પ્રજીવજન્ય પશુરોગો

પાલતુ પશુ-પક્ષીઓના પરોપજીવી પ્રજીવોને કારણે ઉદભવતા રોગો. સામાન્ય રીતે નીચે જણાવેલ પ્રજીવજન્ય રોગોથી પાલતુ જાનવરો પીડાતાં હોય છે : (1) ઍનાપ્લાઝ્મૉસિસ (2) બૅબેસિયોસિસ, (3) થાઇલેરિયૉસિસ (4) ટ્રિપૅનોસોમિયાસિસ, (5) કૉક્સિડિયૉસિસ, (6) ટ્રાયકોમોનિયાસિસ (7) હિસ્ટોમોનિયાસિસ અને (8) બેલેન્ટિડિયૉસિસ.

1. ઍનાપ્લાઝ્મૉસિસ : ઍનાપ્લાઝ્મા નામના સૂક્ષ્મ જીવોથી થતો રોગ. વર્ગીકરણમાં આ સૂક્ષ્મ જીવોનું સ્થાન અનિશ્ચિત છે. પરંતુ આ પરોપજીવીઓ પ્રજીવ સમુદાયના બીજાણુજ (sporozoa) વર્ગના બૅબેસિયાને મળતા હોવાથી, સગવડની ર્દષ્ટિએ, તેમનો સમાવેશ બૅબેસિયાની જેમ હિમોસ્પોરિડિયા સમૂહમાં કરવામાં આવે છે. તેઓ ગાય, ભેંસ, હરણ, ઘેટાં અને બકરાંના રક્તકણોમાં પરોપજીવી જીવન પસાર કરે છે. મચ્છર, તબેલામાખ (Stomaxys lyperosia), ઇતરડી, જૂ જેવા લોહચૂસક સંધિપાદોના કરડવાથી આ રોગનો પ્રસાર થાય છે.

ઍનાપ્લાઝ્મા પ્રજાતિના નીચે જણાવેલા ત્રણ સૂક્ષ્મ જીવો વડે આ રોગ થાય છે :

(1) ઍનાપ્લાઝ્મા માર્જિનેલ : આકારે ગોળ. તેઓ યજમાનના રક્તકણોના કિનારાના ભાગે જોવા મળે છે.

(2) ઍ. સંટ્રેલ : આકારે ગોળ. તેઓ રક્તકણોની મધ્યમાં જોવા મળે છે.

(3) ઍ. ઓવેલ (યજમાન : ઘેટાં, બકરાં) : આકારે લંબગોળ.

રોગનાં લક્ષણો : ઍનાપ્લાઝ્મૉસિસ મોટાં જાનવરોનો રોગ છે. 18 માસની ઉંમરનાં પશુઓ રોગ-ગ્રહણક્ષમ ગણાય છે. રોગ સંક્રમણકાળ 15થી 36 દિવસનો હોય છે. રોગી જાનવરને તાવ આવે છે. તાવની શરૂઆતમાં 30%થી 48% રક્તકણોમાં સજીવો હોય છે. તાવ વધે તેમ સજીવોનું પ્રમાણ પણ વધે છે. જાનવરને રક્તક્ષીણતા (anaemia) થાય છે. તે ખોરાક લેવાનું બંધ કરે છે અને છેવટે નબળું પડીને મૃત્યુ પામે છે.

લોહી ચૂસતી ઇતરડીઓ અને અન્ય જીવડાંનો નાશ કરવાથી તેમજ ઑપરેશનનાં સાધનો સ્વચ્છ રાખવાથી રોગનું નિયંત્રણ થઈ શકે છે. ટેટ્રાસાઇક્લિન, ઑક્સિટેટ્રાસાઇક્લિન વગેરે ઔષધો વડે આ રોગને મટાડી શકાય છે.

2. બૅબેસિયોસિસ : જાનવરોમાં આ રોગ બૅબેસિયા પ્રજાતિના પ્રજીવો પેદા કરે છે. આ પ્રજાતિનો સમાવેશ વર્ગ બીજાણુ, શ્રેણી હિમોસ્પોરિડિયાના કુળ બૅબેસિડેમાં કરવામાં આવે છે.

પ્રજાતિ : બૅબેસિયા (સ્ટારકોવિસ્કી, 1893) : આ પ્રજીવો યજમાન જાનવરોના રક્તકણોમાં વિકાસ પામે છે. પરિણામે રક્તકણમાં બેથી ચાર રંગદ્રવ્ય વગરના અમીબા આકારના પરોપજીવીઓ ઉત્પન્ન થાય છે. રોમનોવસ્કી રંજક પદાર્થથી અભિરંજિત કરવામાં આવતાં તેમનો કોષરસ ભૂરો રંગ ગ્રહણ કરે છે અને તેના એક છેડા તરફ લાલ રંગતત્વની ટશર દેખાય છે. તેમાંથી રંગતત્વકણોની રેખા પ્રસરે છે.

લાક્ષણિક રીતે બૅબેસિયા નાસપાતી આકારના હોય છે અને તેઓ હંમેશાં રક્તકણોની અંદર કોણ બનાવી તેના સાંકડા છેડા તરફ, એકબીજાની સમીપ રહે છે. બૅબેસિયાની કુલ 18 જાતિ નોંધવામાં આવી છે. સામાન્ય રીતે તેમના (1) મોટા સ્વરૂપના બૅબેસિયા (3 માઇક્રૉન જેટલી લંબાઈના), (2) નાના સ્વરૂપના બૅબેસિયા (2-5 માઇક્રૉન કરતાં ઓછી લંબાઈ), એવા બે વિભાગ પાડવામાં આવે છે.

અનેક વાર આ સૂક્ષ્મ જીવોનું વિભાજન થતાં તેઓ ગુણનથી અનેક પૃષ્ઠબીજાણુઓમાં પરિણમે છે. છેવટે તેઓ રક્તકણોમાં પ્રવેશી ત્યાં સ્થાયી બને છે. આમ અલિંગી પ્રજનન વડે, યજમાનના શરીરમાં અનેક વાર તેઓ ગુણન પામતા હોય છે.

બૅબેસિયાનો પ્રસાર ઇતરડી દ્વારા થાય છે. રીક (1964) નામના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ બુફાઇલસ માઇક્રોપ્લસ ઇતરડીના કરડવાથી આ પ્રજીવો યજમાનની લાળગ્રંથિમાં પ્રવેશે છે. લાળગ્રંથિમાં તેઓ અવિકસિત રહે છે. જો તેઓ ઇતરડી દ્વારા આંતરડામાં પ્રવેશ કરવા સફળ થાય તો ત્યાં વિકાસ અને ગુણન દ્વારા બે પ્રકારના વિષમ કોષો નિર્માણ થાય છે. આ કોષોના યુગ્મન(fusion)થી યુગ્મનજો (zygospores) બને છે. આ યુગ્મનજો ઇતરડીના રક્તરસ(haemolymph)માં પ્રવેશી, માલ્પિજિયન નલિકામાં દાખલ થાય છે અને છેવટે અંડાશયમાં એકઠા થાય છે. ત્યાંથી ઈંડામાંથી બહાર આવીને ઇતરડીના ડિમ્ભ વડે બીજા યજમાન ઢોરના શરીરમાં પ્રવેશે છે. ડિમ્ભનું રૂપાંતર અર્ભકમાં થતાં બૅબેસિયા ઢોરના શરીરમાં પરોપજીવી જીવન ગુજારે છે. ઇતરડી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામવા સાથે પણ બૅબેસિયાનો ફેલાવો થાય છે.

(1) બૅબેસિયા બાઇજેમિના : તેની લંબાઈ 4થી 5 માઇક્રૉન અને પહોળાઈ 2 માઇક્રૉન જેટલી હોય છે. ગોળાકાર સ્વરૂપના બૅબેસિયાનો વ્યાસ 2થી 3 માઇક્રૉન જેટલો હોય છે. રક્તકણોમાં તેઓ વિકસિત અવસ્થામાં ગોળાકાર, અંડાકાર કે અનિયમિત આકારમાં જોવા મળે છે.

બૅબેસિયા બાઇજેમિનાથી ઢોરોમાં થતા રોગને બૅબેસિયોસિસ (પાઇરોપ્લાઝ્મોસિસ), ટિક ફીવર, રેડવૉટર ફીવર તેમજ ઉત્તર અમેરિકામાં ‘ટેક્સાસ ફીવર’ કહે છે. ભેંસો અને હરણો પણ આ રોગથી પીડાતાં હોય છે.

સામાન્ય રીતે નાનાં – છ માસની ઉંમર સુધીનાં – વાછરડાં કે પાડાંમાં આ રોગનાં લક્ષણો દેખાતાં નથી. તેમનામાં રોગપ્રતિરોધક શક્તિ 9થી 12 માસ સુધી રહે છે. મોટાં જાનવરોમાં ઇતરડી મારફત રોગસંચાર થયા બાદ 1થી 2 અઠવાડિયાંમાં રોગનાં લક્ષણો દેખાય છે. શરૂઆતમાં જાનવરને 40° સે.થી 41° સે. જેટલો તાવ આવે છે, જે 2થી 7 દિવસ કે તેથી વધારે સમય સુધી રહે છે. આ સૂક્ષ્મ જીવોનો વિકાસ રક્તકણોમાં થતો હોવાથી તેઓ રક્તકણોમાંથી બહાર આવતાં રક્તકણોનો નાશ થાય છે અને જાનવરના હૃદયના ધબકારા વધી જાય છે. શરૂઆતમાં જાનવરને વિપુલ પ્રમાણમાં અતિસાર થાય છે અને ત્યારબાદ કબજિયાત થાય છે. શરીરનું તાપમાન 41° સે. પહોંચે ત્યાં સુધીમાં 75% જેટલા રક્તકણોનો નાશ થવાની સંભાવના રહે છે. આવાં જાનવરોને લાલ અથવા કથ્થાઈ રંગનો પેશાબ થાય છે. રોગની તીવ્ર અવસ્થામાં 4થી 8 દિવસમાં જાનવર મરણ પામે છે. જો આ રોગમાંથી જાનવરો બચવા પામે તો તેને (દીર્ઘકાલિક) જીર્ણ રોગ થાય છે, જે અનેક દિવસો સુધી ચાલે છે. આવાં જાનવરોને આંતરિયો તાવ આવ્યા કરે છે જેને પરિણામે જાનવરો નબળાં અને કૃશ થઈ જાય છે. કેટલીક વખત જાનવરોને પ્રમસ્તિષ્ક(મગજ)નો રોગ પણ થાય છે. આવાં જાનવરોને 40° સે.થી 41° સે. જેટલો તાવ રહે છે. તેમનું શરીર ધ્રૂજે છે અને તેઓ ભાન ગુમાવી દે છે. આવાં લક્ષણો દેખાયા બાદ એ જાનવરો 12થી 16 કલાકમાં મૃત્યુ પામે છે.

આ રોગનું નિદાન રોગનાં લક્ષણો પરથી તથા માદા જાનવરોનું રક્તપરીક્ષણ કરવાથી થઈ શકે છે. આ રોગના ઉપચાર માટે ટ્રિપૅન બ્લૂ, એક્રિફ્લેવિન, ફિનામીડિન, બેરેનિલ, પાયરેવાન (એકાપ્રોન, બૅબેસાન, પાયરોપાર્વ, એકાપ્રિન) અને ડાયામ્પ્રોન ઔષધો વપરાય છે.

બૅબેસિયાનો પ્રસાર ઇતરડી મારફત થતો હોવાથી જાનવરોમાં ઇતરડીનો ઉપદ્રવ ન થાય તેવા ઉપાયો કરવાથી રોગને કાબૂમાં રાખી શકાય છે.

નાની ઉંમરનાં જાનવરોમાં પ્રતિકારક શક્તિ હોય છે, જ્યારે મોટાં જાનવરો રોગ-ગ્રહણક્ષમ હોય છે. ઢોરોની કેટલીક ઓલાદોમાં કુદરતી રીતે જ આ રોગ થતો નથી. પરદેશી ગાયો કરતાં અહીંની દેશી ગાયો આ રોગ સામે વધારે પ્રતિરક્ષિત છે. આ હકીકતને  ધ્યાનમાં લઈને અન્ય દેશોમાં બ્રાહ્મણ, ડ્રાફ્ટમાસ્ટર, ઑસ્ટ્રેલિયન, મિલ્કિંગ ઝેબુ જેવી ઓલાદો તૈયાર કરવામાં આવી છે.

(2) બૅબેસિયા બોવિસ : આ પરોપજીવીઓ દક્ષિણ યુરોપમાં મુખ્યત્વે ઢોર, હરણ અને કાળિયાર હરણોમાં અને તે ઉપરાંત આફ્રિકા, એશિયા અને દૂર-પૂર્વના દેશોમાં પણ જોવા મળે છે. તેમનું કદ 2.5થી 3.5 માઇક્રૉન જેટલું હોય છે. બોવિસ રોગનો પ્રસાર રિસિનસ બુફાઇલસ કેલકેરેટસ અને રિવિસિફેલસ બર્સા જાતિની ઇતરડીથી થાય છે.

(3) બૅબેસિયા ડાઇવરજન્સ : બૅબેસિયા બોવિસ કરતાં તેઓ કદમાં નાના એટલે કે 1.5થી 4.0 માઇક્રૉન જેટલા હોય છે. તેનો પ્રસાર ઇક્સોડસ રિસિનસ નામની ઇતરડી મારફત થાય છે. પ્રમાણમાં આ રોગ ઓછો ગંભીર હોય છે. તેનું નિદાન, સારવાર અને નિયંત્રણ બૅબેસિયા બાઇજેમિના પ્રમાણે કરી શકાય.

(4) બૅબેસિયા આર્જેન્ટીના : તેમનું કદ 2થી 1.5 માઇક્રૉન જેટલું હોય છે. તેનો પ્રસાર બુફાઇલસ માઇક્રોપ્લસ નામની ઇતરડી મારફત થાય છે. રોગનાં લક્ષણો અન્ય બૅબેસિયાથી થતા રોગનાં લક્ષણોને મળતાં આવે છે. રોગસંચાર થયા બાદ દસ દિવસે જાનવરને તાવ આવે છે, અને પછી તરત જ રક્તરંજકમેહ (haematuria) થાય છે. પ્રમસ્તિષ્ક અવસ્થાનાં ચિહ્નો પણ ખૂબ જ સામાન્ય હોય છે.

ઢોરોના અન્ય રોગકારક બૅબેસિયા તરીકે : બૅબેસિયા મેજર, બૅબેસિયા બેરબેરા જાણીતા છે.

ઘેટાં અને બકરાંમાં થતા બૅબેસિયા : (1) બૅબેસિયા મોટાસી : દક્ષિણ યુરોપ, મધ્યપૂર્વના દેશો, રશિયા, અગ્નિ આફ્રિકા અને ઉષ્ણ કટિબંધના અન્ય પ્રદેશોમાં ઘેટાં અને બકરાંમાં આ સૂક્ષ્મ જીવો જોવા મળે છે. તેઓ રક્તકણોમાં હોય છે અને આકાર નાસપાતી જેવો દેખાય છે. તેનું કદ 2.5થી 4 માઇક્રૉન × 2.0 માઇક્રૉન જેટલું હોય છે. તેનો પ્રસાર ડર્મેસેન્ટર સિલ્વારમ, હિમેફાઇસેલિસ, પન્ક્ટાટા અને રિપિસિફેલસ બર્સા જાતિની ઇતરડી મારફત થાય છે. રોગજન્યતા, નિદાન, સારવાર અને નિયંત્રણ બૅબેસિયા બાઇજેમિના પ્રમાણે કરવામાં આવે છે.

(2) બૅબેસિયા ઓવીસ : આ પ્રજીવો ઉષ્ણ તથા સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો તેમજ દક્ષિણ યુરોપ અને રશિયામાં ઘેટાં અને બકરાંના શરીરમાં જોવા મળે છે. તેઓ બૅબેસિયા મોટાસી કરતાં નાના (1થી 2.5 માઇક્રૉન જેટલી લંબાઈના) હોય છે. મોટાભાગે તેઓ આકારે ગોળ હોય છે અને સામાન્ય રીતે તેઓ રક્તકણોની કિનારીના ભાગે જોવા મળે છે અને જોડીમાં અધિકોણ બનાવે છે. તેનો પ્રસાર રિપિસિફેલસ બર્સા નામની ઇતરડીના અંડાશય મારફત થાય છે.

તેની રોગજન્યતા અને સારવાર તથા નિયંત્રણ અન્ય બૅબેસિયા પ્રમાણેનાં હોય છે. ટ્રિપૅન બ્લૂ અસરકારક નથી.

(3) બૅબેસિયા ફોલિયાટા : આ પ્રજીવો ભારતમાં ઘેટાંમાં જોવા મળે છે.

(4) બૅબેસિયા ટેઇલરાઇ : તેઓ ભારતમાં બકરાંના શરીરમાં જોવા મળે છે. તે નાના કદના હોય છે અને મંદ પ્રકારનો રોગ કરે છે.

ઘોડાના બૅબેસિયા : ઘોડામાં બે જાતિના બૅબેસિયા જોવા મળે છે (1) બૅબેસિયા કેબેલાઇ (નટાલ, 1910) અને (2) બૅબેસિયા ઇક્વાય (લેવરન, 1901)

(1) બૅબેસિયા કેબેલાઈ : દક્ષિણ યુરોપ, એશિયા, આફ્રિકા અને પનામામાં ઘોડાં, ગધેડાં અને ખચ્ચરમાં તે જોવા મળે છે. અમેરિકામાં પણ આ રોગ થતો હોય છે.

આ પ્રજીવો બૅબેસિયા બાઇજેમિનાને મળતા આવે છે. તેઓ આકારે જામફળ જેવા હોય છે. લંબાઈ 2.5થી 4.5 માઇક્રૉન જેટલી હોય છે. આ પ્રજીવો 1.5થી 3.0 માઇક્રૉન વ્યાસના ગોળ અથવા અંડાકાર પણ હોય છે. બે પરોપજીવીઓ રક્તકણોમાં લઘુકોણ કરીને સાથે રહે છે. તેઓનો પ્રસાર જુદા જુદા દેશોમાં જુદી જુદી ઇતરડી મારફત થાય છે; જેવી કે, ડર્મેસેન્ટર માર્જિનેટસ (દક્ષિણ તથા પૂર્વ રશિયા અને જર્મની); ડ. રેટિક્યુલેટસ અને ડ. સિલ્વારમ (રશિયાનો યુરોપીય ભાગ); ડ. નિટેન્સ (ફ્લૉરિડા, પનામા), હાયેલોમા એક્સકેવેટમ અને હાયેલોમા ડ્રોમેડેરાઇ (ઉ. આફ્રિકા), હાયેલોમા સ્કુપેન્સ (યુક્રેઇન), રિપિસિફેલસ બર્સા (બલ્ગેરિયા) અને રિપિસિફેલસ સેન્ગ્વિનિયસ (ગ્રીસ).

આ રોગ તીવ્ર, દીર્ઘકાલિક કે મંદ પ્રકારનો હોય છે. અમુક કિસ્સાઓમાં જાનવરો મૃત્યુ પણ પામે છે.

તેની સારવાર માટે ટ્રિપૅન બ્લૂ અને પાયરેવાન અસરકારક દવા છે.

(2) બૅબેસિયા ઇક્વાય : એશિયા, આફ્રિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા અને રશિયામાં ઘોડાં, ગધેડાં, ખચ્ચર અને ઝીબ્રામાં તે જોવા મળે છે. લંબાઈ 2 માઇક્રૉન જેટલી હોય છે અને રક્તકણોમાં ચાર દોહિત્ર સજીવોમાં વિભાજનની અવસ્થામાં અને કેટલીક વખત ચોકડી આકારમાં પણ ગોઠવાયેલા જોવા મળે છે. (તેથી તે નટાલિયા ઇક્વાય તરીકે પણ ઓળખાય છે.) તેમાંના કેટલાક ગોળ અમીબા-સ્વરૂપના પણ હોય છે.

બૅબેસિયા ઇક્વાયનો રોગસંચાર ડર્મેસેન્ટર રેટિક્યુલેટસ (રશિયાનો યુરોપીય ભાગ), ડર્મેસેન્ટર માર્જિનેટસ (પૂર્વ યુરોપ), હાયેલોમા ઍક્સકેવેટમ, હાયેલોમા પ્લમ્બર (ગ્રીસ), હાયેલોમા ડ્રોમેડેરાઇ (ઉ. આફ્રિકા), રિપિસિફેલસ બર્સા અને રિપિસિફેલસ ટુરેનિકસ (રશિયા), રિપિસિફેલસ ઇવર્ટસાઇ (દ. આફ્રિકા) અને રિપિસિફેલસ સેન્ગ્વિનિયસ (મ. એશિયા, ઉ. આફ્રિકા) જાતિની ઇતરડી મારફત થાય છે.

રોગજન્યતા : રોગોનો સંક્રમણકાળ 8થી 10 દિવસનો હોય છે. શરૂઆતમાં જાનવરને 40° સે.થી 41° સે. જેટલો તાવ આવે છે. તીવ્ર રોગમાં જાનવર 1થી 2 દિવસમાં મૃત્યુનો ભોગ બને છે. જાનવરમાં રક્તક્ષીણતા અને રક્તરંજકમેહનાં ચિહ્નો દેખાય છે. ખોરાક ઓછો લે છે અને સુસ્ત બની જાય છે. તેના શરીરના જુદા જુદા  ભાગો પર શોથ થાય છે. અને કમળાનાં ચિહ્નો દેખાય છે. નિદાન, સારવાર અને નિયંત્રણ અન્ય બૅબેસિયા પ્રમાણે કરવામાં આવે છે. જો કે ટ્રિપૅન બ્લૂ અસરકારક નથી.

ડુક્કરના બૅબેસિયા : ડુક્કરમાં બૅબેસિયાની બે જાતિ – બૅબેસિયા ટ્રોટમનાઇ અને બૅબેસિયા પેરોનસિટોઇ – રોગ ઉપજાવે છે. રક્તકણોમાં તેઓ એક જોડીમાં ચાર, પાંચ કે છની સંખ્યામાં જોવા મળે છે. વિકાસ અને રોગજન્યતા અન્ય પ્રાણીઓના બૅબેસિયાને મળતાં આવે છે, અને રોગસંચાર રિપિસિફેલસ ટુરિનેકસ (રશિયા), બુફાઇલસ ડિકોલોરેટસ (ટાંગાનીકા) અને ડર્મેસેન્ટર રેટિક્યુલેટસ તેમજ રિપિસિફેલસ સેન્ગ્વિનિયસ (યુરોપ) જાતિની ઇતરડી મારફત થાય છે. નિદાન અને સારવાર અન્ય બૅબેસિયા પ્રમાણે થાય છે.

કૂતરાં અને બિલાડાંના બૅબેસિયા : આ રોગ દુનિયાના ઘણા પ્રદેશોમાં જોવામાં આવે છે.

1. બૅબેસિયા કેનિસ : આ પરોપજીવીઓ એશિયા, આફ્રિકા, યુરોપ, અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં પાલતુ કૂતરાંઓમાં જોવા મળે છે. આ ઉપરાંત વરુ, તરસ, શિયાળ, લાકડી વગેરે પણ આ રોગથી પીડાય છે. આકારે તેઓ મોટા કદના જામફળ જેવાં, કદમાં 4થી 5 માઇક્રૉન લંબાઈનાં હોય છે. કેટલાક પરોપજીવીઓ વીંટી તેમજ અમીબા આકારમાં પણ જોવા મળે છે. રોગસંચાર રિપિસિફેલસ સેન્ગ્વિનિયસ, ડર્મેસેન્ટર રેટિક્યુલેટસ જાતિની ઇતરડીના અંડાશય મારફત થાય છે. તેઓ મંદ તેમજ તીવ્ર પ્રકારનો રોગ પેદા કરે છે. રોગ-સંક્રમણકાળ 10થી 21 દિવસનો હોય છે. જાનવરને 40° સે.થી 42° સે. જેટલો તાવ આવે છે. ત્યારપછી રક્તક્ષીણતા, કમળો, ખોરાકની અરુચિ, વારે વારે પાણી પીવું, નબળાઈ વગેરે ચિહ્નો દેખાય છે. આ ઉપરાંત રક્તપીટિકામય વિકાર તેમજ જળોદર પણ થાય છે. કમળાને કારણે જાનવરનું મૃત્યુ થાય છે.

સારવાર માટે ટ્રિપૅન બ્લૂ, ફિનામીડિન અને પાયરેવાનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇતરડીનું નિયંત્રણ કરવાથી આ રોગને ફેલાતો અટકાવી શકાય છે.

(2) બૅબેસિયા ગિસોનાઇ : આ પ્રજીવો ભારત, શ્રીલંકા, તુર્કસ્તાન અને ઉ. આફ્રિકામાં પાળેલાં કૂતરાંઓમાં જોવા મળે છે. વરુ અને શિયાળમાં પણ આ પ્રજીવો જોવામાં આવ્યા છે. આ બૅબેસિયા કદમાં નાના, વલય, અંડ કે વીંટી જેવા આકારના હોય છે. રોગસંચાર હિમોફાઇસેલિસ બિસ્પિનોઝા અને રિપિસિફેલસ સેન્ગ્વિનિયસ જાતિની ઇતરડી દ્વારા થાય છે. આ બૅબેસિયા દીર્ઘકાલિક રોગ પેદા કરે છે. પેલ્યુડ્રિન તેના માટે અસરકારક ઔષધ છે.

(3) બૅબેસિયા ફેલિસ : આ સૂક્ષ્મ જીવ સુદાન અને દક્ષિણ આફ્રિકામાં બિલાડીમાં જોવા મળે છે. વળી તેઓ જંગલી બિલાડી અને સિંહ (સુદાન) તેમજ ભારતમાં દીપડામાં જોવા મળ્યા છે. આ સજીવો નાના કદનાં, ગોળ અથવા અંડાકાર હોય છે. રોગનાં લક્ષણોમાં રક્તક્ષીણતા અને કમળાનાં ચિહ્નો મુખ્ય છે. તેની સારવાર માટે ટ્રિપૅન બ્લૂ અને એપાક્રીન યોગ્ય છે.

મરઘાંના બૅબેસિયા : મરઘાંમાં બે જાતિના બૅબેસિયા જોવા મળે છે : ઇજિપ્સિયેનેલ્લા પુલોરમ, અને ઇ. મૉસ્કોવસ્કી. તેઓ અન્ય બૅબેસિયાને મળતા આવે છે, પરંતુ તેઓ રક્તકણોમાં ચાર, સોળ અથવા તેથી વધારે પુષ્ટબીજાણુ ઉત્પન્ન કરે છે.

(1) ઇજિપ્સિયેનેલ્લા પુલોરમ : ભારત, સુદાન, આફ્રિકા, અગ્નિ એશિયા, અગ્નિ યુરોપ અને રશિયામાં મરઘાં, હંસ, બતક અને ટર્કી મરઘાંમાં આ રોગ થાય છે. પ્રાયોગિક રીતે તેનો સંચાર કબૂતર, હોલા અને બટેરમાં પણ થાય છે. શરૂઆતની અવસ્થામાં 0.5 માઇક્રૉન કદના, ગોળ અથવા અંડાકારના હોય છે. પૂર્ણ વિકસિત અવસ્થામાં તેઓ જામફળ આકારનાં બને છે, જેનું કદ 2 થી 2.5 માઇક્રૉન,  3 થી 4 માઇક્રૉન જેટલું હોય છે. રોગનો પ્રસાર આર્ગસ પરસિકસ નામના જૂઆ મારફત થાય છે. રોગ તીવ્ર, ઉપતીવ્ર અને દીર્ઘકાલિક પ્રકારનો થાય છે. રોગનો સંક્રમણકાળ 10થી 15 દિવસનો હોય છે. પક્ષીમાં તાવ, અતિસાર, ખોરાકની અરુચિ અને કમળા જેવાં લક્ષણો જોવા મળે છે. સારવાર માટે ઇકથાર્ગન 1% દ્રાવણમાં નિલાન્તક્ષેપ આપવાથી ખૂબ જ અસરકારક માલૂમ પડ્યું છે. આ રોગના નિયંત્રણ માટે પક્ષીઘરની તિરાડોમાં ભરાઈ રહેલા જૂઆ – આર્ગસ પરસિકસનો નાશ કરવો જરૂરી હોય છે.

3. થાઇલેરિયૉસિસ : આ રોગ પણ બીજાણુજ વર્ગ હિમોસ્પોરિડિયા શ્રેણી અને થાઇલેરિડી કુળના થાઇલેરિયા નામના પ્રજીવોથી થાય છે. આ પ્રજીવો ગોળાકાર, અંડાકાર અથવા અલ્પવિરામ કે સળિયા જેવા આકારના હોય છે. અમુક અમીબા જેવા આકારના પણ હોય છે. તેમના મુખ્ય યજમાન ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં હોય છે. તેઓ લસિકાકણ, શ્વેતકોષો તેમજ રક્તકણોમાં રહે છે અને ત્યાં જ વૃદ્ધિ અને ગુણન પામે છે.

થાઇલેરિયા ઍન્યુલાટા, થાઇલેરિયા પાવો અને થાઇલેરિયા મુટાન્સ પ્રજીવો ગાય અને ભેંસમાં પરોપજીવી જીવન પસાર કરે છે.

આ પ્રજીવોનો પ્રસાર ઇતરડીની એક અવસ્થાથી બીજી અવસ્થામાં રૂપાંતરણ દરમિયાન થાય છે. ઇતરડીની લાળગ્રંથિમાં અનેકકોષી સૂત્ર-બીજાણુ હોય છે. ઇતરડીના લોહી ચૂસવા સાથે તેઓ યજમાનના શરીરમાં દાખલ થાય છે અને લસિકાતંત્રમાં થઈને લસિકાગ્રંથિ તથા બરોળની લસિકા ઉતીમાં દાખલ થાય છે અને વિભાજનથી મહાબીજાણુખંડોમાં ગુણન પામે છે. મોટી સંખ્યામાં લસિકાકણોમાં પરોપજીવી દાખલ ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. ત્યારબાદ તેઓ વિભાજનથી લઘુબીજાણુખંડમાં રૂપાંતર પામે છે અને યજમાનના રક્તકણોમાં પ્રવેશે છે. ત્યાં તેઓ ‘કોચ બ્લૂ બૉડી’ તરીકે ઓળખાય છે.

આ પ્રજીવોને લીધે પશુઓ તીવ્ર પ્રકારના રોગથી પીડાય છે. માંદા જાનવરને 40° સે.થી 42° સે. જેટલો તાવ આવે છે. જાનવર શોષાતું જાય છે. આંખ અને નાકમાંથી પ્રવાહી વહે છે, શરીરની સપાટી પરની લસિકાગ્રંથિઓ મોટી થઈ જાય છે, શરીર એકદમ નબળું થઈ જાય છે અને રક્તકણોનો પણ નાશ થાય છે. તીવ્ર રોગમાં જાનવરને લાલ રંગનો પેશાબ થાય છે. રોગમાંથી મુક્ત થયેલાં જાનવરોમાં મર્યાદિત પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે; પરંતુ આ જાનવરોમાં વાસ કરતા થાઇલેરિયાના પ્રજીવો અન્ય પશુઓમાં પ્રવેશી શકે છે.

સારવાર માટે એક્રિફ્લેવિન – નિલાંતક્ષેપથી, બેરેનિલ અને ક્લૉરોક્વીન ફૉસ્ફેટ સાથે જેન્ટામાઇસિન ક્લોર –ટેટ્રાસાઇક્લિન અને બ્યૂટોલેક્સ દવાનો ઉપયોગ કરવામાં આવે છે.

ભારતમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ પરિષદની રોગ-સંશોધન પ્રયોગશાળા દ્વારા આ રોગ સામે પ્રતિકારક રસી તૈયાર કરવામાં આવી છે; જેનો ઉપયોગ ભારત ઉપરાંત રશિયા, ઇઝરાયલ અને અલ્જીરિયામાં પણ થઈ રહ્યો છે.

ઇતરડીનું નિયંત્રણ કરવાથી તેમજ રસી આપવાથી રોગને કાબૂમાં લઈ શકાય છે.

થાઇલેરિયા પાર્વા : આ પ્રજીવો વડે થતા રોગને ‘ઇસ્ટકોસ્ટ ફીવર’ કહે છે. તે પૂર્વ, મધ્ય અને દક્ષિણ આફ્રિકામાં ઢોરો તેમજ પૂર્વ આફ્રિકામાં ભેંસોમાં સામાન્ય છે. પરિણામે મોટી સંખ્યામાં જાનવરોનાં મૃત્યુ થાય છે. આ રોગ સામેની પ્રતિકારક શક્તિ ખૂંધવાળાં દેશી ઢોર કુદરતી રીતે જ ધરાવે છે.

રોગનાં લક્ષણો, નિદાન, સારવાર અને નિયંત્રણ થાઇલેરિયા એન્યુલાટા પ્રમાણે હોય છે.

થાઇલેરિયા મુટાન્સ : આ પ્રજીવો આફ્રિકા, એશિયા, ઑસ્ટ્રેલિયા અને રશિયાનાં ઢોરોમાં જોવા મળે છે. તેઓ સૌમ્ય પ્રકારનો રોગ કરે છે અને તેમના કારણે જાનવરોનું મૃત્યુ ભાગ્યે જ થાય છે.

ઘેટાં અને બકરાંમાં થાઇલેરિયા હીર્સાઇ અને થાઇલેરિયા ઓવિસ પ્રજીવો વાસ કરતા હોય છે.

તેમનો વિકાસ, રોગજન્યતા, નિદાન, સારવાર અને નિયંત્રણ અન્ય પ્રાણીઓમાં થતા થાઇલેરિયૉસિસના રોગ પ્રમાણે હોય છે. થાઇલેરિયા હીર્સાઇ ઇસ્ટ કોસ્ટ ફીવરને મળતો રોગ પેદા કરે છે; જ્યારે થાઇલેરિયા ઓવિસ સૌમ્ય પ્રકારનો રોગ પેદા કરે છે.

4. ટ્રિપૅનોસોમિયાસિસ : આ રોગ માટે કારણભૂત ટ્રિપૅનોસોમા પ્રજીવનો સમાવેશ અધિવર્ગ કશાધારી (mastigophora) વર્ગ, ઝૂમૅસ્ટિગોફોરિયા શ્રેણી, પ્રોટોમૉનૅડિડાના ટ્રિપૅનોસોમેટિડે કુળમાં થાય છે. તેઓ લાંબા અને અગ્ર છેડે અણીદાર હોય છે. અને એક સુવિકસિત તરંગિત કલા (undulating membrane) ધરાવે છે. તેના અગ્ર છેડેથી એક કશા નીકળે છે; મચ્છર, ઘોડામાખ (horse fly) કે તબેલામાખ જેવા લોહીચૂસક કીટકો કરડવાથી તેઓ પશુઓના શરીરમાં પ્રવેશે છે.

ભારતમાં મળતા ટ્રિપૅનોસોમા ઇવેન્સાઇ, ટ્રિપૅનેસોમા ઇક્વિપર્ડમ, ટ્રિપૅનોસોમા થાયાલેરાઇ અને ટ્રિપૅનોસોમા લેવિસાઇ પશુરોગ ઉપજાવવા માટે જાણીતા છે.

ગાય, ભેંસ, ઊંટ, ઘોડા, ગધેડાં તેમજ કૂતરાંમાં (surra – ઝેરબાદ, ચકરી) આ પ્રજીવો વાસ કરતા હોય છે. વાઘ ઉપરાંત કચ્છ પ્રદેશમાં વાસ કરતા ઘુડખરમાં પણ તેઓ જોવા મળ્યા છે.

આ રોગ ચોમાસાની ઋતુની શરૂઆત થયા બાદ એટલે કે જુલાઈથી નવેમ્બર માસ સુધી દેખાય છે અને તેનો પ્રસાર લોહીચૂસક કીટકોના કરડવાથી થાય છે.

રોગનાં લક્ષણો : આ પ્રજીવજન્ય રોગ ગાય અને ભેંસોમાં દીર્ઘકાલિક અથવા તો મંદ (જીર્ણ)  પ્રકારનો હોઈ શકે છે. તીવ્ર પ્રકારના રોગમાં રોગની શરૂઆતમાં કોઈ પણ જાતનાં ચિહ્નો જોવામાં આવતાં નથી. જાનવરને આંતરિયો તાવ આવે છે, જે ઘણી વખત 42° સે. સુધી પહોંચે છે. જાનવરના શ્વાસોચ્છવાસની ગતિ તથા નાડીના ધબકારા વધે છે. નાક, આંખ અને મોંમાંથી પ્રવાહી ઝરે છે. આંખો લાલ થઈ જાય છે અને તેમાં ચીપડા બાઝે છે. પગો જકડાવાના પરિણામે જાનવર બરાબર ચાલી શકતું નથી. રોગની અંતિમ અવસ્થામાં જાનવરને ચકરી આવે છે, નીચે પડી જાય છે અને છેવટે તેનું મૃત્યુ થાય છે.

ઘોડા અને ગધેડામાં આ રોગ થતાં તેનું શરીર ક્ષીણ થતું જાય છે, શરીરના જુદા જુદા ભાગો ઉપર સોજા આવી જાય છે. ડોક અને પેટની બાજુના ભાગમાં શીળસ જેવાં ચાઠાં થાય છે. કેટલીક વખત આંતરિયો તાવ આવે છે. અતિ તીવ્ર રોગમાં ખાસ ચિહ્નો જણાતાં નથી, પરંતુ જાનવર મૃત્યુ પામે છે.

કૂતરાને આ રોગમાં શરીર પર સોજા આવે છે, આંખમાં ઝાંખપ આવે છે અને હૈડિયામાં શોથ થવાથી કૂતરો હડકાયા કૂતરા જેવો અવાજ કાઢે છે, અને બેથી ચાર અઠવાડિયાંમાં મરણ પામે છે. ઊંટમાં આ રોગ દીર્ઘકાલીન અવસ્થાનો હોય છે અને જાનવરનું શરીર ક્રમે ક્રમે ક્ષીણ થતું જાય છે. રોગ લગભગ ત્રણ વરસના ગાળા સુધી રહે છે. હાથીમાં રોગનાં લક્ષણો ઊંટમાં થતા રોગને મળતાં આવે છે.

જાનવરોનું લોહી તપાસીને તેમજ પ્રયોગશાળામાં ઉંદર, સસલાં વગેરે પ્રાણીઓના શરીરમાં રોગિષ્ઠ જાનવરનું લોહી દાખલ કરીને નિદાન કરી શકાય છે.

સારવાર માટે સુરામિન, એન્ટ્રિસાઇડ પ્રોસોલ્ટ, બેરેનિલ, સામોરિન, એન્ટ્રિપોલ વગેરે ઔષધો ઉપયોગી નીવડે છે.

રોગવાહક માખીઓનો ઉપદ્રવ ઓછો કરીને આ રોગને કાબૂમાં રાખી શકાય. ચોમાસાની ઋતુ શરૂ થતા પહેલાં જાનવરોને સામોરિન અથવા તો એન્ટ્રિસાઇડ પ્રોસોલ્ટ જેવાં ઔષધોનાં ઇંજેક્શન આપવાથી આ રોગ થતો અટકાવી શકાય છે.

ટ્રિપૅનોસોમા ઇક્વિપર્ડમ : આ પ્રજીવ ટ્રિપૅનોસોમ આકારમાં ટ્રિપૅનોસોમા ઇવેન્સાઇને મળતા આવે છે. ઘોડામાં મૈથુનથી થતા ડુરીન નામના રોગમાં તેઓ કારણભૂત છે. જાનવરનાં પ્રજનન-અંગોમાં તેઓ જોવા મળે છે. ગધેડામાં પણ આ રોગ થાય છે, પરંતુ તેનાં લક્ષણો દેખાતાં નથી. આ રોગ જુદી જુદી ત્રણ અવસ્થામાં જોવા મળે છે :

પ્રથમ અવસ્થામાં પ્રાણીને શોથ થાય છે અને શરૂઆતમાં યોનિ અને મૂત્રમાર્ગમાંથી સ્રાવ થાય છે. થોડો તાવ આવે છે. પ્રજનન-અવયવોમાં પણ શોથ થાય છે. ઘોડાનાં શિશ્નાગ્રચ્છદ અને વૃષણ તેમજ પેટ તથા છાતી સૂજી જાય છે. ઘોડીમાં યોનિની શ્લેષ્મકલાથી રક્તાધિક્ય થાય છે અને લાલ રંગનાં ચાંદાં પડે છે. રોગની તીવ્ર અવસ્થામાં જાનવર વારંવાર પેશાબ કરે છે અને ઘોડીને ગર્ભ હોય તો તે પડી જાય છે.

દ્વિતીય અવસ્થામાં જાનવરને શીળસ નીકળે છે, અને ચામડી નીચે રૂપિયા આકારનાં ગોળ ચામઠાં પડે છે, જે 3થી 4 દિવસ સુધી રહે છે.

તૃતીય અવસ્થામાં જાનવરને લકવો થાય છે. તેમાં શરૂઆતમાં ચહેરો અને નાસિકાની માંસપેશીઓ ઉપર અસર થાય છે અને પછી ધીરે ધીરે શરીરના અન્ય ભાગો પર તે પ્રસરે છે અને આને પરિણામે જાનવર મરણ પામે છે.

ટ્રિપૅનોસોમા થાઇલેરાઇ : ઢોરોમાં થતા આ મોટા કદના ટ્રિપૅનોસોમની લંબાઈ 60થી 70 માઇક્રૉન જેટલી હોય છે. દીર્ધકાલીન રોગમાં 120 માઇક્રૉન જેટલી લંબાઈના પ્રજીવો પણ જોવા મળે છે. આ પ્રજીવોનો પશ્ચછેડો ખૂબ જ લાંબો હોય છે.

ટ્રિપૅનોસોમા થાઇલેરાઇનો ચક્રીય વિકાસ ટેબેનસ અને હિમેટોપોટા જાતિની ઘોડામાખના આંત્રના પશ્ચભાગમાં થાય છે અને અનુચક્રીય અવસ્થામાં ટ્રિપૅનોસોમ માખીના મળ સાથે બહાર આવે છે અને તેનો પ્રસાર સંગદોષ મારફત થાય છે.

સામાન્યપણે આ પ્રજીવો રોગજનક હોતા નથી.

ટ્રિપૅનોસોમા લેવિસાઈ : ઉંદરના લોહીમાં થતા આ ટ્રિપૅનોસોમ રોગજનક નથી અને તેનો પ્રસાર ચાંચડ મારફત થાય છે.

5. કૉક્સિડિયૉસિસ : આ રોગ કૉક્સિડિયા સમૂહના પ્રજીવોને લીધે થાય છે. તેના રોગજન્ય સૂક્ષ્મ જીવોનું વર્ગીકરણ વર્ગ, બીજાણુજ, ઉપવર્ગ ટેલોસ્પોરિડિયા, શ્રેણી કૉક્સિડિયા, કુળ આઇમેરિડી, પ્રજાતિ આઇમેરિયા અને આઇસોસ્પોરિયા તરીકે કરવામાં આવે છે.

આઇમેરિયા : આઇમેરિયાના યુગ્મક કોષ્ઠ(oocyst)માં યુગ્મજો (sporont) આવેલા છે. તેઓ જાનવરના મળ સાથે બહાર આવે છે. આ યુગ્મજો બાહ્ય પર્યાવરણનો પ્રતિકાર કરી શકે છે અને યોગ્ય હવામાનમાં તે પરિપક્વ યુગ્મક કોષ્ઠમાં ફેરવાઈ જાય છે.

યુગ્મક કોષ્ઠ(આકૃતિ 5) ગોળ, લંબગોળ, અંડાકાર અથવા નળાકાર હોય છે. બીજાણુગુણન થયેલા યુગ્મક કોષ્ઠમાં આઇમેરિયામાં 4 અને આઇસોસ્પોરામાં 2 બીજાણુ કોષ્ઠ (sporocysts) હોય છે. આ બીજાણુકોષ્ઠની અંદર સૂત્રબીજાણુ (sporozoites) હોય છે. (આઇમેરિયામાં 2 અને આઇસોસ્પોરામાં 4). યુગ્મક કોષ્ઠ જાનવરના મળ સાથે બહાર આવે છે.

બીજાણુગુણન થયેલા યુગ્મક કોષ્ઠો રોગજનક હોય છે અને યજમાનના શરીરમાં પ્રદૂષિત ખોરાક અથવા પાણી સાથે દાખલ થયા બાદ તેના સૂત્રબીજાણુઓ બહાર આવે છે, જે યજમાનનાં આંતરડાંમાં દાખલ થાય છે. ત્યાં તેમનો ખંડગુણનની પ્રક્રિયા (schizogony) દ્વારા અલિંગી અવસ્થામાં વિકાસ થતાં ઘર્ણક (schizont) ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા વિશિષ્ટ સમય સુધી ચાલુ રહે છે. છેવટે લિંગી પ્રક્રિયાના ભાગ રૂપે ખંડપ્રસુમાંથી સૂત્રબીજાણુઓ બહાર આવે છે અને તેઓ આંતરડાની અધિચ્છદ પેશીમાં દાખલ થાય છે. ત્યાં તેઓ વિકાસથી લઘુયુગ્મક-જનક (નરસ્વરૂપ) અને મહાયુગ્મક-જનક(માદાસ્વરૂપ)માં રૂપાંતર પામે છે. લઘુયુગ્મક-જનકમાંથી અનેક લઘુયુગ્મકો ઉત્પન્ન થતાં તેઓ મહાયુગ્મકનું ફલીકરણ કરે છે. પરિણામે યુગ્મકો ઉત્પન્ન થાય છે.

કૉક્સિડિયા રોગનો ચેપ મર્યાદિત કાળ પૂરતો હોય છે. તેમાં અનિશ્ચિત સમય સુધી અલિંગી પ્રકારનું પ્રજનન ચાલુ રહેતું નથી. કુદરતી અવસ્થામાં પ્રાણીને વારંવાર રોગસંચાર થતો હોય છે, જેને પરિણામે યજમાનના શરીરમાં પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થાય છે.

ઘેટાં અને બકરાંના કૉક્સિડિયા : આ બંને પ્રાણીઓમાં જાતજાતના કોક્સિડિયા જોવા મળે છે; જેવા કે, આઇમેરિયા આહસાટા, આઇ. આરખારી, આઇ. આરલોંગાઇ, આઇ. ક્રિસ્ટેનસેનાઈ, આઇ. ક્રેન્ડાલિસ, આઇ. ફૌરી, આઇ. ગિલરુથાઈ, આઇ. ગ્રેન્યુલોઝા, આઇ. હોક્સી, આઇ. ઇન્ટ્રિકાટા, આઇ. નિનાકોહલ્યાકિમોવી, આઇ. ઓવાઇના, આઇ. પેલિડા, આઇ. પાર્વા, આઇ. પન્કટાટા, વગેરે.

રોગનાં લક્ષણો : રોગી પશુને ભૂખરો અથવા લાલાશ પડતો અતિસાર થાય છે. આ ઉપરાંત પેટપીડા, રક્તક્ષીણતા, ખોરાકની અરુચિ, શરીરના વજનમાં ઘટાડો વગેરે સામાન્ય લક્ષણો હોય છે. મૃત્યુપ્રમાણ 10% જેટલું હોય છે. રોગનાં લક્ષણો જોઈ, મળપરીક્ષણ કરી યોગ્ય નિદાન પછી સલ્ફોનિમાઇડ અને નાઇટ્રોફ્યુરાગ્ઝોન દવા આપીને સારવાર કરવામાં આવે છે.

ગાય અને ભેંસોનો કૉક્સિડિયા : દુનિયાના દરેક દેશમાં આ રોગ જોવા મળે છે. નાનાં વાછરડાં અને પાડાંમાં તે વધારે ખરાબ અસર કરે છે. નીચે દર્શાવેલ જાતિ ખૂબ જ સામાન્ય છે : આઇમેરિયા અલાબામેન્સિસ, આઇ. ઓબરનેન્સિસ, આઇ. બૉમ્બેયાન્સિસ, આઇ. બોવિસ, આઇ. બુકીડનોનેન્સિસ, આઇ. કૅનેડેન્સિસ, આઇ. સિલિન્ડ્રિકા, આઇ. એલિપ્સોઇડાલિસ, આઇ. મુંદરગી, આઇ. પેલિટા, આઇ. સબસ્ફેસિકા, આઇ. વાયોમિન્જેન્સિસ, આઇ. જુર્નાઇ.

રોગજન્યતા : આઇ. જુર્નાઇ અને આઇ. બોવિસ મુખ્ય રોગજનક ગણાય છે. કોઈક વખત આઇ. ઓબરનેન્સિસ પણ રોગનાં લક્ષણો ઉત્પન્ન કરે છે. સામાન્ય રીતે 3થી 6 માસની ઉંમરનાં જાનવરોને લાક્ષણિક રોગ થાય છે. મોટા સમૂહમાં નાનાં જાનવરોને રાખવામાં આવે તો ત્યાં મોટા પ્રમાણમાં રોગ ફાટી નીકળવાની શક્યતા છે. મોટી ઉંમરમાં જાનવરો રોગપ્રતિકારક શક્તિ ધરાવતાં હોય છે, છતાં તેઓ હંમેશાં રોગ-સંગ્રાહક તરીકે રહે છે તેથી બીજાં સાજાં જાનવરોમાં તેઓ આ રોગ ફેલાવે છે.

નિદાન : રોગિષ્ઠ જાનવરના મળ-પરીક્ષણથી, યુગ્મકકોષ્ઠની ભાળ મળે છે. સારવાર માટે સલ્ફામેઝાથિન (સલ્ફામેથાઝિન), સલ્ફાગ્વાનિડિન, સલ્ફાક્વિનોક્સેલિન અને સલ્ફામેરાઝિન, પ્થાલાઇલ, સલ્ફાથાયાઝોલ, નાઇકાર્બાઝિન અને નાઇટ્રોફ્યુરાઝોન, ડાઇએમાઇડો ડાઇફીનાઇલ સલ્ફોન, મેપાક્રિન હાઇડ્રોક્લૉરાઇડ, અમ્પ્રીલિયમ અને ઝોઆલિન દવાનો ઉપયોગ કરવામાં આવે છે.

ડુક્કરના કૉક્સિડિયા : ડુક્કરમાં કૉક્સિડિયાનો હળવા પ્રકારનો રોગ થાય છે. લાક્ષણિક રોગ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. નીચે દર્શાવેલ જાતિ સામાન્ય છે : આઇમેરિયા ડેબ્લિકી, આઇ. પરમાઇન્યુટા, આઇ. પોલિટા, આઇ. સ્કેબ્રા, આઇ. સ્ક્રૉફી, આઇ. સ્પાઇનોઝા, આઇસોસ્પોરા સુઇસ, આઇ. આલ્માટેન્સિસ.

આઇમેરિયા ડેબ્લિકી, આઇ. સ્ક્રેબ્રા અને આઇ. સુઇસ રોગજનક છે. રોગજન્યતા, નિદાન અને ઉપચાર અન્ય પ્રાણીઓમાં થતા કૉક્સિડિયૉસિસ પ્રમાણે હોય છે.

કૂતરાં અને બિલાડાંના કૉક્સિડિયા : આવાં જાનવરોમાં આઇમેરિયા કેનિસ, આઇમેરિયા ફેલિના આઇ. કેટાઇ, આઇસોસ્પોરા બાઇજેમિના. આઇ. રિવોલ્ટા અને આઇ. ફેલિસ પ્રકારના રોગજન્ય પ્રજીવોનો સમાવેશ થાય છે.

આ કૉક્સિડિયા ખાસ રોગજનક નથી. મોટી સંખ્યામાં કૂતરાં-બિલાડાંઓને ઉછેરવામાં આવે છે ત્યારે આ રોગ ફાટી નીકળતો હોય છે.

આ રોગમાં સારવાર માટે મેપાક્રિન, ઓરિયોમાઇસિન, નાઇટ્રોફ્યુરિઝોન તેમજ સલ્ફામેઝાથિન અને સલ્ફાથાયાઝોલનું મિશ્રણ આપવામાં આવે છે.

આ ઉપરાંત સસલાં, ગિનીપિગ, હંસ, બતક તેમજ અનેક પશુ-પક્ષીઓમાં કૉક્સિડિયાની જુદી જુદી જાતિઓ પરોપજીવી જીવન પસાર કરતી હોય છે.

મરઘાંઓમાં થતા કૉક્સિડિયા : આઇ. એસરવુલિના, આઇ. બ્રુનેટાઇ, આઇ. હેગનાઈ, આઇ. મેક્સિમા, આઇ. મિવાટી, આઇ. મીટિસ, આઇ. નિકેટ્રિક્સ, આઇ. પ્રિકોક્સ, આઇ. ટેનેલા.

ક્રિપ્ટોસ્પોરિડિયમ ટાઇઝરાઇ અને વેનિયોનેલ્લા ગેલિની મરઘાંના શરીરમાં જોવા મળે છે.

મરઘાંઓમાં આઇ. ટેનેલા અને આઇ. નિકેટ્રિક્સ બંને ખૂબ જ અગત્યના અને રોગજનક પરોપજીવો છે. જ્યારે બાકીની જાતિના કૉક્સિડિયા ફક્ત મિશ્ર રોગસંચારમાં જ હાનિકર છે. પ્રથમ દર્શાવેલ બે જાતિ દ્વારા જ પક્ષીનું મૃત્યુ થાય છે. દુનિયાના ઘણા પ્રદેશોમાં કૉક્સિડિયાસિસ રોગને કારણે મરઘા-ઉદ્યોગમાં ખૂબ જ આર્થિક નુકસાન થાય છે.

