પ્રવાલ-શૈલસૃષ્ટિ : દરિયામાં થતાં પરવાળાં અને લીલના સહજીવનથી બનતું વિશિષ્ટ નિવસનતંત્ર. તે પૃથ્વી પર જોવા મળતાં અનેક નિવસનતંત્રો પૈકીનું એક અનોખું નિવસનતંત્ર છે, જેમાં પરવાળાં અને લીલ ઉપરાંત ઘણાં પ્રાણીઓ અને વનસ્પતિઓ સંકળાયેલાં હોય છે. ટી. વૅલેંડ વૉઘન(1917)ના મંતવ્ય પ્રમાણે, પ્રવાલ-શૈલ દરિયાની સપાટી નજીક આવેલા ચૂનાના ખડકો છે. તે મુખ્યત્વે પરવાળાંની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા કૅલ્શિયમ કાર્બોનેટના બનેલા હોય છે.
પ્રવાલ-શૈલનું વિતરણ : પ્રવાલ-શૈલ બનાવતાં પરવાળાં માટે ઉષ્ણકટિબંધીય દરિયાકિનારાના પ્રદેશો વધારે અનુકૂળ રહે છે, કારણ કે પ્રવાલ-શૈલનું નિર્માણ કરતાં પરવાળાં 20° સે. કરતાં નીચા તાપમાને જીવી શકતાં નથી. તેથી જ દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના પશ્ચિમના દરિયાકિનારે કે જ્યાં દક્ષિણ ધ્રુવમાંથી આવતા ઠંડા દરિયાઈ પ્રવાહોને લીધે તાપમાન નીચું રહે છે, ત્યાં ક્યારેય પ્રવાલ-શૈલસૃષ્ટિ જોવા મળતી નથી અને સક્રિય શૈલ-વિકાસ ખંડોના પૂર્વીય કિનારે જ માત્ર થાય છે. પ્રવાલ-શૈલ એટલાંટિક, હિંદી અને પેસિફિક મહાસાગરના વિષુવવૃત્તની બંને બાજુએ 30° અક્ષાંશના વિશાળ ભૌગોલિક વિસ્તારોમાં જોવા મળે છે. તેઓ નીચે પ્રમાણેના બે સામાન્ય પ્રદેશોમાં વિતરણ પામેલા છે :
(1) કૅરિબિયન અને ફ્લૉરિડા, બર્મુડા, બહામાઝ અને વેસ્ટ ઇંડિઝ જેવાં પશ્ચિમી એટલાંટિક પાણીમાં તે જોવા મળે છે; જ્યાં પરવાળાંની 35 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ગૉર્ગોનિયન જાતિઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે.
(2) તે આફ્રિકા(માડાગાસ્કર સહિત)ના પૂર્વીય દરિયાકિનારેથી શરૂ થઈ હિંદી મહાસાગર(માલદીવ, લક્ષદીવ, કોકોસ, ચાગોસ વગેરે સહિત)માં અને સમગ્ર પશ્ચિમી પેસિફિક [મલાયન દ્વીપસમૂહ (archipelago), ફિલિપીન્સ અને પૂર્વીય ઑસ્ટ્રેલિયા અને હવાઈ સુધી વીખરાયેલા અસંખ્ય પેસિફિક દ્વીપો સહિત]માં વિતરિત થયેલા છે. આ પ્રદેશોમાં પરવાળાંની 250 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ગૉર્ગોનિયન જાતિઓ ગૌણ છે. ઑસ્ટ્રેલિયાનો ઉત્તર-પૂર્વ સમુદ્ર ‘પરવાળાંના સમુદ્ર’ તરીકે ઓળખાય છે, જ્યાં મોટાભાગના દ્વીપ સંપૂર્ણપણે પ્રવાલ-શૈલના બનેલા છે.
પ્રવાલ-શૈલના પ્રકારો : તેના મુખ્ય ત્રણ પ્રકારો જોવા મળે છે : (1) તટીય શૈલ (shore reefs) અથવા ઝાલરદાર શૈલ (fringing reefs); (2) પ્રવાલરોધિકા (barrier reefs) અને (3) પ્રવાલદ્વીપવલય (atolls).
