચા વર્ગમાં દાખલ થતી વસ્તુઓ એની ઉત્તમતા, શિષ્ટતા અને ઊંચી ગુણવત્તા તેમજ એના મૂલ્યને સૂચવે છે. તેથી એ પ્રશિષ્ટ બની જતી હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આ રીતે પ્રશિષ્ટની અને પ્રશિષ્ટને સ્થાપતી અભિવૃત્તિની એક પરંપરા સ્થાપિત થયેલી હોય છે. પ્રશિષ્ટના નિયમો એમાં નિહિત રીતે નિશ્ચિત હોય છે. પ્રશિષ્ટ અંગેના આ નિયમોને ઉલ્લંઘ્યા વગર, એનું રક્ષણ કરતી તેમજ સૌષ્ઠવ જાળવતી મનુષ્યની વૃત્તિને સૌષ્ઠવપ્રિય કહેવાય છે. આ વૃત્તિને સમજવા માટે એની સામે છેડેની વૃત્તિને પણ સમજવી જરૂરી છે.

પ્રણાલીઓનો વિરોધ કરતી, નિયમોને ઉલ્લંઘી જતી અને કૌતુકથી સાહસો કરતી મનુષ્યની ઉચ્છેદક વૃત્તિને કૌતુકપ્રિય (romantic) કહેવાય છે. ક્યારેક પરસ્પરવિરોધી અને ક્યારેક પરસ્પરાવલંબી આ સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય વૃત્તિઓ મનુષ્યની સ્થાયી વૃત્તિઓ છે. એક પાછળ ફરીને જોયા કરે છે, બીજી આગળ ને આગળ જોયા કરે છે, અને આ બે સંરક્ષક અને ઉચ્છેદક વૃત્તિને અનુસરીને યુરોપીય સાહિત્યના ઇતિહાસમાં અનુક્રમે ચોક્કસ બે વાદ રચાયા છે : પ્રશિષ્ટતાવાદ (classicism) અને રંગદર્શિતાવાદ કે કૌતુકવાદ (romanticism). પરંપરામાં ર્દઢ સ્થપાયેલો હોવાથી પ્રશિષ્ટતાવાદ કેન્દ્રયુક્ત (co-centric) કહેવાય છે, જ્યારે પરંપરાને ચાતરતો હોવાથી રંગદર્શિતાવાદ કેન્દ્રમુક્ત (ex-centric) કહેવાય છે.

આ બે વાદને સમજવા માટેનાં ઉત્તમ ઉદાહરણો પાર્થેનૉનનું ગ્રીક મંદિર અને કોઈ પણ ગૉથિક ચર્ચ છે. પાર્થેનૉનના મંદિરનું, સમગ્ર અને ઘટકોની અદભુત અન્વિતિ સાથેનું, ભૌમિતિક રેખાઓની સંપૂર્ણ સમતુલા સાથેનું, નિયમિત અને અનલંકૃત સ્થાપત્ય પ્રશિષ્ટતાના નમૂના તરીકે ધ્યાન ખેંચે છે; તો ગૉથિક ચર્ચનું અનિયમિત, અયોજિત અને યાર્દચ્છિક ગોઠવાયેલા ઘટકો સાથેનું અતિઅલંકૃત વિગતપ્રચુર સ્થાપત્ય રંગદર્શિતાની છાપ ઊભી કરે છે.

પ્રશિષ્ટતાવાદને આ રીતે જોતાં, એને ચોક્કસ વર્ગ સાથે, ઉત્તમતા સાથે, ઊંચી ગુણવત્તા સાથે સંબંધ છે; નિયમિતતા અને સુયોજિતતા  સાથે સંબંધ છે. આ વાદનો ઉદગમ ગ્રીક કલા અને ગ્રીક તત્વવિચારમાં પડેલો છે. પાર્થેનૉનના સ્થાપત્યની જેમ ગ્રીક પ્રજાના જીવનવ્યવહાર અને વિચારવિશ્વમાં સપ્રમાણતા, સંવાદિતા, સમતુલનનો મહિમા હતો. સ્વસ્થ તર્કપૂત જીવનશૈલીની પરિણતિ કલાના સંયત આકારસૌષ્ઠવમાં આવે એ સ્વાભાવિક હતું.

આ પ્રાચીન ગ્રીક સાહિત્ય અને કલાના નમૂનાઓને આદર્શ ગણવાનો અને એ નમૂનાઓને ચુસ્તપણે સર્જાતી કલાઓમાં અનુસરવાનો યુરોપના ઇટાલી, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, જર્મની જેવા દેશોમાં સોળમીથી અઢારમી સદી પર્યંત એક જુવાળ આવ્યો. ગ્રીક અને રોમન પ્રશિષ્ટતાવાદને અનુસરતો આ સભાન પ્રશિષ્ટતાવાદ એક રીતે જોઈએ તો નવ્યપ્રશિષ્ટતાવાદ હતો.

પ્રાચીન ગ્રીક કલાકૃતિઓના અભ્યાસે અને ગ્રીક સૌંદર્યશાસ્ત્ર તેમજ સાહિત્યશાસ્ત્રના પ્રભાવે નવ્યપ્રશિષ્ટતાવાદી કલાકારો અને લેખકો અભિવ્યક્તિમાં સ્વસ્થ રહેવાને, લાગણીને નિયંત્રણમાં રાખવાને અને આત્મલક્ષિતાને નાથવાને મથ્યા. વ્યવસ્થા, સુનિયંત્રિતતા, અનલંકૃતતાની સાથે સાથે સુગમતા, તર્કપૂતતા અને વિશદતાનો પુરસ્કાર કર્યો.

અલબત્ત, ગ્રીક સાહિત્ય અને કલાને આદર્શ ગણીને ચાલનારા અને ચુસ્તપણે એને અનુસરનારા આ વાદમાં એના એકાંગીપણાને કારણે યાંત્રિકતા આવે, પરંપરાની કૃતકતા દાખલ થાય, કે પ્રાચીન શૈલીનું એમાં નિર્જીવ પુનરાવર્તન પ્રવેશે એ સ્વાભાવિક હતું. પ્રશિષ્ટતાવાદના આ અતિરેકને દર્શાવવા સૌષ્ઠવઘેલો (classicist) સંજ્ઞા પણ પ્રચારમાં આવેલી છે. કૌતુકવાદી વલણ પછીથી પ્રશિષ્ટતાવાદના પ્રતિકારમાંથી આવ્યું છે અને એનું પૂરક બન્યું છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા