પ્રક્ષેપણાસ્ત્ર (missile) : દૂરથી નિયંત્રિત અથવા આપમેળે ચાલતું બાબ જેવું અંતર્નિહિત યંત્રણાથી નિયંત્રિત (guided) અસ્ત્ર. તેની અંદર કમ્પ્યૂટર સહિત અન્ય ખાસ સામગ્રી રાખેલી હોય છે જેના વડે તેનું દૂરથી નિયંત્રણ કરી શકાય છે. કેટલાંક પ્રક્ષેપણાસ્ત્ર એવાં હોય છે જે દુશ્મનના વિમાનનો અથવા આગળ ધપતા લક્ષ્યાંકનો પીછો કરીને તેનો નાશ કરે છે. કેટલાંક તો પાઇલટ વિના ભૂસ્થિત માણસના અંકુશ હેઠળ ઉડ્ડયન કરે છે. ઉપરાંત મોકલનારે નક્કી કરી હોય તેવી દિશામાં દૂર દૂર સુધી તે જાય છે.

આકૃતિ 1

ઘણાંખરાં પ્રક્ષેપણાસ્ત્ર દેખાવે રૉકેટ જેવાં હોય છે; કેટલાંકને વિમાન જેવી નાની જાડી પાંખો હોય છે, કેટલાંક રૉકેટ ધરાવે છે જેમાં એક કે બે વિસ્ફોટક વિભાગ હોય છે. આવા વિસ્ફોટક વિભાગને યુદ્ધ-અગ્ર (warhead) કહે છે. કેટલાંક પ્રક્ષેપણાસ્ત્રને રૉકેટની મોટરને બદલે જેટ-એન્જિનથી સજ્જ કરેલાં હોય છે. એન્જિન વિનાનાં કેટલાંકની પાંખ ઉપર બાબ ગોઠવેલો હોય છે. વિમાનમાંથી ફેંક્યા બાદ આ નિયંત્રિત બાબ તેના લક્ષ્ય ઉપર ઓચિંતો હુમલો કરે છે.

નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્ર વિવિધ કદનાં હોય છે. 1.2 મીટર લાંબું રૉકેટ યુદ્ધના મેદાનમાં ટૅન્ક ઉપર અથવા વિમાન ઉપર ફેંકી શકાય છે. 18 મીટર લાંબું પ્રક્ષેપણાસ્ત્ર પૃથ્વીની ફરતે તેના 13 પરિઘ જેટલું અંતર કાપી શકે છે. આવા પ્રક્ષેપણાસ્ત્ર ઉપર ન્યૂક્લિયર યુદ્ધઅગ્ર રાખીને ફેંકવામાં આવે તો આખાય શહેરને તારાજ કરી દે છે. ન્યૂક્લિયર પ્રક્ષેપણાસ્ત્રની પ્રચંડ સંહારક શક્તિને કારણે યુદ્ધ માટે તે ભયંકર અસ્ત્ર ગણાય છે. કેટલાક લોકોનું માનવું છે કે ન્યૂક્લિયર પ્રક્ષેપણાસ્ત્રની મોજૂદીનો ભય યુદ્ધ રોકવા માટે પર્યાપ્ત છે, કારણ કે કોઈ રાષ્ટ્ર પ્રક્ષેપણાસ્ત્ર ધરાવતા બીજા રાષ્ટ્ર ઉપર પોતાનું પ્રક્ષેપણાસ્ત્ર છોડી તેનો પોતાનો જ વિનાશ વહોરવાનું દુ:સાહસ કરે નહિ.

રાષ્ટ્રસંઘ માને છે કે યુ.એસ. અને તત્કાલીન સોવિયેટ સંઘે પોતાના રક્ષણ માટે જરૂર હોય તેના કરતાં ઘણાં વધારે ન્યૂક્લિયર પ્રક્ષેપણાસ્ત્રો તૈયાર કરીને પોતાના ઘરઆંગણે ખડકી દીધાં છે. આ રાષ્ટ્રોને એકબીજાનો ભય સતાવે છે. આથી આ રાષ્ટ્રો ન્યૂક્લિયર પ્રક્ષેપણાસ્ત્રોનું સતત ઉત્પાદન કરી રહ્યાં છે. પરિણામે યુદ્ધના સંજોગોમાં વધારો થતો રહે છે. આવો ભય ઓછો કરવા યુ.એસ. અને સોવિયેટ સંઘે શસ્ત્રોના નિયંત્રણ માટે કરાર તૈયાર કર્યો છે, જે પ્રક્ષેપણાસ્ત્રના ઉત્પાદનને મર્યાદિત બનાવવાનો ઇરાદો ધરાવે છે.

આજે યુ.એસ., રશિયા, ફ્રાંસ, યુ.કે. અને ચીન પાસે તાત્કાલિક છોડી શકાય તેવાં ઢગલાબંધ ન્યૂક્લિયર પ્રક્ષેપણાસ્ત્રો છે. ભારત પણ જુદી જુદી પ્રહારશક્તિ અને ક્ષમતાવાળાં નાગ, ત્રિશૂલ, પૃથ્વી, અગ્નિ જેવાં પ્રક્ષેપણાસ્ત્રો ધરાવે છે. પાકિસ્તાન પાસે પણ, આવાં પ્રક્ષેપણાસ્ત્રો છે. બિનન્યૂક્લિયર પ્રક્ષેપણાસ્ત્ર યુદ્ધનાં સક્ષમ અસ્ત્રો છે.

નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્રના ભાગ : પ્રક્ષેપણાસ્ત્રને રૉકેટ અથવા એન્જિન વડે શક્તિ પૂરી પાડવામાં આવે છે. તેમાં રાખેલ વિશિષ્ટ સામગ્રી પ્રક્ષેપણાસ્ત્રના લક્ષ્યનું નિયંત્રણ કરે છે. તેના મુખ્ય ત્રણ ભાગો નીચે પ્રમાણે છે : (1) યુદ્ધ-અગ્ર, (2) એન્જિન-કક્ષ અને (3) નિયંત્રણ તથા નિયંત્રણ-સામગ્રીવાળો કક્ષ.

યુદ્ધ-અગ્ર : તેમાં ટી.એન.ટી. (ટ્રાઇનાઇટ્રોટૉલ્યુઇન) જેવો ભારે વિસ્ફોટક રાસાયણિક પદાર્થ અથવા ન્યૂક્લિયર પ્રયુક્તિ (device) રાખવામાં આવે છે. વિસ્ફોટક યુદ્ધ-અગ્ર જુદી જુદી રીતે કાર્ય કરે છે. કેટલાંક યુદ્ધ-અગ્ર એવાં હોય છે જે લક્ષ્ય ઉપર ત્રાટકીને હવાના ભારે દબાણનો પ્રચંડ આઘાત-તરંગ (shock wave) પેદા કરે છે. કેટલાંક ત્રાટકતાની સાથે તેમાંથી ધાતુની મોટી કરચો બધી દિશામાં જોરથી ફેંકે છે. પ્રચંડ વેગથી ગતિ કરતી ધાતુની આવી કરચો લક્ષ્યને ભારે નુકસાન કરે છે. યુદ્ધ-અગ્રમાં કેટલીક વિસ્ફોટક પ્રયુક્તિઓ પણ હોય છે. જ્યારે યુદ્ધ-અગ્રનો વિસ્ફોટ થાય છે ત્યારે તે બધી દિશામાં વિખેરાય છે અને પ્રત્યેક લઘુ અંશ અલગ અલગ વિસ્ફોટ પામે છે.

ન્યૂક્લિયર યુદ્ધ-અગ્રમાં પરમાણુ અથવા હાઇડ્રોજન બાબ જેવી પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. કેટલાંક પ્રક્ષેપણાસ્ત્રમાં દસ દસ યુદ્ધ-અગ્ર હોય છે. લક્ષ્ય તરફ અર્ધે રસ્તે પહોંચ્યા પછી યુદ્ધ-અગ્ર છૂટાં પડવા લાગે છે અને તે રીતે પ્રત્યેક યુદ્ધ-અગ્ર લક્ષ્ય તરફ આગળ ધપે છે. આવા યુદ્ધ-અગ્રને ગુણક અને સ્વતંત્ર રીતે લક્ષ્ય તરફ લઈ જતાં પુન:પ્રવેશી વાહનો (Multiple Independently Targetable Reentry Vehicles – MITRV) કહે છે.

પ્રક્ષેપણાસ્ત્ર ખોટા સમયે વિસ્ફોટ પામે નહિ તે માટે, વિદ્યુત-પરિપથમાં વપરાય છે તેમ, ફ્યૂઝ(fuse)ની વ્યવસ્થા હોય છે. સૌપ્રથમ યુદ્ધ-અગ્રને તૈયાર કરવામાં આવે છે. પછીથી ઘોડો (trigger) દબાવતાં તે વિસ્ફોટ પામે છે. આ સ્થિતિમાં રહેલા યુદ્ધ-અગ્રને સાયુધ (armed) કહે છે. પ્રક્ષેપણાસ્ત્ર લક્ષ્ય નજીક પહોંચતાં આપોઆપ બધી કાર્યવાહી થાય છે.

એન્જિન : સામાન્યત: નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્રને રૉકેટ-એન્જિન શક્તિ પૂરી પાડે છે. રસાયણના દહનથી ઉત્પન્ન થતી શક્તિ વડે આવું એન્જિન કામ કરે છે. રસાયણના દહનથી વાયુ પેદા થાય છે, જે પ્રચંડ દબાણ ધરાવે છે. આવો અતિદાબિત વાયુ એન્જિનના પાછળના ભાગમાંથી છૂટે છે. તેવે સમયે ન્યૂટનના ત્રીજા નિયમ (આઘાત અને પ્રત્યાઘાત સરખા અને વિરુદ્ધ દિશામાં હોય છે) અનુસાર પ્રત્યાઘાત-બળ(reaction)થી એન્જિન અને પ્રક્ષેપણાસ્ત્ર આગળની દિશામાં ધકેલાય છે. રૉકેટ એન્જિનમાં જે રસાયણનું દહન થાય છે તેને નોદક (propellant) કહે છે. ઘણાંખરાં નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્રમાં ઘનરૂપ ઈંધણનો નોદક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બીજાં કેટલાંકમાં પ્રવાહી ઈંધણરૂપ નોદકનો ઉપયોગ થતો હોય છે.

આકૃતિ 2 : લડાકુ વિમાનો દ્વારા હવામાંથી હવામાં પ્રહાર કરી શકાય તેવું પ્રક્ષેપણાસ્ત્ર

રૉકેટ-નોદક બે પ્રકારનાં હોય છે : (1) ઈંધણ અને (2) ઉપચાયક (oxidiser). ઈંધણ દહનશીલ પદાર્થ પૂરો પાડે છે અને ઉપચાયક ઈંધણના દહન માટે જરૂરી ઑક્સિજન પૂરો પાડે છે. ઘન-નોદકમાં ઈંધણ અને ઉપચાયક બંને ઘન સ્વરૂપે હોય છે. બંનેને ભેગાં કરી મિશ્રણને સળગાવવામાં આવે છે ત્યારે બંને નોદક એક બને છે અને સળગવાનું ચાલુ રાખે છે.

જેટ-એન્જિન કેટલાંક નિયંત્રિત પ્રક્ષેપણાસ્ત્રને શક્તિ પૂરી પાડે છે. જેટ-એન્જિન રૉકેટની જેમ જ ઈંધણનો ઉપયોગ કરે છે, પણ જેટ તો હવામાંથી ઑક્સિજન મેળવે છે. એટલે જ્યાં હવાનો અભાવ હોય ત્યાં જેટ-એન્જિનથી સંચાલિત પ્રક્ષેપણાસ્ત્રનો ઉપયોગ થઈ શકતો નથી.

નિયંત્રણ અને નિયંત્રણ-પ્રણાલી : આ બંને વડે પ્રક્ષેપણાસ્ત્રનો નક્કી કરેલો પથ જળવાઈ રહે છે. નિયંત્રણ-પ્રણાલીમાં કમ્પ્યૂટર અને બીજાં ખાસ ઉપકરણો રાખેલાં હોય છે. આ સાધનો પ્રક્ષેપણાસ્ત્ર માટે નક્કી કરેલો પથ ‘યાદ’ રાખે છે. ત્યારબાદ તે નિયંત્રણ-પ્રણાલીને વિદ્યુતસંકેતોના સ્વરૂપે ‘સૂચનો’ આપીને નિર્ધારિત દિશામાં લઈ જાય છે. નિયંત્રણ-પ્રણાલીમાં મીનપક્ષ (fins), પાનાં (vanes) અને પાંખો(wings)નો સમાવેશ થાય છે. આ અને અન્ય પ્રયુક્તિઓ પ્રક્ષેપણાસ્ત્રને નિર્ધારિત દિશામાં લઈ જાય છે. પ્રક્ષેપણાસ્ત્રને આકૃતિ 1માં દર્શાવેલું છે.

પ્રમોચન-સામગ્રી : પ્રમોચન કરતી વખતે પ્રક્ષેપણાસ્ત્રને નિયંત્રણ કરવામાં આવે છે. કેટલાંક પ્રક્ષેપણાસ્ત્રોને નળી(tube)માંથી પ્રમોચિત કરવામાં આવે છે. કેટલાંક્ધો પ્રમોચકના પથ અથવા પાટા (rail) ઉપરથી છોડવામાં આવે છે. પ્રમોચન-સામગ્રીનું એક જ સ્થળે કાયમ માટે સ્થાપન કરેલું હોય છે. તેને પ્રક્ષેપણાસ્ત્ર-ભૂમિ (site) કહે છે. જમીનની સપાટી નીચે તૈયાર કરેલી ભૂમિ જ્યાં પ્રક્ષેપણાસ્ત્ર સંઘરવામાં આવે છે તેને ભોંયરું (silo) કહે છે.

યુદ્ધના મેદાનમાં પરિવાહક-ઉત્થાનક-પ્રમોચક (transporter-erector–launcher, TEL) તરીકે ઓળખાતી ટ્રકો પ્રક્ષેપણાસ્ત્રને ઇચ્છિત પ્રમોચન-સ્થાન ઉપર ખસેડે છે. ટ્રક ઉપરનાં ઉપકરણો પ્રક્ષેપણાસ્ત્રને સંદીપક સ્થિતિ(firing position)માં ઊંચું ઉઠાવે છે. વિમાનની પાંખ અથવા તેના અન્ય ભાગો ઉપર તેમજ વહાણ તથા સબમરીન ઉપર પણ ભાતભાતનાં પ્રમોચકોને ગોઠવવામાં આવે છે.

પ્રક્ષેપણાસ્ત્ર કેટલું દૂર જઈ શકે છે અને કેવા લક્ષ્ય ઉપર ત્રાટકે છે તે લક્ષમાં રાખીને તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેનો એક ખાસ પ્રકાર છે પ્રક્ષેપાસ્ત્ર (ballistic missile).

પ્રહલાદ છ. પટેલ