(1) ઝાલરદાર શૈલ : તે સૌથી નાના અને સરળ પ્રકારના પ્રવાલ-શૈલ છે; અને અગ્નિકૃત દ્વીપના છીછરા દરિયાકિનારે જોવા મળે છે. તે આશરે 20 મી.થી 0.5 કિમી. જેટલો સાંકડો વિસ્તાર ધરાવે છે અને દ્વીપની ફરતે વીંટળાય છે. શૈલની બહારની કિનારીએ અથવા દરિયા તરફની ધાર પર પરવાળાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. તેને શૈલાગ્ર (reef front) કે શૈલકિનારી (reef edge) કહે છે. તે 20 મી.થી 40 મી. પહોળો પટ હોય છે; જેની સાથે દરિયાઈ મોજાં સતત અથડાય છે. ઝાલરદાર શૈલ સળંગ ન હોતાં વચ્ચે વચ્ચે નાળીઓ (channels) જોવા મળે છે. આ સ્થાનોએ કેટલાંક સ્થાયી પ્રાણીઓ અને વનસ્પતિઓ વસવાટ ધરાવે છે. શૈલની બહારની કિનારીએથી અભિસમુદ્રઢાળ (seaward slope) શરૂ થઈ તે સમુદ્રતલ (sea bottom) સુધી પહોંચે છે. આ ઢાળ પર પરવાળાં 40 મી.થી 100 મી.ની ઊંડાઈ સુધી થાય છે. શૈલકિનારી અને સમુદ્રતટ વચ્ચે સહેજ નીચા અને વધતે-ઓછે અંશે સપાટ વિસ્તાર જોવા મળે છે. તેને શૈલ સમતલ (reef flat) કે અભિસમુદ્ર સમતલ (seaward flat) કહે છે. તે મોટેભાગે રેતી, કાદવ, જીવંત કે મૃત પરવાળાંની વસાહતો અને કચરાનું બનેલું હોય છે. ઉચ્ચ ભરતી (high tide) વખતે આ સમતલ સામાન્ય રીતે ડૂબેલું હોય છે; પરંતુ નિમ્ન ભરતીએ પાણી ઝડપથી ઊતરી જઈને લગભગ એક સમયે સમગ્ર સપાટીને ખુલ્લી કરે છે. આ સમતલ 50 મી.થી 100 મી. જેટલી પહોળાઈ ધરાવે છે; જેમાં નાની હોડીઓ હરીફરી શકે છે. લક્ષદ્વીપના પ્રદેશોમાં આ પ્રકારના ખડકો છે.
(2) પ્રવાલરોધિકા અથવા પરિવૃત્તીય શૈલ (encircling reefs) : આ પ્રકારના પ્રવાલ-શૈલ પણ ઝાલરદાર પ્રવાલ-શૈલની જેમ જ સમુદ્રતટને સમાંતરે વિસ્તરેલા જોવા મળે છે; પરંતુ કિનારાથી ઘણે દૂર હોય છે. ભૂમિ અને પ્રવાલરોધિકા વચ્ચેનો પાણીનો વિસ્તાર લગભગ 1.0થી 7.0 કિમી. જેટલો પહોળો હોય છે. તેને લગૂન કહે છે. તેની ઊંડાઈ 20થી 100 મી. જેટલી હોય છે; જે મોટાં જહાજોના નૌસંચાલન (navigation) માટેની યોગ્યતા ધરાવે છે. ઘણી વાર પ્રવાલરોધિકા લગૂનના કેન્દ્રમાં રહેલા દ્વીપને આવરે છે. જોકે તે નૌસંચાલન માટે મોટો ભય ઊભો કરે છે. કેટલીક વાર સમુદ્રતટની એક બાજુએ પ્રવાલરોધિકા અને બીજી બાજુએ ઝાલરદાર શૈલ જોવા મળે છે; દા.ત., ફીજીનો નાગૌ દ્વીપ. તાહિતી દ્વીપને પ્રવાલરોધિકા સમગ્રપણે આવરે છે.
સૌથી મોટી અને નોંધપાત્ર પ્રવાલરોધિકા ઑસ્ટ્રેલિયાની ‘મહાપ્રવાલરોધિકા’ (Great Barrier Reef) છે. તે ઑસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વ કિનારે લગભગ 2,000 કિમી.ના વિસ્તારમાં પથરાયેલ છે, અને ન્યૂગિનીના પ્રવાલ-શૈલમાં ભળી જાય છે. તેનું મુખ્ય ભૂમિથી 15થી 250 કિમી. જેટલું અંતર છે. સમુદ્રનો મોટો ફાંટો અથવા અતિવિસ્તૃત લગૂનની સરેરાશ ઊંડાઈ 70.0 મી. જેટલી છે. તેનું તલ રેતાળ અને લગભગ સપાટ છે. મોટાભાગનો આ પ્રવાલ-શૈલ નિમ્ન ભરતીપ્રદેશથી નીચો છે. આ મહાપ્રવાલરોધિકા એક પ્રવાલ શૈલ નથી; પરંતુ સ્વતંત્ર શૈલની લાંબી હારમાળા છે. તેઓ એક પંક્તિમાં ગોઠવાયેલા નથી. આ મહાપ્રવાલરોધિકામાં બધા જ પ્રકારનાં પરવાળાં થાય છે. તેના નિર્માણમાં લગભગ 200 જેટલી જાતિઓએ ભાગ ભજવ્યો જણાય છે.
(3) પ્રવાલદ્વીપવલય : તેને પ્રવાલદ્વીપ (coral island) અથવા લગૂનદ્વીપ (lagoon island) પણ કહે છે. તેનો આકાર લગભગ ગોળ કે ઘોડાની નાળ જેવો હોય છે અને તે અંશત: કે સમગ્રપણે મધ્યમાં રહેલા લગૂનને આવરે છે. લગૂનનો વ્યાસ કેટલાક સેંકડો મીટરથી માંડી 70થી 90 કિમી. અને ઊંડાઈ 20થી 90 મી. જેટલી હોય છે. વલયની ધાર ખૂબ સાંકડી (થોડાક સેંકડો મીટર) હોય છે. આ ધાર સળંગ અથવા તે ઘણી નાળીઓમાં વિભાજિત હોય છે. તે પૈકી ઘણી ઓછી નાળીઓમાં નૌસંચાલન થઈ શકે છે. કેટલાક ભાગોમાં શૈલ નીચો હોય છે; જેથી સમુદ્રના તરંગો કેન્દ્રમાં રહેલા લગૂન સુધી ધસી જાય છે. શૈલની ધાર ઘણી વાર નાના દ્વીપોની રેખીય શ્રેણી ધરાવે છે. પ્રવાલદ્વીપવલયની બહારની બાજુ મહાસાગરના ઊંડા પાણીમાં સીધો ઢાળ બનાવે છે.
ઇંડો-પેસિફિક પ્રદેશમાં આવાં હજારો પ્રવાલદ્વીપવલય જોવા મળે છે અને તે પ્રદેશના લગભગ 90% પ્રવાલ-શૈલ બનાવે છે. તે સૌથી નજીકની ભૂમિથી સેંકડોથી માંડી હજારો કિમી. દૂર હોય છે. માલદીવસમૂહનો સુવદીવ સૌથી મોટું પ્રવાલદ્વીપવલય છે. તે લગભગ 68 × 52 કિમી.નો વિસ્તાર રોકે છે. તેનો પરિઘ લગભગ 195 કિમી. જેટલો છે. તેની ધાર પર 102 જેટલા નાના દ્વીપો આવેલા છે.
બિકીની પ્રવાલદ્વીપવલયનો લગૂન વિસ્તાર 600 ચોકિમી. અને ભૌમિક વિસ્તાર 620 ચોકિમી. જેટલો છે. તે પરમાણુ-બૉંબ અને હાઇડ્રોજન-બૉંબના પરીક્ષણ માટે ખૂબ જાણીતો વિસ્તાર છે.
