પ્રચંડ તારક (giant star) : મુખ્ય ક્રમ (main sequence) તારક કરતાં વધુ મોટો અને વધુ જ્યોતિ (luminosity) ધરાવતો તારક. મુખ્ય-ક્રમ તારક સૂર્ય જેવો સામાન્ય તારક છે. પૃથ્વી ઉપરથી દેખાતા 90% તારકો મુખ્યક્રમ તારક છે. આ તારકો મધ્યમ કદના છે. પ્રચંડ તારકના મુકાબલે મુખ્યક્રમ તારક વામન લાગે છે. પ્રચંડ તારકમાં હાઇડ્રોજનનું દહન થઈને તેનું હીલિયમમાં રૂપાન્તર થતું હોય છે.

પ્રચંડ તારકને બે ભાગમાં વિચારી શકાય છે : (1) અંતર્ભાગ (core) અને (2) બાહ્ય ભાગ. પ્રચંડ તારકના અંતર્ભાગના બધા જ હાઇડ્રોજનનું દહન થઈ ગયેલું હોય છે; પણ તેના બાહ્યભાગમાં રહેલા હાઇડ્રોજનનું દહન ચાલુ હોય છે, જેને લીધે ઊર્જા પેદા થતી હોય છે. આ સમયે અંતર્ભાગમાં હીલિયમનું દહન થઈ કાર્બનમાં રૂપાન્તર થતું હોય છે.

સ્વાતિ (Arcturus) પ્રચંડ તારક છે. તે લાલ દીપ્તિ – લાલ પ્રકાશ ધરાવે છે. તેનો અર્થ એ થાય છે કે તેનું તાપમાન નીચું છે. લાલ તારકમાં વાયુ નીચા દબાણે પ્રવર્તે છે. આથી તેનું ઘનત્વ સૂર્યમાં રહેલા વાયુની ઘનતા કરતાં પણ ઓછું હોય છે.

આર્દ્રા (Belelgeuse) જેવો અતિ પ્રચંડ તારક લાલ પ્રકાશે ઝળહળે છે. તેનું તાપમાન નીચું છે. અતિ પ્રચંડ તારકમાં વાયુના અણુઓ દૂર દૂર વીખરાયેલા હોય છે. આથી આવા વાયુની ઘનતા ઘણી ઓછી હોય છે. માણસ શ્વાસમાં જે હવા લે છે તેના કરતાં પણ ઓછી ઘનતા આ તારકનો વાયુ ધરાવે છે.

હંસપુચ્છ (Deneb) જેવો પ્રચંડ તારક વાદળી છે, એટલે કે તેનું તાપમાન ઊંચું છે.

હરગોવિંદ બે. પટેલ