પ્રતિજૈવ ઔષધો (antibiotic drugs) : વિવિધ સૂક્ષ્મજીવો દ્વારા ઉત્પન્ન કરાતાં રસાયણો. તે બીજા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે અને અંતે તેમને મારે છે. તેમને  પ્રતિજૈવકો (anitibotics) પણ કહે છે. જીવાણુઓ (bacteria), ફૂગ (fungus) અને ઍક્ટિનોમાયસિટીસ (actinomycetes) વગેરે સૂક્ષ્મજીવો દ્વારા આ રસાયણો ઉત્પન્ન થાય છે. હાલ વપરાશમાં તેની વ્યાખ્યામાં સલ્ફોનેમાઇડ્ઝ અને ક્વિનોલોન્સ જેવાં અન્ય રસાયણોનો પણ સમાવેશ કરાય છે. આ રસાયણો કોઈ સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થતાં નથી. તેમના સમૂહને પ્રતિસૂક્ષ્મજીવ ઔષધો અથવા પ્રતિસૂક્ષ્મજીવકો (antimicrobials) તરીકે વર્ણવાય છે. હાલ સેંકડો પ્રતિજૈવ ઔષધો ઉપલબ્ધ છે. તે મુખ્યત્વે સૂક્ષ્મજીવોના નાશ માટે વપરાય છે. કેટલાંક પ્રતિજૈવ ઔષધો માનવશરીરના કોષોની સંખ્યાવૃદ્ધિ ઘટાડીને તેમને  મારવામાં  ઉપયોગી છે. તે કૅન્સરની સારવારમાં વપરાય છે; દા.ત., ડૉક્સોરુબિસિન, બ્લિયોમાયસિન વગેરે. પરંતુ મુખ્યત્વે જ્યારે પ્રતિજૈવ ઔષધોનો ઉલ્લેખ કરાય છે ત્યારે તેઓને સૂક્ષ્મજીવનાશકો કે અવદાબકો તરીકે જ વર્ણવવામાં આવે છે. વિવિધ પ્રતિજૈવ ઔષધોના ભૌતિક, રાસાયણિક કે ઔષધીય ગુણધર્મોમાં ઘણા તફાવતો હોય છે. વળી તેઓની સૂક્ષ્મજીવો સામેની કાર્યક્ષમતા અને ક્રિયાપ્રવિધિ(mechanism)માં પણ ઘણો તફાવત રહેલો છે. હાલ સૂક્ષ્મજીવોની ક્રિયાપ્રણાલીઓ(દા.ત., તેમની સંખ્યાવૃદ્ધિ)માં સક્રિય હોય એવા અણુઓ અંગે ઘણો અભ્યાસ થયેલો છે. તેથી તેમાં અવરોધ કરી શકે તેવાં રસાયણો વિકસાવવાનું શક્ય બન્યું છે.

