પ્રબન્ધચિન્તામણિ (1305) : સત્પુરુષોના ચરિત-પ્રબન્ધોનો સંગ્રહ. કર્તા મેરુતુંગાચાર્ય. જૈન પ્રબન્ધગ્રંથોમાં મેરુતુંગાચાર્ય-રચિત ‘પ્રબન્ધ-ચિન્તામણિ’ સુપ્રસિદ્ધ છે. મેરુતુંગસૂરિ નાગેન્દ્રગચ્છના આચાર્ય હતા ને એમના ગુરુનું નામ ચન્દ્રપ્રભસૂરિ હતું. મેરુતુંગાચાર્યે ‘મહાપુરુષચરિત’ નામે ગ્રંથમાં પાંચ તીર્થંકરોનું સંક્ષિપ્ત ચરિત નિરૂપ્યું છે. સત્પુરુષોના પ્રબન્ધોનો આ સંગ્રહ વિદ્વાનોને ચિન્તામણિ સમાન લાગશે એવો અર્થ કર્તાને ‘પ્રબન્ધચિન્તામણિ’ના શીર્ષક દ્વારા અભિપ્રેત છે. મેરુતુંગાચાર્યે આ ગ્રંથ રચવામાં ઘણી પરંપરાગત (ઐતિહ્ય) સામગ્રી ધર્મદેવ નામે વિદ્વાન પાસેથી પ્રાપ્ત કરી હતી. ગુણચંદ્ર નામે એમના પટ્ટશિષ્યે આ ગ્રંથની પહેલી પ્રતિલિપિ તૈયાર કરી હતી. આ ગ્રંથની રચના વર્ધમાન(વઢવાણ)માં (ઈ. સ. 1305) પૂરી થઈ હતી. ગુજરાતમાં એની પહેલાંના વર્ષે (ઈ. સ. 1304) સોલંકી-વાઘેલા વંશની રાજસત્તાનો અંત આણી દિલ્હી સલ્તનતની સત્તા સ્થપાઈ હતી. આ પ્રબન્ધગ્રંથમાં ગુજરાતના ચાવડા તથા સોલંકી વંશના રાજાઓને લગતી વિપુલ માહિતી સંગૃહીત થઈ હોઈ આ પ્રબન્ધસંગ્રહ ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો એક મહત્વનો સ્રોત બની રહ્યો છે. આ ગ્રંથ સંસ્કૃતમાં રચાયો છે. મૂળ ગ્રંથની અનેક આવૃત્તિઓ તથા એના અનુવાદ પ્રકાશિત થયા છે. આ ગ્રંથના ‘પ્રકાશ’ નામે પાંચ વિભાગ છે : પ્રથમ પ્રકાશમાં વિક્રમાદિત્ય સાતવાહન, ભૃગુરાજ અને વનરાજ ચાવડાના વંશનો આનુશ્રુતિક તથા સોલંકી વંશના રાજા મૂલરાજ પહેલાથી દુર્લભરાજનો ઐતિહાસિક વૃત્તાંત આવે છે. બીજા પ્રકાશમાં ભીમદેવ પહેલા તથા માલવેશ ભોજનો વૃત્તાંત છે. ત્રીજા પ્રકાશમાં સિદ્ધરાજ જયસિંહનું ચરિત વિગતે નિરૂપાયું છે. ચોથા પ્રકાશમાં રાજા કુમારપાલ, હેમચંદ્રસૂરિ અને રાજા અજયપાલનો તેમજ રાણા વીરધવલનો તથા મંત્રી વસ્તુપાલ-તેજપાલનો વૃત્તાંત આપ્યો છે. વાઘેલા સોલંકી વંશમાં એ પછીના કોઈ રાજાઓના પ્રબન્ધ આપેલ નથી, નહિતર ગ્રંથકારની નજીકના સમયના વાઘેલા વંશના રાજાઓ વિશે વિશેષ માહિતી મળત. ‘પ્રબન્ધચિન્તામણિ’માં ગ્રંથકારે સોલંકી રાજાઓના રાજ્યારોહણનો વિગતવાર સમય આપેલો છે. આ ગ્રંથનું એ વિશિષ્ટ પ્રદાન છે.
પાંચમા પ્રકાશમાં પ્રકીર્ણ પ્રબન્ધો આપેલા છે. એમાં રાજા શિલાદિત્ય અને મલ્લવાદી તથા વલભી-ભંગને લગતા પ્રબન્ધ ગુજરાત માટે ખાસ નોંધપાત્ર છે.
ઐતિહાસિક ઉપયોગિતાવાળા ‘પ્રબન્ધચિન્તામણિ’નું અંગ્રેજી ભાષાંતર ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફાર્બસે 1849માં કરી રાસમાળામાં આપ્યું. ગુજરાતનો ઇતિહાસ લખવામાં પં. ભગવાનલાલ ઇન્દ્રજીએ એનો ઉપયોગ કર્યો. પિટર્સન, કિલહૉર્ન અને બુલ્હરના કરેલા ‘પ્રબન્ધચિન્તામણિ’નાં સંપાદનોને આધારે શાસ્ત્રી રામચંદ્ર દિનાનાથે ગુજરાતી અને ટોનીએ ટિપ્પણીઓ સાથે અંગ્રેજી ભાષાંતર કર્યું.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી