પ્રપંચન (જ. 1945, પુદુચેરી, તમિળનાડુ) : તમિળ સાહિત્યના જાણીતા નવલકથાકાર અને વાર્તાકાર. તેમની શ્રેષ્ઠ નવલકથા ‘વાનમ વસપ્પડુમ’ માટે તેમને 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ તમિળ સાહિત્યમાં પુલાવરની પદવી ધરાવે છે.

પ્રપંચન

માત્ર 17 વર્ષની વયે તેમણે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. આજ સુધીમાં તેમણે ટૂંકી વાર્તાના 18 સંગ્રહો, 14 નવલકથાઓ, 1 લઘુનવલ અને 1 નાટ્યસંગ્રહ આપ્યાં છે.

તમિળ સાહિત્યની તેમણે કરેલી ઉત્કૃષ્ટ સેવા બદલ તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જેવા કે – 1982 અને 1986ના વર્ષ માટેનો તમિળનાડુ સરકારનો ‘શ્રેષ્ઠ લેખક પુરસ્કાર’; 1986ના વર્ષનો પુદુચેરી સરકારનો ‘શ્રેષ્ઠ લેખક પુરસ્કાર’; 1983ના વર્ષનો લાકિયા સિન્તનાઈ પુરસ્કાર; 1992ના વર્ષનો કસ્તૂરી રંગમ્મલ પુરસ્કાર તથા 1994ના વર્ષનો ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર. તેમની અનેક કૃતિઓના અન્ય ભારતીય તથા અંગ્રેજી અને ફ્રેંચ ભાષાઓમાં અનુવાદ થયા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘વાનમ વસપ્પડુમ’ પરથી ‘દીનમણિ કાદિર’ નામની શ્રેણી તૈયાર કરવામાં આવી છે. તેમાંની પુદુચેરીને મુખ્ય મથક બનાવીને ભારતમાં ફ્રેંચ વસાહત સ્થાપવા–વિકસાવવાની કાર્યવહી તથા તેના વિસર્જનની ઘટના તેમના વ્યાપક અને કાળજીપૂર્વકના સંશોધન પર આધારિત છે. આ નવલકથામાં માનવસ્વભાવની સૂક્ષ્મ તપાસનું આલેખન કરવામાં આવ્યું છે. તેમાં 200 વર્ષ પૂર્વેના જનજીવનનું આબેહૂબ ચિત્રણ કરવામાં આવ્યું છે. કથાના સંતુલિત અને યથાર્થ વર્ણનને કારણે આ કૃતિ ભારતીય ઐતિહાસિક નવલકથામાં મહત્વપૂર્ણ પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા