પ્રમેહ : આયુર્વેદ અનુસાર અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ રોગ. આ રોગમાં વારંવાર, અધિક પ્રમાણમાં ડહોળા (आविल) મૂત્ર(પેશાબ)ની પ્રવૃત્તિ જોવા મળે છે. આયુર્વેદ પ્રમેહને અપથ્ય સેવનથી થતો ત્રિદોષજ વ્યાધિ માને છે.
પ્રમેહનો રોગી નીચે દર્શાવેલ ચાર લક્ષણો ધરાવે છે : (1) અતિ ડહોળા મૂત્રનો ત્યાગ કરવો, (2) ભૂખ અધિક લાગે, તરસ વધુ લાગે, (3) ઉત્તરોત્તર નબળાઈ વધે, (4) હાથપગમાં દાહ (બળતરા) અને સ્વેદ (પરસેવો) ખૂબ થાય.
આ રોગનાં ખાસ કારણો – (1) એક ઠેકાણે નિશ્ચેષ્ટ બેસી રહેવું, (2) નિદ્રા વધુ લેવી, (3) દૂધ, દહીં, મિષ્ટાન્ન અને કફવર્ધક આહારનું અધિક સેવન, (4) માતા-પિતાનો વારસો.
પૂર્વરૂપ : પ્રમેહ થવાની શરૂઆતમાં માથાના વાળ જટિલ (ચીકણા) થાય, મોં ગળપણ ખાધું હોય તેવું ગળ્યું રહે. હાથપગમાં દાહ (બળતરા) થાય. તાલુ, કંઠ, મુખમાં શોષ વધુ રહે. તરસ ખૂબ લાગે. હાથપગ, પીઠ, કમર વગેરેની ચામડી ચીકણી લાગે. પરસેવો દુર્ગંધી થાય. આળસ, થાક, તંદ્રા, બેચેની રહે. પેશાબ કર્યો હોય તે સ્થળે કીડી-મંકોડા ફરવા માંડે. પ્રમેહના 20 પ્રકાર વર્ણવ્યા છે. તે સર્વેની યોગ્ય ચિકિત્સા ન કરવાથી આખરે તે મધુમેહમાં પરિણમે છે. મધુમેહ અસાધ્ય છે. પ્રમેહના રોગીને મેદની દુષ્ટિ (બગાડ) થવાથી પ્રમેહપિંડકા થાય છે. આ ચિરકારી અને વ્યાધિ હોવાથી પથ્યપાલન અને ઔષધનું નિયમિત સેવન જરૂરી ગણાય છે.
પથ્ય : ચણા, મગ, જવ, કળથી, કોદરા, કારેલાં, આમળાં, હળદર, ગળો, ગોખરું, હરડે લેવાં ગુણકારી છે. પ્રચિલત ઔષધો ચંદ્રપ્રભા, વસંતકુસુમાકર રસ, મામેજવા ઘનવટી, લોધ્રાસવ, ત્રિબંગવટી, જીવિતપ્રદાવટી.
મધુપ્રમેહ એ માનવજાતનો કટ્ટર શત્રુ છે : જે વ્યક્તિ ખાવાપીવામાં અસંયમી (લોલુપ) હોય, સ્નાન તથા ચંક્રમણ(ચાલવાની કસરત)ના દ્વેષી હોય તેમને ક્રમશ: મેદવૃદ્ધિ અને મેદદુષ્ટિ થતાં પ્રમેહ, મધુમેહ અને પિંડકાઓ થાય છે. મધુમેહના રોગીના ઘા તથા ગૂમડાં (carbuncle) દુશ્ચિકિત્સ્ય ગણાય છે. તેની સારવાર કુશળ ચિકિત્સક પાસે કરાવવી હિતાવહ છે. મધુમેહમાં ‘ઓજ’નો ક્ષય થાય છે. તેથી વ્યક્તિ કાળક્રમે વધુ દુર્બળ-નિષ્પ્રાણ બને છે.
ભાનુપ્રસાદ મનસુખરામ નિર્મળ