ઇતિહાસ : સૌપ્રથમ પાશ્ચર અને તેમના સાથીઓએ 1877માં તેમનાં નિરીક્ષણો અને અનુમાનો દ્વારા દર્શાવ્યું કે સૂક્ષ્મજીવોની મદદથી રોગની સારવાર કરી શકાય છે. તેમણે બતાવ્યું કે ઍન્થ્રેક્સ નામના રોગના જીવાણુને સૂક્ષ્મજીવો વગરના મૂત્રમાં સહેલાઈથી ઉછેરી શકાય છે, પરંતુ તે મૂત્રમાં જો હવામાં સામાન્ય રીતે જોવા મળતા કોઈ જીવાણુ સામેલ થાય તો તે તેમાં ઉછેરી શકાતા નથી. તેમણે તેના પરથી અનુમાન કર્યું કે એક જીવ બીજા જીવને મારે છે અને તેવું નાના જીવોમાં ઘણા વધારે પ્રમાણમાં હોય છે. ત્યારપછી જીવાણુઓના ઉછેરમાધ્યમ(culture medium)માં ઘણા સૂક્ષ્મજીવોને મારતાં રસાયણો શોધી કાઢ્યાં હતાં, પરંતુ તેમને માણસમાં વાપરવામાં આવ્યાં ત્યારે તે ઘણાં ઝેરી સાબિત થયાં હતાં. 1936માં સૌપ્રથમ વખત સલ્ફોનેમાઇડ જૂથની દવાનો સારવાર માટે ઉપયોગ કરાયો. તેની સાથે પ્રતિસૂક્ષ્મજીવ ઔષધોના સુવર્ણયુગની શરૂઆત થઈ. 1941માં પેનિસિલિન વ્યાપારી ધોરણે મળતું થયું. હાલ હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ થયેલા આશરે 30% દર્દીઓમાં પ્રતિજૈવ ઔષધો અપાય છે. તેને કારણે દર વર્ષે લાખો લોકોનું જીવન બચે છે. જોકે બધી દવાઓમાં તે જ સૌથી વધુ દુરુપયોગ પામતી દવા પણ ગણાય છે. તેના દુરુપયોગને કારણે પ્રતિજૈવકરોધી (antibiotic resistant) જીવાણુઓની સંખ્યા અને પ્રમાણ પણ વધતાં જાય છે. તેને કારણે જીવનને જોખમ વધે છે તથા નવી ને નવી દવાઓ શોધવાનું પણ જરૂરી બને છે. વળી તેમનો વધુ પડતો ઉપયોગ સારવારને મોંઘી બનાવે છે.

પેનિસિલિનની શોધ અને તેના વ્યાવહારિક ઉપયોગની વાત તબીબી ઇતિહાસમાં એક મજેદાર કથાનકનું સ્થાન ધરાવે છે. 1928માં ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ સેન્ટ મેરીની હૉસ્પિટલમાં સ્ટૅફાયલોકૉકસ જીવાણુઓનાં વૈકલ્પિક રૂપો(variants)નો અભ્યાસ કરતા હતા. તેઓ તે જીવાણુને જીવાણુસંવર્ધન-માધ્યમ (bacterial culture medium) પર ઉછેરતા હતા. તેમાંના કોઈ એક માધ્યમ પર ફૂગ બાઝી ગઈ. તેને વૈજ્ઞાનિક પરિભાષામાં ફૂગનું સંદૂષણ (fungal contamination) કહે છે. તેમણે તેનું નિરીક્ષણ કર્યું તો માલૂમ પડ્યું કે તે ફૂગની આસપાસના વિસ્તારમાં ઊછરેલા જીવાણુઓનો નાશ થયો હતો. તેમણે એ પણ દર્શાવ્યું કે જે પ્રવાહી સૂપ(broth)માં ફૂગને ઉછેરવામાં આવે તેમાં પણ જીવાણુઓનો નાશ થાય છે. તે ફૂગ પેનિસિલિયમ નામના વર્ગ(genus)ની ફૂગ હોવાથી સૂપમાંની ફૂગ દ્વારા ઉમેરાયેલો જીવાણુનાશક પદાર્થ પેનિસિલિન કહેવામાં આવ્યો. જોકે છેક 1940ના મે મહિનામાં તે એટલા પ્રમાણમાં મળતું થયું કે તેના પર સંશોધનો શરૂ થઈ શક્યાં. તેમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીના ફ્લોરી, ચેઇન અને અબ્રાહમનાં સંશોધનોનો મોટો ફાળો રહ્યો. તેમણે દર્શાવ્યું કે ઉંદરડીઓમાંના સ્ટ્રેપ્ટોકૉકસ જીવાણુથી કરાયેલા પ્રયોગાત્મક ચેપમાં તે ખૂબ જ અસરકારક ઔષધ સાબિત થયું. 1941માં તે એટલી માત્રામાં મળતું થયું કે જે કેટલાક અતિશય માંદા દર્દીઓમાં વાપરી શકાય. તેમાં તે સફળ રહ્યું. તે સમયે ફક્ત 10% શુદ્ધ પેનિસિલિન મળી શકતું હતું. તેથી કોઈ એક દર્દીને 24 કલાક માટે આપવાની દવા મેળવવા માટે 100 લીટર સૂપની જરૂર પડતી. 1945માં હેરેલે નોંધ્યું છે કે શય્યામૂત્રપાત્ર(bedpan)માં પેનિસિલિન માટેની ફૂગને ઉછેરવામાં આવતી હતી. 1941માં ઑક્સફર્ડના કોઈ પોલીસની સારવાર માટે પેનિસિલિનને કેટલાક અન્ય દર્દીઓના મૂત્રમાંથી મેળવવામાં આવતું હતું, જેમને તે સારવારમાં ઔષધો રૂપે અપાતું હતું. તેથી કહેવાતું કે આ એવી દવા છે, જે શય્યામૂત્રપાત્રમાં બને છે અને પોલીસોના શરીરમાં પસાર થઈને શુદ્ધ થાય છે ! 1942માં તેનો સૌપ્રથમ તબીબી ચિકિત્સાલક્ષી પ્રયોગ થયો અને 1943 સુધીમાં 200 દર્દીઓમાં પેનિસિલિન સફળ સાબિત થયું. ત્યારપછી તેને વ્યાપક ઉપયોગ માટે સ્વીકૃતિ આપવામાં આવી.

