પ્રજીવ (protozoa)
માત્ર એક સસીમકેન્દ્રી કોષ(eukaryote)નું બનેલું શરીર ધરાવતાં સૂક્ષ્મજીવી પ્રાણીઓનો સમૂહ. સામાન્યપણે તેમને એકકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ પ્રારૂપિક પ્રાણીકોષની જેમ તે માત્ર એક જ વિશિષ્ટ કાર્ય કરવાને બદલે, શરીરની તમામ દેહધાર્મિક ક્રિયાઓનું સંચાલન કરે છે. આ કારણસર ઘણા વિજ્ઞાનીઓ પ્રજીવને અકોષીય (acellular) કહે છે.
અત્યાર સુધીમાં પ્રજીવોની આશરે 65,000 પ્રજાતિઓ વર્ણવવામાં આવી છે. આમાં આશરે 20,000 જેટલી પ્રજાતિઓ મુક્તજીવી છે, જ્યારે આશરે 10,000 જેટલી પ્રજાતિઓ પરજીવી પ્રકારની નોંધાયેલી છે. પરજીવી તરીકે મનુષ્યસહિત અન્ય પ્રાણીઓનાં શરીરમાં – રુધિર, મુખગુહા, આંતરડું જેવા ભાગોમાં તે વસે છે. કેટલાંક પરજીવી મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓમાં રોગ કરે છે.
પ્રજીવોનું બંધારણ : મોટાભાગના પ્રજીવો 1μmથી 2,000 μm કદના હોય છે. પરજીવી લિશ્માનિયાનું કદ 1થી 4μm વચ્ચે હોય છે. જ્યારે અમીબા કદમાં 600 μm જેટલા હોય છે. પક્ષ્મધારી પ્રજીવો પ્રમાણમાં મોટા હોય છે; દા.ત., યુગ્લીનાનું કદ આશરે 250μm જેટલું, જ્યારે પૅરામીશિયમની લંબાઈ 2μm (2000μm) જેટલી હોય છે અને તેને નરી આંખે જોઈ શકાય છે. પ્રજીવો આકારે અનિશ્ચિત (દા.ત., અમીબા) કે નિશ્ચિત (દા.ત., પૅરામીશિયમ) સ્વરૂપના હોય છે. પૅરામીશિયમ આકારે સ્લિપર કે પાવડી જેવું હોય છે, જ્યારે યુગ્લિના ત્રાક આકારનું હોય છે.
સ્વતંત્ર-જીવી પ્રજીવો ભેજયુક્ત પર્યાવરણમાં એટલે કે ખારાં કે મીઠાં જળાશયો, ખાબોચિયાં, ભીની-ભેજવાળી જમીન જેવી જગ્યાઓમાં વાસ કરે છે. કહોવાતા પદાર્થોવાળી ભેજમય જગ્યા પ્રજીવોને અનુકૂળ રહે છે. તેમને 6થી 8 વચ્ચેનું pH વધુ માફક આવે છે. 16° સે.થી 25° સે.ના તાપમાને તેઓ સક્રિય રહે છે. જોકે કેટલાક 50° સે. સુધીનું તાપમાન ધરાવતા ગરમ પાણીના ઝરણામાં પણ વાસ કરતા હોય છે.
પરજીવી પ્રજીવોનું જીવન : તેમને ત્રણ મુખ્ય પ્રકારોમાં વહેંચી શકાય :
1. સહભોજિતા (commensalism) : આ પ્રકારમાં યજમાનના શરીરનો સંબંધ માત્ર વસવાટ પૂરતો મર્યાદિત હોય છે; દા.ત., દેડકાનાં આંતરડાંમાં વાસ કરતો ઓપેલિના પ્રજીવ, યજમાનના શરીરમાંથી નજીવો ખોરાક પ્રાપ્ત કરી જીવન ગુજારે છે. તેનો સહવાસ દેડકા માટે જરાયે ફાયદાકારક કે નુકસાનકારક નીવડતો નથી. ઘોડા કે ડુક્કર જેવાં પ્રાણીઓનાં આંતરડાંમાં પણ કેટલાક પ્રજીવો સહભોજી જીવન પસાર કરે છે.
2. સહજીવિતા (symbiotism) : આ પ્રકારના જીવનમાં યજમાન તેમજ તેના શરીરમાં વાસ કરતા પ્રજીવો – બંને માટે સહવાસ લાભદાયક નીવડે છે. દા.ત., ઊધઈના શરીરમાં જીવતો પ્રજીવ યુગ્લિફા યજમાનને સેલ્યુલોઝનું પાચન કરવામાં મદદરૂપ નીવડે છે અને પોતે ઊધઈના શરીરમાંથી પોષણ પણ મેળવે છે.
