પ્રક્ષેપાસ્ત્ર (ballistic missile) : ઇચ્છિત સ્થળ ઉપર મોકલવા પ્રાક્ષેપિકીય ગતિપથ(ballistic trajectory)ને અનુસરે તેવા વેગ સાથે પોતાની જાતે માર્ગ શોધીને આગળ ધકેલાય તેવું સક્ષમ વાહન. કયા સ્થળેથી તેમનું ઉડ્ડયન શરૂ થાય છે અને ક્યાં તેનો અંત આવે છે તેના સંદર્ભે દૂરથી નિયંત્રિત (guided) થતા પ્રક્ષેપાસ્ત્રને ચાર વિભાગમાં વહેંચી શકાય છે : (1) ભૂમિ ઉપરથી ભૂમિ ઉપર, (2) ભૂમિ ઉપરથી હવામાં, (3) હવામાંથી હવામાં અને (4) હવામાંથી ભૂમિ પર.
આ પ્રક્ષેપાસ્ત્રનું ઉડ્ડયન બે તબક્કે થાય છે : પહેલા તબક્કામાં રૉકેટ-એન્જિન પ્રક્ષેપાસ્ત્રનો તેના માર્ગ ઉપર સ્ફોટ (blast) કરે છે અને નિર્ધારિત માર્ગ ઉપર અગાઉથી નક્કી કરેલી ઝડપ આપે છે. થોડાક સમય બાદ એન્જિન બંધ થઈ જાય છે. ત્યારબાદ પ્રક્ષેપાસ્ત્ર બીજા તબક્કામાં પ્રવેશે છે અને પછી તે લક્ષ્ય ઉપર પડે છે. ઉડ્ડયનના પ્રથમ તબક્કામાં જ પ્રક્ષેપાસ્ત્રને નિયંત્રિત કરવામાં આવે છે.
સામાન્ય રીતે પ્રક્ષેપાસ્ત્રને ઘણું લાંબું અંતર કાપવાનું હોય છે. માટે તેની અંદર વધારે પ્રમાણમાં નોદક (propellant) રાખવામાં આવે છે. આથી પ્રક્ષેપાસ્ત્રનું કદ વિશાળ હોય છે.
આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્ર (Inter Continental Ballistic Missile – ICBM) એક ખંડથી બીજા ખંડ સુધી જઈ શકે છે. ICBM હજારેક કિલોમીટર ઊંચે ચડ્યા પછી 5,300થી 13,000 કિમી. સુધી પ્રહાર કરી શકે છે. વચગાળાની અવધિ ધરાવતું પ્રક્ષેપાસ્ત્ર (Intermediate Range Ballistic Missile – IRBM) 2,700થી 5,500 કિમી. સુધી જઈ શકે છે. ICBM અને IRBMને સબમરીનમાંથી છોડવામાં આવે છે ત્યારે તેમને સબમરીન પ્રમોચિત પ્રક્ષેપાસ્ત્ર (Submarine Launched Ballistic Missile – SLBM) કહે છે. પ્રક્ષેપાસ્ત્રનો ત્રીજો પ્રકાર મધ્યમ-અંતરી પ્રક્ષેપાસ્ત્ર(Medium Range Ballistic Missile – MRBM)નો છે. તે ખાસ કરીને 160થી 640 કિમી. સુધી જઈ શકે છે. ન્યૂક્લિયર યુદ્ધ-અગ્ર સાથેનું ICBM લાખેકની વસ્તીવાળા શહેરનો નાશ કરી શકે છે; તેથી તે યુદ્ધની સમગ્ર વ્યૂહરચનાને હચમચાવી મૂકે છે. લશ્કરી વ્યૂહરચના ગોઠવવા માટે આવાં પ્રક્ષેપાસ્ત્રો મહત્વનાં પુરવાર થયેલાં છે. આથી તેમને વ્યૂહાત્મક પ્રક્ષેપાસ્ત્ર (strategic ballistic missile) કહે છે.
બિનપ્રાક્ષેપિકીય પ્રક્ષેપાસ્ત્ર (Non-Ballistic Missiles – NBM) : ઘણાંખરાં નિયંત્રિત પ્રક્ષેપાસ્ત્રો આ પ્રકારનાં હોય છે. એન્જિનમાંથી મળતી શક્તિને આધારે તે સમગ્ર પથ કાપે છે અને તે પણ તેમની નિયંત્રિત પ્રણાલીના નિયંત્રણ સાથે. યુદ્ધના મેદાન ઉપર તેમને વ્યૂહાત્મક જગાએ જેવી કે લડાકુ વિમાન, વહાણ, ટૅન્ક અને કેટલીક વખત બીજા પ્રક્ષેપણાસ્ત્ર (missile) ઉપર છોડવામાં આવે છે. કેટલાંક NBMને વ્યૂહાત્મક શસ્ત્ર તરીકે વાપરી શકાય છે; જેમ કે, સમુદ્રી પ્રક્ષેપણાસ્ત્ર (cruise missile). જેટની શક્તિથી ચાલતા પ્રક્ષેપણાસ્ત્ર તો રડારની નજર બહાર જઈ શકે તેટલી ઊંચાઈએ ગતિ કરે છે. NBMના મુખ્ય પ્રકારો નીચે પ્રમાણે છે :
ભૂમિ ઉપરથી ભૂમિ પર ફેંકાતું પ્રક્ષેપણાસ્ત્ર (Surface to Surface Missile – SSM) : જમીન ઉપર આવેલા લક્ષ્ય ઉપર જમીન ઉપરથી SSMને છોડવામાં આવે છે. SSM ઘણા પ્રકારનાં હોય છે. કેટલાંક તો ન્યૂક્લિયર શસ્ત્રો ધરાવતાં હોય છે. ICBM એ મોટામાં મોટું SSM છે. 640 કિમી. સુધી ગતિ કરતાં ટૂંકા અંતર માટેનાં SSM પૂરક તરીકે કામ લાગે છે. પ્રતિસબમરીન પ્રક્ષેપણાસ્ત્ર મહત્ત્વનું SSM છે. તે હવામાં ઊડીને દુશ્મનની સબમરીન હોય ત્યાં પાણીમાં ખાબકે છે. આ પ્રકારનું પ્રક્ષેપણાસ્ત્ર ભૂમિ, વહાણ કે સબમરીનમાંથી છોડી શકાય છે.
ભૂમિ ઉપરથી હવામાં ફેંકાતું પ્રક્ષેપણાસ્ત્ર (Surface to Air Missile – SAM) : SAM ભૂમિ અથવા વહાણમાંથી દુશ્મનના વિમાન તરફ તાકવામાં આવે છે. તે કદમાં નાનાં હોય છે. સૈનિક પોતાની સાથે રાખી તેનો ઉપયોગ કરી શકે છે.
આપણી તરફ ધસી આવતા પ્રક્ષેપણાસ્ત્રને તોડી પાડવા માટે જરૂરી પ્રક્ષેપણાસ્ત્રને પ્રતિપ્રક્ષેપણાસ્ત્ર (anti-missile) કહે છે. ખાસ પ્રકારના આ પ્રક્ષેપણાસ્ત્રને પ્રતિપ્રાક્ષેપિકીય પ્રક્ષેપણાસ્ત્ર (Anti-Ballistic Missile – ABM) કહે છે. દુશ્મનના પ્રક્ષેપાસ્ત્ર તરફ મોકલેલ ABM તેની નજીક જઈને વિસ્ફોટ પામે છે અને તે રીતે દુશ્મનના પ્રક્ષેપણાસ્ત્રનો નાશ કરે છે.
હવામાંથી હવામાં ફેંકાતું પ્રક્ષેપણાસ્ત્ર (Air to Air Missile – AAM) : AAMને ઍરક્રાફ્ટ અથવા હેલિકૉપ્ટરમાંથી દુશ્મનના ઍરક્રાફ્ટ તરફ છોડવામાં આવે છે. મોટેભાગે AAM નાના કદનાં અને લઘુ અંતરો માટેનાં હોય છે.
