પ્રબલન (stimulation) : અભિસંધાન (conditioning) દ્વારા પ્રાપ્ત થતા શિક્ષણનો એક ઘટક. અભિસંધાનની બે રીતો હોય છે : પ્રશિષ્ટ અને કારક. એ બેમાં પ્રબલનનો અર્થ સહેજ જુદો જુદો થાય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં પ્રબલન એટલે અભિસંધિત ઉદ્દીપક (દા.ત., ઘંટડી) અને અનભિસંધિત ઉદ્દીપક(દા.ત., ખોરાક)ને જોડમાં રજૂ કરવાની ક્રિયા, જેને લીધે અભિસંધિત પ્રતિક્રિયા (દા.ત., મોમાં લાળ ઝરવી) પ્રબળ બને છે. કારક અભિસંધાનમાં પ્રબલન એટલે, વ્યક્તિ કોઈ વિશિષ્ટ ક્રિયા કરે તે પછી તરત એને પસંદ પડે એવી (ઇષ્ટ) સ્થિતિ એ રીતે ઉપજાવવી કે જેથી એ વિશિષ્ટ ક્રિયા પ્રબળ બને. દા.ત., બાળક કળ દાબે એટલે તરત તેને ચૉકલેટ મળે ત્યારે કળ દાબવાની ક્રિયા પ્રબળ બને છે. અહીં કળ દાબ્યા પછી ચૉકલેટનો પુરસ્કાર આપવા માટે પ્રયોગકર્તાએ કરેલી ગોઠવણ પ્રબલન કરે છે.

પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગના જે પ્રયત્નોમાં અનભિસંધિત ઉદ્દીપક (દા.ત., ખોરાક) રજૂ થાય તે પ્રયત્નોને પ્રબલિત પ્રયત્નો કહે છે; જે પ્રયત્નોમાં અનભિસંધિત ઉદ્દીપક રજૂ ન થાય તે પ્રયત્નોને અપ્રબલિત પ્રયત્નો કહે છે. પ્રયોગ દરમિયાન જેમ જેમ પ્રબલિત પ્રયત્નોની સંખ્યા વધતી જાય તેમ તેમ શીખેલી ક્રિયાનું બળ વધતું જાય છે; જેમ જેમ અપ્રબલિત પ્રયત્નો વધતા જાય તેમ તેમ શીખેલી ક્રિયા નબળી પડતી જાય છે અને આખરે તેનો લોપ થાય છે.

ઉપરના બે પ્રકારના અભિસંધાનમાં પ્રબલન આપવા માટેની શરત જુદી જુદી હોય છે. પ્રશિષ્ટ અભિસંધાનમાં શીખનાર વ્યક્તિ કોઈ ક્રિયા કરે કે ન કરે તેની પરવા કર્યા વિના, પ્રયોગકર્તા પોતાની મરજી અને આયોજન પ્રમાણે પ્રબલન આપે છે. કારક અભિસંધાનમાં જ્યારે શીખનાર વ્યક્તિ યોગ્ય ક્રિયા કરે ત્યારે જ તેને પ્રબલન અપાય છે.

પ્રબલનનો ખ્યાલ થૉર્નડાઇકના પરિણામના નિયમ સાથે મળતો આવે છે. જ્યારે કોઈ ક્રિયાને પરિણામે વ્યક્તિને પુરસ્કાર મળે ત્યારે ઉદભવતા સંતોષને લીધે તે ક્રિયા પ્રબળ બને છે. કોઈ ક્રિયાને પરિણામે પુરસ્કાર ન મળે (અથવા સજા થાય) ત્યારે અંસતોષને કારણે તે ક્રિયા નિર્બળ બને છે.

કેટલાક મનોવૈજ્ઞાનિકો પ્રબલનને પુરસ્કાર અને શિક્ષાનો પર્યાય ગણે છે. બીજાઓ પ્રબલનને પુરસ્કાર/શિક્ષાનું પરિણામ ગણે છે. બીજા કેટલાકને મતે, કોઈ ચોક્કસ બાહ્ય પુરસ્કાર કે શિક્ષાની ગેરહાજરીમાં પણ શીખવાની ક્રિયાનું પ્રબલન થઈ શકે છે. દા.ત., પક્ષીઓની ગીત શીખવાની ક્રિયાનું પ્રબલન આંતરિક રીતે થાય છે.

જે ઉદ્દીપકો, વસ્તુઓ કે પરિસ્થિતિઓ પ્રબલન કરે તેને પ્રબલક કહેવાય છે. પ્રબલકો બે જાતના હોય છે : પ્રાથમિક અને દ્વૈતીયિક. પ્રાણીને જૈવ રીતે સીધા જ ઉપયોગી બનતા પદાર્થો કે પરિસ્થિતિઓને પ્રાથમિક પ્રબલક કહે છે; દા.ત., ખોરાક, પાણી, હૂંફાળું તાપમાન. તેના પ્રત્યેની પ્રતિક્રિયાઓ અશિક્ષિત હોય છે, જ્યારે કોઈ અન્ય તટસ્થ ઉદ્દીપકને પ્રાથમિક પ્રબલકની જોડમાં વારંવાર રજૂ કરવામાં આવે ત્યારે એ તટસ્થ ઉદ્દીપક પોતે જ પ્રબલક બની જાય છે એને દ્વૈતીયિક પ્રબલક કહે છે; દા.ત., જ્યારે જ્યારે યંત્રમાં પ્લાસ્ટિકની પટ્ટી નાખવામાં આવે ત્યારે ત્યારે ખોરાક પ્રાપ્ત થતો હોવાથી ચિમ્પાન્ઝીઓ એ પ્લાસ્ટિકની પટ્ટીઓને મૂલ્યવાન ગણીને તેનો સંગ્રહ કરે છે અને ભૂખ લાગે ત્યારે યંત્રમાં પટ્ટી નાખી ખોરાક મેળવે છે. તે તેનું પ્રબલક મૂલ્ય દર્શાવે છે.

