પ્રવાસન-ઉદ્યોગ : વ્યક્તિઓના સમૂહને જુદાં જુદાં મહત્વનાં સ્થળોનું નિરીક્ષણ કરવા માટે જવા-આવવાની સુવિધાજનક સેવાઓ પૂરી પાડતો ઉદ્યોગ. વિશ્વપ્રવાસન સંઘ, મેડ્રિડ, સ્પેનનાં ધોરણો અનુસાર સામાન્ય ઘરેડવાળી જીવનશૈલીમાંથી ઉદભવતો કંટાળો દૂર કરવા માટે પોતાના રહેવાના અથવા કામ કરવાના સ્થળેથી 24 કલાકથી ઓછા નહિ અને 1 વર્ષથી વધારે નહિ તેટલા સમય સુધી દૂર દૂર જઈને સ્વગૃહે પાછા ફરવાના સ્પષ્ટ આશયવાળા એકથી વધારે વ્યક્તિઓના સમૂહ દ્વારા આરામપૂર્વક કરાતા આવાગમનને પ્રવાસ કહેવાય છે. આ પ્રવાસીઓની પાયાની જરૂરિયાતો; જેવી કે સુવિધાજનક મુસાફરી, રહેઠાણની આરામદાયક સગવડ, સ્વાદિષ્ટ ભોજન અને વિવિધ સ્થળોની મુલાકાત અને નિરીક્ષણની સુવ્યવસ્થા પૂરી પાડવા માટે શરૂ થયેલા ઉદ્યોગને પ્રવાસન-ઉદ્યોગ કહેવાય છે.

પ્રાચીન સમયમાં હિંદુઓ, મુસલમાનો, ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પોતપોતાની ધાર્મિક માન્યતા અનુસારનાં કે કાશી, મક્કા અને જેરૂસલેમ જેવાં પવિત્ર સ્થળોની યાત્રાએ જતા હતા. વળી મધ્ય એશિયામાં પશ્ચિમથી પૂર્વ સુધી વિસ્તરેલા રેશમમાર્ગ (silk route) ઉપર પણ વેપાર અર્થે પ્રવાસ થતો હતો. પરંતુ સાંપ્રત સમયમાં પ્રવાસના હેતુઓ બદલાયા છે. હવે ધાર્મિક માન્યતા ઉપરાંત સૂર્યસ્નાન, સમુદ્રદર્શન, વન્યપ્રાણી અભયારણ્ય દર્શન, યૌન સંબંધ, વિશ્રામ, દર્શનીય સ્થળોનું નિરીક્ષણ, સાંસ્કૃતિક, સામાજિક અને રાજકીય મિલન, મિત્રો અને સગાંવહાલાંઓનું આતિથ્ય, ધંધાનો વિકાસ, અધિવેશનો, પરિષદો અને પરિસંવાદોમાં હાજરી વગેરે બહુવિધ હેતુઓથી પ્રવાસ કરાય છે. આગામી વર્ષોમાં આ હેતુઓ પણ બદલાય અથવા વિસ્તરે તેવી પૂરી સંભાવના છે. પરદેશમાંથી કોઈ એક દેશમાં આવતી વ્યક્તિઓના પ્રવાસને તે દેશના પરિપ્રેક્ષ્યમાં આગંતુક (inward bound), તે દેશમાંથી પરદેશમાં જતી વ્યક્તિઓના પ્રવાસને બહિર્ગંતુક (outward bound) અને દેશમાં જ અવરજવર કરતી વ્યક્તિઓના પ્રવાસને અંતર્દેશીય પ્રવાસ કહેવાય છે. સર્વ પ્રકારના પ્રવાસોનું કદ પ્રવાસીને પ્રાપ્ત અવકાશ, પ્રવાસ માટે તેણે ચૂકવવી પડતી કિંમત, ગંતવ્યસ્થળો તરફ તેનું આકર્ષણ વગેરે અનેક બાબતો ઉપર આધાર રાખે છે.

