પ્રધાન, મત્સ્યેન્દ્ર (જ. 1939, હૅપી વૅલી ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ) : નેપાળી વિવેચક અને નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘નીલકંઠ’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તત્વજ્ઞાનમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે.
કિશોરાવસ્થાથી જ અનેક નેપાળી સામયિકોમાં તેમનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થવા માંડેલાં. પાછળથી વ્યવસાયમાં પરોવાયા અને તેની વ્યસ્તતા વચ્ચે પણ તેમણે 3 કૃતિઓ પ્રગટ કરી : સાહિત્યિક વિવેચનગ્રંથ ‘ભાનુ કા કૃતિ અધ્યયનહરુ’, નિબંધસંગ્રહ ‘વાર્તાહરુ’ અને એક નવલકથા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘નીલકંઠ’ આધુનિક જીવનને સ્પર્શતી નવલકથા છે. તેમાં આધુનિક જીવનલીલાનાં વિવિધ પરિમાણોનું – રૂપોનું મનોહર શૈલીમાં ચિત્રણ થયું છે. કઠોર વાસ્તવિકતાનું સચ્ચાઈભર્યું નિરૂપણ, મનોવિશ્લેષણાત્મક ઊંડાણ અને સામાજિક પ્રસ્તુતતાને કારણે આ કૃતિ સમકાલીન નેપાળી સાહિત્યમાં એક આગવું ઉમેરણ લેખાયું છે.
બળદેવભાઈ કનીજિયા