પ્રતિયુતિ (opposition) : બે ખગોલીય પદાર્થો(પૃથ્વી જેવા)ની ત્રીજા ખગોલીય પદાર્થની બરાબર વિરુદ્ધ દિશામાં આવવાની ઘટના (જુઓ આકૃતિ). પૂર્ણિમાના દિવસે સૂર્ય અને ચંદ્ર બિલકુલ વિરુદ્ધ હોય છે – એટલે કે ચંદ્ર સૂર્ય સાથે પ્રતિયુતિ કરે છે. સૂર્યના સંદર્ભમાં ગ્રહનું સ્થાન દર્શાવવાનું હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. ગ્રહનું સૂર્યથી અંતર પૃથ્વીના અંતર કરતાં વધારે હોય તો તેવા ગ્રહને બાહ્ય ગ્રહ (superior planet) કહે છે, જ્યારે બાહ્ય ગ્રહ પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં હોય ત્યારે તે ગ્રહ પૃથ્વી સાથે પ્રતિયુતિ કરે છે એમ કહેવાય.
બે ખગોલીય પદાર્થોને જોડતી રેખાને લંબાવતાં તેના ઉપર ત્રીજો પદાર્થ આવેલો હોય તો તે ઘટનાને યુતિ (conjunction) કહે છે. પડવા(new moon)ના દિવસે સૂર્ય અને ચંદ્ર યુતિ કરે છે.
પ્રહલાદ છ. પટેલ