પ્રતીહારેન્દુરાજ : ઈ. સ. 900ના અરસામાં થયેલા સંસ્કૃત આલંકારિક, કોંકણના વતની. મુકુલભટ્ટના શિષ્ય અને આલંકારિક ઉદભટના ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ પર ‘લઘુવૃત્તિ’ નામે ટીકાના રચયિતા. એમાં એમણે ભામહ, દંડી, વામન, રુદ્રટ અને ‘ધ્વન્યાલોક’માંથી ઉદ્ધરણો આપ્યાં છે. આનંદવર્ધનના ધ્વનિસિદ્ધાંતથી તેઓ સારી પેઠે પરિચિત હતા; આમ છતાં તેના તેઓ અનુયાયી ન હતા.
આનંદવર્ધનના ટીકાકાર અભિનવગુપ્ત ‘લોચન’માં પોતાના ઉપાધ્યાય તરીકે, જેમની પાસેથી પોતે કાવ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું તે ભટ્ટેન્દુરાજનો ઉલ્લેખ કરે છે. ‘કાવ્યાલંકારસારસંગ્રહ’ના સંપાદક શ્રી બનહટ્ટી ભટ્ટેન્દુરાજ અને પ્રતીહારેન્દુરાજને એક માને છે અને ગુરુ જુદા સિદ્ધાંતને માનતા હોય તોપણ શિષ્યને અન્ય સિદ્ધાંતનું અધ્યયન કરાવી શકે એવી દલીલ રજૂ કરે છે; પરંતુ પી. વી. કાણે અને સુશીલકુમાર ડે બંને ભટ્ટેન્દુરાજ અને પ્રતીહારેન્દુરાજને અલગ વ્યક્તિઓ માને છે. બંને સમકાલીન હતા. પરંતુ બંને જુદા મતોને અનુસરતા હતા. વળી અભિનવગુપ્ત ભટ્ટેન્દુરાજનો નિર્દેશ ‘ઇન્દુરાજ’ અથવા ‘ભટ્ટેન્દુરાજ’ રૂપે જ કરે છે. વાસ્તવમાં ‘ભટ્ટ’ અને ‘પ્રતીહાર’ બંને બિરુદો છે. આથી ભટ્ટેન્દુરાજ અને પ્રતીહારેન્દુરાજ એક વ્યક્તિ નથી.
પ્રતીહારેન્દુરાજની ‘લઘુવૃત્તિ’ અત્યંત મહત્વની અને વિદ્વત્તાપૂર્ણ ટીકા છે. તેમાં કારિકાઓની વિશિષ્ટ રીતે અને સુચારુ રૂપે સમજૂતી અપાઈ છે. વળી તેમાં એતદવિષયક ઊહાપોહની સરળ શૈલીમાં અભિવ્યક્તિ છે.
લગભગ પ્રત્યેક કારિકાની સમજૂતી દરમિયાન ટીકાકારે પ્રત્યેક શબ્દ શા માટે આવશ્યક છે તે સ્પષ્ટ કર્યું છે અને પછી જે તે અલંકારનું લક્ષણ કઈ રીતે સંપૂર્ણ બને છે તે પણ દર્શાવ્યું છે.
ગુણાલંકારવિવેકની બાબતમાં ઉદભટ ભામહને અનુસરીને ગુણોને અને અલંકારોને સમવાયસંબંધથી રહેલા કલ્પે છે, જ્યારે પ્રતીહારેન્દુરાજ આ બાબતમાં પોતાના ગ્રંથકાર ઉદભટને બદલે વામનને અનુસરીને ગુણોને અલંકારોથી ચઢિયાતા સાબિત કરે છે. એટલું જ નહિ, પણ વામનના ‘કાવ્યાલંકાર’માંથી ઉદ્ધરણો પણ ટાંકે છે. ગુણહીન કાવ્યને તેમણે અકાવ્ય કહ્યું છે. ગુણથી શોભતા કાવ્યમાં અલંકારો શોભાતિશયને માટે હોય છે. સગુણ કાવ્યમાં રહેલા રસને તેઓ કાવ્યનો આત્મા કહે છે.
આમ છતાં વામન વગેરેના દશ ગુણો તેઓ સ્વીકારતા નથી; પરંતુ ભામહ અને આનંદવર્ધનની જેમ માધુર્ય, ઓજસ અને પ્રસાદ – એ ત્રણ જ ગુણો સ્વીકારે છે.
ધ્વનિનો તેમણે અલંકારતત્વમાં અંતર્ભાવ કર્યો છે. પર્યાયોક્ત વગેરે અલંકારોમાં તેમણે સમસ્ત વ્યંજકત્વનો અંતર્ભાવ કર્યો છે.
ઉદભટના લુપ્તગ્રંથ ‘ભામહવિવરણ’ ઉપરાંત તેમણે ‘कुमारसंभव’ નામનું કાવ્ય પણ લખ્યું હતું. ‘કાવ્યાલંકારસારસંગ્રહ’માં ઉદભટે એનાં ઘણાં ઉદાહરણો ટાંક્યાં છે.
પારુલ માંકડ