3. રોગજનક (pathogenic) જીવન : આ પ્રકારમાં પરજીવી પ્રજીવ યજમાન માટે નુકસાનકર્તા નીવડે છે; દા.ત., મલેરિયા જંતુ. તે યજમાનરૂપ માનવરુધિરમાં આવેલા રક્તકણોમાં વાસ કરી તેમનો નાશ કરે છે. પરિણામે યજમાનનું શરીર નબળું પડે છે. તે જ પ્રમાણે એન્ટેમીબા પ્રજીવને લીધે માનવી મરડાથી પીડાય છે. વિપરીત સંજોગોમાં આ પરજીવીઓ યજમાન માટે જીવલેણ પણ બને છે.
શરીરરચના : મોટાભાગના પ્રજીવોમાં કોષરસનું વિભાજન બાહ્યકોષરસ (ectoplasm) અને અંત:કોષરસ (endoplasm) – આમ બે ભાગમાં થયેલું હોય છે. બાહ્ય સપાટીએ પ્રસરેલ બાહ્યકોષરસ સ્વચ્છ, લગભગ સમરસ અને પ્રમાણમાં સહેજ ઘટ્ટ હોય છે; જ્યારે અંત:કોષરસ શરીરના મધ્ય ભાગમાં પ્રસરેલો હોય છે અને તે પ્રમાણમાં પાતળો અને દાણાદાર હોય છે.
કોષરસની અંદર કેટલીક અંગિકાઓ પણ આવેલી હોય છે :
(1) અન્નરસધાની (food vacuole) : ગ્રહણ કરેલ ખોરાક કોષરસના પ્રવાહી સાથે ભળી જતાં શરીરમાં અન્નરસધાનીઓનું નિર્માણ થાય છે.
(2) રસ-ગ્રસની (cytopharynx) : પૅરામીશિયમ જેવા પ્રજીવોની એક સપાટીએ ખાંચ આવેલી હોય છે અને તે એક નાલી જેવા ભાગમાં ખૂલે છે, જેને રસગ્રસની કહે છે. આ નાલી વાટે ખોરાક કોષરસમાં પ્રવેશે છે.
(3) આકુંચક રસધાની (contractile vacuole) : મુખ્યત્વે મીઠાં જળાશયોમાં વસતા પ્રજીવોમાં અને કેટલાક દરિયાઈ પ્રજીવોમાં પણ રસધાનીઓ જોવા મળે છે. રસધાની એક (અમીબા) કે બે (પૅરામીશિયમ) હોઈ શકે છે. પર્યાવરણમાંથી શરીરમાં પાણી પ્રવેશવાથી રસધાની ફૂલે છે અને દબાણની અસર હેઠળ બાહ્ય સપાટી તરફ ધકેલાય છે. દબાણ વધવાથી તે ગડીઓમાં વહેંચાય છે અને તેના એક છિદ્ર વડે બાહ્ય સપાટીએથી જલોત્સર્ગદ્રવ્યનો ત્યાગ કરવામાં આવે છે. રસધાનીમાં પાણીનો પ્રવેશ અને તેનો ત્યાગ એક સતત થતી પ્રક્રિયા છે. તેને માટે કાર્યશક્તિ અનિવાર્ય છે. તેથી આકુંચક રસધાનીની ફરતે કણાભસૂત્રો પ્રસરેલાં જોવા મળે છે અને તેઓ ATPના સ્વરૂપે કાર્યશક્તિ પૂરી પાડતાં હોય છે.
વર્ણકોષાશયો (chromatophores) : યુગ્લિના જેવા પ્રજીવોમાં નીલકણો (chloroplasts) આવેલા હોય છે. તેમાં કેરોટીન, પીતદ્રવ્ય (xanthophyll) જેવા રજકણો પણ જોવા મળે છે. કેટલાંક પ્રાણીઓમાં પીતલીલ (yellow-green), ભૂખરા, વાદળી કે લાલ કણો પણ આવેલા હોય છે. યુગ્લિના રુબ્રા તેમજ લાલ રંગની શેવાળ લાલ ટપકાં કે કણ ધરાવે છે અને ગ્રીષ્મ ઋતુમાં પ્રખર પ્રકાશમાં તેઓ ચમકે છે અને પરિણામે તેની અસર હેઠળ આખું જળાશય દેખાવે લાલિમામય બને છે. પક્ષ્મલ પ્રજીવોમાં આવેલા કેટલાક રજકણો પ્રખર પ્રકાશમાં ઝેરી દ્રવ્યમાં ફેરવાય છે, જે પોતાના માટે તેમજ પરિસરમાં પ્રસરેલ સૂક્ષ્મ જીવો માટે હાનિકર્તા નીવડે છે.
દંશિકાભ (trichocyst) તરીકે ઓળખાતી અંગિકાઓ કેટલાક કશાધારી અને કેશતંતુમય પ્રજીવોમાં જોવા મળે છે. તેઓ ઝેરી પદાર્થનું વિમોચન કરે છે, જે ભક્ષ્યને બેભાન બનાવે છે. પરિણામે પ્રજીવ સહેલાઈથી ભક્ષ્યનું ગ્રહણ કરી શકે છે.
કોષકેન્દ્રો : અમીબા જેવા અનેક પ્રજીવોના શરીરમાં માત્ર એક કોષકેન્દ્ર આવેલું હોય છે; જ્યારે પૅરામીશિયમમાં બે કોષકેન્દ્રો હોય છે. તેમાંનું એક કદમાં મોટું હોય છે અને તેને બૃહત્ કોષકેન્દ્ર (macronucleus) કહે છે. નાના કોષકેન્દ્રને લઘુકોષકેન્દ્ર (micro- nucleus) કહે છે. બૃહત્ કોષકેન્દ્ર ચયાપચયી અને સંજીવન (regeneration) પ્રક્રિયાઓનું સંચાલન કરે છે; જ્યારે લઘુ કોષકેન્દ્ર વંશવૃદ્ધિ સાથે સંકળાયેલું હોય છે. ઓપેલિના જેવા પ્રજીવોમાં અનેક કોષકેન્દ્રો હોય છે અને તે બધાં લગભગ સરખા કદનાં હોય છે.
પ્રચલનાંગો : કશા (flagellum), કેશતંતુ (cilia) અને કૂટપાદ (pseudopodium) – આમ ત્રણ પ્રકારનાં પ્રચલનાંગો પ્રજીવોમાં જોવા મળે છે. તેઓ પ્રચલન ઉપરાંત ખોરાકગ્રહણમાં મદદરૂપ નીવડે છે.
કશા : તેઓ આકારે ચાબુક જેવી અને સહેજ લાંબી હોય છે. કશાધારી પ્રજીવોમાં કશા એક, બે અથવા બે કરતાં વધુ સંખ્યામાં આવેલી હોય છે. કોષના એક છેડા તરફ બ્લેફારોપ્લાસ્ટ નામનો એક કણ આવેલો હોય છે. તેના પરથી કશા નીકળે છે. કશાની મધ્યમાં અક્ષસૂત્ર (axonema) નામે ઓળખાતો એક લાંબો તંતુ હોય છે અને તેની આસપાસ શ્રેણિક (matrix) નામનો એક પ્રવાહી પદાર્થ પ્રસરેલો હોય છે. કશા બાહ્ય સપાટીએ એક પડ વડે ઘેરાયેલી હોય છે. પ્રત્યેક અક્ષસૂત્રના મધ્યસ્થ ભાગમાં સૂક્ષ્મતંતુકોની એક જોડ હોય છે. તેની બાહ્ય સપાટીઓની ફરતે 9 જોડમાં આવેલા સૂક્ષ્મતંતુકો ગોળાકારમાં ગોઠવાયેલા હોય છે.
2. કેશતંતુ : પક્ષ્મધારી પ્રજીવોની બાહ્ય સપાટીએથી અનેક કેશતંતુઓ નીકળે છે. રચનાની ર્દષ્ટિએ કેશતંતુ, કશાને મળતા આવે છે; પરંતુ કશાના પ્રમાણમાં કેશતંતુઓ ઘણા ટૂંકા હોય છે.
