પ્રતિઉપાપચયક (antimetabolite)
February, 1999
પ્રતિઉપાપચયક (antimetabolite) : ઉપાપચયક(metabolites)ના પ્રતિસ્પર્ધી તરીકે ચયાપચયી પ્રક્રિયામાં ભાગ લઈ જૈવી અણુઓ(biomolecules)ના સંશ્લેષણમાં અવરોધ ઉત્પન્ન કરતા રાસાયણિક પદાર્થો. બંધારણની ર્દષ્ટિએ આવી પ્રતિઉપાપચયી જાતો ઉપાપચયક સાથે ઘણું સામ્ય ધરાવે છે.
પ્રાણીઓ તેમજ કેટલાક સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે ફૉલિક ઍસિડ અગત્યનો છે; કારણ કે તે શરીરમાં આવેલો એક અગત્યનો સહઉત્સેચક છે. માનવશરીરમાં ફૉલિક ઍસિડનું સંશ્લેષણ થતું નથી. તેથી માનવી ખોરાક (વિટામિન) તરીકે તેનું પ્રાશન કરે છે, જ્યારે કેટલાક બૅક્ટેરિયા આવશ્યક ચયાપચયકની મદદથી શરીરમાં ફૉલિક ઍસિડનું સંશ્લેષણ કરે છે. ફૉલિક ઍસિડના ઉત્પાદનમાં PABA (Para Amino Banzoic Acid) એક અગત્યનું ઉપાપચયક છે.
સલ્ફાનિલામાઇડનું બંધારણ PABAને મળતું આવે છે.
PABAને સ્થાનેથી ચયાપચયી પ્રક્રિયામાં સલ્ફાનિલામાઇડના ભાગ લેવાથી બૅક્ટેરિયાના શરીરમાં ફૉલિક ઍસિડનું ઉત્પાદન થઈ શકતું નથી. તેથી બૅક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે. આવા કેટલાક બૅક્ટેરિયા માનવ-શરીરમાં પરોપજીવી જીવન પસાર કરી રોગ ઉત્પન્ન કરે છે. તેથી ઉપર્યુક્ત સલ્ફરયુક્ત દવા લેવાથી બૅક્ટેરિયાની વૃદ્ધિ અટકી જતાં માનવી રોગમુક્ત થઈ શકે છે. સલ્ફાનિલામાઇડ-યુક્ત સમૂહની દવાઓ સલ્ફોનામાઇડો તરીકે ઓળખાય છે. ઉપર્યુક્ત દવાઓ બૅક્ટેરિયાજન્ય અતિસાર, જઠરાંત્રશોથ (gastro-enteritis), મલેરિયા જેવા રોગો સામે અસરકારક છે. પ્રતિઉપાપચયી જાતો શરીરમાં આ વિષાલુતા (toxicity) નિર્માણ કરી શકે છે. તેથી સલ્ફોનામાઇડ જેવી દવાઓ ડૉક્ટરની સલાહ મુજબ લેવી હિતાવહ છે.
ક્રૅબચક્રજન્ય પ્રક્રિયામાં સક્સિનિક ઍસિડ નિર્માણ થતો હોય છે. તેના પર ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા થવાથી તે મૅલિક ઍસિડમાં ફેરવાય છે. મૅલોનિક ઍસિડની રચના સક્સિનિક ઍસિડના જેવી છે. મૅલોનિક ઍસિડ પ્રતિચયાપચયી જાત તરીકે જૈવી પ્રક્રિયામાં ભાગ લે છે.
સક્સિનિક ઍસિડ HOOC – CH2 – CH2 – COOH
મૅલોનિક ઍસિડ HOOC – CH2 – COOH
તેથી મૅલોનિક ઍસિડની હાજરીમાં ક્રૅબચક્ર-પ્રક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે.
પ્રતિઉપાપચયી જાતોને પ્રતિસ્પર્ધાત્મક અવરોધકો (competitive inhibitors) તરીકે પણ વર્ણવી શકાય.
મ. શિ. દૂબળે