પ્રત્યક્ષીકરણ (perception) : વિવિધ પદાર્થોને જાણવાની – પર્યાવરણથી માહિતગાર થવાની પ્રક્રિયા. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવાં જ્ઞાનેન્દ્રિયોરૂપી દ્વારમાં થઈને પર્યાવરણમાંના ઉદ્દીપકો મગજમાં પહોંચે છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા કોઈ પણ પદાર્થના પ્રાથમિક જ્ઞાનને સંવેદન (sensation) કહે છે. વાસ્તવમાં, સંવેદનનો અલગ અનુભવ થતો નથી; પરંતુ તે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાનો જ અંતર્ગત ભાગ છે. પ્રત્યક્ષીકરણ એટલે જુદાં જુદાં સંવેદનોનું સંકલન કરીને અર્થ તારવવાની પ્રક્રિયા; દા.ત., ડાઇનિંગ ટેબલ પર મૂકેલી આફૂસ કેરીને જોવામાં આવે ત્યારે તેના પરથી આવતાં પ્રકાશનાં કિરણો આકાર, કદ અને રંગનાં સંવેદનો ઉત્પન્ન કરે છે. સ્પર્શ કરવાથી તેની સપાટીના લીસાપણાનું, તેને ચાખવાથી સ્વાદનું અને સૂંઘવાથી ગંધનું સંવેદન થાય છે. આવાં વિવિધ સંવેદનોને સંગઠિત કરીને જ્યારે જોનારને જ્ઞાન થાય કે ‘આ આફૂસ કેરી છે’ ત્યારે પ્રત્યક્ષીકરણ થયું કહેવાય. આમ સંવેદનનો સંબંધ ઉદ્દીપકો સાથે છે, જ્યારે પ્રત્યક્ષીકરણનો સંબંધ ઉદ્દીપકોના ઉદભવસ્થાન એવા વાસ્તવિક પદાર્થો સાથે છે. તેથી જ પ્રત્યક્ષીકરણ એટલે સંવેદનાત્મક વલણોની એવી સંગઠિત પ્રક્રિયા, જે દ્વારા જોનાર પદાર્થોને એના યથોચિત સ્વરૂપમાં વૃક્ષ, માનવી, મકાન, યંત્ર વગેરે રૂપે જાણે છે.

પ્રત્યક્ષીકરણ અમુક અંશે વ્યક્તિ ઉપર પણ આધારિત હોય છે; તેથી જ કહેવાય છે કે, વસ્તુઓ જેવી છે તેવી જોનાર જોતો નથી, પરંતુ જોનાર વ્યક્તિ જેવી હોય તે રીતે જ તે વસ્તુઓને જુએ છે. વ્યક્તિને જગત જે રીતે દેખાય છે, સંભળાય છે, સૂંઘાય છે, ચખાય છે કે સ્પર્શાય છે તે રીતે તે પ્રત્યક્ષ થાય છે. તેથી જ વ્યક્તિ દ્વારા જે કંઈ અનુભવાય છે તેનો પ્રત્યક્ષીકરણમાં સમાવેશ કરાય છે.

પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં પ્રથમ તબક્કે પર્યાવરણમાંની વિવિધ ભૌતિક શક્તિઓ જોનારની જ્ઞાનેન્દ્રિયોના સંવેદનગ્રાહક કોષો ઉપર અસર કરે છે. આ ગ્રાહક કોષોમાંથી ચેતાપ્રવાહો નીકળીને મગજમાં જાય છે. ત્યાં થતી પ્રક્રિયાને પરણામે પદાર્થો અને બનાવોનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે. (જુઓ આકૃતિ 1.)

આમ પ્રત્યક્ષીકરણ એ મગજને પહોંચતા સાંવેદનિક નિવેશ(sensory input)નું અર્થઘટન કરવાની પ્રક્રિયા છે. અર્થાત્ તે અર્થપૂર્ણ સાંવેદનિક નિવેશનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે.

કેટલીક વાર માનવીનું પ્રત્યક્ષીકરણ વાસ્તવિકતા સાથે મેળ ધરાવતું નથી. અર્થાત્, કેટલીક વાર પ્રત્યક્ષીકરણ નિષ્ફળ જાય છે. પ્રત્યક્ષીકરણની આવી નિષ્ફળતા, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાઓ કઈ રીતે કાર્ય કરે છે તે સમજવા માટેના મહત્વના સંકેત પૂરા પાડે છે; તેથી જ મનોવૈજ્ઞાનિકો પ્રત્યક્ષીકરણના અભ્યાસમાં ભ્રમ(illusion)ના અભ્યાસનો સમાવેશ કરે છે.

