પ્રતાપસિંહ–2 : શિવાજીના વંશજો ‘છત્રપતિ’નું બિરુદ ધારણ કરી સતારામાં રાજ્ય કરતા હતા. ઈ. સ. 1749માં શાહુ-1ના મૃત્યુ પછી તેમની સત્તા માત્ર નામની જ રહી જ્યારે તેમનો મુખ્ય પ્રધાન ‘પેશવા’ સર્વોપરી બન્યો. 1808માં શાહુ-2ના અવસાન પછી પ્રતાપસિંહ ‘છત્રપતિ’ બન્યા, 1818માં અંગ્રેજો અને પેશવા બાજીરાવ-2 વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે બંનેએ ‘છત્રપતિ’ના ટેકાની માગણી કરી અને યુદ્ધ પૂરું થયા પછી તેઓ મહારાષ્ટ્રના બધા પ્રદેશો ‘છત્રપતિ’ પ્રતાપસિંહ-2ને અર્પણ કરશે એમ જણાવ્યું.

એ યુદ્ધમાં બાજીરાવ-2નો પરાજય થયા પછી પ્રતાપસિંહે અંગ્રેજો પાસે મહારાષ્ટ્રના પ્રદેશો સોંપવા માગણી કરી; પરંતુ જનરલ સ્મિથ, એલ્ફિન્સ્ટન, ગ્રાન્ટ ડફ, ગવર્નર લૉર્ડ ક્લેર, ગવર્નર જેમ્સ કર્નાક, લેફ્ટનન્ટ કર્નલ ઓવન્સ, લોડવિગ વગેરે અંગ્રેજ અધિકારીઓ પ્રતાપસિંહને એ પ્રદેશો સોંપવા તૈયાર ન હતા. એમણે માત્ર સતારા જિલ્લા જેટલું નાનું રાજ્ય રચીને પ્રતાપસિંહને સોંપ્યું. તેથી પ્રતાપસિંહે વધુ પ્રદેશો મેળવવા કૉર્ટ ઑવ્ ડાયરેક્ટર્સ આગળ પોતાનો કેસ રજૂ કરવા તૈયારી કરી. એટલે અંગ્રેજ અધિકારીઓએ પ્રતાપસિંહ સામે અનેક પ્રકારના ખોટા આક્ષેપો સાથે કૉર્ટ ઑવ્ ડાયરેક્ટર્સને ફરિયાદ કરી કે પ્રતાપસિંહ પૉર્ટુગલ, ફ્રાન્સ, તુર્કસ્તાન વગેરેની મદદ લઈને અંગ્રેજોની સત્તા પડાવી લેવા માગે છે. કૉર્ટ ઑવ્ ડાયરેક્ટર્સને પ્રતાપસિંહ માટે માન હતું; પરંતુ મુંબઈ સરકારના અંગ્રેજ અધિકારીઓ પ્રતાપસિંહની વિરુદ્ધ હતા. એમણે પેશવા, એના સરદારો ગાયકવાડ, ભોંસલે, હોલ્કર અને સિંધિયા તથા આ સરદારો નીચેના રાજાઓ સાથે યુદ્ધો અને સંધિઓ કરી એમના પ્રદેશો તથા એ પ્રદેશો પરના અધિકારો પડાવી લીધા હતા. પછી આ પ્રદેશો અને અધિકારો તેઓ પ્રતાપસિંહ જેવા નામના છત્રપતિને આપે એ શક્ય ન હતું.

છત્રપતિ પ્રતાપસિંહે પોતે નિર્દોષ હોવાની અને પોતાની માગણી ન્યાયી હોવાની ઘણી રજૂઆતો કરી. સાથે સાથે મહારાષ્ટ્રના પ્રદેશો તેમને ન્યાયપુર:સર મળે એ માટેની બંધારણીય લડત ચાલુ રાખી. તેથી અંગ્રેજ અધિકારીઓએ એમને અંગ્રેજ સત્તાના દુશ્મન ગણી 5મી સપ્ટેમ્બર 1839ના રોજ પદભ્રષ્ટ કરી બનારસ મોકલી આપ્યા. એમનું પદ અને બિરુદ એમના હરીફ નાના ભાઈ અપ્પાસાહેબને ‘શાહજી’ના નામથી આપવામાં આવ્યું. પદભ્રષ્ટ પ્રતાપસિંહનું બનારસમાં 1847માં અવસાન થયું. એમના ભાઈ અને સતારાના છત્રપતિ અપ્પાસાહેબનું 1848માં અપુત્ર સ્થિતિમાં અવસાન થયું. એમણે અવસાન પૂર્વે ગવર્નર-જનરલની પરવાનગી વગર દત્તક પુત્ર લઈ એને સતારાનો રાજા બનાવ્યો; પરંતુ અંગ્રેજોએ એમનો દત્તક લેવાનો અધિકાર અમાન્ય રાખી સતારા ખાલસા કર્યું. ગવર્નર-જનરલ લૉર્ડ ડેલ્હાઉઝીએ ખાલસા કરેલું આ પ્રથમ રાજ્ય હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી