પ્રવાહી-વાયુ પ્રણાલી

February, 1999

પ્રવાહી-વાયુ પ્રણાલી : એકબીજા સાથે સમતોલનમાં રહેલ પ્રવાહી અને વાયુની પ્રાવસ્થાનું બનેલું તંત્ર. વાયુ-પ્રવાહી પ્રણાલીઓનો અભ્યાસ નિસ્યંદન (distillation), અવશોષણ (absorption), અવલેપન (stripping), આર્દ્રીકરણ (humidification), વિઆર્દ્રીકરણ (dehumidification) વગેરેના અભ્યાસમાં અત્યંત ઉપયોગી છે. એકરૂપ પ્રવાહી મિશ્રણમાંથી જુદા જુદા ઘટકોને નિસ્યંદન દ્વારા છૂટા પાડી શકાય છે. વિવિધ રાસાયણિક ઉદ્યોગો જેવા કે પેટ્રોલિયમ રિફાઇનરી, આલ્કોહૉલ ઉદ્યોગ, પેટ્રોરસાયણ ઉદ્યોગ વગેરેમાં નિસ્યંદનનો વ્યાપક ઉપયોગ થાય છે.

એકરૂપ વાયુમિશ્રણમાંથી ખાસ ઘટક છૂટો પાડવા માટે અવશોષણનો ઉપયોગ થાય છે. સલ્ફ્યુરિક ઍસિડ, હાઇડ્રોક્લૉરિક ઍસિડ વગેરે બનાવવાના ઉદ્યોગમાં તેનો ઉપયોગ થાય છે. હવાનું પ્રદૂષણ અટકાવવા માટે, રાસાયણિક ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા વાયુમિશ્રણમાંથી હાનિકારક ઘટકોને અવશોષણ અથવા માર્જન દ્વારા દૂર કરવામાં આવે છે. આ માટે વાયુમિશ્રણને પ્રવાહી દ્રાવક સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. આથી વાયુમિશ્રણમાંના ચોક્કસ ઘટકનું પ્રવાહી દ્રાવકમાં સ્થાનાંતર થાય છે.

રાસાયણિક ઉદ્યોગો, પાવર સંયંત્ર, વાયુઅનુકૂલન સંયંત્ર વગેરેમાં ગરમ પાણીને ઠંડું કરવા માટે શીતન-ટાવરોનો વ્યાપક ઉપયોગ થાય છે. તેમાં વાયુ-પ્રવાહી પ્રણાલી એટલે કે પાણીનો હવા સાથે ખાસ હેતુસર સંપર્ક કરવામાં આવે છે. આમ થતાં હવાનું આર્દ્રીકરણ થાય છે, જ્યારે પાણીનું બાષ્પીભવન થતાં તે ઠંડું પડે છે. આમ, વાયુ-પ્રવાહી પ્રણાલીઓનો અભ્યાસ અનેક રીતે ઉપયોગી છે.

શુચેન ઠાકોર