ભ્રમ એટલે ગેરમાર્ગે દોરનારું પ્રત્યક્ષીકરણ. ભ્રમમાં

ઉદ્દીપક તો ઉપસ્થિત હોય છે, પરંતુ મગજને પહોંચતા સાંવેદનિક નિવેશનું અર્થઘટન ખોટી રીતે થાય છે; દા.ત., આછા પ્રકાશમાં વેરાન જગ્યાએથી પસાર થતાં રસ્તામાં પડેલા દોરડાને સાપ તરીકે જોઈએ છીએ. આને ‘રજ્જુ-સર્પ ભ્રમ’ કહે છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં ભૌમિતિક ભ્રમોનો અભ્યાસ થાય છે; દા.ત., મ્યૂલર-લાયર ભ્રમ.

મ્યૂલર-લાયરે દર્શાવેલો આ ભ્રમ વિસ્તારને લગતો ભૌમિતિક ભ્રમ છે. તેમાં સમાન લંબાઈની બે રેખાઓ અંદર અને બહારનાં પાંખિયાંઓને લીધે નાનીમોટી દેખાય છે. (જુઓ આકૃતિ 2.)

અહીં અંદર તરફનાં પાંખિયાં ધરાવતી ‘ક’ રેખા, બહારનાં પાંખિયાં ધરાવતી ‘ખ’ રેખા કરતાં નાની દેખાય છે. વાસ્તવમાં બંને રેખાઓની લંબાઈ 3 સેમી. જ છે. આ ભ્રમને સમજાવવા માટે અનેક સ્પષ્ટીકરણ રજૂ થયાં છે.

રિચાર્ડ ગ્રેગરીએ રજૂ કરેલા આધુનિક સ્પષ્ટીકરણ મુજબ મ્યૂલર-લાયર ભ્રમ થવાનું કારણ અંતરનું પ્રત્યક્ષીકરણ છે. ખંડની અંદરથી ખંડના ખૂણાને જોઈએ તો દીવાલો દ્વારા ભોંયતળિયા અને છત સાથે જે ખૂણાઓ બને છે તે બહારનાં પાંખિયાંવાળી રેખા (ખ) જેવી જ રેખા બનાવે છે; જ્યારે મકાનની બહારથી મકાનના ખૂણાને જોઈએ તો દીવાલો દ્વારા ભોંયતળિયા અને છત સાથે જ ખૂણાઓ બને છે તે અંદર તરફનાં પાંખિયાંવાળી રેખા (ક) જેવી રેખા બનાવે છે. આમ અંદર તરફનાં પાંખિયાંવાળી રેખા (ક) કરતાં બહારનાં પાંખિયાંવાળી રેખા (ખ)ને વધુ નજીકથી જોતાં હોવાથી મોટી દેખાય છે અને અંદર તરફના પાંખિયાંવાળી (ક) રેખા દૂરથી જોતાં હોવાથી નાની દેખાય છે.

ભ્રમનો આધાર અમુક અંશે જોનારની સંસ્કૃતિ ઉપર પણ રહેલો છે. નાનપણથી જ સીધી રેખાઓ અને ખૂણાઓના જગતમાં ઊછરીને મોટા થનારને મ્યૂલર-લાયર ભ્રમ થાય છે, પરંતુ ઝુલુસ નામની દક્ષિણ આફ્રિકાની આદિમ જાતિ ‘વર્તુળાકાર સંસ્કૃતિ’માં રહે છે. તેઓ ગોળાકાર છત અને પ્રવેશદ્વારવાળી ઝૂંપડીઓમાં રહે છે. વળાંકવાળી રેખાઓમાં જ ખેતર ખેડે છે. તેમનાં રમકડાં અને સાધનોને પણ સીધી કિનારીઓ હોતી નથી તેથી તેમને મ્યૂલરલાયર ભ્રમ થતો નથી.

વિવિધ ભ્રમોનો અભ્યાસ દર્શાવે છે કે આપણું પ્રત્યક્ષીકરણ માત્ર સાંવેદનિક નિવેશ ઉપર આધારિત નથી. સાંવેદનિક નિવેશને વાસ્તવિક અનુભવમાં રૂપાતંરિત કરતી પ્રત્યક્ષીકરણની વિવિધ પ્રક્રિયાઓ નીચે મુજબ છે :

(1) આકાર-પ્રત્યક્ષીકરણ, (2) ઊંડાઈ કે અંતરનું પ્રત્યક્ષીકરણ, (3) પ્રત્યક્ષીકૃત સાતત્ય, (4) ગતિ-પ્રત્યક્ષીકરણ, (5) પ્રત્યક્ષીકૃત ઘાટક્ષમતા, (6) ધ્યાન.

1. આકાર-પ્રત્યક્ષીકરણ : પશ્ચાદભૂમિકાના સંદર્ભમાં આકૃતિની ઓળખ એ આકાર-પ્રત્યક્ષીકરણની સૌથી પાયાની પ્રક્રિયા છે. જોનાર હંમેશાં પદાર્થોને પશ્ચાદભૂમિકામાંથી ઊપસી આવતી આકૃતિઓ તરીકે જુએ છે. દા.ત., ટેબલ પર મૂકેલા પુસ્તકને જોતાં, પુસ્તક આકૃતિ તરીકે અને ટેબલ પશ્ચાદભૂમિકા તરીકે દેખાય છે. આમ જોનારનું પ્રત્યક્ષીકરણ હંમેશાં આકૃતિ અને ભૂમિકાવાળું હોય છે.

પરિરેખાઓ (contours) જોનારના ર્દષ્ટિક્ષેત્રમાંના પદાર્થોને આકાર આપે છે, કારણ કે પરિરેખાઓ પદાર્થને પશ્ચાદભૂમિકાથી અલગ પાડે છે. પરિરેખાઓનો અભાવ હોય તો પદાર્થો પશ્ચાદભૂમિકાથી જુદા દેખાતા નથી; દા.ત., લશ્કરમાં છદ્માવરણ(camouflage)નો ઉપયોગ થાય છે. સૈનિકોના પોશાકનો રંગ જમીન-ઝાડીમાં મળી જાય તેવો રાખવામાં આવે છે; જેથી તેઓ દુશ્મનોના પ્રત્યક્ષીકરણમાં આકૃતિ તરીકે ઊપસી આવે નહિ. લીલા ઘાસમાં રહેલો એ જ રંગનો સાપ સ્પષ્ટપણે નજરે પડતો નથી, તેનું કારણ પણ પરિરેખાઓનો અભાવ છે.

પ્રત્યક્ષીકરણમાં વિવિધ સંવેદનોનું સંગઠન થતું હોઈ પદાર્થો એક એકમ તરીકે અનુભવાય છે. સંગઠન કે સંયોજન એટલે વિવિધ સંવેદનોનો એક તરેહ કે જૂથ તરીકેનો અનુભવ. પ્રત્યક્ષીકરણમાં જોવા મળતા આ સંગઠન(perceptual organization)નો ખૂબ ઊંડો અભ્યાસ વીસમી સદીના પૂર્વાર્ધમાં સમષ્ટિવાદી મનોવૌજ્ઞાનિકો- (gestalt psychologists)એ કર્યો. ‘ગેસ્ટૉલ્ટ’ જર્મન શબ્દ છે. તેનો અર્થ ‘સારો આકાર’ કે ‘સુઆકૃતિ’ થાય છે. ગેસ્ટૉલ્ટ મનોવિજ્ઞાન પ્રમાણે સમગ્રમાં જે ગુણધર્મો હોય છે, તે તેના છૂટાછવાયા વિભાગોમાં હોતા નથી. ‘સમગ્ર’ એ એવા વિભાગોનો સરવાળો નથી. જુદા જુદા ઘટકોનું સંગઠન કઈ રીતે થાય છે, તે દર્શાવતા નિયમોને ‘પ્રત્યક્ષીકૃત સંગઠનના નિયમો’ કે ‘સમૂહીકરણના નિયમો’ તરીકે ઓળખવામાં આવે છે; જેમ કે, સમીપતાનો નિયમ, સમાનતાનો નિયમ, સમપ્રમાણતાનો નિયમ, સાતત્યનો નિયમ, પૂરકતાનો નિયમ.

સમીપતાના નિયમ પ્રમાણે સમય અને સ્થળની ર્દષ્ટિએ નજીક નજીક રહેલા ઘટકો એક સંગઠિત જૂથ તરીકે પ્રત્યક્ષીકૃત થાય છે. સમાનતાના નિયમ મુજબ સમાન ઘટકો એક સંગઠિત જૂથ તરીકે પ્રત્યક્ષીકૃત થાય છે. સમપ્રમાણતાના નિયમ મુજબ, જોનારના મગજનું વલણ સંતુલિત અને સપ્રમાણ આકૃતિ બને એ રીતે ઘટકોને સંગઠિત કરવાનું હોય છે. સાતત્યના નિયમ મુજબ, સમય અને સ્થળની ર્દષ્ટિએ એકસાથે જોડાયેલા પદાર્થોમાં સાતત્ય કે અવિચ્છિન્નતા અનુભવાય છે. પૂરકતા કે રિક્તતાપૂર્તિના નિયમ મુજબ ઉદ્દીપક અપૂર્ણ હોય છતાં જોનારનું મગજ ખૂટતા ભાગોને પૂરીને તેનું પૂર્ણપણે પ્રત્યક્ષીકરણ કરાવે છે.

