પ્રતિરક્ષા (immunity) : ચેપની સામે રક્ષણ આપતી પ્રતિકારક્ષમતા. હાલ જોકે આ વિભાવનાનો વિસ્તાર કરીને તેને કૅન્સર અને પ્રત્યારોપિત(transplanted) કે નિરોપી પેશી સામેના રક્ષણ, સ્વીકાર તથા અસ્વીકાર(rejection)ને પણ જોડવામાં આવ્યાં છે. પ્રતિરક્ષાને વિવિધ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે (સારણી). ચેપ થતો અટકાવવાની બધી જ ક્રિયાઓ તથા સ્થિતિઓને પૂર્વનિવારણ (prevention) કહે છે, જ્યારે રોગ થતો અટકાવવા માટે માનવસર્જિત પ્રક્રિયાઓને રોગપ્રતિરોધ અથવા પ્રતિરોધ (prophylaxis) કહે છે. (વિશદ ચર્ચા માટે જુઓ વિશ્વકોશ ખંડ 2)

સૌપ્રથમ બહારથી પ્રવેશી શકે તેવા માર્ગો કે છિદ્રો પર પૂરતી સંરક્ષણાત્મક સંરચનાઓ અને રસાયણોની હાજરી હોય છે; જેમ કે નાકમાં વાળ, મોંમાંની લાળ, જઠરમાંનો ઍસિડ, યોનિમાં લૅક્ટિક ઍસિડ ઉત્પન્ન કરતા જીવાણુઓ વગેરે. કુદરતની આ અવિશિષ્ટ પ્રકારની સુરક્ષા પ્રણાલી છે. આવી રીતે ગર્ભને તથા નવજાત શિશુને માતા પાસેથી પ્રતિરક્ષાલક્ષી દ્રવ્યો ઓર (placenta) કે દૂધ દ્વારા મળે છે. કુદરતી અવિશિષ્ટ પ્રતિરક્ષા માટે મહાભક્ષી કોષો (macrophages), કુદરતી મારક કોષો (natural killer cells) વગેરે જેવા કોષો પણ આપ્યા છે, જે શરીરમાં દાખલ થયેલા રોગકારક જીવાણુઓનું ભક્ષણ કરે છે. કુદરતે અવિશિષ્ટ પ્રકારની પ્રતિરક્ષા આપવા ઉપરાંત વિશિષ્ટ પ્રકારની પ્રતિરક્ષા સર્જવાની ક્ષમતા પણ આપી છે. તે માટે તેણે લસિકાકોષો આપ્યા છે. તેમના કાર્યને સફળ બનાવવા માટે પ્રતિરક્ષાપૂરક (complements) પણ આપેલા છે. લસિકાકોષો કાં તો જાતે જીવાણુઓનો નાશ કરે છે અથવા તો પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનો બનાવીને તેમનો નાશ કરે છે.

પ્રતિરક્ષાની ઊણપ સર્જાય ત્યારે દર્દી અનેક પ્રકારના ચેપનો ભોગ બને છે. આવું કોઈ વખત જન્મજાત ખામીને કારણે હોય છે, પરંતુ મોટેભાગે તે ઉપાર્જિત અથવા પાછળથી પ્રાપ્ત થયેલું હોય છે. અનેક રોગો જેમ કે વિવિધ પ્રકારનાં કૅન્સર તથા વિષાણુજન્ય ચેપમાં આવું બને છે. માનવપ્રતિરક્ષાઊણપકારી વિષાણુ(human immuno-deficiency virus, HIV)ને કારણે હાલ તેવું ઘણું બનતું જોવા મળ્યું છે. તેના ચેપને કારણે ઉદભવતા રોગના છેલ્લા તબક્કાને ઉપાર્જિત પ્રતિરક્ષાઊણપજન્ય રોગ (ઉપ્રઊ-રોગ) અથવા અંગ્રેજીમાં (acquired immunodeficiency disease, AIDS) કહે છે.

સારણી : પ્રતિરક્ષાનું વિવિધ જૂથોમાં વર્ગીકરણ

પ્રકાર મુખ્ય જૂથ ઉપપ્રકારો
આંતરિક

(innate)

વિશિષ્ટ (specific) લસિકાકોષો (lymphocytes)
અવિશિષ્ટ (nonspecific) પાંપણ, વાળ, લાળમાંના ઉત્સેચકો (enzymes), જઠરમાંનો ઍસિડ, મહાભક્ષી કોષ (macrophage), કુદરતી મારક કોષ (natural killer cell) વગેરે
ઉપાર્જિત

(acquired)

અસક્રિય (passive) કુદરતી રીતે ગર્ભશિશુને તેની માતા પાસેથી ઓર (placenta) દ્વારા કે નવજાત શિશુને તેની માતાના દૂધમાંથી તે પ્રાપ્ત થાય છે. કૃત્રિમ રીતે પ્રતિરક્ષાલક્ષી ગ્લૉબ્યુલિનવાળો રુધિરરસ (serum) આપવાથી તે પ્રાપ્ત થાય છે. દા.ત., ધનુર્વા થયેલો હોય તેવા દર્દીની સારવાર
સક્રિય (active) કુદરતી રીતે ચેપ ન લાગે તે માટે કૃત્રિમ રીતે રસી મૂકીને

પ્રતિરક્ષાલક્ષી ઊણપના વિકારોમાં તટસ્થ શ્વેતકોષોના વિકારોનો પણ સમાવેશ કરાય છે.

શિલીન નં. શુક્લ