પ્રવાહી-ઘન પ્રણાલી : જુદા જુદા તાપમાને અને દબાણે એકબીજા સાથે સમતોલનમાં રહેલી ઘન અને પ્રવાહી પ્રાવસ્થાનું બનેલું તંત્ર.
ઘન અને પ્રવાહીના મિશ્રણને ગાળણ (filtration) દ્વારા આસાનીથી છૂટું પાડી શકાય છે. ગાળણમાં ગાળણ-માધ્યમ ઘન કણોને તેમાંથી પસાર થતાં રોકે છે. ગાળણનો દર વધારવા માટે માધ્યમની બંને બાજુઓમાં દબાણનો તફાવત ઉત્પન્ન કરવામાં આવે છે. (દા.ત., પ્રેશર ફિલ્ટર અને વૅક્યુમ ફિલ્ટર). ગાળણનો દર કેન્દ્રત્યાગી બળ ઉત્પન્ન કરીને પણ વધારી શકાય; દા.ત., અપકેન્દ્રી (centrifugal) ગાળણ. આ ઉપરાંત અવસાદન (sedimentation) દ્વારા પણ ઘન અને પ્રવાહી ઘટકોને છૂટા પાડી શકાય.
સમાંગ (homogeneous) પ્રવાહી મિશ્રણમાંથી ઘટકો છૂટા પાડવાના ચોક્કસ હેતુસર પ્રવાહીને ઘન-પ્રવાહી પ્રણાલીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. સ્ફટિકીકરણ દ્રાવણના બાષ્પીભવન (evaporation) કે શીતન દ્વારા કરવામાં આવે છે. સ્ફટિકીકરણ બાદ ઘન કણોને ગાળણ દ્વારા છૂટા પાડવામાં આવે છે (દા.ત., ખાંડ મેળવવાની વિધિ).
ઘન-પ્રવાહી પ્રણાલીઓનો અભ્યાસ રાસાયણિક ઉદ્યોગોમાં પ્રક્રિયાકારક (reactor), અપકેન્દ્રણયંત્ર, સ્ફટિકકારક વગેરેની ડિઝાઇન માટે અત્યંત જરૂરી છે.
શુચેન ઠાકોર