પ્રવાસ-ઉદ્યોગના ઘટકો વૈવિધ્યસભર છે. તેમાં (1) પરિવહન-વ્યવસ્થા, (2) રહેઠાણ-વ્યવસ્થા, (3) ભોજન અને ઉપાહાર-વ્યવસ્થા, (4) પ્રવાસન-ધંધાના આડતિયા, અને (5) સરકારનાં પ્રવાસન-માહિતી-કેન્દ્રો – આ બધા પ્રાથમિક અથવા મુખ્ય ઘટકો છે તથા (1) દુકાનો અને વિક્રયકેન્દ્રો (emporia), (2) મોટર-ટૅક્ષી, ઑટોરિક્ષા અને ઘોડાગાડીઓ જેવાં વાહનો, (3) ફેરિયાઓ અને મજૂરો, (4) ગંતવ્યસ્થળે પ્રાપ્ય ટેલિફોન જેવાં સંચારસેવામથકો, (5) ગ્રાહકો શોધી આપતા દલાલો, (6) સ્થળોની માહિતી આપતી પુસ્તિકાઓ, પ્રવાસ-નકશા, માર્ગદર્શિકા અને સામયિકોનું પ્રકાશન, (7) વૃદ્ધ, બીમાર, અશક્ત, નાની ઉંમરના પ્રવાસીઓ જેવા માટે ટટ્ટુ, કંડી કે ડોલી જેવાં સાધનોની ઉપલબ્ધતા અને (8) કલાકારો, નાટ્યકારો, વાદકો અને સંગીતકારો જેવા મનોરંજકો દ્વિતીય-સ્તરીય ઘટકો કહેવાય છે.

સરકારી નિયંત્રણો જેવાં કે પાસપૉર્ટ, વીઝા, જકાત-નિયમનો, ચલણ, વીમો, આયકર, વિદેશ મુસાફરી કર, રોગપ્રતિરોધક રસી-ટંકામણ, સ્વાસ્થ્ય-વીમો, પુરાવસ્તુઓના બહિર્ગમનનો અધિનિયમ વગેરે વિદેશ-પ્રવાસન-ઉદ્યોગ ઉપર અસર પાડે છે. વળી ઋતુઓનું હવામાન પણ પ્રવાસન-ઉદ્યોગ ઉપર પ્રભાવ પાડે છે; કારણ કે પ્રવાસીઓ બહેતર હવામાન પસંદ કરતા હોવાથી ઉનાળામાં વિશ્વભરનાં ગિરિમથકો, ભૂમધ્ય સમુદ્રના કિનારાઓ, અથવા અમેરિકાના પશ્ચિમ કાંઠા ઉપર અને શિયાળામાં ભારત જેવા હૂંફાળા પ્રદેશમાં પ્રવાસ કરવાનું પ્રવાસીઓ પસંદ કરે છે.

પ્રવાસન-ઉદ્યોગથી રોજગારી, આવક અને વિદેશી હૂંડિયામણમાં ફાયદો થતો જરૂર દેખાય છે પરંતુ થાઇલૅન્ડ, ફિલિપાઇન્સ અને પૂર્વ આફ્રિકાના દેશો જેવા કેટલાક પ્રદેશોમાં ફાલેલી વેશ્યાગીરી અને જાતીય ઉપભોગની વૃત્તિ, વિકસતા દેશોમાં વધેલી ભિક્ષાવૃત્તિ, પ્રાચીન અથવા ધાર્મિક સ્થળોમાં ફરવાથી ઉદભવતાં ઘેલછા અને ઉન્માદ, વિદેશી પ્રવાસીઓ સાથે છેતરપિંડી, નદી-સરોવરોનાં પાણીનું પ્રદૂષણ, હવા અને અવાજનું પ્રદૂષણ, વન્ય અને સામુદ્રિક જીવોનો વિનાશ અને માનવભીડ જેવાં વિઘાતક પરિણામોથી વિશ્વની પ્રજાઓ ઉપર પ્રવાસનની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, પર્યાવરણીય અને રાજકીય ક્ષેત્રે લાભદાયક તથા નુકસાનકારક એમ બંને પ્રકારની અસરો પડે છે.