પ્રવાલ-શૈલનું નિવસનતંત્ર : પ્રવાલ-શૈલ રચતાં પરવાળાંનું વિતરણ અનુગભીર (bathymetrical) અથવા લંબવર્તી રીતે થયેલું જોવા મળે છે; કારણ કે સમુદ્રની ઊંડાઈ વધતાં દરિયાનું તાપમાન ઘટે છે. તેમના વિકાસનો આધાર દરિયાની સપાટીએથી પ્રવેશતા સૂર્યપ્રકાશ પર છે. પાણીમાં તેનો વિકાસ 30.0 મી.ની ઊંડાઈ સુધી વધારે પ્રમાણમાં થાય છે, પરંતુ કેટલીક વાર તેનું વિતરણ 90.0 મી. ઊંડાઈ સુધી થયેલું હોય છે. આમ તે છીછરા પાણીમાં પ્રકાશ જેટલે ઊંડે પહોંચી શકે તેટલી ઊંડાઈએ પુષ્કળ વિકાસ પામે છે. સહજીવી ઝૂજેન્થેલીના કારણે પરવાળાંનું લંબવર્તી વિતરણ મર્યાદિત બને છે. વળી તે પરવાળાંના માળખાના સ્થાપનનો દર ઝડપી બનાવે છે. લીલને પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરવા માટે પ્રકાશ જરૂરી હોય છે; જેથી પરવાળાંને આ ક્રિયા દ્વારા કાર્બોદિતો અને ઑક્સિજન પ્રાપ્ત થાય છે.
ગોરો(1961)ના મત મુજબ, લીલ પ્રકાશસંશ્લેષણ દ્વારા યજમાનનાં નકામાં દ્રવ્યો જેવાં કે કાર્બન ડાયૉક્સાઇડ, એમોનિયા, ફૉસ્ફેટ વગેરેને દૂર કરે છે. તેથી યજમાનની ચયાપચયિક કાર્યક્ષમતા વધે છે; તેના ફલસ્વરૂપે કૅલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધે છે.
Ca(HCO3)2 ↔ CaCO3 + H2CO3 ↑
પરવાળાં માત્ર ઉષ્ણકટિબંધના સમુદ્રોમાં થાય છે તેવું નથી. જોકે સમશીતોષ્ણ પ્રદેશોમાં પણ તેની બહુ ઓછી જાતિઓ થાય છે. નાનાં એકાકી પ્યાલાકાર પરવાળાં અને Astrangiaની વસાહતો અમેરિકન દરિયાકિનારે ઉત્તરમાં ‘કેપ કૉડ’ સુધી જોવા મળે છે. તે જ પ્રમાણે, એકાકી પ્યાલાકાર પરવાળાં અને નાજુક શાખિત સ્વરૂપો દરિયામાં 8,000 મી.ની ઊંડાઈ સુધી પણ થાય છે; જ્યાં પ્રકાશ ઘણો ઓછો મળતો હોય છે અને તાપમાન 1° સે.થી 15° સે. જેટલું હોય છે. છૂટાછવાયા પ્રવાલ-શૈલ બનાવતાં પરવાળાં અત્યંત ઠંડા અક્ષાંશો સુધી વિતરણ પામેલાં હોય છે. Lophohelia જેવાં શાખિત વસાહતી પરવાળાં નૉર્વેજિયન જૉર્ડ્ઝના 200 મી. થી 600 મી. ઊંડા ઠંડા પાણીમાં જોવા મળે છે.
સી.એમ. યોંજે ઑસ્ટ્રેલિયાની મહાપ્રવાલરોધિકા (Great Barrier Reef) પર થતાં પરવાળાંના દેહધર્મજ્ઞાન અને પરિસ્થિતિવિજ્ઞાન પર 1920ના દાયકાથી શરૂ કરી જીવન પર્યંત વિસ્તૃત સંશોધનો કર્યાં છે અને પ્રવાલ-શૈલનાં પરવાળાંના દેહધર્મવિજ્ઞાન પર મહત્વનો પ્રકાશ પાડ્યો છે. જોકે સંશોધનોનું વર્તમાન વલણ સમગ્ર પ્રવાલ-શૈલસમાજના ચયાપચય અને ખનિજ-ચક્રણ(mineral cycling)ના અભ્યાસ અને પરવાળાં અને લીલના સહજીવન (જે પ્રવાલ-શૈલ નિવસનતંત્રની ઉદવિકાસકીય સફળતાનું મુખ્ય કારણ ગણાય છે)ના અભ્યાસથી બદલાયું છે.