વર્ગીકરણ અને ક્રિયાપ્રવિધિ : તેમનાં વિવિધ પ્રકારનાં વર્ગીકરણો થયેલાં છે, પરંતુ તે સૌમાં અપવાદો ઘણા છે. તેમને તેમની મુખ્ય અસરને આધારે 2 જૂથમાં વહેંચવામાં આવે છે. જે સૂક્ષ્મજીવો કે જીવાણુનો નાશ કરે છે તેમને અનુક્રમે સૂક્ષ્મજીવનાશક (microbicide) કે જીવાણુનાશક (bactericide) કહે છે; પરંતુ કેટલાક પ્રતિજૈવકો સૂક્ષ્મજીવ કે જીવાણુનું પ્રોટીન-સંશ્લેષણ ઘટાડે છે અને તેમની સંખ્યાવૃદ્ધિ અટકાવે છે. તેમને અનુક્રમે સૂક્ષ્મજીવસ્થાયી (microbiostactic) કે જીવાણુસ્થાયી (bacteriostatic) કહે છે. નાશક ઔષધ જાતે સૂક્ષ્મજીવનો નાશ કરે છે જ્યારે સ્થાયી ઔષધો દ્વારા અસર પામેલા સૂક્ષ્મજીવોનો નાશ કરવાનું કાર્ય શરીરનાં પોતાનાં પ્રતિરક્ષક પરિબળો પર નિર્ભર છે. આ ઉપરાંત ઐતિહાસિક ર્દષ્ટિએ રાસાયણિક બંધારણ તથા સૂચિત ક્રિયાપ્રવિધિને આધારે કરાતું વર્ગીકરણ વ્યાપક વપરાશમાં છે (જુઓ સારણી 1).

પ્રતિજૈવ ઔષધોની અસરકારકતા અને નિષ્ફળતા : વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો જુદા જુદા પ્રકારના પ્રતિજૈવકો(antibiotics)થી વશ થાય અથવા નથી થતા. કોઈ પ્રતિજૈવકની હાજરીમાં તેની સંખ્યાવૃદ્ધિ ઘટે અથવા તો જો તે નાશ પામે તો તેને તે સૂક્ષ્મજીવની વશ્યતા (microbial susceptibility) કહે છે. જો કોઈ સૂક્ષ્મજીવ પર પ્રતિજૈવકની કોઈ અસર ન થાય તો તેને પ્રતિજૈવકરોધી (antibiotic resistant) સૂક્ષ્મજીવ કહે છે. જે તે સૂક્ષ્મજીવ પરની પ્રતિજૈવકની અસરકારકતા અથવા સૂક્ષ્મજીવોની ઔષધવશ્યતા(drug sensitivity)નો આધાર વિવિધ પરિબળો પર છે.

સારણી  : પ્રતિજૈવ ઔષધોનું વર્ગીકરણ
ક્રમ જૂથ કેટલાંક ઉદાહરણો
1 જીવાણુની કોષદીવાલને

નુકસાન કરનારાં

પેનિસિલિન, સિફેલોસ્પોરિન, સાયક્લોસ્પોરિન,

વૅન્કોમાયસિન, બૅસિટ્રેસિન, માઇકોનેઝોલ,

કિટોકોનેઝોલ, ક્લોટ્રાઇમેઝોલ

2 જીવાણુની કોષદીવાલની

પારગમ્યતા (permea-

bility) બદલનારાં

ક્ષાલકો (detergents), પૉલિમિક્સિન,

પૉલિયેન પ્રતિફૂગ ઔષધો, નિસ્ટેટિન,

ઍમ્ફોટેરિસિન-બી

3 જીવાણુના રિબૉઝોમને

અસરગ્રસ્ત કરનારાં

ક્લૉરેમ્ફેનિકોલ, ટેટ્રાસાઇક્લીન,

એરિથ્રૉમાયસિન, ક્લિન્ડામાયસિન

4 પ્રોટીનનું સંશ્લેષણ

અટકાવનારાં

એમિનોગ્લાઇકોસાઇડ
5 ન્યૂક્લીઇક ઍસિડના

ચયાપચયને અસર કરનારાં

રિફામ્પિન
6 પ્રતિચયાપચયી

(antimetabolitces)