ઉપલબ્ધ માહિતી અનુસાર 1993માં વૈશ્વિક સ્તરે 60 કરોડ પ્રવાસીઓએ 350 અબજ ડૉલર ખર્ચીને વિશ્વપ્રવાસ કર્યો હતો, જ્યારે 2,000 સુધીમાં 93 કરોડ પ્રવાસીઓ અને 2020 સુધીમાં તે વધીને 1.6 અબજ થશે જે 2,000 અબજ ડૉલર જેટલો ખર્ચ કરશે તેવું અનુમાન છે. વૈશ્વિક સ્તરે પ્રવાસીઓની સંખ્યામાં વાર્ષિક સરેરાશ 4.3 %ની અને એમને લીધે થતી આવકમાં 6.7 %ની વૃદ્ધિ થશે અને આ વૃદ્ધિદર વિશ્વની સંપત્તિમાં સંભવિત વધારાના આશરે 3 %ના વાર્ષિક વૃદ્ધિદર કરતાં ઘણો ઊંચો છે. 1995થી 2005 સુધીમાં પ્રવાસનક્ષેત્રે 14.40 કરોડ નવી નોકરીની તકો ઊભી થશે, જેમાંથી 11.2 કરોડ જેટલી નોકરીઓ માત્ર એશિયા પ્રશાંત વિસ્તારમાં ઊભી થશે. પ્રવાસન-ઉદ્યોગનો વિશ્વના કુલ મૂડીરોકાણમાં 7%નો, કુલ સેવા-ઉત્પાદનમાં 6%નો અને વ્યક્તિઓને રોજગારી આપવામાં 7%નો ફાળો છે. 1996માં પ્રવાસન-ઉદ્યોગમાંથી કમાણી કરતા વિશ્વના દસ ટોચના દેશોમાં યુ.એસ. (15.1%), સ્પેન (6.7%), ફ્રાન્સ (6.6%), ઇટાલી (6.4%), યુ.કે. (4.6%), જર્મની (3.7%), ઑસ્ટ્રિયા (3.5%), હૉંગકૉંગ (2.5%), ચીન (2.4%) અને સિંગાપુર(2.2%)નો સમાવેશ થાય છે. તે સામે વિશ્વના પ્રવાસન-ઉદ્યોગમાંથી ભારત માંડ 1% કમાણી કરે છે. પ્રવાસીઓની વાર્ષિક સંખ્યાના આધારે વિશ્વનાં દસ ટોચનાં મનોરંજનસ્થળોમાં ડિઝનીલૅન્ડ, ટોકિયો, જાપાન (170 લાખ); ડિઝનીલૅન્ડ, કૅલિફૉર્નિયા, અમેરિકા (150 લાખ); મૅજિક કિંગ્ડમ, બ્યુએના વિસ્તા સરોવર, ફ્લૉરિડા, અમેરિકા (138 લાખ); ડિઝનીલૅન્ડ માર્ને-લા-વેલી ફ્રાન્સ (117 લાખ); ડિઝનીવર્લ્ડ, બ્યુએના વિસ્તા સરોવર, ફ્લૉરિડા, અમેરિકા (112 લાખ); એમ. જી. એમ. સ્ટુડિયો, બ્યુએના વિસ્તા સરોવર, ફ્લૉરિડા, અમેરિકા (100 લાખ); યુનિવર્સલ સ્ટુડિયો, ઓર્લેન્ડો, ફ્લૉરિડા, અમેરિકા (84 લાખ); એવરલૅન્ડ, ક્વોંગ્ગી-ડો, દક્ષિણ કોરિયા (80 લાખ); બ્લૅક પુલ પ્લેઝર બીચ, બ્લૅક પુલ, યુ.કે. (75 લાખ) અને યોકોહામા, હાકેજીમા સી પૅરેડાઇઝ, જાપાન(69 લાખ)નો સમાવેશ થાય છે. ભારતના તાજમહાલનું સ્થાન ટોચનાં આ 10 સ્થળોમાં આવતું નથી એ બાબત ઉલ્લેખનીય છે.

