પ્રચાર : સમગ્ર સમાજ કે તેના કોઈ વિભાગ પર માનસિક તેમજ બૌદ્ધિક નિયંત્રણ પ્રસ્થાપિત કરવા માટેનું સાધન. તેના દ્વારા પ્રતીકોના હેતુપૂર્વક સુવ્યવસ્થિત ઉપયોગ વડે લોકોનાં મનોવલણો, વિચારો અને મૂલ્યોનું નિયંત્રણ કરીને નિર્ધારિત લક્ષ્ય(target)ને પૂર્વનિશ્ચિત દિશામાં વાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેની વિશેષતા એ છે કે તેનાથી અસર પામતી વ્યક્તિ કે સમૂહમાં વિરોધની લાગણી ઉપજાવ્યા વિના તેના દ્વારા નિર્ધારિત લક્ષ્ય પર કાબૂ મેળવી શકાય છે. જનમતને પાળવા કે વાળવા તથા કોઈ વિશેષ કાર્યમાર્ગની સાથે જોડવાનો પ્રચાર એ સંગઠિત ઉપાય છે. લોકશાહીમાં જ્યાં વ્યક્તિગત મતસ્વાતંત્ર્યની અને લોકમતની અગત્ય સ્વીકારાય છે ત્યાં પણ જનમત કેળવવાની દિશામાં પ્રચારનું સાધન આગવું મહત્વ ધરાવે છે. આકાશવાણી કે દૂરદર્શન જેવાં અદ્યતન સંચાર-માધ્યમો તથા વર્તમાનપત્રો જેવાં પ્રસાર-માધ્યમો ઉપરાંત સંદેશાવ્યવહારનાં અદ્યતન માધ્યમોને કારણે પ્રચારનું કાર્ય વધુ ને વધુ વિસ્તૃત અને શક્તિશાળી બનતું જાય છે. લોકશાહી ઉપરાંત અન્ય પ્રકારની શાસનવ્યવસ્થામાં પણ મુખ્યત્વે પ્રચાર વડે જ લોકોનાં મનોવલણો અને વિચારો પર પ્રભાવ પાડવામાં આવે છે. પ્રચાર કરનાર વ્યક્તિ, જૂથ કે પક્ષ પોતાનું ધ્યેય હાંસલ કરવા માટે વિવિધ યુક્તિઓ કે પ્રયુક્તિઓ અજમાવે છે. પ્રચારકના આવા પ્રયાસો પાછળ વ્યક્ત કે અવ્યક્ત પ્રકારની કોઈક પ્રેરણા કામ કરતી હોય છે.
પ્રચાર માટે અંગ્રેજી શબ્દ ‘પ્રૉપગૅન્ડા’ લૅટિન ભાષાના ‘પ્રૉપગરે’ શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ વિસ્તારવું, વધારવું, ફેલાવવું, પ્રસારવું કે ઉત્પન્ન કરવું એવો થાય છે. રોમન કૅથલિક ધર્મગુરુઓ ધર્મપરિવર્તન કરાવવા માટે આ શબ્દનો ઉપયોગ કરતા. નેપોલિયન, હિટલર અને મુસોલીની જેવા શાસકોએ રાજકીય હેતુ માટે તેનો ઉપયોગ કર્યો હતો. વીસમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમના મોટાભાગના દેશોએ જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં પ્રચારનો ઉપયોગ કરવા માંડ્યો છે અને તેમાં રાજકારણ, વાણિજ્ય અને વ્યાપાર, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક – આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. છેલ્લા બે દાયકા (1980–1999) દરમિયાન તો કળા, વિજ્ઞાન અને રમતગમતનું ક્ષેત્ર પણ તેની અસરમાંથી વંચિત રહેલું નથી.
જનસમુદાયની બહુમતી ઉપર પ્રભાવ પાડવા માટે ધાકધમકી, આક્રમણ, હિંસા કે લાંચ-લાલચ કરતાં પ્રચાર એ સસ્તું અને ઓછી તકલીફો ઊભી કરનારું સાધન છે. પ્રચારની પદ્ધતિ મહદ્અંશે અહિંસક, શાંતિપૂર્ણ અને સમજાવટની હોય છે; બળજબરી કે જોરજુલમની નહિ. આ તેનું ઊજળું પાસું ગણાય.
પ્રચારની પાછળ વિવિધ હેતુઓ હોઈ શકે છે : (1) માહિતી આપવી, (2) માહિતી રોકવી, (3) ચર્ચાને પ્રોત્સાહન આપવું, (4) ચર્ચા રોકવા માટે લોકોને અગાઉથી તૈયાર કરેલાં (ફલિત) વિધાનો આપી દેવાં, (5) જૂનું મનોવલણ છોડાવવું, (6) નવું મનોવલણ વિકસાવવું, (7) ક્રિયા ઉત્તેજવી અને (8) ક્રિયાને રોકવી વગેરે.
પ્રચાર પ્રગટ કે છૂપો હોઈ શકે. ખુલ્લા પ્રચારમાં પ્રચાર કરનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ-સરનામું જાહેર કરવામાં આવે છે; જ્યારે છૂપા પ્રચારમાં પ્રચારક અંગેની વિગતો ગોપનીય રાખવામાં આવે છે અથવા બનાવટી કે ખોટા નામે તેનું પ્રસારણ કરવામાં આવે છે. યુદ્ધના સમયમાં પ્રચારના શ્વેત અને શ્યામ એવા ભેદ પાડવામાં આવે છે. યુદ્ધમાં પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરનાર, પીછેહઠ કરનાર કે પરાજયને આરે ઊભો રહેનાર પક્ષ પણ લોકોનું મનોબળ ટકાવી રાખવા માટે તદ્દન ઊંધા પ્રચારનો સહારો લેતો હોય છે.