અન્ય મનોવૈજ્ઞાનિકો કરતાં પ્રેમાક(Premack)નું પ્રબલનનું અર્થઘટન જુદું છે. તેના મતે કોઈ ઉદ્દીપક પ્રબલન કરે છે એમ કહેવું યોગ્ય નથી. ખરેખર તો શીખનારે કરેલી ક્રિયા જ પ્રબલન કરતી હોય છે; દા.ત., ખોરાકથી પ્રબલન મળ્યું એવું નથી પણ ખાવાની ક્રિયા કરવાથી શિક્ષણને પ્રબલન મળ્યું એમ કહેવું જોઈએ.

પ્રેમાકના મત પ્રમાણે, દરેક પ્રાણી માટે પ્રબલકોની પદક્રમ પરંપરા હોય છે. આ પદક્રમપરંપરામાં ગોઠવાયેલી પ્રવૃત્તિઓમાંથી, કોઈ પણ સ્થાને ગોઠવાયેલી પ્રવૃત્તિ, પોતાની નીચે રહેતી પ્રવૃત્તિને પ્રબલન પૂરું પાડે છે. તે પોતાનાથી ઊંચે સ્થાને રહેલી પ્રવૃત્તિથી પ્રતિનિવેશ મેળવે છે. પ્રેમાકની આ વાત વ્યવહારમાં ઘણી બાબતોનું સમર્થન પૂરું પાડે છે; દા.ત., જો બાળક પાસે હોમવર્ક કરાવવું હોય તો તે પહેલાં હોમવર્ક કરે તે પછી તેને રમવા જવા દઈએ તો હોમવર્કની ક્રિયા વધુ સારી રીતે પ્રબળ બને છે. (એને બદલે જો પહેલાં એને રમવા દઈ પછી હોમવર્ક કરવા કહીએ તો તેને હોમવર્કમાં રસ ઓછો રહે છે.) અનુક્રમમાં ઉપરના ક્રમે કરવાનું કામ (રમત), નીચા ક્રમે કરવાના કામ (હોમવર્ક) માટે પ્રબલન પૂરું પાડે છે. તેથી જો પછીની પ્રવૃત્તિ (રમત) અટકાવવામાં આવે તો બાળક પહેલાંની પ્રવૃત્તિ (હોમવર્ક) કરવા માટે વધારે તત્પર બને છે.

પ્રબલનની અસર મુખ્યત્વે બે પરિબળો ઉપર અવલંબે છે :

(1) પ્રબલનનું પ્રમાણ અને (2) તેમાં વિલંબ.

જેમ પ્રબલનનું પ્રમાણ વધારે તેમ શીખવાની ક્રિયા વધારે ઝડપી બને છે. પ્રબલનની રજૂઆતમાં સમયનો ગાળો (વિલંબ) ઓછો તેમ તેની અસર વધુ પ્રબળ હોય છે. વિદ્યાર્થીઓ કે તાલીમાર્થીઓના શિક્ષણને ઝડપી બનાવવા માટે સમયે સમયે તેમના કર્તૃત્વનું માપન કરી તેનાં પરિણામોની જાણ શક્ય એટલી ઝડપથી કરવી જરૂરી બને છે.

શીખવાની ક્રિયા અને પ્રબલન વચ્ચેના સંબંધની વિશિષ્ટ શરતને પ્રબલનનો ઉપક્રમ કહે છે. સ્કીનર અને તેના સાથીઓએ સંખ્યાબંધ સંશોધનોનાં પરિણામો ઉપરથી અનેકવિધ ઉપક્રમો રજૂ કર્યા છે. તેમાંના મુખ્ય ચાર ઉપક્રમો આ પ્રમાણે છે : (1) નિયત ગુણોત્તર : જેમાં પ્રતિક્રિયાનું અમુક સંખ્યામાં પુનરાવર્તન થયા પછી જ પ્રબલન અપાય છે; દા.ત., 10 : 1 દરમાં એકથી નવ પ્રતિક્રિયા સુધી પ્રબલન અપાતું નથી. દસમી વખત ક્રિયા થાય ત્યારે પ્રબલન અપાય છે. (2) નિયત મધ્યાંતર : આમાં પૂર્વેના પ્રબલન પછી નિશ્ચિત સમય વીત્યા પછી જ નવું પ્રબલન અપાય છે; દા.ત., દર 1 મિનિટ પછી જ પ્રબલન અપાય. (3) પરિવર્તનશીલ ગુણોત્તર : આમાં પ્રતિક્રિયાઓના પુનરાવર્તનની સંખ્યાની સરેરાશના આધારે પ્રબલન અપાય છે; દા.ત., ઓછામાં ઓછી 6 અને વધુમાં વધુ 18 પ્રતિક્રિયાઓ (જેની સરેરાશ 12 જળવાય એ રીતે) પછી પ્રબલન અપાય છે. (4) પરિવર્તનશીલ મધ્યાંતર : આમાં ઓછામાં ઓછી 10 સેકંડ અને વધુમાં વધુ 110 સેકંડ પછી (પણ 60 સેકંડની સરેરાશ જળવાય એ રીતે) પ્રબલન અપાય છે.

શાંતિલાલ છ. કાનાવાલા