ભારતમાં પ્રવાસન-ઉદ્યોગનાં વૃદ્ધિ અને વિકાસ માટે માગ(demand)નાં વિવિધ પરિબળોમાં જાહેર રજાઓ, ઉનાળુ વૅકેશન, નિવૃત્તિ પછીનો ફાજલ સમય, કામનો બોજો ઘટવાથી વધેલી નવરાશ, ઘરકામમાં શ્રમ ઘટાડતાં સાધનોના વપરાશથી સ્ત્રીઓને મળેલો ફાજલ સમય, કુટુંબોની વાસ્તવિક આવકમાં વધારો, કામધંધા અને નોકરીઓમાં સ્ત્રીઓના પ્રવેશથી કુટુંબના વૈચારિક વલણમાં થયેલો ફેરફાર, નાનું કુટુંબ, ઉચ્ચ શિક્ષણ અને વધેલી આયુર્મર્યાદાના લીધે જીવન તરફ બદલાયેલો ઝોક, પ્રવાસન માટે નાણાં ધીરવાની ઊભી થયેલી વ્યવસ્થા, સરકાર, સ્થાનિક સંસ્થાઓ, જાહેર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પેશગીની સવલત વગેરેનો સમાવેશ થાય છે.

તેવી જ રીતે પુરવઠા(supply)નાં પરિબળોમાં રેલવેની જાળગૂંથણી, પરિવહન-ભાડામાં અપાતી છૂટછાટ વગેરેનો પણ સમાવેશ થાય છે.

1960ના અરસામાં ભારત સરકારે પ્રવાસન-ઉદ્યોગનું મહત્વ સ્વીકારીને ભારતીય પ્રવાસન વિકાસ નિગમ (India Tourism Development Corporation, ITDC) અને અશોક હોટલ જેવી આધુનિક પંચતારાંકિત હોટેલની સ્થાપના કરી તથા કાશ્મીરના ગુલમર્ગ અને હિમાચલ પ્રદેશના બરફ ઉપર સરકવા માટેનાં પટાંગણો, કોવાલમમાં સમુદ્રતટ, દિલ્હી-આગ્રા-જયપુર વચ્ચેનો સુવર્ણ ત્રિકોણ જેવાં આનંદપ્રમોદનાં સ્થળો વિકસાવ્યાં. દેશમાંની રાજ્ય સરકારોએ પણ પ્રવાસનનું માળખું વધારે મજબૂત કરવા માટે 1980માં રાજ્યસ્તરીય પ્રવાસન નિગમો સ્થાપ્યાં છે. આ બધા પ્રયત્નોથી ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓની સંખ્યા જે 1951માં માત્ર 16,829 હતી તે 1992માં પાકિસ્તાન અને બાંગ્લાદેશના 4,32,914 પ્રવાસીઓ સહિત 18,67,651 થઈ હતી. ભારતમાંથી વિદેશ જતા પ્રવાસીઓની નોંધ મુંબઈ, કલકત્તા, દિલ્હી, ચેન્નઈ, તિરુવનન્તપુરમ્, અમદાવાદ, અત્તારી રોડ જેવાં સ્થળોએ પ્રવાસીઓ પાસેથી એકત્ર કરવામાં આવતાં આરોહણ-(embarkation)-કાર્ડ ઉપરથી કરવામાં આવે છે, પરંતુ નાનાં નાનાં સ્થળોએથી થતાં આરોહણો ગણતરીમાં લેવાતાં નથી. વળી પ્રવાસના હેતુ, ગંતવ્યસ્થળો, કાયમી કે કામચલાઉ વિદેશગમન એવું કોઈ વર્ગીકરણ પણ કરાતું નથી. આંતરરાષ્ટ્રીય પ્રવાસન બજારમાં ભારતનો હિસ્સો હાલમાં માત્ર 1% જેટલો છે.