પરવાળાં પ્રાણીઓ હોવા છતાં, પ્રવાલ-શૈલ વિષમપોષી (heterotrophic) સમાજ નથી; પરંતુ એક સંપૂર્ણ નિવસનતંત્ર છે. તેના પોષી બંધારણ(trophic structure)માં લીલી વનસ્પતિનો વિશાળ જૈવભાર સમાવિષ્ટ થયેલો હોય છે. ઘણા પ્રવાલ-શૈલ શક્તિના સંદર્ભમાં સ્વનિર્ભર હોય છે; એટલું જ નહિ, આસપાસના પાણીમાંથી પ્રાપ્ત થતા નિવેશ(inputs)નો સુઆયોજિત રીતે ઉપયોગ, સંગ્રહ અને પુનશ્ચક્રણ કરી શકે છે. વળી સ્કેલરેક્ટિના ગોત્રનાં પુષ્પજીવકો(anthozoans)નાં પથરાળ પરવાળાં ચૂનાનો ખડક બનાવવામાં મુખ્ય ફાળો આપતાં હોવા છતાં Porolithon જેવી ચૂનાયુક્ત રાતી લીલ પણ સરખું કે વધારે મહત્વ ધરાવે છે. તે ખાસ કરીને દરિયા બાજુના પ્રવાલ-શૈલ સાથે સતત અથડાતાં મોટાં દરિયાઈ મોજાં વધારે સારી રીતે સહન કરી શકે છે. આ લીલ પ્રવાલ-શૈલની રચના ઉપરાંત નિવસનતંત્રના પ્રાથમિક ઉત્પાદનમાં અગત્યનો ફાળો આપે છે.
આકૃતિ 7 પરવાળાંની વસાહતમાં વનસ્પતિ અને પ્રાણી ઘટકો વચ્ચે જોવા મળતા ઘનિષ્ઠ સાહચર્ય(association)નો નિર્દેશ કરે છે. ‘ઝૂજેન્થેલી’ તરીકે જાણીતી એક પ્રકારની લીલ પરવાળાનાં પૉલિપની પેશીમાં અંત:જંતુક (endozoic) તરીકે જીવે છે; જ્યારે અન્ય પ્રકારની લીલની જાતિઓ પ્રાણી-શરીરના ચૂનાયુક્ત માળખાની ફરતે અને નીચે રહે છે. લીલની બીજી માંસલ અને ચૂનાયુક્ત જાતિઓ ખડકાળ આધારતલ પર બધે જ થાય છે. રાત્રે પરવાળાંના પૉલિપ તેમનાં સૂત્રાંગો લંબાવી પ્લવકો(plankton)નું ભક્ષણ કરે છે. મહાચિંગટ (lobster) અને અન્ય અપૃષ્ઠવંશી પ્રાણીઓ માટે રાતનો સમય સક્રિયતાનો સમય ગણવામાં આવે છે. તેઓ પ્રવાલ-શૈલનાં અંધકારમય પોલાણોમાં દિવસ ગાળે છે. લીલ દિવસ દરમિયાન ઉષ્ણકટિબંધીય સૂર્યપ્રકાશનું શોષણ કરે છે અને અત્યંત ઝડપી દરે કાર્બનિક પોષકતત્વોનું સંશ્લેષણ કરે છે. ચળકતા રંગની માછલીઓ લીલનું ભક્ષણ કરે છે અથવા પ્રવાહની દિશામાં ખેંચાઈ આવતાં સજીવોના કચરા અને અપરદ (detritus) પર જીવે છે. હજુ વધારે ઊંડા પાણીમાં લર્ક (સૌથી મહત્વની પરભક્ષી), શાર્ક અને મોરે સર્પમીન (eel) થાય છે. અન્ય પ્રકારના ખડકાળ દરિયાકિનારે જોવા મળે છે તે પ્રમાણે પ્રાદેશિકતા (zonation) જાતિવિતરણની લાક્ષણિકતા છે.