2. ઊંડાઈ કે અંતરનું પ્રત્યક્ષીકરણ : આંખના નેત્રપટ પર પડતી પદાર્થની પ્રતિમાને લંબાઈ અને પહોળાઈ એમ બે જ પરિમાણો હોવા છતાં, પદાર્થોને લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ એમ ત્રણ પરિમાણોમાં જોઈ શકાય છે. ત્રિપરિમાણાત્મક શ્યના પ્રત્યક્ષીકરણમાં બે પ્રકારના સંકેતો ભાગ ભજવે છે : (ક) એકનેત્રીય અને (ખ) દ્વિનેત્રીય સંકેતો.

(ક) એકનેત્રીય સંકેતો (monocular cues) એટલે જ્યારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતા પ્રત્યક્ષીકૃત સંકેતો. બે જ પરિમાણ ધરાવતા ફલક પર ત્રિપરિમાણાત્મક શ્યનો અનુભવ કરાવવા ચિત્રકારો અનેક એકનેત્રીય સંકેતોનો ઉપયોગ કરે છે : (i) રૈખિક પરિપ્રેક્ષ્ય (linear perspective) : આપણી સામે સીધી રેખામાં સમાંતર રીતે પથરાયેલા પદાર્થો દૂરની બાજુએ ક્ષિતિજ પર ભેગા થતા દેખાય છે; દા.ત., રેલવેના પાટા. (ii) વાયુગત પારદર્શન (aerial perspective) : હવાના આવરણમાંથી ખૂબ દૂરના પદાર્થો જોવામાં આવે છે ત્યારે તે પદાર્થો ધૂંધળા, અસ્પષ્ટ દેખાય છે અને નજીકના પદાર્થો જોવામાં આવે છે ત્યારે તે પદાર્થોની બધી વિગતો સ્પષ્ટ દેખાય છે. પદાર્થ જેમ વધુ અસ્પષ્ટ દેખાય તેમ તે વધુ દૂર હોવાનું જણાય છે. (iii) અધ્યાસ (overlap, interposition) : જો એક પદાર્થ બીજા પદાર્થને ઢાંકતો હોય તો પૂર્ણ દેખાતો પદાર્થ નજીક અને અંશત: ઢંકાયેલો પદાર્થ દૂર હોવાનું લાગે છે. (iv) છાયા (shadow) : છાયાયુક્ત પદાર્થો દૂર દેખાય છે અને પ્રકાશયુક્ત પદાર્થો નજીક દેખાય છે. (v) અંતરજન્ય પોતભેદ (texture gradients) : જેમ જોનારની આંખથી સપાટી દૂર સુધી વિસ્તરે તેમ સપાટીના દેખાતા પોતમાં ફરક પડતો દેખાય છે. સપાટીનું પોત નજીકમાં વિગ્રથિત દેખાય છે, જ્યારે દૂરની બાજુએ સુગ્રથિત દેખાય છે. દા.ત., નજીકના પહાડોની સરખામણીમાં દૂરના પહાડોની સપાટી સુંવાળી દેખાય છે. (vi) સાપેક્ષ કદ : દૂર આવેલા પદાર્થો નાના દેખાય છે અને નજીકના પદાર્થો કદમાં મોટા દેખાય છે. (vii) ગતિ : જોનાર ગતિમાં હોય ત્યારે નજીકના પદાર્થો વિરુદ્ધ દિશામાં ઝડપથી ગતિ કરતા દેખાય છે, જ્યારે દૂરના પદાર્થો જોનારની જ દિશામાં ધીમી ગતિએ ગતિ કરતા દેખાય છે. (viii) રંગમાં ફેરફાર : જેમ પદાર્થો જોનારથી વધુ દૂર તેમ તેમનો રંગ ભૂખરો અને ઓછો તેજસ્વી દેખાય છે.

ઊંડાઈ કે અંતર માટેના મોટાભાગના સંકેતોમાં માત્ર એક જ આંખની જરૂર પડે છે; તેથી એક આંખ ધરાવતી વ્યક્તિઓ પણ મોટાભાગની પરિસ્થિતિઓમાં ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ યોગ્ય રીતે કરી શકે છે.

(ખ) દ્વિનેત્રીય સંકેતો (binocular cues) એટલે એવા પ્રત્યક્ષીકૃત સંકેતો જે એકસાથે કામ કરતી બંને આંખો ઉપર આધારિત હોય. બે આંખ ધરાવતી વ્યક્તિઓને અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરવામાં એકનેત્રીય ઉપરાંત કેટલાક દ્વિનેત્રીય સંકેતોનો પણ લાભ મળે છે : (i) ત્રિપરિમાણી (stereoscopic) ર્દષ્ટિ : બે આંખો એક જ પદાર્થને જુએ ત્યારે બંને આંખના નેત્રપટ પર બે પ્રતિમાઓ પડે છે. આ પ્રતિમાઓનું સંયોજન મગજમાં થાય છે અને ઊંડાઈ ધરાવતું એક સઘન, ત્રિપરિમાણાત્મક ર્દશ્ય જોઈ શકાય છે. (ii) નેત્રપટીય વિષમતા (retinal disparity) : બે આંખો વચ્ચે આશરે 65 સેમી.નું અંતર હોવાથી બંને આંખના નેત્રપટ પર એક જ પદાર્થનાં સહેજ જુદાં ર્દશ્યો ઝિલાય છે. દૂરના પદાર્થ કરતાં નજીકનો પદાર્થ જોઈએ ત્યારે બંને પ્રતિમાઓ વચ્ચે વધુ તફાવત હોય છે. આ શારીરિક સંકેત પરથી અંતર વિશેનો ખ્યાલ આવે છે. (iii) કેન્દ્રાભિસરણ (convergence) : 7.6 મી. સુધીના અંતરની મર્યાદામાં આવતા કોઈ પદાર્થને જોવો હોય તો તેની પ્રતિમા નેત્રપટના પીતબિંદુ (fovea) ઉપર ઝીલવા માટે આંખના બંને ડોળાઓને નાક તરફ અંદરની બાજુએ વાળવા પડે છે. તેમાં આંખના સ્નાયુઓ તંગ બને છે અને તેની નોંધ મગજ લે છે. આ સ્નાયવિક સંકેત પદાર્થ કેટલો દૂર છે તે નક્કી કરવામાં ઉપયોગી બને છે.

શિશુઓમાં ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ : ગિબ્સન અને વૉકના પ્રયોગોને આધારે એટલું ચોક્કસ કહી શકાય કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ ઘણીબધી પ્રાણીજાતિઓમાં જન્મદત્ત હોય છે અને માનવીમાં શક્તિ કાં તો જન્મદત્ત હોય છે અથવા તો જીવનના પ્રારંભમાં જ શીખી લીધેલી હોય છે.

3. પ્રત્યક્ષીકૃત સ્થિરતા (perceptual constancy) : જોનારનું પ્રત્યક્ષીકરણનું જગત સ્થિર છે. જોનારનો 157 સેમી.ની ઊંચાઈ ધરાવતો મિત્ર દૂર જતો હોય ત્યારે જોનારના નેત્રપટ ઉપર એની પ્રતિમા નાના કદની થતી જાય છે; છતાં પેલો જોનાર મિત્રને નાના કદના મિત્ર તરીકે જોતો નથી. ખંડમાંની બારીને જુદે જુદે ખૂણેથી એ લંબચોરસ બારીના આકાર વિશેની નેત્રપટ પર જે પ્રતિમાઓ પડે છે તેનો આકાર લંબચોરસ રહેતો નથી; આમ છતાં જોનાર તેને લંબચોરસ બારી તરીકે જ જુએ છે. સફેદ રંગની ગાય કે લાલ રંગની મારુતિકાર સૂર્યપ્રકાશમાંથી છાયામાં જાય ત્યારે તેના પરથી ઓછા પ્રકાશનું પરાવર્તન થાય છે, છતાં તેને ‘સફેદ ગાય’ કે ‘લાલ મારુતિ’ તરીકે જ જોવામાં આવે છે. આમ જોનારની આસપાસના જગતમાંના પદાર્થોને જુદી જુદી પરિસ્થિતિમાં પણ સ્થિર કદ, આકાર, ઉજ્જ્વળતા કે રંગમાં જોવામાં આવે છે તેને પ્રત્યક્ષીકૃત સાતત્ય કે સ્થિરતા કહે છે. પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે જુદા જુદા સંજોગોમાં પણ ઉદ્દીપક પરિસ્થિતિને લગભગ સમાન રીતે પ્રત્યક્ષ કરવાનું વલણ. પ્રત્યક્ષીકૃત સાતત્ય એટલે જોનારને પ્રત્યક્ષ થતી પર્યાવરણની સ્થિરતા.