3. કૂટપાદ : તેઓ આકુંચન-દ્રવચાલક (contraction hydraulic) અને દિશાકીય પ્રવાહન (two-way flow) એમ બે પ્રકારના હોય છે. પહેલા પ્રકારમાં અમીબાના કૂટપાદનો સમાવેશ થાય છે. અહીં બાહ્યકોષરસના આકુંચનના પરિણામે નિર્માણ થતા દબાણ હેઠળ અંત:કોષરસ આગળ ખસે છે અને કૂટપાદની રચના થાય છે. આકારે તેઓ આંગળીને મળતા આવે છે અને તેમને પાલિપાદ (lobopodium) કહે છે. તંતુપાદકો (filopod) યુગ્લિફા પ્રજીવોમાં જોવા મળે છે. તેઓ આકારે ઝીણા તંતુ જેવા હોય છે. શાખામય તંતુ જેવા જાલકપાદો (reticulopodia) અને સામાન્યપણે અક્ષતંતુ ધરાવતા અક્ષપાદો(axopodia)માં કોષરસનું વહન દ્વિશાખીય હોય છે. જાલકપાદો ફોરામિનિફેરામાં જોવા મળે છે, જ્યારે અક્ષપાદો હિલિયોઝોઆમાં આવેલા હોય છે.
પોષણ : વિશિષ્ટ પ્રકારના ખોરાક-પ્રાશનના અનુસંધાનમાં પ્રજીવોને પ્રાણીસમભોજી (holo-zoic) અને પરજીવી અને / અથવા મૃતભોજી (saprozoic) એમ બે મુખ્ય પ્રકારમાં વહેંચી શકાય. તદુપરાંત નીલકણ ધરાવતા યુગ્લિના જેવા પ્રજીવો પ્રકાશસંશ્લેષણ વડે જટિલ સ્વરૂપના ખોરાકનું સંશ્લેષણ કરવાની ક્ષમતા ધરાવે છે.
પ્રાણીસમભોજી પ્રજીવો : મૂલપદી વર્ગના પ્રજીવો મુખ્યત્વે કૂટપાદ વડે ખોરાકને ભરડામાં લઈને તેનું ગ્રહણ કરે છે; જ્યારે પક્ષ્મધારી અને કશાધારી પ્રજીવો કેશતંતુ અને કશાની મદદ વડે ખોરાકને શરીર તરફ ધકેલે છે અને ત્યારબાદ તેનું શોષણ-પ્રાશન કરે છે. ખોરાકના ગ્રહણ બાદ શરીરમાં કોષરસ તેને ઘેરી વળે છે અને ત્યાં એક અન્નરસધાની(food vacuole)નું નિર્માણ થાય છે. ત્યાં ઉત્સેચકોની મદદથી ખોરાકને પચાવવામાં આવે છે. પરજીવી અને મૃતભોજી પ્રજીવો યજમાનના શરીરમાં પચેલ ખોરાકનું શોષણ–પ્રાશન કરતા હોય છે. જોકે પરજીવી પ્રજીવોમાં ઉત્સેચકો પણ હોઈ શકે છે, જેનો ઉપયોગ સાદા સ્વરૂપની શર્કરા, એસિટેટ તેમજ પોટૅશિયમ અને ફૉસ્ફરસ આયનોના ગ્રહણમાં થાય છે.
દ્રવ-પ્રાશન (pinocytosis) : આ પ્રકારના શોષણપ્રાશનને મૃતભોજીના પ્રાશન સાથે સરખાવી શકાય. અમીબા જેવા મૂલપદી રૂપ તેમજ કેટલાક પક્ષ્મજીવી કશાધારી પ્રજીવો, દ્રાવ્ય પદાર્થોનું ગ્રહણ શોષણ કરે છે. તેના પરિણામે શરીરમાં રસધાનીઓનું નિર્માણ થતું હોય છે.
જલનિયમન અને ઉત્સર્જન : મીઠાં જળાશયોમાં વસતા પ્રજીવોમાં શરીરની સપાટીએથી પાણી પ્રવેશતું હોવાથી કોષરસ મંદ પ્રવાહીમાં ફેરવાય છે. પરિણામે ચયાપચયી પ્રક્રિયાને ખલેલ પહોંચે છે, તેને ટાળવા મીઠાં જળાશયોના પ્રજીવો આકુંચન-રસધાની વડે વધારાના પાણીનો સતત ત્યાગ કરતા હોય છે; સાથે સાથે પાદની સાથે દ્રાવ્ય ઉત્સર્જન પદાર્થોનો પણ ત્યાગ થતો હોય છે.
પાચન-પ્રક્રિયાને પરિણામે શેષ રહેલા ઘનસ્વરૂપનાં ઉત્સર્ગ-દ્રવ્યોનો ત્યાગ અન્નરસધાની પાસે આવેલ બાહ્ય સપાટીએથી કરવામાં આવે છે.
શ્વસનપ્રક્રિયા : પ્રજીવો પાણીમાં ઓગળેલ પ્રાણવાયુને બાહ્યસપાટીએથી સીધી રીતે સ્વીકારતા હોય છે, જ્યારે કાર્બનડાયૉક્સાઇડનો તેઓ ત્યાગ કરે છે.
પ્રજનન : અલિંગી અને લિંગી એમ બે પ્રકારે પ્રજનન થાય છે. અલિંગી પ્રજનનમાં દ્વિભાજન (binary fission), બહુભાજન (multiple fission), બીજાણુનિર્માણ (spore formation) અને નવસર્જન(regeneration)નો સમાવેશ થાય છે.
દ્વિભાજન : પુખ્તાવસ્થા બાદ શરીર સહેજ લાંબું બને છે. દરમિયાન મધ્ય ભાગમાં આવેલ કોષકેન્દ્રનું વિભાજન જોવા મળે છે. ત્યારબાદ આ કોષકેન્દ્રો એકબીજાથી દૂર બાહ્ય સપાટી તરફ ખસે છે. દરમિયાન મધ્ય ભાગમાં નિર્માણ થતી એક ખાંચ વડે કોષરસનું પણ દ્વિભાજન થવા માંડે છે. છેવટે શરીર સંપૂર્ણપણે બે ભાગોમાં વહેંચાઈ જતાં એક પ્રજીવના દ્વિભાજનથી બે સંતાનોનું નિર્માણ થાય છે.
બહુભાજન : ઓપેલિના જેવા બહુકોષકેન્દ્રીય પ્રજીવોમાં આ પદ્ધતિ ઘણી વાર જોવા મળે છે. આ પદ્ધતિમાં પ્રજીવોના શરીરમાં બહુભાજનથી કોષકેન્દ્ર અને તેની ફરતે આવેલ કોષકેન્દ્રો અલગ થતાં તેમાંથી એક કરતાં વધુ સંતાનોનું નિર્માણ થાય છે.
બીજાણુનિર્માણ : બીજાણુનિર્માણને બહુભાજનના એક પ્રકાર તરીકે વર્ણવી શકાય. વિપરીત પર્યાવરણિક પરિબળો નિર્માણ થતાં પ્રજીવ સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે છે અને ત્યારે શરીરમાંથી ચયાપચયી પ્રક્રિયાઓ ધીમી કે નહિવત્ બને છે. સુષુપ્તાવસ્થા બહુ સમય સુધી લંબાતાં શરીરની અંદર આવેલાં કોષકેન્દ્રો સમયને અધીન 2, 4 કે 8 જેવા ભાગોમાં વિભાજિત થાય છે. આ પ્રત્યેક કોષકેન્દ્રની ફરતે કોષરસ વીંટળાઈ જતાં તેઓ બીજાણુઓમાં ફેરવાય છે. અનુકૂળ સંજોગોમાં પ્રત્યેક બીજાણુ વિકાસ પામી સ્વતંત્ર પ્રજીવ તરીકે જીવન વિતાવે છે અને સક્રિય બને છે.
નવસર્જન : સંજોગોવશાત્ જો શરીરના ટુકડા થાય તો કેટલાક પ્રજીવોના આ ટુકડાઓ ગુમાવેલ ભાગનું સર્જન કરી, એક સ્વતંત્ર પ્રજીવ તરીકે અસ્તિત્વમાં આવે છે.
લિંગી પ્રજનન : પૅરામીશિયમ જેવા પ્રજીવો દ્વિભાજન ઉપરાંત લિંગી પ્રજનન દ્વારા પણ વંશવૃદ્ધિ સાધે છે. સામાન્યપણે તેઓ એક વાર અલિંગી પ્રજનન અપનાવ્યા પછી સંયુગ્મન (conjugation) પદ્ધતિ દ્વારા – લિંગી પ્રજનન દ્વારા સંતાનને જન્મ આપે છે.
આ પદ્ધતિમાં પૅરામીશિયમ સાથી જોડે વક્ષ બાજુએથી જોડાઈ જાય છે. જોડાણવાળા ભાગની આગળથી છાદિનું વિલયન થાય છે અને બંને બાજુનાં પ્રાણીનો કોષરસ એકબીજામાં મળી જાય છે. આ ક્રિયા દરમિયાન બૃહત્કોષકેન્દ્રનું વિઘટન થાય છે અને તેના સ્થાને નવું કોષકેન્દ્ર ઉત્પન્ન થાય છે. લઘુકોષકેન્દ્ર બે વખત વિભાજન પામે છે; જેમાંનું એક વિભાજન અર્ધસૂત્રી ભાજન દ્વારા થતું હોવાથી વિભાજનથી ઉત્પન્ન થતાં કોષકેન્દ્રોમાં રંગસૂત્રોની સંખ્યા રાબેતા મુજબ અડધી હોય છે; જ્યારે બીજું વિભાજન સૂત્રી ભાજનથી થાય છે. તેમાંનું એક કોષકેન્દ્ર મોટું, જ્યારે બીજાં બે નાનાં હોય છે. આમાંનું મોટું કોષકેન્દ્ર માદા પ્રકોષકેન્દ્ર તરીકે વર્તે છે. નાનાં કોષકેન્દ્રોને નરપ્રકોષકેન્દ્રો કહેવામાં આવે છે. નરપ્રકોષકેન્દ્રો સાથીના શરીરમાં પ્રવેશ્યા બાદ બંને પ્રાણીઓ છૂટાં પડે છે. નરપ્રકોષકેન્દ્ર માદાપ્રકોષકેન્દ્ર સાથે જોડાતાં યુગ્મકોષકેન્દ્ર બને છે. યુગ્મકોષકેન્દ્રનું ત્રણ વખત વિભાજન થવાથી આઠ કોષકેન્દ્રો ઉત્પન્ન થાય છે; જેમાંનાં ચાર મોટાં થઈ બૃહત્ કોષકેન્દ્રમાં પરિણમે છે, જ્યારે બીજાં ચાર લઘુ કોષકેન્દ્રોમાં ફેરવાય છે. પ્રાણી બે વખત ઉપભાજન પામતાં એક પ્રાણીમાંથી ચાર નવાં પ્રાણીઓ ઉત્પન્ન થાય છે. એટલે બે આશ્લેષિત પ્રાણીઓમાંથી આઠ નવાં પ્રાણીઓ ઉત્પન્ન થતાં હોય છે.
પ્રજીવોનું વર્ગીકરણ : પ્રજીવ-સમુદાયનું વર્ગીકરણ વિવિધ રીતે કરવામાં આવે છે. પ્રજીવ-વૈજ્ઞાનિકો (protozoologists)એ માન્ય કરેલ વર્ગીકરણ મુજબ પ્રજીવ-સમુદાયને 4 ઉપસમુદાયોમાં વિભક્ત કરવામાં આવે છે :
1. ઉપસમુદાય પેશી-કશાધારી (sarco-mastigophora) : કૂટપાદ (pseudopodium) અને / અથવા કશા (flagellum) તરીકે પ્રચલનાંગો ધરાવતા પ્રજીવોનો સમૂહ. આ સમુદાયના ઘણાખરા પ્રજીવો જલજીવી તરીકે સ્વતંત્ર જીવન પસાર કરે છે. જોકે અન્ય પ્રજીવો પરજીવી તરીકે કેટલાંક સજીવોના શરીરમાં વાસ કરે છે. આ સમૂહની વહેંચણી બે અધિવર્ગો(superclass)માં કરવામાં આવેલી છે :
1·1 : અધિવર્ગ કશાધારી (mastigophora) : આ પ્રજીવો તંતુ જેવા કશા (flagellum) વડે પ્રચલન કરતા હોય છે અને ખોરાક ગ્રહણ કરતા હોય છે.
1·1 અ. વર્ગ પાદપકશાંગી (phyto-mastigophorea) : નીલકણયુક્ત, પ્રકાશસંશ્લેષણક્ષમતા ધરાવતા પ્રજીવો; દા.ત., યુગ્લિના, વોલ્વૉક્સ, વિવિધ જાતની શેવાળ.
1·1 આ. વર્ગ પ્રાણી-કશાંગી (zoo-mastigophorea) : નીલકણોનો અભાવ. દા.ત., ટ્રાયકામોનાસ, ટ્રિપાનોસોમા લીશ્માનિયા, જિયાર્ડિયા.
1.2 : અધિવર્ગ મૂલપદી (zoo-mastigophorea) : કૂટપાદ વડે પ્રચલન કરતા અને ખોરાક ગ્રહણ કરતા પ્રજીવો.
1·2 અ. વર્ગ આકુંચન-દ્રવચાલકી (rhizopodea) : પ્રવાહનાં દબાણ (hydraulic pressure) હેઠળ કૂટપાદની ગતિ; દા.ત., અમીબા, એન્ટેમીબા, યુગ્લિફા.