ટ્રાઇમિથોપ્રિમ, કોટ્રાઇમૅક્ઝેઝોલ,

પાયરિમિથામિન, સલ્ફોનેમાઇડ

7 ન્યૂક્લીઇક ઍસિડના

સમધર્મીઓ

ઝિડોવુડિન, ગ્લાન્સિક્લોવિર, વિડારૅબિન,

એસાઇક્લોવિર

શરીરમાં જે સ્થળે  પ્રતિજૈવ ઔષધની જરૂર હોય તે સ્થળે તે પૂરતા પ્રમાણમાં હાજર હોવો જોઈએ. જો શરીરની પોતાની રોગપ્રતિકારકતા પૂરતી હોય તો પ્રતિજૈવકની સામાન્ય માત્રા (dose) પણ ચાલે, પરંતુ જો શરીરની રોગપ્રતિકારકતા ઘટેલી હોય તો વધુ માત્રા કે વધુ અસરકારક ઔષધની જરૂરિયાત ઉદભવે છે. જીવાણુનાશક પ્રતિજૈવકની પૂરતી માત્રા અપાઈ હોય તો તે જાતે તેમનો નાશ કરી શકે છે. તેમની ખાસ જરૂરિયાત જ્યારે દર્દીનાં પ્રતિકારક પરિબળો નબળાં પડ્યાં હોય ત્યારે પડે છે. કોઈ પણ ઔષધનું લોહીમાં અને પેશીમાં પ્રમાણ અલગ અલગ હોય છે. તેથી પેશીમાંના ચેપ સામે લડવા માટે પૂરતા પ્રમાણમાં જે તે પેશીમાં તેમની હાજરી છે કે નહિ તેના પર તેમની અસરકારકતા નિર્ભર રહે છે. મોં વાટે અપાયેલી દવા કેટલા પ્રમાણમાં આંતરડાંમાંથી અવશોષાઈને લોહીમાં પ્રવેશે છે, લોહીમાં પ્રવેશેલી દવા કેટલા પ્રમાણમાં તેના વાહક પ્રોટીન (carrier protein) સાથે જોડાયેલી છે અને કેટલા પ્રમાણમાં અન્ય આંતરક્રિયા કરતી દવાઓ પણ શરીરમાં છે તેના પર તેમની અસરકારકતા કે નિષ્ફળતાનો આધાર રહેલો છે. વળી તેમનું પેશી કે લોહીમાં એટલું પ્રમાણ થવું જોઈએ કે તે સૂક્ષ્મજીવનો નાશ કરી શકે, પરંતુ માનવકોષો માટે અસરકારક ઝેરી અસર ન કરી શકતું હોવું જોઈએ. જો કોઈ સૂક્ષ્મજીવને મારવા માટેનું પ્રમાણ તેમની ઝેરી અસર ઉપજાવતા પ્રમાણ કરતાં વધુ હોવું જરૂરી હોય તો તે સૂક્ષ્મજીવને તે પ્રતિજૈવકરોધી (antibiotic resistant) ગણવામાં આવે છે. દરેક પ્રકારની પેશીમાં જુદા જુદા સમયે કોઈ પણ પ્રતિજૈવકનું કેટલું પ્રમાણ અથવા સાંદ્રતા (concentration) હશે કે હોય તે નિશ્ચિત કરવું અઘરું છે. તેથી સામાન્ય રીતે ચોક્કસ પ્રમાણ મળતું નથી. તેથી ઘણે ભાગે જીવાણુઓની વશ્યતા (sensitivity) અને રોધીપણા (resistance) વડે જ નિર્ણય લેવામાં આવે છે. તે માટે જે તે પેશી કે શરીરમાંના પ્રવાહીને મેળવીને તેને અંદર રહેલ ચેપ કરતા જીવાણુઓ કે સૂક્ષ્મજીવોને પ્રયોશાળામાં ઉછેરવામાં આવે છે. તેને  તેમનું સંવર્ધન (culture) કહે છે. તેમને વિવિધ પ્રકારના પ્રતિજૈવકોની હાજરીમાં ઉછેરીને કયા પ્રતિજૈવકની હાજરીમાં તે ઊછરી શકતા નથી તે જાણી લેવાય છે. આ પ્રતિજૈવકોને તેઓ વશ રહે છે એવું માની લઈને તેમની પ્રતિજૈવકવશ્યતા (antibiotic sensitivity) નક્કી કરાય છે. આ પ્રકારની નિદાનલક્ષી તપાસને સંવર્ધન અને વશ્યતા(culture and sensitivity)દર્શક કસોટી કહે છે.

કેટલાક જીવાણુઓ એવા ચોક્કસ પ્રકારના ઉત્સેચકો(enzymes)નું ઉત્પાદન કરે છે કે જે આ પ્રતિજૈવકોનો નાશ કરે છે અથવા તેમને જે તે સ્થળે આવવા કે સક્રિય થવા દેતા નથી. કેટલાક ઉત્સેચકો તેમને નિષ્ક્રિય કરી દે છે. આવા જીવાણુઓ જે તે પ્રતિજૈવક તરફ રોધીપણું અથવા રોધિતા દર્શાવે છે; દા.ત., કેટલાક જીવાણુઓ બીટા-લૅક્ટમેઝ નામના ઉત્સેચકો બનાવે  છે જે પેનિસિલિન અને સિફેલોસ્પોરિન જૂથના પ્રતિજૈવકોનો નાશ કરી શકે છે. આવા સમયે બીટા-લૅક્ટમેઝ બનાવતા જીવાણુઓને મારી શકે તેવા પ્રતિજૈવકોને સાથે આપીને સારવારની અસરકારકતા વધારાય છે. મોટાભાગના પ્રતિજૈવકો સેન્દ્રિય દ્રવ્ય(organic material)ના બનેલા હોય છે. માટે તે ચોક્કસ pH-મૂલ્યે જ સક્રિય હોય છે. ક્યારેક તેમનું શરીરમાંનું વહન સક્રિય અથવા ઊર્જાના વપરાશવાળું હોય છે. આ બધાં જ પરિબળો તેમની અસરકારકતાને ઘટાડે છે.