જુદી જુદી જાતિના કૉક્સિડિયા મરઘાંના આંતરડાંના અધિચ્છદના ખાસ ભાગ પર જ જોવા મળે છે; જેમ કે, આઇ. ટેનેલા છે તે અંધાન્ત્રમાં વિકસે છે અને અંધાન્ત્રના કોક્સિડિયૉસિસનો રોગ પેદા કરે છે. ઊછરતાં પીલાં(બચ્ચાં)ઓમાં આ એક ખૂબ જ વ્યાપક રોગ છે. ચાર અઠવાડિયાંની ઉંમરનાં પક્ષીઓ તેમાં વધારે ગ્રહણક્ષમ હોય છે. રોગનાં લક્ષણોમાં, પક્ષીની ડોક એક બાજુ ઢળી પડે છે, તે ખોરાક લેવાનું બંધ કરે છે અને 96 કલાક પછી તેની ચરકમાં લોહી પડે છે; તે પછી પાંચમા કે છઠ્ઠા દિવસે તો મળમાં ફક્ત લોહી જ આવે છે અને આઠમે કે નવમે દિવસે કાં તો પક્ષીનું મૃત્યુ થાય છે અથવા તો ધીરે ધીરે તેની તબિયત પાછી સુધરતી જાય છે.

આઇ. ટેનેલા પછી આઇ. નિકેટ્રિકસ મરઘાંના સૌથી વધારે રોગજનક કૉક્સિડિયા ગણાય છે, અને મોટી ઉંમરનાં પક્ષીઓમાં દીર્ઘકાલિક રોગ પેદા કરે છે. આ પરોપજીવી મરઘાંના અન્નમાર્ગના વચલા ભાગમાં દેખાય છે. તીવ્ર અવસ્થામાં પાંચમા કે છઠ્ઠા દિવસે અધ:શ્લેષ્મકલામાં રક્તસ્રાવ થાય છે. અતિ રક્તસ્રાવમાં અંધાન્ત્ર પણ લોહીથી ભરાઈ જાય છે.

આ રોગનું નિદાન રોગિષ્ઠ પક્ષીના મળ-પરીક્ષણથી, તેની શવચ્છેદન પરીક્ષાથી થઈ શકે છે. મરઘાં-ઉછેરમાં આ એક અગત્યનો રોગ હોવાથી તેની સારવાર માટે અનેક ઔષધો ઉપલબ્ધ છે. આ રોગનું નિદાન થાય કે તુરત જ રોગહર સારવાર શરૂ કરવી તે અગત્યનું છે.

સારવાર માટે સલ્ફાડિમિડિન (સલ્ફાડાઇમિથાઇલ પિરિમિડિન, સલ્ફામેઝાથિન), સલ્ફાગ્વાનિડિન, સલ્ફાક્વિનૉક્સેલિન, એમ્પ્રોલિયમ, નાઇટ્રોફ્યુરાઝોન (ફ્યુરાસિન, ફ્યુરાઝોલ), ફ્યુરાઝોલિકોન (બાયફ્યુરાન), નાઇકાર્બાઝિન, યુનિટેસ્ટ, નાઇટ્રોફિનાઇડ, ટ્રાઇથાયાઝોલ, પૉલિસ્ટેટ, ગ્લાયસેમાઇડ, પાઇરિમિથામિન જેવી દવાઓ ઉપયોગમાં લેવાય છે.

ઓરિયોમાઇસિન ક્લૉરોમ્ફેનિકોલ, એરિથ્રોમાઇસિન, સ્પાઇરોમાઇસિન, ટેરામાઇસન વગેરે પ્રતિજૈવિક ઔષધોના ગ્રહણથી આઇ. ટેનેલાનો રોગસંચાર અટકાવી શકાય છે.

જુદાં જુદાં ઔષધો ખોરાક અથવા પાણી સાથે ભેળવીને આપવામાં આવે છે. લાંબા સમય સુધી આ ઔષધોનો ઉપયોગ કરવાથી આ ઔષધો સામે પ્રતિરોધ-શક્તિ ધરાવતા પ્રભેદો ઉત્પન્ન થવાની શક્યતા રહે છે.

રોગનિવારણ માટે લાંબા સમય સુધી પીવાના પાણી અને ખોરાક સાથે કૉક્સિડિયા-સ્તંભક ઔષધો આપવાં જરૂરી છે. આમાં ખોરાક સાથે ખાસ કરીને એમ્પ્રોલિયમ 0.0125%ના પ્રમાણમાં, નાઇટ્રોફ્યુરાઝોન 0.005% થી 0.01%ના, નાઇકાર્બાઝિન 0.0125%ના, સલ્ફાક્વિનૉક્સેલિન 0.0125%ના અથવા તો ઝોઆલિન 0.0125%ના પ્રમાણમાં વપરાય છે.

આ ઉપરાંત  કૉક્સિડિયાના રોગ સામે પ્રતિકારક-શક્તિ ઉત્પન્ન કરતી રસી પણ ઉપલબ્ધ છે.

6. ટ્રાઇકોમોનિયાસિસ : આ રોગ માટે ટ્રાઇકોમોનાસ તેમજ ટ્રાઇટ્રાઇકોમોનાસ નામના કશાધારી પ્રજીવો કારણભૂત છે. તેમનું વર્ગીકરણ અધિવર્ગ કશાધારી, વર્ગ ઝૂમેસ્ટિગો ફોરિયા, શ્રેણી ઝૂમેસ્ટિજિના પૉલિમૅસ્ટિજિડી સમૂહના ટ્રાઇકોમોનાડિડી કુળમાં થાય છે.

આ પ્રજીવોના શરીર પર ત્રણથી છ જેટલી કશા હોય છે; જેમાંથી એક કશા શરીરના પશ્ચ ભાગમાં લટકતી રહે છે. શરીરમાં એક કે બે કોષકેન્દ્રો હોય છે. પ્રજનન અલિંગી પ્રકારનું (દ્વિભાજનવાળું) હોય છે. અમુક સજીવો કોષ્ઠ (cyst) ઉત્પન્ન કરે છે. જોકે પ્રાણીઓના અન્નમાર્ગમાં જોવા મળતાં મોટા ભાગનાં સજીવો રોગજનક હોતાં નથી. આ રોગજનક સજીવો મુખ્યત્વે ટ્રાઇકોમોનાસ અને ટ્રાઇટ્રાઇકોમોનાસ, જિયાર્ડિયા અને હેક્ઝામિટા પ્રજાતિનાં હોય છે.

તેનો આકાર જામફળ જેવો, લંબાઈ 10 થી 25 માઇક્રૉન અને પહોળાઈ 3 થી 15 માઇક્રૉન જેટલી હોય છે. શરીરના અગ્રભાગમાંથી ત્રણ કશા નીકળે છે, જ્યારે ચોથી કશા તરંગિત કલા ઉપર થઈને શરીરના પશ્ર્ચ ભાગ તરફ આગળ વધીને છેડેથી લટકતી રહે છે. આ રોગનો પ્રસાર સમાગમ તેમજ કૃત્રિમ બીજદાનથી થાય છે. આ રોગની અસર હેઠળ માદામાં ગર્ભધારણ બાદ 1થી 17 અઠવાડિયાં દરમિયાન ગર્ભપાત થાય છે. આ સમયે ગર્ભ નાનો હોવાથી ગર્ભપાતની માહિતી ઢોરના માલિકને પણ ન હોય એવું બને છે. ગર્ભપાત થયા બાદ જો ઓર બરાબર બહાર નીકળી ગઈ હોય તો સામાન્ય રીતે જાનવર આપોઆપ સાજાં થઈ જાય છે; પરંતુ જો ઓરનો થોડો પણ ભાગ ગર્ભાશયમાં રહી જાય તો જાનવરના ગર્ભાશયમાં સોજો આવે છે અને પરુ જેવું પ્રવાહી ભરાઈ જાય છે, જે કાયમી વંધ્યત્વનું કારણ બને છે.

કેટલીક વખત તો ગર્ભપાત થવાને બદલે ગર્ભાશયમાં જ ગર્ભ મરી જાય છે અને તે પોચો બને છે. પરિણામે ગર્ભાશયમાં પરુ એકઠું થાય છે, જે યોનિમાંથી બહાર પડે છે.

સાંઢને મુખ્યત્વે શિશ્નાગ્રચ્છદ ગુહામાં રોગસંચાર થાય છે. શુક્રપિંડ, અધિવૃષણ (epididymis) અને શુક્રાશય(seminal vesicle)માં પણ ચેપ લાગે છે. એક વાર ચેપ લાગ્યા બાદ સાંઢ સાજા થતા નથી અને કાયમ માટે ચેપી રહે છે અને ગાયોમાં પણ રોગ ફેલાવે છે.

