પ્રધાનમંત્રી સંગ્રહાલય

February, 2024

પ્રધાનમંત્રી સંગ્રહાલય: નવી દિલ્હીમાં તીન મૂર્તિ ભવન ખાતે બનેલું ભારતના બધા જ વડાપ્રધાનોને સમર્પિત સંગ્રહાલય. એપ્રિલ-2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંગ્રહાલયનું લોકાર્પણ કર્યું હતું. હાઉસ ઑફ ડેમોક્રેસીના નામે પણ ઓળખાતા આ સંગ્રહાલયમાં ભારતના બધા જ 14 વડાપ્રધાનો અને એક કાર્યકારી વડાપ્રધાન એમ કુલ 15 વડાપ્રધાનોના કાર્યકાળની માહિતી, તેમના કાર્યકાળ દરમિયાન થયેલા મહત્ત્વના ફેરફારો, એ ગાળામાં લેવાયેલા નિર્ણયો ને કાર્યકાળમાં બનેલી અગત્યની ઘટનાઓ સહિતની માહિતી ઉપરાંત લાઇટ ઍન્ડ સાઉન્ડ શો યોજાય છે.

તીન મૂર્તિ ભવન અગાઉ જવાહરલાલ નેહરુ મેમોરિયલ નામથી ઓળખાતું હતું. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું આ સત્તાવાર નિવાસસ્થાન હતું ને પીએમઓ પણ એ જ ઇમારતમાં કાર્યરત હતી. બ્રિટિશ ઇન્ડિયા વખતે 1930માં આ ઇમારતનું બાંધકામ થયું હતું. બ્રિટનના સ્થપતિ રોબર્ટ ટોર રસેલે આ ઇમારતની ડિઝાઇન બનાવી હતી. બ્રિટિશ ઇન્ડિયા વખતે ઇમારતમાં આર્મીના વડાનું સત્તાવાર નિવાસસ્થાન હતું.

આઝાદી પછી એમાં વડાપ્રધાનનાં આવાસ અને ઑફિસ બનાવાયાં હતાં. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન પછી આ ઇમારતને તેમના મેમોરિયલમાં ફેરવવામાં આવી હતી. નેહરુ મેમોરિયલ ઍન્ડ લાઇબ્રેરીના નામથી વિખ્યાત આ ઇમારતને બધા જ વડાપ્રધાનોનું મેમોરિયલ બનાવવાનો નિર્ણય વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૅબિનેટમાં લેવાયો હતો. અંદાજે 271 કરોડ રૂપિયાના ખર્ચે વડાપ્રધાન સંગ્રહાલય તૈયાર થયું છે.

એપ્રિલ-2022માં ખુલ્લા મૂકાયેલા આ વડાપ્રધાન સંગ્રહાલયમાં ખાસ ટૅકનૉલૉજીનો ઉપયોગ થયો છે, જેની મદદથી ગમતા વડાપ્રધાન સાથે તસવીર પણ લઈ શકાશે. કયા વડાપ્રધાને કેવું સૂત્ર આપ્યું અને કયા વડાપ્રધાને કેવા પડકારોનો સામનો કરીને દેશને ઉન્નતિના પંથે આગળ વધાર્યો તેની સચિત્ર માહિતી સંગ્રહાલયમાં મુકાઈ છે. વડાપ્રધાનોની માહિતી એકઠી કરવા માટે દૂરદર્શનથી લઈને, ફિલ્મ ડિવિઝન, સંસદ ટીવી, મીડિયા હાઉસ, અખબારો, વિદેશી ન્યૂઝ એજન્સીઓ અને ભારતનાં અન્ય સંગ્રહાલયોની મદદ લેવામાં આવી છે.

હર્ષ મેસવાણિયા