ઘણી વખત જીવાણુઓ પ્રતિજૈવકો સામે રોધીપણું અથવા રોધિતા પાછળથી મેળવે છે. તેને ઉપાર્જિત રોધીપણું અથવા ઉપાર્જિત રોધિતા (acquired resistance) કહે છે. રોધિતાનો વિકાસ સામાન્ય રીતે કોઈ સ્થાયી અથવા કાયમી પ્રકારનો જનીનીય ફેરફાર સૂચવે છે, જે વારસાગત ઊતરે છે. મોટાભાગે તે જનીની દ્રવ્યમાં આવતી વિકૃતિ(mutation)ને કારણે થાય છે. ક્યારેક જનીની દ્રવ્યમાં ફેરફાર બીજા કોઈ જીવાણુમાંથી ફેલાઈને પણ આવે છે. તે માટે 3 પ્રકારની ક્રિયાપદ્ધતિઓ હોય છે એવું નોંધવામાં આવેલું છે. ક્યારેક કોઈ જીવાણુભોજી વિષાણુ (bacteriophage virus) બીજા જીવાણુને ચેપ લગાડે ત્યારે તે પ્રતિજૈવકરોધિતાની જનીનીય માહિતી બીજા જીવાણુમાં નિરૂપી આપે છે. આ પ્રક્રિયાને પારનિરૂપણ (transduction) કહે છે. ક્યારેક એક જીવાણુમાંથી બીજા જીવાણુમાં તે ફેલાય છે. જો આવા ફેલાવાની પ્રવિધિ જાણમાં ન હોય તો તેને પારરૂપણ (transformation) કહે છે. ક્યારેક બે જીવાણુકોષો એકબીજા સાથે જોડાઈને લૈંગિક સેતુ (sexual bridge) બનાવે છે ત્યારે તેઓ પોતાનાં જનીની દ્રવ્યોની આપલે કરે છે. આવે સમયે પણ પ્રતિજૈવકરોધિતાનો ફેલાવો થાય છે. આ પ્રકારના ફેલાવાને સમયુગ્મન (conjugation) કહે છે. આમ પારનિરૂપણ, પારરૂપણ અને સમયુગ્મનની જુદી જુદી 3 પ્રક્રિયાઓ દ્વારા જીવાણુઓમાં પ્રતિજૈવક ઔષધ સામેની રોધિતા અથવા રોધીપણું ફેલાય છે.

પ્રતિજૈવકની પસંદગીમાં જીવાણુલક્ષી વિવિધ પરિબળો ઉપરાંત દર્દીની શારીરિક સ્થિતિને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. કેટલાંક ઔષધો મૂત્રપિંડ, યકૃત, હૃદય કે અન્ય અવયવો કે ચેતાતંતુઓ જેવી પેશીઓને નુકસાન કરે છે. તેથી તેમની માત્રા અંગે ખાસ ધ્યાન રાખવું પડે છે. ક્યારેક કોઈ દર્દીમાં તે અવયવોમાં કોઈ રોગ કે વિકાર પણ હોય. તેની પૂરતી તપાસ કરીને પ્રતિજૈવક ઔષધની પસંદગી કરાય છે. સામાન્ય રીતે શરીરમાં લાગેલો ચેપ તાવ લાગે છે. પરંતુ દરેક તાવવાળા કિસ્સામાં ચેપ હોતો નથી. તેથી પ્રતિજૈવક ઔષધની જરૂરિયાત છે એવું નિશ્ચિત કર્યા વગર તેને આપવા સામે લાલબત્તી ધરવામાં આવે છે. સામાન્ય રીતે કયા પ્રકારના જીવાણુ વડે ચેપ લાગ્યો છે તે શોધવામાં આવે છે અને પછી તેને અનુરૂપ પ્રતિજૈવક ઔષધ આપવાનું સૂચવાય છે. તેથી જીવાણુસંવર્ધન અને વશ્યતાની કસોટી કરવી આવશ્યક ગણાય છે. સંકટ સમયે તાત્કાલિક કોઈ શક્ય અસરકારક પ્રતિજૈવક વડે સારવાર શરૂ કરાય છે અને સાથે સાથે સંવર્ધન અને વશ્યતા કસોટી કરવામાં આવે છે, જેથી જરૂર પડ્યે તેમાં ફેરફાર કરીને યોગ્ય પ્રતિજૈવક ઔષધ આપી શકાય. ક્યારેક ગ્રામ-અભિરંજનની ક્રિયા (Gram-staining) વડે જીવાણુને ઓળખવાનો પ્રયત્ન કરાય છે. કયા જીવાણુ સામે સામાન્ય રીતે કયા પ્રતિજૈવક ઔષધની અસરકારકતા વધુ છે તથા સુરક્ષિત છે તે જાણવા માટે માહિતીવાળા કોઠા અથવા સારણીઓ ઉપલબ્ધ હોય છે. તેની મદદ લઈને સારવાર શરૂ કરી શકાય છે.