ભારતમાં આવેલા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના વિદેશી પ્રવાસીઓની સંખ્યા 1981થી 1997નાં વર્ષોમાં નીચે પ્રમાણે હતી :

વર્ષ વિદેશી પ્રવાસીઓની સંખ્યા વર્ષ વિદેશી પ્રવાસીઓની સંખ્યા
1981 12,79,210 1990 17,07,158
1982 12,88,162 1991 16,77,508
1983 13,04,976 1992 18,67,651
1984 11,93,752 1993 17,64,830
1985 12,59,384 1994 18,86,433
1986 14,51,076 1995 21,23,683
1987 14,84,290 1996 22,87,860
1988 15,90,661 1997 23,74,094
1989 17,36,093

પ્રવાસનને પ્રોત્સાહન આપવાની ભારતની નીતિના ભાગ તરીકે દેશના અંદરના વિસ્તારોમાં પણ પ્રવાસનને પ્રોત્સાહન પહેલેથી જ અપાતું રહ્યું છે જેને પરિણામે તે ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રગતિ સધાઈ છે. 1998માં આંતરિક પ્રવાસીઓની કુલ સંખ્યાનો આંક 15 કરોડને પણ વટાવી ગયો હતો. તાજેતરની ગણતરી મુજબ 2010 સુધીમાં ભારતીય અર્થતંત્રને પ્રવાસન-ઉદ્યોગને કારણે જે લાભ મળશે, તે નીચે મુજબ અંદાજવામાં આવેલ છે –

(1) દેશના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન(GDP)માં રૂ. 5,00,000 કરોડનો ઉમેરો થશે.

(2) નવી નોકરીઓમાં 80 લાખનો ઉમેરો થશે.

(3) રૂ. 1,30,000 કરોડ જેટલું વધારાનું મૂડીરોકાણ થશે.

(4) દેશની નિકાસ-કમાણીમાં રૂ. 1,60,000 કરોડ જેટલો વધારો થશે.

ભારતના પ્રવાસન-ઉદ્યોગમાં ગુજરાતનું ગૌરવવંતું સ્થાન છે. લોથલ અને ધોળાવીરાનાં પ્રાગ્ઐતિહાસિક પુરાતત્ત્વ સ્થળો, ભગવાન કૃષ્ણની પૌરાણિક દ્વારિકા, સમ્રાટ અશોકના શિલાલેખો, હિંદુ, જૈન અને મુસ્લિમ સંસ્કૃતિનાં વિવિધ સ્થાપત્યો, મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ કીર્તિમંદિર (પોરબંદર) અને કર્મસ્થળ સાબરમતી આશ્રમ, કચ્છ અને સૌરાષ્ટ્રના કલા, સંગીત અને નૃત્યસભર લોકમેળાઓ, અખિલ ભારતમાં માત્ર ગીર જંગલમાં જ વસવાટ કરતા એશિયાઈ સિંહો, નળ સરોવરનાં યાયાવર પક્ષીઓ, કચ્છનાં વન્ય ગધેડાં અને અન્ય પ્રાણીઓ, પરવાળાંનો સમુદ્રકિનારો વગેરે વિદેશી પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ રહ્યાં છે. 70,000 કિમી. જમીનમાર્ગો, 5,000 કિમી. રેલવે અને 11 નાનાંમોટાં હવાઈ મથકો ગુજરાતનો પ્રવાસન-ઉદ્યોગ ખીલવવામાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે.

જયન્તિલાલ પો. જાની

બાળકૃષ્ણ માધવરાવ મૂળે