યોનિસ્રાવ અને ગર્ભસ્રાવમાં પ્રજીવોનું નિરીક્ષણ કરવાથી રોગ-નિદાન થઈ શકે છે. માદાની યોનિ અને સાંઢના શિશ્નાગ્રચ્છદમાં આ પ્રજીવો દેખાય છે. ગર્ભપાત થતાં બહાર આવેલ ગર્ભનાં આવરણોના પ્રવાહીમાં આ સૂક્ષ્મ જીવોને સહેલાઈથી નિહાળી શકાય છે.

ગર્ભપાત થયા બાદ ગાયોને ફક્ત વિયાજણનો આરામ આપવામાં આવે છે. ચેપી સાંઢની સારવાર મુશ્કેલ હોય છે. પરદેશોમાં તો આવા સાંઢનો નાશ કરવામાં આવે છે; જ્યારે ભારત દેશમાં ખસી કરીને તેનો ઉપયોગ બળદ તરીકે થાય છે.

સારા સાંઢનું વીર્ય વાપરીને કૃત્રિમ વીર્યદાનની પદ્ધતિ અપનાવવી; રખડુ, બાંગરા સાંઢનો ઉપયોગ થતો અટકાવવો અને જે ગાય કે સાંઢને ચેપ લાગ્યો હોય તેનો ઉપયોગ સંવર્ધન માટે ન કરવો – એ ગાય-સાંઢની રોગમુક્ત તંદુરસ્ત ઓલાદ માટે જરૂરી છે.

ટ્રાઇકોમોનાસ ગેલિની : આ સૂક્ષ્મ જીવો પક્ષીઓના અન્નમાર્ગ વાટે રોગનો સંચાર કરે છે. કબૂતર, મરઘાં, ટર્કી, બાજ વગેરે પક્ષીઓમાં આ રોગ જોવા મળે છે. બચ્ચાંમાં રોગસંચાર મોટાં પક્ષીઓ દ્વારા ચણ ખવરાવતી વખતે થાય છે.

આ રોગની અસર હેઠળ પક્ષી શિથિલ થઈ જાય છે; પીંછાં અસ્તવ્યસ્ત બને છે, શરીર નબળું પડી જાય છે, મુખગુહા અને અન્નાશયની અંદર પનીર જેવું લીલું પ્રવાહી એકઠું થઈને ચાંચમાંથી બહાર આવે છે.

મુખગુહાનુ પ્રવાહી તપાસવાથી, રોગ થયાની માહિતી મળે છે.

2–એમાઇનો 5–નાઇટ્રોથાયાઝોલ અને ફ્યુરાઝોલિકોન જેવાં ઔષધો વડે આ રોગનો સામનો કરવામાં આવે છે.

ટ્રાઇકોમોનાસ ગેલિનેરમ નામનું ઔષધ મરઘાં અને ટર્કીમાં યકૃત અને આંત્રનો કોપ કરે છે.

7. હિસ્ટોમોનિયાસિસ : આ રોગ માટે જવાબદાર પ્રજીવો હિસ્ટોમોનિયાસ તરીકે જાણીતા છે. વર્ગીકરણની ર્દષ્ટિએ તેમનો સમાવેશ અધિવર્ગ કશાધારી, વર્ગ ઝૂમૅસ્ટિગોફોરિયા, શ્રેણી ઝૂમૅસ્ટિજીના હ્રાઇઝોમૅસ્ટિજિડી કુળમાં કરવામાં આવે છે.

હિસ્ટોમોના મિલિયાગ્રિડિસ : તેઓ વિવિધરૂપી હોય છે. આંતરડાંના ખોરાકમાં મળતાં આ સજીવો અમીબા આકારનાં હોય છે. તેનું કદ 5 થી 30 માઇક્રૉન વ્યાસ જેટલું હોય છે. તેને આશચિ પ્રકારનું કોષકેન્દ્ર હોય છે અને તેને એક કશા હોય છે. ઉત્તિમાં આ સજીવો એકલા અથવા સમૂહમાં જોવા મળે છે.

આ રોગનો પ્રસાર પક્ષીઓના અંધાન્ત્રમાં દેખાતા હેટરેકિસ ગેલિનેરમ ગોળકૃમિનાં ઈંડાં મારફત થાય છે. રોગની તીવ્ર અસરવાળા પક્ષીના મળ સાથે બહાર આવેલા આ ગોળકૃમિને બીજાં પક્ષીઓ જો તુરત જ ખાય તો તેમને પણ આ રોગ થાય છે.

તેઓ કૃમિના ડિમ્ભના શરીરમાંથી બહાર આવ્યા બાદ આ પક્ષીના અંધાન્ત્રના અધિચ્છદમાં દાખલ થાય છે; જ્યાં તેમનું ગુણન થાય છે. પરિણામે શરૂઆતમાં અધિચ્છદ ઉપર ટાંકણીની અણી જેટલાં નાનાં ચાંદાં થાય છે, જે મોટાં થઈને સંપૂર્ણ અંધાન્ત્ર પર પ્રસરે છે. રક્તવાહિનીઓ દ્વારા આ પ્રજીવો યકૃતમાં પહોંચે છે. 3 થી 12 અઠવાડિયાંની ઉંમરનાં પીલાંઓ આનાથી તીવ્રપણે પીડાય છે અને 50% થી 100% જેટલાં મૃત્યુ પામે છે. આ રોગને કારણે માથાની કલગી અને ઝાલર ભૂરાશ રંગનાં થઈ જાય છે તેથી આ રોગને કાળું મસ્તક (black head) કહે છે.

મળનો રંગ ગંધક જેવો પીળા રંગનો હોય છે. શવચ્છેદન-પરીક્ષણ કરીને પણ રોગનું નિદાન થઈ શકે છે.

આ રોગની સારવાર માટે 2–એમાઇનો–5–નાઇટ્રોથાયાઝોલ (એન્ટ્રામિન, એન. હિપેટિન–ટી), 2–એસિટાઇલએમાઇનો–5–નાઇટ્રોથાયાઝોલ (એન્ટ્રામિન–એ, એન. હિપેટિન–એ) તેમજ નાઇથાયાઝાઇડ, ફ્યુરાઝોલિડિન, ડાયમેટ્રિડાઝોલ જેવાં ઔષધો વપરાય છે.

કૃમિનાશક ઔષધો વાપરવાથી તેમજ પક્ષીઘરમાં સ્વચ્છતા જાળવવાથી આ રોગને નિયંત્રણમાં લાવી શકાય છે.

8. બેલેન્ટિડિયૉસિસ : આ રોગ માટે કારણભૂત પ્રજીવોનું વર્ગીકરણ વર્ગ કશાધારી (ciliata), શ્રેણી ટ્રાઇકોસ્ટોટિના બેલેન્ટાઇડી કુળ તરીકે કરવામાં આવે છે. શાસ્ત્રીય નામ : બૅલેન્ડિયમ કોલાઈ. કેશતંતુ વડે પ્રચલન કરતાં આ પ્રાણીઓનાં શરીરમાં બૃહત્કોષકેન્દ્ર અને લઘુકોષકેન્દ્ર એમ બે કોષકેન્દ્રો આવેલાં હોય છે.

બેલેન્ટિડિયમ કોલાઈ : આ પ્રજીવો ભૂંડમાં ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે. તદુપરાંત તે વાનરમાં અને ક્યારેક અન્ય ઢોરોમાં પણ પરોપજીવી જીવન પસાર કરે છે.

તેઓ ગોળ અથવા અંડાકાર હોય છે. લંબાઈ 50 થી 60 માઇક્રૉન જેટલી. કોઈક વખત 150 માઇક્રૉન જેટલા લાંબા પ્રજીવો પણ જોવા મળે છે. શરીરની સપાટી આયામ પંક્તિમાં ગોઠવાયેલા કેશતંતુઓથી છવાયેલી હોય છે. બૃહત્કોષકેન્દ્ર મૂત્રપિંડ આકારનું હોય છે અને તેના ખાંચામાં લઘુકોષકેન્દ્ર આવેલું હોય છે. શરીરના પશ્ચ ભાગમાં એક તથા મધ્ય ભાગમાં એક – બે સંકોચક રસધાની તે ધરાવે છે. કોષરસમાં અન્ન ધાનીઓ (food vacuoles) હોય છે.

ભૂંડમાં આ પ્રજીવો સામાન્ય રીતે નિરુપદ્રવી જીવન પસાર કરે છે. આમ છતાં કોઈ વખત મરડા સાથે અતિ ઘાતક રોગ પણ ઉત્પન્ન કરે છે. વાગોળતાં ઢોરોમાં તે હાનિકર્તા નથી; છતાં વધારે પડતા ચેપમાં પાચનક્રિયામાં તે ગરબડ ઊભી કરે છે. રોગનાં લક્ષણો જોઈને – રોગીનો મળ તપાસીને યોગ્ય નિદાન થઈ શકે છે.

ભૂંડની સારવારમાં ટેટ્રાસાઇક્લિન અસરકારક હોય છે.

આ રોગના નિયંત્રણ માટે જાનવર કે માણસના મળથી પાણી પ્રદૂષિત ન થાય અને પ્રદૂષિત પાણી પીવામાં ન આવે તેની કાળજી રાખવી જરૂરી છે.

લક્ષ્મણ કથીરિયા

ભરત લા. આવસત્થી