હવામાંથી ભૂમિ ઉપર ફેંકાતું પ્રક્ષેપણાસ્ત્ર (Air to Surface Missile – ASM) : ASMને ઍરક્રાફ્ટ અથવા હેલિકૉપ્ટરમાંથી જમીન ઉપર ચાલ્યા જતા ટૅંક જેવા વાહન ઉપર છોડવામાં આવે છે. સમુદ્રમાં જતા વહાણ ઉપર પણ તે ફેંકાય છે. કેટલાંક ASM સાથે રડારની વ્યવસ્થા હોય છે. તેને દૂરથી છોડી શકાય છે. ઍરક્રાફ્ટ પ્રમોચિત સમુદ્રી પ્રક્ષેપણાસ્ત્ર (Air Craft Launched Cruise Missile – ALCM) એ વિશિષ્ટ પ્રકારનું ASM છે.
નિયંત્રિત પ્રણાલીના પ્રકાર નીચે પ્રમાણે છે : (1) પૂર્વનિયત નિયંત્રણ-પ્રણાલી (Preset Guidance System – PGS) [આકૃતિ 1 (ક)]. પ્રક્ષેપણાસ્ત્રને પ્રમોચિત કર્યા પહેલાં તેના માર્ગને ચિત્રાંકિત (mapped) કરવામાં આવે છે. PGS પ્રક્ષેપાસ્ત્રને અનુલક્ષીને યોગ્ય ઝડપ તથા ઊંચાઈ સાથે લક્ષ્ય તરફ પહોંચવાની દિશા નિયત કરે છે. પ્રક્ષેપાસ્ત્રના માત્ર ઉડ્ડયન-તબક્કામાં જ આ પ્રણાલી કાર્યરત હોય છે.
(2) આદેશ-પ્રેરિત નિયંત્રણ-પ્રણાલી (Command Guidance System – CGS) : CGS વડે માણસ પ્રક્ષેપાસ્ત્રનું નિયંત્રણ કરી શકે છે. આકૃતિ – 1 (ખ)માં રેડિયો-તરંગથી નિયંત્રિત થતું પ્રક્ષેપાસ્ત્ર બતાવ્યું છે. અલગ રાખેલ રડાર પ્રક્ષેપણાસ્ત્રનો માર્ગ અને તેનું લક્ષ્ય નિયત કરે છે.
(3) કિરણપુંજ દ્વારા નિયંત્રિત-પ્રણાલી (Beam Riding Guidance System – BRGS) : BRGS ઇલેક્ટ્રૉનિક બીમ અને રડાર ધરાવે છે. પ્રક્ષેપણાસ્ત્રમાં રાખેલ સાધન-સામગ્રી પ્રક્ષેપાસ્ત્રને કિરણપુંજના માર્ગ ઉપર ગતિ કરાવે છે. જુઓ આકૃતિ 1 (ગ).
(4) લક્ષ્યસ્થાન-નિયંત્રણ પ્રણાલી (Homing Guidance System – HGS) : લક્ષ્યમાંથી છૂટતા વાયુ, વિકિરણ અથવા ઉષ્માના પથચિહ્નને HGS પારખી લે છે. HGS વડે નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્ર પથચિહ્નને અનુસરીને લક્ષ્ય સુધી જાય છે. જુઓ આકૃતિ 1 (ઘ).
યુદ્ધમાં વપરાતાં આવાં સાધનોનો ક્રમિક વિકાસ રસપ્રદ છે. તેરમી સદીમાં ચીન અનિયંત્રિત રૉકેટનો ઉપયોગ કરતું હતું. એશિયા અને યુરોપમાં આવા રૉકેટનો ઉપયોગ ચૌદમી સદીમાં શરૂ થયો. અઢારમી સદીના છેલ્લા દસકામાં હૈદરઅલીએ મૈસૂર વિગ્રહ દરમિયાન આવા પ્રક્ષેપણાસ્ત્રનો ઉપયોગ કરેલો. ઓગણીસમી સદીમાં બ્રિટિશ લશ્કરે વિસ્ફોટક પદાર્થ સાથેનું વિશિષ્ટ અનિયંત્રિત રૉકેટ તૈયાર કર્યું હતું. આ પ્રકારનાં પ્રક્ષેપણાસ્ત્રોનો ઉપયોગ એશિયા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના યુદ્ધમાં કરવામાં આવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–1919) દરમિયાન ફ્રાંસે દુશ્મનનાં બલૂનો તોડી પાડવા માટે આ પ્રકારનાં પ્રક્ષેપણાસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.