દૈનિક ઑક્સિજન-વક્ર પદ્ધતિનો ઉપયોગ કરી સાર્જન્ટ અને ઑસ્ટિન (1949), ઑડમ અને ઑડમ (1955) અને કોહન અને હેલફ્રીચે (1957) શોધી કાઢ્યું છે કે પ્રવાલ-શૈલની પ્રાથમિક ઉત્પાદકતા ઘણી ઊંચી હોય છે અને P/Rનો ગુણોત્તર 1ની નજીક હોય છે. તે દર્શાવે છે કે સમગ્ર પ્રવાલ-શૈલ ચયાપચયિક પરાકાષ્ઠાએ પહોંચે છે. પ્રવાલ-શૈલ સમાજની ઊંચી ઉત્પાદકતા માટેનાં બે મુખ્ય પરિબળો વહેતું પાણી અને સક્ષમ જૈવિક પુનશ્ચક્રણ છે. ઑડમ અને ઑડમે (1955) એક પેસિફિક પ્રવાલદ્વીપવલય(atoll)નાં કરેલાં સંશોધનો અનુસાર મહાસાગરમાં પ્રાણી-પ્લવકો વધારે ન હોવાને કારણે પરવાળાં સહજીવી લીલ દ્વારા કાર્બનિક પોષકતત્વો મેળવે છે. લીલ પરવાળાંમાંથી અકાર્બનિક પોષકતત્વો મેળવી તેમનું પુનશ્ચક્રણ કરે છે.
Symbiodinium નામની નાના, ગોળ પીળા કોષો ધરાવતી અંત:જંતુક લીલ પૉલિપના અંતસ્તરમાં વસવાટ ધરાવે છે. તે કશાધારી હોય છે અને એક યજમાનમાંથી બીજા યજમાનમાં મુક્તપણે તરી શકે છે. આ પ્રકારની અંત:જંતુક લીલ Tridacna નામની મહાકાય છીપમાં પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે ખુલ્લા દરિયામાં થતાં પરવાળાં, દરિયાકિનારે થતાં પરવાળાં કરતાં લીલના પ્રકાશસંશ્લેષી ખોરાક પર વધારે આધાર રાખે છે; કારણ કે દરિયાકિનારાનાં પાણીમાં પ્રાણી-પ્લવકો પુષ્કળ પ્રમાણમાં હોય છે. બર્મુડા પ્લૅટફૉર્મ રીફ દર્શાવે છે કે વધારે પાણીમાં પ્રાણી-પ્લવકોનો જથ્થો પરવાળાંની શક્તિની જરૂરિયાતના સંદર્ભમાં ઘણી વાર અપૂરતો હોય છે. મોટાભાગના સંશોધકોનું માનવું છે કે ખોરાકનું અંત:ગ્રહણ થઈ શકે તેવો કોઈ ‘જીવંત’ ખોરાક પરવાળાંને આપવામાં આવે તો તે ઝડપથી વિકાસ પામે છે અને વધારે સારી રીતે જીવી શકે છે. પ્રાણી-પ્લવકોના ગ્રહણ માટેનાં અંત:સ્થ રચનાકીય અનુકૂલનો મહત્વનાં છે. તેમના દ્વારા પરવાળાં અને લીલ બંને સહજીવીઓ માટે જરૂરી ફૉસ્ફરસ જેવાં અલ્પ પ્રમાણમાં પ્રાપ્ય પોષકતત્વો મેળવી શકાય છે. પૉલિપ દ્વારા આવાં પોષકતત્વો એક વાર અંત:ગૃહીત થયા પછી પરવાળાં અને લીલ વચ્ચે તેમનું પુનરાવર્તિત રીતે પુનશ્ચક્રણ થયાં કરે છે. પરવાળાં તેમના જેવડાં અંત:જંતુક લીલરહિત દરિયાઈ પ્રાણીઓની તુલનામાં અત્યંત ઓછા દરે ફૉસ્ફરસ ગુમાવે છે. આમ, પાણીના પર્યાવરણમાં ફૉસ્ફરસ ઓછા પ્રમાણમાં હોય તોપણ આ નિવસનતંત્ર દ્વારા ઊંચી ઉત્પાદકતા જાળવી શકાય છે.