4. ગતિ-પ્રત્યક્ષીકરણ : ર્દશ્ય જગતમાં અનુકૂળ થવા માટે ગતિનું ચોકસાઈપૂર્વકનું પ્રત્યક્ષીકરણ જરૂરી છે. મનોવૈજ્ઞાનિક ગિબ્સનના મતે જોનાર પદાર્થને ગતિ કરતો જુએ છે, કારણ કે પદાર્થ જેમ ખસે તેમ સ્થિર પશ્ચાદભૂમિકાના ભાગોને તે અનુક્રમે ઢાંકે છે અને ખુલ્લા કરે છે.

ગતિ વાસ્તવિક કે આભાસી હોઈ શકે. જોનારના ર્દષ્ટિક્ષેત્રમાંનો પદાર્થ ખરેખર ભૌતિક રીતે સ્થાન અને સમયમાં ગતિ કરતો હોય અને જોનારને પણ તે ગતિ કરતો દેખાય તો તેને વાસ્તવિક ગતિ (real motion) કહે છે. અહીં જોનારના નેત્રપટની સપાટી પરના ગ્રાહક કોષો ઉદ્દીપ્ત થાય છે, પરંતુ પદાર્થ વાસ્તવમાં ગતિ કરતો ન હોય છતાં પણ તે ગતિમાં દેખાય તો તેને આભાસી કે દેખાતી ગતિ કહે છે. અહીં નેત્રપટની સપાટી પર ઉદ્દીપક તરેહની કોઈ હિલચાલ હકીકતમાં થતી હોતી નથી.

આભાસી ગતિ ત્રણ પ્રકારની હોય છે : (ક) સ્ટ્રોબોસ્કૉપિક ગતિ, (ખ) સ્વયંચાલિત ગતિ અને (ગ) સંદર્ભપ્રેરિત ગતિ.

ચલચિત્ર તેમજ દૂરદર્શનમાં જે ગતિ દેખાય છે તે સ્ટ્રોબોસ્કૉપિક ગતિ છે. કચકડાની પટ્ટીમાંનાં સહેજ જુદાં જુદાં સ્થિર ચિત્રોને પ્રોજેક્ટર દ્વારા યોગ્ય ઝડપે પડદા પર રજૂ કરવાથી સતત ગતિનો ભાસ થાય છે. સ્ટ્રોબોસ્કૉપિક ગતિનું ઉત્તમ ઉદાહરણ ‘એનિમેશન ફિલ્મ’માં જોવા મળે છે.

અંધારામાં પ્રકાશનું સ્થિર બિંદુ રજૂ કરવામાં આવે તો તે સ્થિરબિંદુ ગતિ કરતું દેખાય છે. તેને સ્વયંચાલિત ગતિ (autokinetic effect) કહે છે.

જ્યારે પશ્ચાદભૂમિકા ગતિશીલ હોય ત્યારે સ્થિર પદાર્થ ગતિ કરતો દેખાય છે. આવી આભાસી ગતિને સંદર્ભપ્રેરિત ગતિ (induced movement) કહે છે; દા.ત., ગતિ કરતાં વાદળોના પાતળા આવરણની આરપાર દેખાતો પ્રમાણમાં સ્થિર ચન્દ્ર ગતિ કરતો દેખાય છે.

5. પ્રત્યક્ષીકૃત ઘાટક્ષમતા (perceptual plasticity) : જોનારના પ્રત્યક્ષીકરણમાં અનુભવ કે શિક્ષણથી પરિવર્તન આવે છે. અનેક પ્રયોગોમાં અર્ધપારદર્શક કૉન્ટૅક્ટ લેન્સ અને ઊલટી દુનિયા દેખાય એવાં ગૉગલ્સ પ્રાણીઓ અને માનવોને પહેરાવીને તેમના સાંવેદનિક નિવેશમાં ફેરફાર કરવામાં આવ્યો. પરિણામે માહિતી-પ્રક્રિયાકરણની રીતમાં પરિવર્તન થયું અને તેથી પદાર્થોના પ્રત્યક્ષીકરણમાં પણ ફેરફાર થયો. ત્યારબાદ વિશિષ્ટ તાલીમ અને અનુભવ દ્વારા તેમના બદલાયેલા પ્રત્યક્ષીકરણમાં સુધારો થયો. આમ જોનારનું પ્રત્યક્ષીકરણ ઘાટક્ષમ કે રૂપાંતરક્ષમ છે.

6. ધ્યાન (attention) : જ્યારે જોનારની જ્ઞાનેન્દ્રિયની પ્રવૃત્તિ મિત્રની વાતચીત કે ફૂટબૉલ મૅચ જેવા કોઈ ચોક્કસ ઉદ્દીપક ઉપર કેન્દ્રિત થાય ત્યારે જોનાર ધ્યાન આપે છે એમ કહેવાય. ધ્યાન એટલે અમુક ચોક્કસ સમયે અમુક સાંવેદનિક નિવેશને જોનારના સભાન અનુભવ કે ચેતનામાં સમાવવા માટે પસંદ કરનારી પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાઓ ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયાઓ છે. જ્ઞાનેન્દ્રિયો પર આઘાત કરતાં અસંખ્ય ઉદ્દીપકોમાંથી કોઈ એક ક્ષણે અમુક ઉદ્દીપકની પસંદગી થાય છે અને બાકીનાં ઉદ્દીપકોની અવગણના થાય છે. મનોવૈજ્ઞાનિક હિલગાર્ડના શબ્દોમાં, ધ્યાન એટલે પ્રત્યક્ષીકરણની થોડાંક ઉદ્દીપકો પરની કેન્દ્રિતતા.

ધ્યાન વગર પ્રત્યક્ષીકરણ શક્ય નથી. ધ્યાન એટલે પ્રત્યક્ષીકરણને સરળ અને શક્ય બનાવતી પસંદગીયુક્ત માનસિક તત્પરતા.

જોનારની જ્ઞાનેન્દ્રિયો પર આઘાત કરતા અસંખ્ય ઉદ્દીપકોમાંથી અમુક જ ઉદ્દીપકો પર ધ્યાન અપાતું હોય છે. ધ્યાનનાં નિર્ધારક પરિબળોને બે વર્ગમાં વહેંચવામાં આવે છે : વસ્તુલક્ષી કે બાહ્ય અને આત્મલક્ષી કે આંતરિક.

પર્યાવરણમાં રહેલાં બાહ્ય પરિબળો ઇચ્છા-અનિચ્છાએ જોનારનું ધ્યાન ખેંચે છે, તેને વસ્તુલક્ષી નિર્ધારકો કહે છે; જેમ કે, જેમ ઉદ્દીપકની તીવ્રતા વધુ તેમ તે જલદી ધ્યાન ખેંચે. ઉદ્દીપકનું કદ જેમ મોટું તેમ તે જલદી ધ્યાન ખેંચે. જે ઉદ્દીપકનું પુનરાવર્તન જોનાર સમક્ષ વારંવાર થાય તે જોનારનું ધ્યાન આકર્ષે. ઉદ્દીપકની નવીનતા પણ જોનારનું ધ્યાન ખેંચે છે. પરસ્પરવિરોધી ઉદ્દીપકો તરત ધ્યાન ખેંચે છે; દા.ત., ઊંચા પુરુષ સાથે જતી નીચી સ્ત્રી તરત ધ્યાન ખેંચે છે. સ્થિર ઉદ્દીપકોની સરખામણીમાં ગતિશીલ ઉદ્દીપકો જોનારની જ્ઞાનેન્દ્રિયને વધારે પ્રભાવિત કરે છે.

જોનારનું ધ્યાન ખેંચવામાં અને ટકાવી રાખવામાં જોનારની અંદર રહેલાં કેટલાંક પરિબળો પણ મહત્વનો ભાગ ભજવે છે. તેમને આત્મલક્ષી નિર્ધારકો કહે છે; જેમ કે, અભિરુચિને ધ્યાનની જનની કહે છે; જેમાં જેને રસ તેમાં તેનું ધ્યાન. એક જ ચલચિત્ર જોનારા જુદા જુદા પ્રેક્ષકોનું ધ્યાન જુદી જુદી બાબતો પર જાય છે. માનસિક તત્પરતા કે અપેક્ષા પણ જોનારનું ધ્યાન અને પ્રત્યક્ષીકરણ નક્કી કરે છે. જોનાર જે જોવાની અપેક્ષા રાખે તે જ તેને દેખાય છે; દા.ત., સંદિગ્ધ ચિત્રમાં યુવતી જોવાની અપેક્ષા રાખનારને યુવાન સ્ત્રી અને વૃદ્ધા જોવાની અપેક્ષા રાખનારને વૃદ્ધ સ્ત્રી દેખાય છે. પ્રેરણા અને જરૂરિયાત પણ જોનારના ધ્યાન અને પ્રત્યક્ષીકરણને અસર કરે છે; દા.ત., ભૂખ્યા ખલાસીઓને અસ્પષ્ટ ચિત્રમાં ખાદ્ય પદાર્થો દેખાય છે. વ્યક્તિની મનોદશા પણ પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવે છે. આનંદની અવસ્થામાં ઝાકળબિંદુઓ મોતી જેવાં, જ્યારે વિષાદની અવસ્થામાં આંસુ જેવાં દેખાય છે.

અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ (extra-sensory perception) : અગાઉ જોયું કે પ્રત્યક્ષીકરણમાં જ્ઞાનેન્દ્રિયો મહત્વનો ભાગ ભજવે છે. પ્રત્યક્ષ જ્ઞાન માટે સાંવેદનિક નિવેશ (sensory input) જરૂરી છે; પરંતુ અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ (E.S.P.) અંગે પણ દાવા કરવામાં આવે છે.

અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ એટલે બિનસાંવેદનિક સાધનો દ્વારા પદાર્થોને જાણવાની કે પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ. અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણનો અભ્યાસ ‘પરામનોવિજ્ઞાન’ (parapsychology) તરીકે ઓળખાતી મનોવિજ્ઞાનની શાખામાં થાય છે.

અતીન્દ્રિય કે ઇન્દ્રિયાતીત પ્રત્યક્ષીકરણની ત્રણ ઘટનાઓ ઘણી જાણીતી છે : (1) ‘પરચિત્તજ્ઞાન’ (telepathy), (2) સંજયર્દષ્ટિ (clairvoyance) અને (3) પૂર્વજ્ઞાન (precognition).

અન્યના ચિત્તમાં ચાલતા વિચારોને ભૌતિક સંપર્ક વિના વાંચી લેવાની ક્રિયા માટે ‘પરચિત્તજ્ઞાન’ શબ્દનો પ્રયોગ થાય છે. પરચિત્તજ્ઞાન એટલે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધીનું વિચારસંક્રમણ.

સંજયર્દષ્ટિ કે અતીન્દ્રિય ર્દષ્ટિ એટલે જોનારની જ્ઞાનેન્દ્રિયોને પ્રભાવિત નહિ કરનાર પદાર્થો કે બનાવોનું પ્રત્યક્ષ જ્ઞાન. આંખ ગમે તેટલી શક્તિશાળી હોય છતાં દીવાલની આરપાર જોઈ શકતી નથી. કેટલીક વ્યક્તિઓ દાવો કરે છે કે બંધ કવરમાં મૂકેલું ગંજીફાનું પાનું કયું છે તે પોતે જોયા વગર કહી શકે છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રના પ્રધાન અને સારથિ સંજયનો ઉલ્લેખ છે. તે દિવ્ય ર્દષ્ટિથી મહાભારતના યુદ્ધમાં બનતી ઘટનાઓ પ્રત્યક્ષ જોઈ શકતો અને તેનું આબેહૂબ વર્ણન કરતો.

પૂર્વજ્ઞાન એટલે વાસ્તવમાં ઘટના બને તે પૂર્વે તેનું જ્ઞાન મેળવવું કે તેનું પ્રત્યક્ષીકરણ કરવું. પૂર્વજ્ઞાન એટલે ભવિષ્યમાં બનનારા બનાવો વિશેનું પ્રત્યક્ષીકરણ. ઘણી વ્યક્તિઓ દાવો કરે છે કે ભવિષ્યમાં બનનારા બનાવ વિશે એમને સ્વપ્ન આવ્યું હોય અને પછી તે જ પ્રમાણે બનાવ બન્યો હોય.

અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણના અભ્યાસનો પ્રારંભ સર્વપ્રથમ ડૉ. જે. બી. રહાઇને કર્યો. ઈ.એસ.પી. પ્રયોગો વિજ્ઞાનના સામાન્ય નિયમોને જ અનુસરે છે; પરંતુ આ ઘટનાઓ એટલી અસાધારણ છે કે ઘણા વૈજ્ઞાનિકો આવા અભ્યાસની કાયદેસરતાને પડકારે છે. વિવિધ અભ્યાસો એટલું સ્પષ્ટ કરે છે કે આધુનિક વિજ્ઞાનની ક્ષેત્રમર્યાદાથી ઉપરવટ જતા વિષયો અંગે સુનિયંત્રિત સંશોધન કરવું મુશ્કેલ છે. મનોવૈજ્ઞાનિક જેમ્સ મેક્ડોનેલ જણાવે છે કે અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણની ઘટના પરાસામાન્ય (paranormal) છે અને આવી ઘટનાઓને વિજ્ઞાન હંમેશાં સમજાવી શકે નહિ. વિજ્ઞાનની જેમ પરામનોવિજ્ઞાન પણ બનાવોને જોવાની એક રીત છે.

બિપીનચંદ્ર મગનલાલ કોન્ટ્રાક્ટર