પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants)

February, 1999

પ્રતિગંઠકો, મુખમાર્ગી (oral anticoagulants) : લોહીને ગંઠાઈ જતું અટકાવનારાં અને મોં દ્વારા અપાતાં ઔષધો. નસમાંથી જ્યારે પણ લોહી બહાર વહેવા માંડે ત્યારે તેને ગંઠાવી દઈને લોહી વહેતું અટકાવવાની કુદરતી ક્રિયા થાય છે. તેને રુધિરગંઠન (blood clotting અથવા coagulation) કહે છે. તેને માટે શરીરમાં જુદાં જુદાં 13 ઘટકો છે. તેમાંનાં ઘણાં ઘટકોના ઉત્પાદનમાં વિટામિન-કે સક્રિય હોય છે. આ વિટામિન-કે ને સંલગ્ન ઘટકો યકૃત(liver)માં બને છે. મુખમાર્ગી પ્રતિરુધિરગંઠકો વિટામિન-કેના વિધર્મી ઔષધ (antagonist) તરીકે કાર્ય કરે છે. રુધિરગંઠનનાં જે ઘટકો વિટામિન-કે સાથે જોડાયેલાં હોય છે તે છે : 2, 7, 9 અને 10 ક્રમાંકનાં ઘટકો તથા ‘C’ અને કદાચ ‘S’ સંજ્ઞા ધરાવતાં પ્રોટીનો. તેઓ અસક્રિય સ્વરૂપે હોય છે. તેમને સક્રિય કરતી ક્રિયાપ્રણાલીમાં વિટામિન-કે એક સહઘટક (cofactor) તરીકે કાર્ય કરે છે. તેથી વિટામિન-કેની ઊણપ હોય કે તેના કાર્યનો અવરોધ થયેલો હોય ત્યારે રુધિરગંઠનનાં આ ઘટકોનું કાર્ય અસરગ્રસ્ત થાય છે અને તેથી દર્દીનું લોહી ધીમે ગંઠાય છે અથવા ગંઠાતું નથી.

વિવિધ મુખમાર્ગી રુધિરગંઠકોમાં મુખ્ય ઔષધ તરીકે વૉરફેરિન સોડિયમ સ્થાન ધરાવે છે. આ જૂથનાં અન્ય રસાયણોમાં 4-હાઇડ્રક્સિકુમૅરિન, ડાયક્યુમેરોલ, ઇન્ડેન 1, 3–ડાયોન, ફેન્પ્રોકુમોન, ઍસિઇન્ડિઓન તથા ઍસિનોકુમૅરોલનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે વૉરફેરિન સોડિયમને પ્રતિનિધિત્વકારી ઔષધ (protodrug) તરીકે લઈને મુખમાર્ગી ઔષધનો અભ્યાસ કરાય છે. મુખમાર્ગી પ્રતિગંઠકો નાશ પામેલા વિટામિન-કેનું પુન:સર્જન બંધ કરે છે. તેથી તે તેનું તથા તેને સંલગ્ન બધાં જ સક્રિય રુધિરગંઠનઘટકોનું લોહીમાંનું પ્રમાણ ઘટાડે છે. આમ વિટામિન-કેની ક્રિયાલક્ષી ઊણપ ઉદભવે છે. તેનાથી વિરુદ્ધ, જો વિટામિન-કેની મોટી માત્રા આપવામાં આવે તો મુખમાર્ગી રુધિરગંઠકોનું કાર્ય અટકાવી શકાય છે. વિટામિન-કે સંલગ્ન ઘટકો સક્રિય બનતાં નથી માટે તે સમયે તેમનાં આદિગંઠક ઘટકો(procoagulant factors)ની ક્રિયાશીલતા જોવા મળે છે. તેને કારણે થોડી લોહી વહેવાની સ્થિતિનું નિર્માણ થાય છે. મુખમાર્ગી રુધિરગંઠકો રુધિરગંઠનઘટકોને સક્રિય થવા દેતાં નથી પરંતુ જે ઘટકો સક્રિય થઈ ગયાં હોય તેમને તે નિષ્ક્રિય બનાવી શકતાં નથી. તેથી જે કોઈ સક્રિય ઘટક લોહીમાં હોય ત્યાં સુધી મુખમાર્ગી પ્રતિરુધિરગંઠકોનું કાર્ય શરૂ થતું નથી. જુદા જુદા રુધિરગંઠનઘટક માટેનો અર્ધક્રિયાકાળ (halflife) અલગ અલગ હોય છે (સારણી 1).

સારણી 1 : રુધિરગંઠનઘટકોનો અર્ધક્રિયાકાળ
રુધિરગંઠનઘટકો ઘટક-2 ઘટક-7 ઘટક-9 ઘટક-10 પ્રોટીન-C પ્રોટીન-S
અર્ધક્રિયાકાળ (કલાક) 50 6 24 36 8 30

મુખમાર્ગે અપાયા પછી લગભગ પૂરેપૂરા પ્રમાણમાં વૉરફેરિન સોડિયમનું અવશોષણ થાય છે. સામાન્ય રીતે તેની ટોચની લોહીમાંની સાંદ્રતા 2થી 8 કલાકે જોવા મળે છે. લગભગ 99% સાંદ્રતા લોહીમાંના પ્રોટીન સાથે જોડાયેલી રહે છે. ઓરમાંથી પસાર થઈને તે ગર્ભશિશુમાં જાય છે. જોકે માતાના દૂધમાં સક્રિય ઔષધ હોતું નથી. તેને યકૃત અને મૂત્રપિંડમાં અસક્રિય કરાય છે. તેનો અર્ધક્રિયાકાળ 20થી 60 કલાકનો છે, તેથી સરેરાશ અર્ધક્રિયાકાળ 40 કલાકનો ગણાય છે. તેની શરીરમાં અસર આશરે 2થી 5 દિવસ સુધી રહે છે. તેની 2થી 10 મિગ્રા.ની જુદી જુદી માત્રાવાળી ટીકડીઓ મળે છે.

તેની અનેક ઔષધો સાથે આંતરક્રિયા (interactions) થાય છે માટે જયારે પણ તે અપાય છે ત્યારે સાથે કઈ કઈ દવાઓ અપાઈ રહી છે તેની પણ નોંધ લેવી જરૂરી બને છે. વિવિધ કારણોસર જુદાં જુદાં ઔષધો કે પરિબળોની હાજરીમાં તેની અસર ઓછી થાય છે; જેમ કે, કોલિસ્ટીરેમાઇન, અલ્પપ્રોટીનરુધિરતા (hypoproteinaemia), બાર્બિચ્યુરેટ, રિફામ્પિન, ફેનિટૉઇન, લાંબા સમયનું મદ્યપાન, વિટામિન-કેની મોટી માત્રા, સગર્ભિતા (pregnancy) વગેરે. તેની અસરોમાં વધારો થાય ત્યારે લોહી વહેવાનો વિકાર ઉદભવે છે. તેવો વિકાર કરતાં ઘટકો અને પરિબળોમાં સમાવિષ્ટ છે ફીનાયલબ્યૂટેઝોન, સલ્ફિનપાયરેઝોન, મૅટ્રોનિડેઝોલ, ડાયસલ્ફિરામ, ઍલોપ્યુરિનોલ, સિમેટિડિન, ઍમિડેરોન, ટૂંકસમયમાં લેવાયેલ દારૂ, ખોરાકમાં વિટામિન-કેની ઊણપ, ઍન્ટિબાયૉટિક ઔષધો દ્વારા વિટામિન-કેનું ઉત્પાદન કરતા જીવાણુઓનો નાશ, સિફેલોસ્પૉરિન વગેરે. આ પરિબળો તથા ઔષધોની હાજરીમાં પ્રોથ્રૉમ્બિનકાળ વધુ લંબાય છે અને લોહી વહેવાનો વિકાર થાય છે. કેટલાંક ઔષધો લોહીના ગંઠકકોષોની સંખ્યા ઘટાડે છે તથા જઠરમાં ચાંદાં પાડે છે, જેમ કે પ્રતિશોથ ઔષધો (anti-inflammatory drugs). તેઓ વૉરફેરિન સાથે કોઈ સીધી આંતરક્રિયા કરતાં નથી તે છતાંયે વિવિધ અન્ય શારીરિક ફેરફારોને કારણે લોહી વહેવાનો વિકાર સર્જે છે. તેનાથી વિપરીત ક્લોફિબ્રેટ નામની દવા વૉરફેરિનનું કાર્ય પણ ઘટાડે છે અને સાથે ગંઠનકોષોની સંખ્યા પણ ઘટાડે છે. તેથી લોહી વહેવાની સંભાવના ઘણી વધે છે.

તેની મુખ્ય આડઅસર કે ઝેરી અસર લોહી વહેવાનો વિકાર થાય છે તે છે. તેની તે અસર ઘટાડવામાં વિટામિન-કે ઉપયોગી છે. આ પ્રકારનું સતત જોખમ રહેતું હોવાથી મુખમાર્ગી પ્રતિગંઠક ઔષધો વડે સારવાર કરાતી હોય ત્યારે પ્રોથ્રૉમ્બિનકાળ કેટલો રહે છે તે જોવાની કસોટી નિયમિત રીતે વારંવાર કરાય છે. સગર્ભા સ્ત્રીને તે અપાય તો તે ગર્ભમાં વિકૃતિઓ સર્જે છે જેને કારણે નવજાત શિશુમાં કેટલીક જન્મજાત કુરચનાઓ થાય છે.

મુખમાર્ગી પ્રતિગંઠક ઔષધોનો ઉપયોગ વિવિધ રોગો અને વિકારોમાં થાય છે. શિરાઓમાં જામી જતું લોહી, હૃદયરોગના હુમલાની સારવારના કેટલાક તબક્કામાં, હૃદયના વાલ્વની બીમારીઓમાં, હૃદયમાં કૃત્રિમ વાલ્વ મુકાયેલો હોય ત્યારે, મગજની નસોમાં લોહીનો ગઠ્ઠો જામતો હોય ત્યારે તથા હાથપગની નસોના વિકારો વગેરેનો સમાવેશ થાય છે.

બંકિમ માંકડ

શિલીન નં. શુક્લ