1·2 આ. વર્ગ દ્વિદિશાવાહી-પ્રવાહગતિકી : અક્ષ(axis)યુક્ત કૂટપાદ. અક્ષની બંને દિશાએથી થતા કોષરસના પ્રવાહથી પ્રચલન. જાલિકા-પાદ (reticulopodea) અને કિરણપક્ષી (actinopodea) સમૂહના પ્રજીવો; દા.ત., રેડિયોલારિયા, હીલિયોઝોઆ.
2. ઉપસમુદાય બીજાણુજ (sporozoa) : પ્રચલનાંગોનો અભાવ. જીવનચક્ર દરમિયાન બીજાણુ-અવસ્થામાંથી પસાર થતા પરજીવી જીવન ગુજારતા પ્રજીવો. બહુભાજનપદ્ધતિ વડે અલિંગી પ્રજનન. મેલેરિયા જંતુ (plasmodium).
3. ઉપસમુદાય દંશ-બીજાણુજ (cnidaspora) : દંશાંગો (cnidocil) વડે યજમાનના શરીરને ચીટકી પરજીવી જીવન પસાર કરે છે; દા.ત., મિક્ઝોસ્પોરિડા, માઇકોસ્પોરિડા.
4. ઉપસમુદાય પક્ષ્મધારી (ciliophora) : શરીરની બાહ્ય સપાટીએથી પ્રચલનાંગો તરીકે કેશતંતુ (cilia) આવેલા છે. બધા પક્ષ્મધારીઓ પક્ષ્મલ વર્ગના પ્રજીવો છે; દા.ત. પૅરામીશિયમ, સ્ટેંટૉર વોર્ટિસેલ્લા, ઓપેલિના.
રોગકારક પ્રજીવો : કેટલાક પરોપજીવી પ્રજીવો માનવ કે અન્ય પ્રાણીઓના શરીરમાં વસીને રોગ ઉત્પન્ન કરે છે. તેઓ યજમાનના શરીરમાંથી પોષણ મેળવવા ઉપરાંત યજમાનના શરીરમાં રોગ ઉપજાવે છે.
મનુષ્યમાં રોગો ઉત્પન્ન કરતા અગત્યના પ્રજીવોને નીચે પ્રમાણે વર્ણવી શકાય : | |||
રોગોત્પાદક પ્રજીવ | રોગનું નામ | રોગનો ફેલાવો | |
I. મૂલપદી | (અ) એન્ટૅમીબા હિસ્ટોલાયટિકા | એમેબિક મરડો | મળથી પ્રદૂષિત પાણી પીવાથી. |
II. કશાધારી | (અ) જિઆર્ડિયા લેમ્બલિયા | મરડો | મળથી પ્રદૂષિત પાણી પીવાથી. |
(આ) ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ | સ્ત્રીમાં યોનિ- માર્ગનો રોગ | યોનિમાર્ગના સ્પર્શથી. | |
(ઇ) ટ્રિપેનોસોમા ક્રુઝી | ચાગાસનો રોગ | ટ્રિયેટોમા જેવા માંકડ કરડવાથી. | |
(ઈ) ટ્રિપેનોસોમા ગેમ્બિયન્સ | કુંભકર્ણનિદ્રા રોગ | ત્સેત્સે નામની માખી કરડવાથી. | |
(ઉ) લિશ્માનિયા ડોનોવાની | કાલાજારનો રોગ | સૅન્ડફ્લાય દ્વારા | |
III. બીજાણુજ | (1) પ્લાસ્મોડિયમ ફાલ્સિપેરમ | મલેરિયાનો રોગ | એનૉફિલીસ માદા મચ્છર કરડવાથી. |
પ્લાસ્મોડિયમ વાયવૉક્સ | |||
પ્લાસ્મોડિયમ મેલેરી | |||
પ્લાસ્મોડિયમ ઓવેલી | |||
પક્ષ્મધારી | બેલાન્ટિડિયમ કોલી | જૂના મરડા જેવો રોગ | મળથી પ્રદૂષિત પાણી પીવાથી. |
એન્ટેમીબા હિસ્ટોલાયટિકા, મનુષ્યના મોટા આંતરડામાં મરડો, હિપેટાઇટિસ તથા યકૃત-વિગલન (liver-abscis) જેવા રોગો કરે છે.
જિયાર્ડિયા, નાના આંતરડામાં પરોપજીવી તરીકે જીવન પસાર કરી પચેલી ચરબીના શોષણમાં અવરોધક નીવડે છે અને યજમાન અતિસાર-ઝાડાના રોગથી પીડાય છે.
ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ, માનવસ્ત્રીઓના યોનિમાર્ગમાં રોગ કરે છે, જેથી યોનિમાર્ગ ખૂબ ગંધાય છે. તે યોનિના મુખને આળું બનાવે છે.