ઔષધની પસંદગીમાં તેના ઔષધશાસ્ત્રીય ગુણધર્મો તથા દર્દીના શરીરમાંના ચેપના સ્થાને અને વ્યાપક રૂપે રહેલાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવે છે. દર્દીની ઉંમરનો ખાસ ખ્યાલ રખાય છે. સ્ત્રી સગર્ભા છે કે નહિ, તેની ઉંમર ગર્ભધારણશીલ છે કે નહિ, તે પયધારણ (lactation) કરે છે કે નહિ તથા તેના શિશુને સ્તન્યપાન (breast feeding) કરાવે છે કે નહિ તેનું ખાસ ધ્યાન રખાય છે; કેમ કે ઘણી દવાઓ ગર્ભ કે શિશુમાં ઝેરી અસરો કરે છે. આ ઉપરાંત વિવિધ જનીનીય પરિબળોની  હાજરી અંગે પણ માહિતી મેળવવામાં આવે છે. સલ્ફોનેમાઇડ, નાઇટ્રોફ્યુરૅન્ટૉઇન, ક્લૉરેમ્ફેનિકોલ વગેરે દવાઓ ગ્લુકોઝ-6-ફૉસ્ફોડિહાઇડ્રૉજિનેઝની ઊણપ હોય તો રક્તકોષોનો નાશ કરે છે. આ એક જનીનીય વિકાર છે. તેવી જ રીતે કેટલાક દર્દીઓને વિવિધ ઔષધો વિષમોર્જા (allergy) કરે છે. કેટલાક પ્રતિજૈવકો લોહીમાંથી ચેતાતંત્રમાં અથવા મસ્તિષ્કમાં સહેલાઈથી પ્રવેશી શકતા નથી. તેને રુધિર-મસ્તિષ્કી અવરોધન (blood-brain barrier) કહે છે. આવા સમયે ઔષધોને સીધાં મગજ અને કરોડરજ્જુની આસપાસના પ્રવાહીમાં પ્રવેશ આપવો પડે છે. કેટલાક પ્રતિજૈવકો ચેપની હાજરીમાં મગજમાં પ્રવેશી પણ શકે છે. આ બધી બાબતોને આધારે સારવાર અંગેનો નિર્ણય લેવાય છે. ક્યારેક એકથી વધુ સૂક્ષ્મજીવો દ્વારા ચેપ લાગેલો હોય છે ત્યારે એકથી વધુ ઔષધોની જરૂર પડે છે. એકથી વધુ પ્રતિજૈવકો અપાય ત્યારે તેમની વચ્ચે પણ આંતરક્રિયા થવાની સંભાવના રહે છે. તેને કારણે કાં તો તેમની અસરકારકતા વધે છે અથવા ઘટે છે. ક્યારેક તેમની અસરકારકતાનો વધારો તેમની ક્ષમતાના સાદા સરવાળા કરતાં વધુ હોય છે. જો તે તેમની ક્ષમતાના સરવાળા જેટલો વધારે હોય તો તેને ઉમેરણવાન (additive) કહે છે, જ્યારે તે તેના કરતાં વધુ હોય તો તેને સંવર્ધકવાન (synergistic) કહે છે.