અંત:જંતુક લીલ પરવાળાંનું કંકાલ બનાવવાની ક્ષમતામાં વધારો કરે છે. અંત:જંતુક લીલરહિત પરવાળાંમાં અંધકાર કરતાં પ્રકાશમાં ચૂનાની જમાવટ વધારે ઝડપથી થાય છે. લીલ દ્વારા થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ થાય છે, જે કૅલ્શિયમ કાર્બોનેટના નિર્માણમાં મદદરૂપ થાય છે. ગોરોના મંતવ્ય પ્રમાણે, સહજીવી લીલ પૉલિપના પોષણ કરતાં તેના કંકાલના નિર્માણમાં વધારે પ્રદાન કરે છે.
જીવંત પરવાળાંના કંકાલ સાથે ગૂંથાયેલી તંતુમય લીલ પ્રકાશની મંદ તીવ્રતાએ અનુકૂલન પામેલી હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ક્લૉરોફિલ ધરાવે છે; જેથી પરવાળાં લીલો રંગ ધારણ કરે છે. આ લીલ હરિતલીલ (chlorophyta) વિભાગની હોય છે. ફ્રૅન્ઝીસ્કેટ(1968)ના મંતવ્ય મુજબ, આ કંકાલીય લીલનો પ્રકાશસંશ્લેષણનો દર નીચો હોવાથી તેનું પ્રાથમિક ઉત્પાદનમાં પ્રદાન ઓછું હોય છે.
પરવાળાં પુષ્કળ જથ્થામાં શ્લેષ્મ ઉત્પન્ન કરે છે, જે નાજુક પ્રાણીઓને જામતા કાંપ સામે રક્ષણ આપે છે અને કણિકામય (particulate) પોષકતત્વોને ફસાવવાનું સાધન પણ છે. પાણીમાં પુષ્કળ જથ્થામાં છોડવામાં આવતા શ્લેષ્મમાં અન્ય કાર્બનિક પોષક- દ્રવ્યો પણ હોય છે, જે વિવિધ ઉપભોક્તાઓ (consumers) માટે પોષણક્ષમ ખોરાકનો સ્રોત પૂરો પાડે છે.
પ્રવાલ-શૈલ સાથે સંકળાયેલ પ્રાણીસમૂહ (fauna) : ઉષ્ણકટિબંધીય પ્રવાલ-શૈલ વિવિધ પારિસ્થિતિક નિકેતો (ecological niches) બનાવતાં હજારો પ્રકારનાં પ્રાણીઓનું આશ્રયસ્થાન છે. આમ, તે જીવંત ભૌગોલિક પરિઘટના દર્શાવે છે; જેમાં પરિસ્થિતિવિજ્ઞાનની ર્દષ્ટિએ સૌથી આકર્ષક અને રસપ્રદ દરિયાઈ સમાજોનું સંકુલ જોવા મળે છે. કોષ્ઠાંતિઓ અને પ્રવાલ-શૈલમાં રહેનારાં અન્ય સજીવો સહભોજી (commensals), સહજીવી (symbiotic) અને અન્ય પ્રકારના જૈવિક સાહચર્ય વડે સંકળાયેલાં હોય છે.
પ્રવાલ-શૈલનાં મુખ્ય નિર્માતા પથરાળ પરવાળાં (Madreporaria) હોવા છતાં બીજાં અગત્યનાં સહાયકો તરીકે પ્રવાલીય (coralline) લીલ અથવા ચૂનાથી અંતર્ભરિત (impregnated) શાખિત લીલ, છિદ્રધર-પ્રજીવો (foraminifera Protozoans), જલ-પ્રવાલ (Hydrocorallines, દા.ત., Millepora) અને વિવિધ ઍલ્સિયોનેરિયન (Tubipora અને Heliopora) વગેરે ભાગ ભજવે છે. આ ઉપરાંત, પરવાળાંના સમૂહો અન્ય પ્રાણીઓના યજમાનને આકર્ષે છે. પરવાળાંના સમૂહો વચ્ચે રહેલી ખાંચો, જગાઓ, તિરાડો કે ઊંડી ફાટો ચકચકિત રંગીન માછલીઓ, કરચલાં, ચિંગટ (shrimp), બાર્નેકલ, કૃમિઓ, તારકમત્સ્ય, બરડતારા, સમુદ્રકાકડી, સાગરગોટા, અષ્ટસૂત્રાંગી (octopus), ગોકળગાયો, છીપ, કોઢિયો, વાદળીઓ (sponges), જલજીવકો (hydroids), મૉસ-જંતુકો (bryozoans), સમુદ્રફૂલ અને પરવાળાંના પૉલિપનું આશ્રયસ્થાન ગણાય છે. તે પૈકી વેધી-વાદળી (boring sponges), મૃદુશરીરા (molluscs), કૃમિઓ અને બાર્નેકલ જેવાં કેટલાંક પ્રાણીઓ પરવાળાંના કંકાલનું વિઘટન કરે છે; જ્યારે લીલ, વાદળીઓ, જલજીવકો, કંચુકી (tunicates) જેવાં અન્ય સજીવો આ ભંગારને જોડવાનું કાર્ય કરી પરવાળાંનો આગળ વિકાસ થઈ શકે તે માટેનો પાયો નાખે છે. આમ, પ્રવાલ-શૈલસૃષ્ટિ દરિયાનાં ભૂરાં પાણીમાંથી જોતાં વિશ્વનાં સૌથી સુંદર પ્રકૃતિધામો પૈકીના એકની ઝાંખી કરાવે છે.
માનવે પ્રવાલ-શૈલ પાસેથી પુનશ્ચક્રણ બાબતે અને ન્યૂનસ્રોતનો સફળતાપૂર્વક નિર્વાહ કેવી રીતે કરવો તેનો બોધ લેવા જેવો છે. તે સ્થાયી, જાતિ-વૈવિધ્ય ધરાવતું સારી રીતે અનુકૂલન પામેલું નિવસનતંત્ર છે, જે ઉચ્ચ પ્રકારનું આંતરિક સહજીવન દર્શાવે છે. સૂએજ અને ઔદ્યોગિક કચરો, તેલનું ઢોળાવું, નિષ્કર્ષણ (dredging) અને પૂરણ (filling) દ્વારા પાણીનું બંધિયાર બનવું, ઉષ્માપ્રદૂષણ, નબળા ભૂમિપ્રબંધ(land management)ને કારણે નિમ્ન લવણતાવાળા કે કાંપવાળા પાણીનું આપ્લવન (flooding) – આ બધાં પરિબળોએ ભેગાં થઈને તેમનો કર લેવો શરૂ કર્યો છે. વળી, પ્રવાલ-શૈલ પર પરભક્ષીઓના અણધાર્યા વસ્તીવિસ્ફોટને કારણે (કે જે સુઆયોજિત ચરમતંત્રમાં ન બનવું જોઈએ) પણ ભય તોળાઈ રહ્યો છે ! આ સંદર્ભમાં અપરાધી ‘કાંટાળો મુગટ’ (crown of thorns) નામની તારકમત્સ્ય (Acanthaster planci) છે. મહાપ્રવાલરોધિકામાં 1920ના દાયકામાં તેનો એક નમૂનો પ્રાપ્ત થયો હતો. આજે ત્યાં તે સંખ્યાબંધ છે. તેમના લીધે સમગ્ર શૈલની અખંડતા તૂટી રહી છે. આ મહામારીનું કારણ સ્પષ્ટ નથી; છતાં પ્રદૂષણ અથવા માનવપ્રેરિત તાણ આપત્તિનું મૂળ કારણ માનવામાં આવે છે. પ્રકૃતિની આ સ્વર્ગીય દેન હવેના ભવિષ્યમાં જળવાશે કે કેમ તેની સૌને ચિંતા છે.
બળદેવભાઈ પટેલ
ભૈરવી મણિયાર