ટ્રિપેનોસોમાની જાતિઓ મનુષ્યનાં હૃદય, રુધિર, લસિકાગ્રંથિઓ અને ચેતાતંત્રમાં પરોપજીવી જીવન ગાળે છે. તેઓ કુંભકર્ણનિદ્રારોગ તેમજ ચાગાસનો રોગ જેવા ગંભીર રોગોનું કારણ બને છે.
લિશ્માનિયાની વિવિધ જાતો ત્વચા, ગળું, નાક વગેરેમાં રહી કાલાજાર રોગ માટે તેમજ ત્વચાની સપાટી પર અસંખ્ય ગાંઠો ઉપજાવનારા રોગ માટે કારણભૂત બને છે.
મલેરિયા જંતુ પ્લાસ્મોડિયમનું જીવનચક્ર બે જુદી જાતિના યજમાનોના શરીરમાંથી પસાર થાય છે.
પ્લાસ્મોડિયમની વિવિધ જાતો મનુષ્યના યકૃત અને રુધિરમાં જીવનચક્રની અલિંગી અવસ્થાઓ, જ્યારે એનૉફિલીસ માદા મચ્છરના શરીરમાં લિંગી અવસ્થાઓ પસાર કરે છે. આમ મનુષ્ય પ્લાસ્મોડિયમ માટે મધ્યસ્થ યજમાનની ગરજ સારે છે. મનુષ્યમાં તે મલેરિયાશીતજ્વરનો રોગ કરે છે. તેની અગાઉ જણાવેલી ચાર મુખ્ય જાતો જાણીતી છે.
એનૉફિલીસની માદા જો મલેરિયાથી પીડાતા માણસનું લોહી ચૂસે અને તે પછી તંદુરસ્ત માણસનું લોહી ગ્રહણ કરે તો આ માદાના મુખમાંથી સ્રવતી લાળ દ્વારા મલેરિયાના પ્રજીવની સ્પોરોઝૉઇટ નામની અવસ્થા તંદુરસ્ત માનવીના લોહીમાં દાખલ થાય છે. આ સ્પોરોઝૉઇટ ઘણા નાના અને ત્રાક આકારના હોય છે. મચ્છરની લાળ સાથે આવા ઘણી સંખ્યામાં સ્પોરોઝૉઇટ્સ માણસના લોહીમાં ભળે છે. શરીરમાં તેનો સામનો થતાં એ જંતુઓ યકૃત કોષોમાં પ્રવેશે છે. તેમનો સેવનકાળ આશરે 12થી 14 દિવસ જેટલો જોવા મળે છે.
રક્તકણમાં દાખલ થયા પછી તે રક્તકણોમાંના હીમોગ્લોબિન અને કોષરસને ભોગે વિકાસ સાધીને ટ્રોફોઝૉઇટ અવસ્થા પ્રાપ્ત કરે છે.
રક્તકણમાં આ પ્રજીવ વીંટી જેવી રચના બનાવે છે જેને સિનેટ રિંગ અવસ્થા કહે છે.
રક્તકણ તૂટી જાય ત્યારે ગુણન પામેલ પ્રજીવ ફરીથી રુધિરરસમાં અન્ય રક્તકણોમાં પ્રવેશી, વૃદ્ધિ પામે છે, અને તે દરમિયાન માનવી ટાઢથી પીડાય છે.
માનવીમાં ઝડપથી મરડાનો રોગ કરનાર પ્રજીવ બેલેન્ટિડિયમ કોલી છે, જે મોટા આંતરડામાં રહે છે, અને પરોપજીવી જીવન ગુજારે છે. પક્ષ્મ ધરાવતું બેલેન્ટિડિયમ કવચ બનાવી જીવંત રહે છે.
પરજીવી પ્રજીવોને લીધે અન્ય પ્રાણીઓમાં થતા રોગો નીચે પ્રમાણે છે :
રોગનું નામ | પ્રાણી | રોગકારક પ્રજીવ | |
1. | ટેક્સાસ અથવા ટિક ફીવર | ભેંસ અને અન્ય ઢોર | બાબેસિયા બાયજેમિના |
2. | કોકોઇડોસિસ | ઘેંટાં, બકરાં અને અન્ય ઢોર; મરઘાં,
બિલાડી, કૂતરાં વગેરે |
આઇસોસ્પોરા |
પ્રમોદ રતિલાલ શાહ
મ. શિ. દૂબળે