યુ.એસ.એ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પાઇલટ વિનાના વિમાનનો ઉપયોગ કર્યો હતો. તેમાં વિસ્ફોટક પદાર્થ હતો. આવું વિમાન પ્રક્ષેપણાસ્ત્ર જ ગણાય. 1924માં યુ.એસ.ના નૌકા-વિભાગે રેડિયો-તરંગથી નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્ર તૈયાર કર્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ (1939–1945) દરમિયાન જર્મનીએ પ્રથમ વાર નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્ર તૈયાર કર્યું. જર્મનોના લાંબા ગાળાના સંશોધન બાદ 1940ના દસકામાં V-1 અને V-2 – એમ બે પ્રકારનાં ખતરનાક અસ્ત્રો તૈયાર કર્યાં હતાં. આ અસ્ત્રોએ લંડન અને ઍન્ટવર્પમાં ભારે નુકસાન કર્યું હતું.
મિત્ર રાષ્ટ્રોએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્રનો મર્યાદિત ઉપયોગ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ બાદ આ ક્ષેત્રના જર્મન નિષ્ણાતો યુ.એસ. અને સોવિયેટ સંઘની સરકારો વતી કામ કરતા થયા. આ બંને રાષ્ટ્રો એકબીજાં સામે ભારે શંકાની નજરે જોતાં હતાં. આથી શક્તિશાળી પ્રક્ષેપાસ્ત્રો અને પ્રક્ષેપણાસ્ત્રો વિકસાવવા માટે ભારે સ્પર્ધા જામી. 1956–57માં આ બંને રાષ્ટ્રોએ ICBM તૈયાર કરી દીધાં. ફ્રાંસ અને યુ.કે. 1960માં આ સ્પર્ધામાં સામેલ થયા. પ્રક્ષેપણાસ્ત્ર-ક્ષેત્રે સર્વોપરિતા સ્થાપવા માટે યુ.એસ. અને સોવિયેટ સંઘ વચ્ચે 1960ના દસકામાં ઘણો સંઘર્ષ થયો. આ સમય દરમિયાન તેમણે SLM અને ABM વિકસાવ્યાં. આ દરમિયાન બંને રાષ્ટ્રોએ અવકાશ-સંશોધનને લગતા કાર્યક્રમોને ભારે વેગ આપ્યો. તે માટે ઉત્કૃષ્ટ પ્રકારનાં રૉકેટ-એન્જિન અને નિયંત્રણ-પ્રણાલીઓની જરૂર પડી. તેથી પ્રક્ષેપણાસ્ત્ર ક્ષેત્રે ઝડપી પ્રગતિ થઈ.
1960ના દસકામાં પ્રક્ષેપણાસ્ત્ર અને ન્યૂક્લિયર યુદ્ધઅગ્રનું ઉત્પાદન એટલું બધું વધી ગયું કે તેનાથી ભયનું જબરજસ્ત વાતાવરણ સર્જાયું. આ બધાં અસ્ત્રોની સંહારાત્મક શક્તિ વિશ્વની સમગ્ર વસ્તીનો નાશ કરવા માટે સક્ષમ છે. યુ.એસ. અને સોવિયેટ સંઘે ભયંકર અસ્ત્રોનું ઉત્પાદન અને સ્પર્ધા અટકાવવા SALT (Strategic Arms Limitation Talks) મંત્રણા શરૂ કરી. તે છતાં નવાં ને નવાં શસ્ત્રોનાં વિકાસ અને ઉત્પાદન પરમાણુ-સત્તા ધરાવતાં રાષ્ટ્રોમાં ચાલુ જ છે.
પ્રહલાદ છ. પટેલ