અસરકારક પ્રચારનાં તત્વોમાં (1) અભિપ્રેરણો, કામનાઓ, જરૂરિયાતો કે ચિંતાઓનું બુનિયાદી રૂપમાં હોવું; (2) શક્ય તેટલાં વધુ અભિપ્રેરણોનો ઉપયોગ; (3) પ્રચારનું લક્ષ્ય હોય તેવા સમુદાયની માન્યતાઓ, મનોવલણો, ધોરણો, મૂલ્ય અને સ્થાયી ભાવોનો આદર, (4) જે તે સમુદાયના સભ્યોનાં વયજૂથ, બુદ્ધિ અને શિક્ષણના સ્તરને અનુરૂપ પ્રચારનું આયોજન; (5) પ્રચારનું ઉદભવસ્થાનનું સંગોપન (6) પ્રચારનું વારંવાર પુનરાવર્તન, અને (7) પ્રચાર પ્રત્યેની પ્રચારકની પ્રતિબદ્ધતા – આ બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
પ્રચાર અને કેળવણી વચ્ચે ઘણી બાબતોમાં સામ્ય હોવા છતાં તેમની વચ્ચે કેટલીક બાબતોમાં તફાવત પણ જોવા મળે છે : (1) પ્રચારનું ધ્યેય માત્ર માહિતી આપવાનું હોય છે, જ્યારે કેળવણીનું ધ્યેય માહિતી આપવા સાથે જે તે માહિતીનું મૂલ્યાંકન કરવા માટેની વિવેકર્દષ્ટિ કેળવવાનું છે. (2) પ્રચારમાં એકતરફી માહિતી અપાય છે, જ્યારે કેળવણીમાં તટસ્થ અને વિવિધ ર્દષ્ટિકોણથી માહિતી અપાતી હોય છે. (3) કેળવણીની પ્રક્રિયા સ્વૈચ્છિક હોય છે, જ્યારે પ્રચારમાં અમુક અંશે બળજબરીનો અંશ હોય છે.
કુશળ પ્રચારક પ્રચારનું સ્થળ, તેનું લક્ષ્ય, તેનો સમય, તેના સંજોગો અને તેનાં માધ્યમો – આ બધાંની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરતો હોય છે. શ્રોતાઓ કે પ્રેક્ષકોના આવેગો અને પ્રેરણાઓને ઉત્તેજન અને સંતોષ મળે એ રીતે સંદેશો રજૂ કરવાથી તેમનાં મનોવલણોને ધારેલી દિશા તરફ વાળી શકાય છે.
અમેરિકાની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પ્રૉપગૅન્ડા એનાલિસિસે પ્રચારની કેટલીક કામયાબ યુક્તિઓનો નિર્દેશ કર્યો છે : (1) પોતાના પક્ષની તરફેણમાં અને વિપક્ષની વિરુદ્ધ જતી હકીકતો અને દલીલો જ રજૂ કરવી. (2) સામા પક્ષ પર સતત પ્રહાર કરતા રહેવું. (3) માહિતીની અતિશયોક્તિ કે વિકૃતિ કરવી. (4) લોકોની બહુમતી પોતાની તરફેણમાં જ છે એવો દાવો સતત કરતા રહેવું. (5) લોકપ્રિય અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓનું સમર્થન જાહેર કરાવવું. (6) સૂત્રો દ્વારા નાટકીય શૈલીમાં રજૂઆત કરવી. (7) ભારપૂર્વકનું સતત પુનરાવર્તન કરતા રહેવું.
ઈ. પૂ. 500ના અરસામાં પ્લેટો અને ઍરિસ્ટૉટલનાં લખાણોમાં પ્રચાર અને વિરોધી પ્રચારના ખ્યાલો રજૂ કરવામાં આવ્યા હતા. ઈ. સ. 400ના અરસામાં ભારતમાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ રાજ્યવહીવટ અને યુદ્ધના સંદર્ભમાં પ્રચારનો મહિમા વર્ણવેલ છે. એ જ અરસામાં ચીનમાં સન ત્ઝુ નામના લેખકે યુદ્ધમાં પ્રચારની વાત કરી છે. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠોમાં વિદ્યાર્થીઓને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તૈયાર કરવામાં આવતા હતા. એક વ્યવસ્થિત તંત્ર તરીકે ‘પ્રચાર’ શબ્દનો પ્રથમ ઉપયોગ 1633માં ચર્ચના પાદરીઓ દ્વારા થયો હતો. બે વિશ્વયુદ્ધો (1914–18 અને 1939–45) દરમિયાન અને પછી શીતયુદ્ધ દરમિયાન બંને પક્ષો અને તેમના ટેકેદારોએ પોતપોતાના સ્વાર્થ સિદ્ધ કરવા બહોળો પ્રચાર કર્યો હતો. હવે વાણિજ્યના ક્ષેત્રે મહત્તમ નફો મેળવવાનો હેતુ સંતોષવા માટે જાહેરખબરો દ્વારા મોટા પાયા પર પ્રચારનો સહારો લેવાઈ રહ્યો છે.
શાંતિલાલ છ. કાનાવાલા
હર્ષિદા દવે