પ્રબોધ-બત્રીશી (ઈ. સ.ની સોળમી સદી) : મધ્યકાલીન ગુજરાતી કવિ માંડણ બંધારા(ઈ. સ. 1518 આસપાસ)ની જ્ઞાનાત્મક પદ્યકૃતિ. કૃતિની કડીની કે વિષયની સંખ્યાને આધારે જે સાહિત્યસ્વરૂપો ઓળખાયાં તેમાં અષ્ટક, પચીશી, બત્રીશી અને બાવની મુખ્ય છે. અહીં 6 ચરણવાળી ચોપાઈના બંધમાં 20 કડીની એક એવી 32 વિષયની કહેવત-ઉખાણાનો ઉપયોગ કરતી રચનાઓ દ્વારા પ્રબોધ એટલે કે જ્ઞાન-ઉપદેશ સાંકળવામાં આવ્યો છે. અહીં બત્રીશીમાં બત્રીસ વિષયો પરનો ઉપદેશ છે.
શિરોહી ગામના બંધારા જાતિના માંડણે ‘પ્રબોધ-બત્રીશી’ની રચના કરી એ સમયે કબીર અને અન્ય જ્ઞાનમાર્ગી સંતકવિઓ અને તેમની અગમ, આગમ અને અવળ એવી ત્રણ પ્રકારની વાણીઓનો વ્યાપક પ્રભાવ પડ્યો હતો. અગમ્ય તત્વનું નિરૂપણ તે અગમવાણી; ભવિષ્યનું સૂચન કરે તે આગમવાણી અને સમાજની ધર્માંધતા, જડતા, મૂર્ખતા પર હાસ્ય-કટાક્ષના કોરડા વીંઝી ઉપદેશ આપે તે અવળવાણી. માંડણ બંધારાની ‘પ્રબોધ-બત્રીશી’ અને અખાના છપ્પા આ રીતે જ્ઞાનમાર્ગી સંતકવિઓની અવળવાણીના પ્રવાહની રચનાઓ છે. કબીરજીના શિષ્ય જ્ઞાનીજીએ હિંદી ભાષામાં ‘જ્ઞાનબત્રીશી’ રચી તે પ્રવાહ-પ્રકારની જ આ ‘પ્રબોધ-બત્રીશી’ છે. એમાં ચોપાઈનાં આરંભનાં ચાર કે પાંચ ચરણમાં મુખ્ય વિષયનું નિરૂપણ કરી, પાંચમા કે છઠ્ઠા ચરણમાં નિષ્પન્ન પ્રબોધ આપતું ઉખાણું અર્થાત્ કહેવત આપવામાં આવે છે. માંડણની આ રચનામાં ભક્તિ, વૈરાગ્ય, સંતોષ, સજ્જન, હૃદય વગેરે વિષયની બત્રીશ વીશીઓ આપી છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, માયાનું સ્વરૂપ વગેરે સ્પષ્ટ કરતાં અહીં સમાજમાં પ્રવર્તતાં દંભ, દુરાચાર, મૂર્ખતા, જડતા વગેરે ખુલ્લાં પાડીને હાસ્ય-કટાક્ષ કર્યા છે.
અહીં નોંધપાત્ર સ્થાન અને પ્રમાણ ઉખાણા(કહેવત)નું છે. માંડણ પોતે જ કહે છે : ‘અવનિ રહી ઉખાણાભરી, તે કેમ શકાય પૂરી ?’ પૃથ્વી જ આખી ઉખાણાંથી ભરી ભરી છે, તે ઉખાણાંને એક જ ગ્રંથમાં કેવી રીતે પૂરી શકાય? આમ છતાં માંડણે આ ગ્રંથમાં ગુજરાતી ભાષાની પાંચસો જેટલી કહેવતોને સાંકળી છે, એથી ‘પ્રબોધ-બત્રીશી’ ગુજરાતી કહેવતોના કોશની પણ જરૂરત પૂરી પાડે છે. હાસ્ય, નર્મ, મર્મ અને કટાક્ષથી જનસમાજ અને માનસના દંભને ખુલ્લો પાડતો આ પ્રકાર એટલો કારગત અને લોકપ્રિય બન્યો કે માંડણ પછી દોઢસો વર્ષે થયેલા જ્ઞાની કવિ અખાએ એના છપ્પામાં આનો ઉપયોગ કર્યો. અખાના છપ્પામાં ‘આંધળો સસરો ને શણગટ વહુ’, ‘કંઠે પ્હાણ શકે ક્યમ તરી’, ‘તલ માંહી જ્યમ કોદરા ભળ્યા’ વગેરે જે સચોટ કથનો – પ્રયોગો છે તે માંડણની ‘પ્રબોધ-બત્રીશી’માં મળે છે. ભૂતપ્રેતને સાધીને પોતાનાં દુ:ખ દૂર કરવા મથતા લોકોને માંડણ કહે છે : ‘જે પોતે જ ભવાટવિમાં રખડે છે તે તમારાં દુ:ખ ક્યાંથી દૂર કરવાના ?’ આવાં ર્દષ્ટાંતથી જ સામાન્ય જ્ઞાન અને ઉપદેશ જનસામાન્યના હૈયામાં ઊતરી જાય છે અને એ વિચારને વાચા આપતું ઉખાણું જીવનભર યાદ રહી જાય છે.
જ્ઞાન-ઉપદેશની બત્રીશીનો આ પ્રકાર એવો ઉપયોગી અને લોકપ્રિય બન્યો કે મધ્યકાલના અંતિમ ચરણના કવિ દયારામે પણ 1814માં ‘પ્રબોધ-બાવની’ રચી અને કુંડળિયામાં ઉખાણા-કહેવતને આધારે ઉપદેશને રસપ્રદ બનાવ્યો. આમ આ કૃતિ સમાજને એની ન્યૂનતાનું, દંભ અને દુરાચારનું ભાન કરાવી, જ્ઞાનબોધ દ્વારા તેની સુધારણાનું કામ કરે છે.
હસુ યાજ્ઞિક