પ્રદ્યોત : ઈ.પૂ. છઠ્ઠી સદી દરમિયાન થઈ ગયેલો અવંતીનો રાજવી. પુરાણો, બૌદ્ધ, પાલિ સાહિત્ય, જૈન ગ્રંથો, મેરુતુંગની ‘થેરાવલી’ તથા ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ નાટકમાં તેના ઉલ્લેખો છે. બૃહદ્રથવંશના છેલ્લા સોમવંશી રિપુંજય રાજાને તેના પ્રધાન પુનિક કે પુલિકે મારી નાખીને તેના પુત્ર પ્રદ્યોતને અવન્તીની ગાદી ઉપર બેસાડ્યો. આમ, પ્રદ્યોત આ વંશનો પહેલો રાજા હતો. તેની રાજધાની ઉજ્જયિની હતી. બૌદ્ધ ગ્રંથ ‘મહાવગ્ગ’ પ્રમાણે તે ઘાતકી હતો. તેથી તે ‘ચંડપ્રદ્યોત’ તરીકે ઓળખાતો હતો. તેનું બીજું નામ મહાસેન હતું. તેને વત્સ, મગધ અને કોશલના રાજાઓ સાથે દુશ્મનાવટ હતી. પ્રદ્યોતની ચડાઈના ભયને કારણે અજાતશત્રુએ તેની રાજધાની રાજગૃહ ફરતો કોટ ચણાવ્યો હતો. તેણે પાડોશી રાજ્યોને હરાવ્યાં હતાં. ભગવાન બુદ્ધ, મગધનો બિંબિસાર તથા વત્સનો ઉદયન તેના સમકાલીન હતા. ભગવાન બુદ્ધને પ્રદ્યોતે તેના પાટનગરની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું, પણ એ આમંત્રણનો સ્વીકાર કરી બુદ્ધે જાતે ન જતાં પોતાના શિષ્ય મહાકચ્છાયનને ઉપદેશ આપવા મોકલ્યો હતો.

વત્સનો ઉદયન પ્રદ્યોતનો પ્રતિસ્પર્ધી હતો. તેની કીર્તિ અને લોકપ્રિયતાની તે ઈર્ષ્યા કરતો હતો. પ્રદ્યોતે ઉદયનની પુત્રી વાસવદત્તાનું અપહરણ કરીને તેની સાથે લગ્ન કર્યું હતું.

પ્રદ્યોતનો મગધના બિંબિસાર સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. પ્રદ્યોતને કમળાનો રોગ થતાં તેણે બિંબિસારને તેના વૈદ્ય જીવકને મોકલવા વિનંતી કરી. જીવકે પ્રદ્યોતનો રોગ મટાડ્યો હતો. પ્રદ્યોતે તેને આ બદલ કીમતી વસ્ત્રોની ભેટ આપી હતી. પ્રદ્યોતે 23 વરસ રાજ્ય કર્યું હતું.

શિવપ્રસાદ રાજગોર