ઔષધીય રોગપ્રતિરોધ (chemoprophylaxis) : એવું મનાય છે કે આશરે 30%થી 50% કિસ્સામાં પ્રતિજૈવકોનો ઉપયોગ કોઈ ચેપની સારવારને બદલે ચેપ લાગતો અટકાવવા માટે કરાય છે. તેને પ્રતિજૈવક ઔષધોનો દુરુપયોગ માનવામાં આવે છે; પરંતુ કેટલાક કિસ્સામાં તેમનો નિશ્ચિત રૂપે કોઈ રોગ થતો અટકાવવામાં પણ ઉપયોગ કરાય છે. તેને ઔષધીય રોગપ્રતિરોધ અથવા ઔષધીય પ્રતિરોધ કહે છે. તેનાં મુખ્ય ઉદાહરણો છે : (1) હૃદયના વાલ્વ કે કપાટની વિકૃતિ હોય ત્યારે પેનિસિલિન કે અન્ય પ્રતિજૈવકોનો ઉપયોગ, (2) પુષ્કળ માંદા કે પ્રતિરક્ષાની ઊણપવાળા દર્દીમાં ચેપ લાગતો અટકાવવા વપરાતાં ઔષધો, (3) ઉપદંશ (syphilis) કે પરમિયો (gonorrhea) જેવા લૈંગિક સંક્રામક રોગોથી બચાવ, (4) તાનિકાશોથ(meningitis)ના દર્દીનાં સગાંમાં કે ક્ષયરોગ થયો હોય તેવા દર્દીનાં સગાંમાં તે રોગો ન ફેલાય તે માટે અનુક્રમે રિફામ્પિન અને આઇસોનિયાઝિડનો ઉપયોગ વગેરે. તેવી જ રીતે શસ્ત્રક્રિયા પછી ઘાવમાં ચેપ ન લાગે તે માટે પણ પ્રતિજૈવકો વપરાય છે. ઔષધીય રોગપ્રતિરોધ અંગેનો નિર્ણય ધ્યાનપૂર્વક અને સાવચેતી સાથેનો હોવો જરૂરી ગણાય છે.

પ્રતિજૈવકોનો દુરુપયોગ : વિષાણુના ચેપ જેવા વિવિધ ચેપમાં પ્રતિજૈવક ઔષધોનો દુરુપયોગ જોવા મળે છે. તેવી રીતે ઘણી વાર ચેપ કેવા પ્રકારના સૂક્ષ્મજીવોથી થયો છે તેની જાણકારી ન હોય તોપણ આ દવાઓ અપાય છે. ક્યારેક આવા સંજોગોમાં કરવા લાયક સંવર્ધન અને વશ્યતા કસોટી કરાતી નથી. તાવનું કારણ જાણમાં ન હોય માટે પ્રતિજૈવિક ઔષધનો ઉપયોગ ન કરવા માટે ખાસ સૂચન કરાય છે. જ્યારે પણ દવા વપરાય ત્યારે તેને પૂરતી માત્રામાં આપવી આવશ્યક છે. અપૂરતી માત્રા જીવાણુને તેના રોધી (resistant) બનવામાં સુગમતા કરી આપે છે. તેવી રીતે જ્યારે પરુ થયેલું હોય ત્યારે તેને પ્રથમ શસ્ત્રક્રિયા વડે કાઢી નાખવું જરૂરી છે. ત્યારપછી જ પ્રતિજૈવક ઔષધ અપાય. જો તેમ કરવાને બદલે પ્રતિજૈવકનો ઉપયોગ કરાય તો તેને તેનો દુરુપયોગ ગણાય છે. ખોટી રીતે, વધુ માત્રામાં તથા વધુ વ્યાપક અસર કરતા પ્રતિજૈવક ઔષધનો પ્રયોગ ક્યારેક વધુ જોખમી સૂક્ષ્મજીવો વડે ચેપ લાગવામાં સુગમતા કરી આપે છે. તેને અત્યધિચેપ (superinfection) કહે છે. તે જીવલેણ પણ નીવડે છે.

નિલય રા. ઠાકોર

શિલીન નં. શુક્લ